કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,

એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

 

વિષમ પરિસ્થિતિમાં પણ મનને સ્થિર રાખવું જોઈએ એ વાત નરસિંહ મહેતાના ઉદાહરણ પરથી કરી ત્યારે ઘણા બધાના મનમાં લાગ્યું હશે કે મહેતાજી તો પરમ કૃષ્ણ ભક્ત અને લગભગ આ દુનિયાની મોહમાયાથી પર હતા. કાંઇક આવો જ કિસ્સો મીરાબાઈનો પણ છે. એટલે આપણે દુન્વયી જળોજથા સાથે જીવતા માણસો જે સવારે જાગે છે ત્યારથી માંડીને રાત્રે સુવે ત્યાં સુધી આધિ, વ્યાધિ અને ઉપાધિ એવા ત્રિવિધ તાપમાં તપતા રહે છે એવા માણસ માટે આવી સ્થિતપ્રજ્ઞતા કેળવવી શક્ય છે ખરી?

બરાબર આજ પ્રશ્નનો સચોટ જવાબ આપે એવો દાખલો એકાએક સ્મરણમાં અંકુરિત થયો. દાખલો પણ જેવા તેવા વ્યક્તિનો નથી. જે વ્યક્તિ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તેનું નામ છે થોમસ આલ્વા એડિસન.  ૨૦૦૩ સુધી તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ ધરાવતા વ્યક્તિઓમાં સૌથી મોખરે હતું.

થોમસ આલ્વા એડિસને વિજળી બલ્બની શોધ કરી હતી સાથે સાથે મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઈલેક્ટ્રીક વોટ રેકોર્ડર વગેરે ઘણી બધી શોધો એમના નામે ચઢી છે. લોકોનાં ઘર ઝળહળતા કરનાર થોમસ આલ્વા એડિસન એક શોધકની સાથે સાથે ચાલાક બિઝનેસમેન પણ હતા. આ થોમસ એડિસનની જિંદગીમાં બનેલી ઘટના એમના દીકરા ચાર્લ્સ  દ્વારા ૧૯૬૧માં પ્રખ્યાત રીડર્સ ડાઈજેસ્ટમાં પ્રકાશિત કરવામાં આવી છે.

“The Obstacle is the way, the timeless art of turning tricks into trumps” પુસ્તકના લેખક રાયન હોલિડે નીચે મુજબ કહે છે.

"To do great things, we need to be able to endure tragedy and setbacks," Holiday rites. "We've got to love what we do and all that it entails, good and bad. We have to learn to find joy in every single thing that happens."

અર્થ થાય મોટી સિદ્ધિઓ મેળવવા માટે આપણે પછડાટ અને કરુણાંતિકાની નિરાશાઓને સહન કરીને ટકી રહેતાં શીખવું પડે છે. આપણે જે કામ કરી રહ્યા છીએ તેને ચાહવું  અને તેની સાથે જોડાયેલ સારી કે નરસી બધી જ વસ્તુઓનો સ્વીકાર કરતાં શીખવું પડે. આ દરમિયાન બનતી એકેએક ઘટનાઓમાંથી આનંદ મેળવતા પણ શીખવું પડે. મહાન થોમસ આલ્વા એડિસનના જીવનમાં પણ ૧૦મી ડિસેમ્બર ૧૯૧૪ના રોજ સાંજના બરાબર ૫.૩૦ વાગે આવી જ ઘટના ઘટી. વેસ્ટ ઓરેન્જ ન્યુજર્સી ખાતેનું એનું સંકુલ એક જોરદાર ધડાકાથી ધ્રુજી ઉઠ્યું. લગભગ અડધોઅડધ સંકુલમાં આવેલા આ વૈજ્ઞાનિક અને સંશોધકનાં ૧૦ જેટલાં બિલ્ડિંગ્સ આગની જવાળાઓમાં લપેટાઇ ગયાં ૬ થી ૮ ફાયરટીમ એમના લાયબંબાઓ સાથે ઘમધમાટ કરતાં અકસ્માતની જગ્યાએ દોડી આવી પણ ત્યાં સુધીમાં તો જાતજાતનાં  કેમિકલ્સને કારણે બિલ્ડિંગમાંથી ઊઠતી   ભયાનક આગની જ્વાળાઓ આકાશને આંબવા જાણે કે હોડ બકી રહી હતી. પોતાના પિતાની જિંદગીભરની મહેનત અને શોધખોળોને ભસ્મીભૂત થતી જોઈને દ્રવી ઉઠેલો એડિસનનો ૨૪ વર્ષનો દીકરો એકીટસે આ અગ્નિકાંડને જોઈ રહેલા એડિસન પાસે પહોંચ્યો. એડિસને લગભગ બાળક જેવા અવાજમાં એના દીકરાને કહ્યું, “જા તારી મા અને એના મિત્રોને લઇ આવ, તેમને જિંદગીમાં બીજીવાર આ પ્રકારની ભયંકર આગ જોવાનો મોકો નહીં મળે.”

પોતાના પિતાના વર્તનથી સહેજ નારાજ થઈને વાંધો લેતાં ચાર્લ્સને એડિસને કહ્યું, “કાઈ વાંધો નહીં. આ આગમાં બળી જવાને કારણે ઘણા બધા નકામા કચરાનો આપોઆપ નિકાલ થઈ ગયો છે. સાથે સાથે આપણી ભૂલોનો પણ.”

એ દિવસે સાંજે એડિસને ન્યુયોર્ક ટાઈમ્સને ઇન્ટરવ્યૂ આપતાં કહ્યું, “ભલે હું ૬૭ વર્ષની ઉંમર પસાર કરી ચુક્યો છું. આવતીકાલે ફરી એકવાર બધું નવેસરથી શરૂ કરીશ.” એણે રિપોર્ટરને કહ્યું કે “આગ લાગી ત્યારથી જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં આવી ત્યાં સુધી સતત ઘટના સ્થળે ઊભા રહેવાના કારણે હું થાકી ગયો છું.” આમ હોવા છતાં પણ એડીસન એના શબ્દોને વળગી રહ્યો. બીજા દિવસે ફરીથી કામ પર પાછો આવ્યો અને લગભગ ભસ્મીભૂત થઈ ગયેલ ફેક્ટરીને ફરી ઉભી કરવા માટે કામે લાગ્યા. તેણે પોતાના એક પણ કર્મચારીને છૂટા કર્યા નહીં.  

મજાની વાત તો એ હતી કે જ્યારે એણે આખાય નુકસાનીનો અંદાજ કાઢયો ત્યારે એ નુકસાન ૯૧૯૭૮૮ ડોલર જેટલું થઇ ગયું હતું જે આજની કિંમતે ૨.૩ અબજ ડોલર થાય.

મેથ્યુ જોસેફસને એડિસનની જે આત્મકથા લખી છે તે મુજબ આગને કારણે અત્યંત અમૂલ્ય એવા કેટલાય વરસોના રેકોર્ડસ, પ્રોટોટાઈપ નાશ પામ્યા હતા. એડિસન પાસે જે વીમો હતો તે તો આનું એક તૃતીયાંશ જેટલું  નુકસાન પૂરવા માટે સક્ષમ ન હતો. એનો મિત્ર હેનરી ફોર્ડ એડિસનની મદદે આવ્યો. એણે ખાસ્સી મોટી લોન તેને આપી. આ બધાને પરિણામે માત્ર ત્રણ અઠવાડિયામાં એડિસનની ફેકટરી ફરીથી ધમધમતી થઈ એટલું જ નહીં એના કર્મચારીઓએ બે શિફ્ટમાં કામ કર્યું અને ભૂતકાળમાં ક્યારેય નહોતું થયું એટલું ઉત્પાદન થવા માંડ્યુ. એડિસન અને તેની ટીમે ૧૯૧૮માં આ બધાને કારણે એક કરોડ ડોલરનો વિક્રમી નફો કર્યો. હોલીડે પોતાના પુસ્તકમાં એડિસનના આ વર્તનને પ્રાચીન ગ્રીક ફિલોસોફી પ્રમાણે “Stoicism”નો ઉત્તમ દાખલો ગણાવે છે. ગ્રીક સંસ્કૃતિમાં આ “Stoicis” એવા વ્યક્તિઓને માટે વપરાતો શબ્દ છે જે બીકને ડહાપણમાં, દર્દને બદલવાની પ્રક્રિયામાં, ભૂલોને નવસર્જનમાં અને નિરાશાને મક્કમ નિર્ધારમાં પલટાવી શકે. આપણે આ પ્રકારના વ્યક્તિત્વ માટે સ્થિતપ્રજ્ઞ એવો શબ્દ વાપરીએ છીએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા ટ્રેજેડીની ઘટના ઘટે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા એને સ્થિતપ્રજ્ઞની દ્રષ્ટિથી જોવાની અને ત્યારબાદ પેલા “Stoicis” ની માફક આપત્તિને અવસરમાં પલટાવવા બમણા જોરથી ગળે લાગવાની જરૂરિયાતનો નિર્દેશ કરે છે. એડિસને આ કર્યું.  

એને ૧૦ લાખ ડોલરનું નુકસાન થયું. માંડ ત્રીજા ભાગનો વીમો હતો. સંકટ સમયે એક સારા મિત્રની માફક વહારે જઈને હેન્રી ફોર્ડે ૭.૫ લાખ ડોલરની લોન આપી. આ ઉપરાંત અમેરિકાના પ્રેસિડન્ટ વુડ્રો વિલસન  અને જ્યોર્જ ઈસ્ટમેન જેવી પ્રતિભાઓ દ્વારા કટોકટીના સમયે એને પ્રોત્સાહન આપતા સંદેશા મળ્યા. પણ માણસની સાચી કદર તો એનો હરીફ કે કટ્ટર પ્રતિસ્પર્ધી જ્યારે તેના વખાણ કરે ત્યારે થાય છે. એના જેવો જ બીજો એક સંશોધક અને ધંધાદારી નિકોલા ટેસ્લા, જેના માનમાં ૧૯૬૦માં જનરલ કોન્ફરન્સ ઓન વેઇટસ એન્ડ મેઝર્સ દ્વારા મેગ્નેટિક ફ્લક્સ ડેન્સીટીના માપકને ટેસ્લા નામ આપવામાં આવ્યું. તે થોમસ એડિસનનો કટ્ટર ટીકાકાર તરીકે જાણીતો હતો. તેણે જે સંદેશો મોકલ્યો તે નીચે મુજબ હતો.

“As one of the millions of your admirers, I send you my sympathy. It is not only a personal and national loss, but a world loss, for you have been one of its greatest benefactors.”

એડિસનની ફેક્ટરી આગથી ભસ્મીભૂત થઈ ગઈ તે અંગે ટેસ્લા લખે છે કે “આ તારું અંગત નુકસાન નથી, એ માત્ર રાષ્ટ્રીય નુકસાન પણ નથી. સમગ્ર વિશ્વને આનાથી નુકસાન થયું છે, તારા સંશોધનોના કારણે આખી દુનિયાને બહુ મોટો લાભ મળ્યો છે” આથી વધારે તમારો ટીકાકાર તમને કઈ રીતે બિરદાવી શકે ?

૧૫૦૦ જેટલા માણસો જેનો ભંગાર સાફ કરવા માટે લાગ્યા હતા તે ફેક્ટરીને પુન:ધબકતી કરવામાં એક જબરજસ્ત પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસનો પડઘો એક વિશિષ્ટ પ્રશંસા એટલા માટે માગી લે છે કે આ સમગ્ર ઘટના અથવા ટ્રેજડી એડિસન ૬૭ વરસ વટાવી ચૂક્યા હતા ત્યારે બની. આ એ ઉંમર છે જ્યારે માણસ નિવૃત્ત થઈને શાંતિથી જીવવાનાં સ્વપનાં જુએ. આ એ ઉંમર છે જ્યારે આ પ્રકારની ઘટના ભલભલાની હિંમત તોડી પાડે પણ એડિસનના મનમાં કદાચ પરિસ્થિતિ સામે બાથ ભીડતાં મરીઝ સાહેબની નીચેની પંક્તિઓ ગુંજતી હશે.

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,

એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.

- મરીઝ


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles