featured image

ડૉ. જયનારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

ઇઝરાયલનું સર્જન જ તકલીફો વચ્ચે થયું છે. જીવના જોખમે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનાર ઇઝરાયલ હમાસ સાથેની ટક્કરમાં ઘણા બધા ક્ષેત્રે નબળું પુરવાર થયું છે. અતિ તાકતવર, ટેક્નિકલી ખૂબ સક્ષમ મારણશક્તિ માટે વિશ્વભરમાં ખ્યાતનામ ઇઝરાયલની સંરક્ષણ શક્તિ તો નિષ્ફળ ગઈ પણ હમાસનું ગુપ્તચર તંત્ર લગભગ એક દાયકાથી કેટલી ઝીણવટભરી તૈયારી કરી રહ્યું હશે કે ઇઝરાયલનું વિશ્વવિખ્યાત ‘મોશાદ’ જેવું સબળ ગુપ્તચરતંત્ર અને બળૂકું તંત્ર સાવ નિષ્ફળ રહ્યા!

ઇઝરાયલ લશ્કરી સરંજામની નિકાસ કરતો દેશ છે. રશિયા પણ આવા સરંજામની મોટાપાયે નિકાસ કરે છે. આજે યુક્રેન યુદ્ધ પછીના ગાળામાં રશિયાનો ટેક્નોલોજી અને સામરીક શક્તિ માટે જે દબદબો હતો તે રહ્યો નથી. આજે આ સ્થાન સામ્યવાદી માન્યતા ધરાવતા ચીને લઈ લીધું છે. એટલે હવે રશિયાને બદલે ચીનનો નવા વિશ્વની એક ધરી તરીકે ઉદય થયો. વસતીની દૃષ્ટિએ હજુ હમણા જ બીજા સ્થાને ગયેલા ચીને ઔદ્યોગિક શક્તિ તેમજ નિકાસ વ્યાપારમાં ગજબનાક પ્રગતિ કરી છે. ૧૯૭૯ના જ્યારે ભારતમાં ૪-૫ ટકાના દરે જીડીપી ગ્રોથ ચાલતો હતો ત્યારે ચીન ભારત કરતા પણ પાછળ હતું. વસ્તીવધારાથી માંડી ચીનના ઘ૨આંગણે અનેક પ્રશ્નો હતા પણ એની સુદૃઢ નેતાગીરીએ પોતાની વિચક્ષણ બુદ્ધિ અને સૈન્યબળ થકી પોતાની ધાક જમાવી. આજે ચીન આપણા અરુણાચલને અડધુંપડકું તો દબાવીને બેઠું છે અને આખું અરુણાચલ પોતાનું છે તેવો દાવો કરે છે.

ચીન અને ભારત વચ્ચેની કોઈ અંકિત થયેલ સરહદ નથી એટલે ‘જૈસે થે’ સ્થિતિમાં જે દબાણ કર્યું અને ભારતીય પ્રદેશને પચાવી પાડ્યો એ લાઇન ઑફ કન્ટ્રોલમાં આવે છે અને તેમાં પણ જેને આપણે ઓક્યુપાઇડ કાશ્મીર કહીએ છીએ તેમાંથી કેટલોક ભાગ પાકિસ્તાને ચીનને આપ્યો છે, જે આજે સરહદની બાબતે પાકિસ્તાન સાથે જઈને બેઠું છે. આ ઉપરાંત ચીન એક યા બીજી રીતે આપણા બીજા નાના પાડોશી દેશો પર પોતાની નાણાકીય વગ વાપરી પોતાની તરફ કરી રહ્યું છે. વિશ્વના એક માત્ર હિન્દુ દેશ તરીકે નેપાળ ભારતનું કટ્ટર સમર્થક હતું. ભારતે શરૂઆતમાં પાવરહાઉસ, રોડ, પુલ જેવી આંતરમાળખાકીય સવલતો ઊભી કરવામાં ખૂબ યોગદાન આપ્યું છે. થોડા વર્ષો પહેલા ભારતથી નેપાળ જવું હોય તો કોઈ અવરોધો નહોતા. મોટા ભાગના નેપાળના વડાપ્રધાન શપથવિધિ પછી શક્ય તેટલા જલદી ભારતના વડાપ્રધાનને મળવા આવતા અને બંને વચ્ચે લગભગ કોઈ સરહદી બંધનો નહોતા.

નેપાળીઓની ભારતીય સૈન્યમાં ખૂબ મોટી સંખ્યા હતી નેપાળીઓ ભારતીય લશ્કરમાં ખૂબ ઊંચા સ્થાને પણ પહોંચ્યા છે. ગોરખા રેજીમેન્ટ ‘ગુરખાલી આયો રે’ની રણહાક સાથે મેદાને પડે ત્યારે બીજું વિશ્વયુદ્ધ હોય કે પછી કારગીલ યુદ્ધ હોય, એ રણહાક મોતનો સંદેશ બની જાય. કારગીલ હુમલામાં દુશ્મનના દાંત ખાટા કરી નિર્ણાયક પરિસ્થિતિનું સર્જન કરનાર આ ગોરખા રેજીમેન્ટના વીર જવાનોએ ડઝનથી પણ ઓછા દિવસોમાં દુશ્મનને ખદેડી મૂક્યા હતા. પાકિસ્તાન ઉપર જેની હંમેશાં પકડ રહી છે તેવા અમેરિકાએ પણ એને ખસી જવા સલાહ આપી હતી, જેથી વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી ન થાય.

આમ એક ધરી ચીનના નેતૃત્વ નીચે વિશ્વમાં સર્વોચ્ચ તાકાત તરીકે સ્થાન પામવા પ્રયત્નશીલ રહે છે. સામે યુક્રેનને આગળ ધરી નાટો દેશો એક સમયે મહાસત્તા તરીકે જેનો દબદબો હતો એવા રશિયાના દાંત ખાટા કરી રહ્યું છે. વિશ્વભરના દેશોની જરૂરિયાતો પૂરી પાડતું ખાદ્યાન્નથી માંડી ખાદ્યતેલ, ક્રૂડ ઑઇલ તેમજ ખાતર આ દેશો પેદા કરે છે. યુક્રેન યુદ્ધે એક સમયે તો વિશ્વને ભૂખમરાની સરહદે લાવીને મૂકી દીધું હતું. આ પછી સુદાન અને નાઈજરના બળવાએ આફ્રિકન દેશોમાં અશાંતિ ઊભી કરવાનું કામ કર્યું. હજુ માંડ પરિસ્થિતી શાંત થઈ રહી હતી ત્યાં મધ્ય-પૂર્વને અશાંત કરી મૂકે એવું હમાસ-ઇઝરાયલનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. વિશ્વ આજે ધ્રુવીકરણના માહોલમાં જીવી રહ્યું છે. 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles