આસો સુદ પાંચમ – જડિયાવીર દાદાની પલ્લી
એ જ પરિસરમાં મંગળિયા હનુમાન અને નારદજી પણ હયાત
સિદ્ધપુર શહેરમાં એક જમાનો હતો જ્યારે વ્યાપાર-વાણિજ્ય બધું જ શહેરની અંદરના વિસ્તારમાં ચાલતું. જમચકલાથી માંડી પથ્થરપોળ સુધીનો વિસ્તાર વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે ધમધમતો રહેતો. પથ્થરપોળથી સહેજ આગળ ચાલો એટલે અફીણ વખાર પહેલાં અચલાપુરા આવે. અચલાપુરાની ખડકીમાં પ્રવેશો તે પહેલાં ડાબી બાજુ સામસામે દુકાનોની હાર અને વચ્ચે પહોળો રસ્તો આવે. અશોક સિનેમા હજુ એ વખતે થયું નહોતું. ત્યારે અહીંયાં ખેત ઉત્પાદનોનો ક્રયવિક્રયનો વેપાર ચાલતો. આજે પણ આ જગ્યા જૂના ગંજ બજાર તરીકે જાણીતી છે. કાળક્રમે ગુજરાત અલગ રાજ્ય બન્યા બાદ એસ.ટી.સ્ટેન્ડની બાજુમાં એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે એપીએમસીનું નવું માર્કેટ બન્યું. અને લગભગ ૬૦ના દાયકાની મધ્યમાં અત્યારે જે નવા ગંજબજાર તરીકે ઓળખાય છે તે ગંજબજાર શરૂ થયું.
પથ્થર પોળથી આગળ વધીએ એટલે અચલાપુરાનાં વળાંક પહેલાં જડિયાવીર દાદાનું સ્થાનક આવે છે. આ સ્થાનક પાછળનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં સોમપુરા બ્રાહ્મણો યાત્રાએ નીકળ્યા હતા. એ જમાનામાં મુસાફરી પગપાળા અથવા ઘોડા કે ગાડાં દ્વારા થતી. રસ્તે જતાં તરસ લાગે તો કૂવામાંથી પાણી કાઢવા માટે દોરીલોટો સાથે રાખવામાં આવતો. યાત્રાએ નીકળેલાં આ પરિવારોને તરસ લાગી. દોરી અને લોટો તો પાસે હતાં જ. તપાસ કરતાં લોટો કાણો નીકળ્યો. હવે શું થાય? ત્યાં અચાનક એક સંત મહાત્મા મળી ગયા. તેમને પણ તરસ લાગી હતી. યાત્રાળુઓનાં ટોળાના વડવા પાસે સંત મહાત્માએ પાણી માંગ્યું જેમણે પોતાની પાસેનો લોટો કાણો હોવાનું જણાવ્યું. આ વાત સાંભળી પેલા સાધુ મહાત્માએ સિંદુરમળીની ચપટી આપી કાણું પુરવા કહ્યું. સંત મહાત્માએ બતાવેલ કીમિયાને કારણે લોટાનું કાણું પુરાઈ ગયું. યાત્રાળુંઓએ એને કૂવામાં પાસીને પાણી કાઢી પોતાની તરસ છીપાવી તેમજ વધેલી સિંદુરમળી પોતાની પાઘડીમાં ચોંટાડી દીધી. યાત્રા પૂરી કરીને પાઘડી પોતાના કબાટમાં મૂકી. થોડા સમય બાદ જોતાં પાઘડીમાં રહેલ સિંદુરમાં વધારો થયો હતો. સમય પસાર થતો ગયો. આસો મહિનામાં સોમપુરા કુટુંબના વડવાને એક સ્વપ્ન આવ્યું. આ સપનામાં કોઈ દૈવીશક્તિએ એમની સ્થાપના કરવા સંકેત કર્યો. આ રીતે આસો સુદ પાંચમના દિવસે મંદિર બનાવી વીરની સ્થાપના કરી. પોતે યાત્રાએ જતા હતા ત્યારે જળ એટલે કે પાણીના લીધે મળેલા વીર ઉપરથી મંદિરમાં સ્થપાયેલ આ દૈવીશક્તિનું નામ જળિયાવીર અથવા જડિયાવીર પડ્યું. સોમપુરા જ્ઞાતિ બંધુઓ દ્વારા આસો સુદ પાંચમનાં દિવસે અહીં હવન થાય છે અને સાંજે જડિયાવીર દાદાનો ભવ્ય પલ્લીમેળો ભરાય છે. બાળપણમાં એવું સાંભળવામાં આવ્યું હતું કે કોઇની દાઢ દુ:ખતી હોય તો જડિયાવીર દાદા પાસે રાત્રે દાતણ મૂકી આવે અને સવારે એ દાતણથી દાંત સાફ કરે તો દાઢ દુ:ખતી મટી જાય છે. આ શ્રદ્ધા ઉપર આધારિત માન્યતા છે અને શ્રદ્ધાને પુરાવાની જરૂરત હોતી નથી.
જડિયાવીર દાદાના આ પરિસરમાં બીજાં બે વિશિષ્ટ મંદિરો આવેલાં છે. એક નાનું હનુમાનદાદાનું મંદિર છે જેને મંગળિયા હનુમાન કહે છે. કોઈ છોકરો અથવા છોકરી માંગલિક હોય અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અહીંયાં માનતા માનવાથી લગ્ન થઈ જાય છે. અને ગૃહસ્થજીવનની શરૂઆત થાય છે.
અહીંયાં એક બીજું મંદિર આવેલું છે જેમાં નારદમુનિની વીણા સાથેની મુર્તિ છે. નારદજીનું આ પ્રકારનું મંદિર મારા જોવામાં બીજે ક્યાંય આવ્યું નથી. શક્ય છે ગુજરાતમાં આવું એક જ મંદિર જડિયાવીર દાદાનાં પ્રાંગણમાં આવેલું છે.
આસો સુદ પાંચમ ગણપતિ દાદાની પલ્લી પછીનો બીજો દિવસ. સવાર જડિયાવીર દાદાનાં હોમ માટેની તૈયારીઓથી શરૂ થાય. સોમપુરાના કુળગોર હવન કરાવે અને સાંજે સિદ્ધપુર આ પલ્લીનો મેળો માણવા જડિયાવીર દાદાના દર્શને ઉમટી પડે. મોડી રાત સુધી ભક્તિભાવથી દાદાનાં દર્શન અને મેળાની મોજ માણવાનો આ કાર્યક્રમ ચાલે. નવરાત્રની આ બીજી પલ્લી આ રીતે જડિયાવીર દાદાના મંદિરમાં ભરાય.