featured image

વિશ્વનું સૌથી મોટું કૃષ્ણ મંદિર

ચારધામમાંનું એક ધામ જ્યાં સાક્ષાત ભગવાન જગન્નાથ વસે છે

તે જગન્નાથપુરીની રથયાત્રા  

 

અમદાવાદની રથયાત્રા વિશે નાની નાની વિગતો પણ લખાઈ ગઈ. આવી જ બીજી રથયાત્રા નીકળે છે તે જગન્નાથપુરી અને વિશ્વના સૌથી મોટા કૃષ્ણ મંદિર વિશે લખવું છે.

હિન્દુ ધર્મમાં ચારધામની જાત્રાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ જાત્રા કરવાથી મોક્ષ મળે છે એવી માન્યતા છે. આ ચારધામ એટલે ઉત્તરમાં બદરીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા. એમાંનું એક ધામ એટલે જગન્નાથપુરી. જ્યાં જગતના નાથ સ્વયં વસે છે તે નગર અથવા શહેર એવું ઓરિસ્સા રાજ્યમાં આવેલું આ પવિત્ર ધામ ઓરિસ્સાના મુખ્ય શહેરોમાંનું એક છે. ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજી અહીં પણ દર વરસે અષાઢી બીજે પુરીના મુખ્ય મંદિરમાંથી શોભાયાત્રારૂપે પધારે છે. એક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ બલરામજી અને સુભદ્રાજી આ ત્રણે રથોના શિખરનું જેને દર્શન થાય છે તે ખૂબ મોટું પુણ્ય અને મોક્ષ મેળવવાનો અધિકારી બને છે.

આ જગન્નાથપુરી અને એના કૃષ્ણ મંદિર વિશે કેટલીક બાબતો જાણવા જેવી છે.

જગન્નાથપુરીનું મંદિર બારમી સદીમાં કલિંગના રાજા અનંતવર્મન દેવે બંધાવવાની શરૂઆત કરી હતી. મંદિરનો કેટલોક ભાગ તેમના શાસનકાળમાં બન્યો છે. ઇ.સ. ૧૧૯૭માં ઓરિસ્સાના શાસક અનંગ ભીમદેવના શાસનકાળમાં આ મંદિરને વર્તમાન સ્વરૂપ મળ્યું. ૪૦ હજાર વર્ગફૂટમાં ફેલાયેલા આ મંદિરની ઉંચાઇ ૨૧૪ ફૂટ છે. ૮૦૦ વર્ષ પુરાણું આ મંદિર ઇન્ડો-નાગર વાસ્તુશૈલીમાં બનેલું છે. ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર, પુરીનું જગન્નાથ મંદિર અને કોણાકનું સૂર્ય મંદિર આ શૈલીના ઉદાહરણો છે. તેના ચાર દરવાજા સિંહદ્વાર, ગરુડદ્વાર, વાઘદ્વાર અને હાથીદ્વાર તરીકે જાણીતા છે.

ભારતના ભવ્ય મંદિરોમાંનું એક એવા આ મંદિરના શિખર ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર મંડિત છે. અષ્ટધાતુથી નિર્મિત અને અતિ પાવન મનાતું આ ચક્ર નીલચક્ર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરની બીજી કેટલીક વિશેષતાઓ જોઈએ તો –

(૧) જગન્નાથપુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલો ઝંડો હંમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાય છે. આવું કેમ થાય છે તેનું કોઇ કારણ હજી સુધી શોધી શકાયુ નથી

(૨) સામાન્ય રીતે દિવસના સમયે હવા સમુદ્ર ઉપરથી જમીન તરફ આવે અને સાંજના સમયે જમીન ઉપરથી સમુદ્ર તરફ જાય. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું બને છે.

(૩) મંદિરના શિખર પર લાગેલું નીલચક્ર એટલે કે સુદર્શન ચક્ર પુરીમાં કોઈપણ જગ્યાએ ઊભા રહીને જુઓ તો તમારી તરફ જોતું હોય તેવું જ દેખાશે.

(૪) સામાન્ય રીતે આવા મંદિરના ઘુમ્મટ ઉપર કબુતર કે ચકલી જેવા પક્ષીઓ માળા કરીને રહેતા હોય છે. જગન્નાથ મંદિરના ઘુમ્મટ ઉપર કોઈ પક્ષી બેસતું નથી કે માળો કરતું નથી. જે રીતે આ મંદિરના ગુંબજ ઉપર કોઈ પક્ષી બેઠેલું દેખાતું નથી બરાબર તે જ રીતે આ મંદિર ઉપર થઈને કોઈ વિમાન પસાર થઈ શકતું નથી.

(૫) આથીય વિશેષ આશ્ચર્યની બાબત તો એ છે કે જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબજની, આટલો વિશાળકાય હોવા છતાં, છાયા કોઈ દિવસ જોવા મળતી નથી.

(૬) મંદિરમાં પ્રસાદ તૈયાર કરવાનું કામ આઠસો માણસો ભેગા થઈને કરે છે. માટીના પાત્રમાં જ આ પ્રસાદ રંધાય છે અને લાકડા સળગાવી પ્રગટાવેલા અગ્નિ ઉપર એને પકાવવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે સાત વાસણો એકબીજા ઉપર ગોઠવવામાં આવે છે પણ સૌથી પહેલો રંધાઇને તૈયાર થતો પ્રસાદ અગ્નિ ઉપર મુકેલા સૌથી નીચેના વાસણમાં નહીં પણ સૌથી ઉપરના વાસણમાં તૈયાર થાય છે.

(૭) સાગર કિનારે આવેલ આ મંદિરમાં સતત દરિયાનાં મોજાંનો અવાજ સંભળાય છે પણ તમે જેવા દરવાજામાં પ્રવેશો કે આ અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. તમે દરવાજો ઓળંગીને અંદર જાવ અથવા બહાર આવો ત્યારે એ વળી પાછો સંભળાવા લાગે છે. આવું કેમ થાય છે તેનું પણ કોઈ કારણ શોધી શકાયું નથી.

(૮) જગન્નાથપુરીનું પુરાતન નામ પુરૂષોત્તમ પુરી, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા પ્રદેશના મુખ્ય ભગવાન જગન્નાથ છે. એવી પણ એક ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રીકૃષ્ણનું યુગલ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથનો જ અંશ છે એટલા માટે ભગવાન જગન્નાથને પણ પૂર્ણ ઈશ્વર માનવામાં આવે છે.

રથયાત્રા

ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ સુદ બીજથી શરૂ થાય છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ બે કિલોમીટર દૂર સ્થિત ગુંડિચા મંદિર ઉપર સમાપ્ત થાય છે, જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસનો વિશ્રામ કરે છે. વળી પાછી અષાઢ સુદ દસમના દિવસે આ યાત્રા નિજમંદિર પહોંચે છે, જેને બહુડા યાત્રા કહે છે. અગાઉ જણાવ્યું તેમ આ રથયાત્રાના માત્ર રથના શિખરદર્શન કરવાથી વ્યક્તિ જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અષાઢ માસમાં પુરી તીર્થમાં સ્નાન કરનારને બધા તીર્થોના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે.

અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે તેનાથી અનેક રીતે જગન્નાથજીની રથયાત્રા જુદી પડે છે. નિજમંદિરમાંથી અષાઢ સુદ બીજના દિવસે નીકળેલી રથયાત્રા અમદાવાદની રથયાત્રાની જેમ સાંજે નીજ મંદિરે નથી આવતી પણ છેક દસ દિવસ બાદ એ નિજમંદિરે પરત પહોંચે છે જેને બહુડા યાત્રા કહેવાય છે. આમ એક વખત અષાઢ સુદ બીજના દિવસે નીકળીને આ યાત્રા ‘રથયાત્રા’ તરીકે બે કિલોમીટર દૂર ગુંડીચા મંદિરે પહોંચે છે ત્યાંથી માંડીને છેક દસ સુધી ભગવાન જગન્નાથજી બળદેવજી અને બહેન સુભદ્રાજી ગુંડિયા ખાતે આરામ ફરમાવે છે ત્યાંથી અષાઢ સુદ દસમના દિવસે પરત નિજ મંદિરમાં જવા માટે જે યાત્રા નીકળે છે એને ‘બહુડાયાત્રા’ કહેવાય છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles