Thursday, June 11, 2015
વિચાર હતો આજથી જશભાઈને અલવિદા કહેવાનો પણ છેલ્લા કેટલાક સમયમાં એમનો પરિચય વધુ ગાઢ બન્યો સાથે સાથે ઘણી બધી વખત લાંબી ટેલીફોનીક ચર્ચાઓ અને જશભાઈના જીવનની ખૂટતી કડીઓ જોડવા માટેના એમના સંપર્ક દરમ્યાન જે કંઈ મળ્યું તે બધું તો લખાયું નથી. સ્થળ અને સમય બન્નેની મર્યાદા નડ્યાં છે. આમ છતાંય કેટલાક મિત્રોના પરોક્ષ યા પ્રત્યક્ષ પ્રશ્નો આવ્યા છે એના જવાબ પણ આપવા જોઈએ. એક પ્રશ્ન સતત પૂછાતો રહ્યો છે આ જશભાઈ કેવા દેખાય છે ? એમનો એકાદ ફોટો તો મુકો ? આજે આ લેખને અંતે એ ઈચ્છા પુરી કરવાનો પ્રયત્ન કર્યો છે. એક્યાસી વરસની ઉંમરે માણસ કાંતો ઉકલી જાય અથવા માળાના મણકા ફેરવતો હોય કે પછી નિવૃત્ત થઈને આરામ કરતો હોય. આ બીબાઢાળ માન્યતામાં જશભાઈ બેસતા નથી. એક સંનિષ્ઠ અને સમર્પિત સેવકના મોં પર દેખાતો આનંદ અને તરવરાટ જશભાઈને નોંખા તારવે છે. ફોન આવે એટલે “હેલો ! જશભાઈ બોલું છું” ના રણકાભર્યા અવાજથી વાતચીતની શરુઆત થાય. અવાજમાં પણ આશા અને આનંદનો રણકો એ જશભાઈની ઓળખ છે. આ વયે પણ જીવનની સાર્થક્તા સેવા થકી કોઈકના આંસુ લોહવામાં છે એવું માનતા જશભાઈએ “કામયે દુઃખ તપ્તાનામ્, પ્રાણિનામાર્ત નાશનમ્” ની ભાવનાને આત્મસાત કરી છે. પોતાના પેન્શન અને ખેતીની મર્યાદિત આવકમાંથી જશભાઈ યથાશક્તિ ખરચ બહુજન હિતાય બહુજન સુખાય પ્રવૃત્તિઓમાં કરે છે. કોઈક ચિંતકે કહ્યું છે કે વૃદ્ધાવસ્થાને ઉંમર સાથે ઓછી લેવા દેવા છે. વૃદ્ધાવસ્થા એક માનસિક્તા છે. મને લાગે છે કે આ માનસિક્તાને આત્મસાત કરી જીવતા જશભાઈને ચિરંજીવ યૌવનનું વરદાન મળ્યું છે. બધાં જ કામો માટે સરકાર પર આધાર રાખી બેસી રહેવા કરતાં આપણે જે કંઈ કરી શકીએ તે પોતાની રીતે કરવું એ માન્યતામાંથી પોસ્ટ ઓફિસનું નવું મકાન અને લોકભાગીદારીથી સ્થપાયેલ બગીચો જેવાં પ્રોજેક્ટ સાકાર થયા છે. આપણે આપણા ઘરનું આંગણું સાફ રાખીએ તો ફળિયું સાફ રહે અને ફળિયું સાફ રાખીએ તો શહેર સાફ રહે એ સ્પષ્ટ વિચારથી દોરાઈને જશભાઈએ જાહેરજીવનમાં પણ લોકભાગીદારીનો સિદ્ધાંત પૂરવાર કર્યો છે. એક સમયના યુનિયન લીડર તરીકેના લડાયક સ્વભાવનું સ્થાન હવે સમયની થપાટો ખાઈને ઘડાઈ ગયેલ પીઢ આગેવાને લીધું છે પણ જુસ્સો તો આજેય કોઈ જુવાનને શરમાવે તેવો છે. આ બાબતમાં 26 જુન 2006ના રોજ સમભાવ દૈનિકની વડોદરા આવૃત્તિમાં પ્રગટ થયેલ શ્રી અનિલ આચાર્યના લેખમાં જશભાઈની વૃદ્ધાવસ્થા વિશે કંઈક આમ લખાયું છે.
“જશભાઈને જશની લાલચ નથી, અપજશથી પરવા કરતા નથી... બસ, ખંત, ધૈર્ય, નિષ્ઠાપૂર્વક ધ્યેયમારગે આગળ ચાલ્યા જવાની નેમ તથા જનસેવાને જ સ્વધર્મ માની જરુર જણાય ત્યાં પહોંચી જવાની ત્રેવડને લીધે આપણા જશભાઈ પ્રજાના પ્રતિનિધિ તરીકે ઘણીવાર પુરસ્કૃત પણ થયા છે. શેષ જીવનને કેવળ સેવાપંથે જ પ્રયાણ કરાવવાની મનસાના માલિક તરીકે ‘અડધી રાત્રે’ કામ આવનાર માનવ મિત્રોના પરમ સ્નેહીજન છે. તેઓની ભાવનામાં સ્વયંથી પરમનું પ્રયાણ એટલે જ અનાયાસ સામે આ વયે યુવાવય જેવી બાથ ભલે ન ભીડાય પણ શક્ય તેટલી તાકાતથી વિરોધ પ્રદર્શિત કરવાનું નૈતિક મનોબળ તો ગજવેલ જેવું છે.
આવા પરગજુ પટેલ ભાયડાને એકવાર તો મળવા જેવું ખરું. ઘડિયાળને કાંટે પરોવાઈને સેવાના કાર્યોમાં સતત રત રહેવાની તત્પરતા જ એમની ઓળખ છે. શેરીની સફાઈ કરીએ તો ગામ આપો આપ ચોખ્ખું થઈ જાય એ જાણીતી ઉક્તિને જશભાઈએ શબ્દશઃ ચરિતાર્થ કરી છે અને સફાઈનો પર્યાય એમણે સેવાપ્રવૃત્તિમાં શોધ્યો છે. આ સેવા જ એમની તાજગી છે, તરવરાટ છે અને તાદાત્મ્ય છે. એમને વૃદ્ધત્વ સ્પર્શ્યું જ નથી. કારણમાં તેઓ કહે છે, “વૃદ્ધત્વનો ખાલીપો ક્યાંથી નડે, સેવા આનંદથી હું છલોછલ છલકાઉં છું...”
જશભાઈના પાસે કામોનો અંત આવતો જ નથી. કામ એમને શોધતું આવે છે કે એ કામ શોધી કાઢે છે એ કહેવું મુશ્કેલ છે. લોકભાગીદારીથી બનાવેલ સુભાનપુરાનો બગીચો હવે નાનો પડે છે. જશભાઈને બાજુમાં જ ખાલી પડેલા પ્લોટમાં એ વિસ્તારવો છે. કેટલીય વખત વડોદરા મહાનિગમને રજૂઆતો થઈ પણ પરિણામ આવતું નથી. જશભાઈ જરાય હતાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખે છે તે જ રીતે ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠે આવેલ ઉમલ્લાની નજીકના અશા ગામના સામા કાંઠા પર વડોદરા જીલ્લાનું માલસર ગામ આવેલું છે. ઝઘડીયા અને નેતરંગ તાલુકામાંથી વડોદરા તરફ જતા વાહનો હાલ વાયા ભરુચ અથવા તો રાજપીપળા થઈને જાય છે. જો અશાને માલસર સાથે પુલથી સાંકળવામાં આવે તો આ પંથકમાંથી વડોદરા તરફ જવાનો એક ટૂંકો અને સરળ મારગ ઉપલબ્ધ બને. વરસોથી જશભાઈ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પાસે આ બાબતમાં માંગણી કરતા રહ્યા છે. કંઈ પરિણામ આવતું નથી. તા. 25.2.2015ના દિવ્ય ભાસ્કર વડોદરા આવૃત્તિમાં છપાયેલ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ વસાવાનો જવાબ કંઈક આ પ્રમાણે છે. “હાલમાં ભરુચ ખાતે નર્મદા નદી પર નવા સરદાર બ્રીજ નજીક બ્રીજનું કામ ચાલું છે. જે કામ પૂર્ણ થાય ત્યારબાદ અશા – માલસર વચ્ચેના નવા પુલની દરખાસ્ત બજેટમાં મુકવામાં આવશે.” આમ તો આ દિકરા મોટો થા પરણાવીશું જેવી વાત છે. વરસોથી ભરુચ પાસેના નર્મદાના પુલોનું કામકાજ ચાલ્યા જ કરે છે. હવે ત્યાં નવો પુલ થવાનો છે. આ બધું ક્યારે થશે કંઈ ખ્યાલ નથી આવતો. ખેર, જશભાઈનો આ પ્રસ્તાવ ઉપયોગી જણાતો હોય તો આ વિસ્તારના નાગરિકોએ એ ઉપાડી લેવો જોઈએ. પણ કોને સમય છે. હજુ જશભાઈ જેવા લોકસેવકોની પેઢી લુપ્ત થતાં થતાં પણ ક્યાંક જીવી રહી છે. પછી ? આ બધું કોણ વિચારશે ? કંઈ સમજાતું નથી. આજે તો આપણે માત્રને માત્ર આપણા સદાબહાર મૂકસેવક જશભાઈને બિરદાવીને અટકીએ.