સિદ્ધપુરમાં જૈનોની વસતિ અને જૈન દેરાસરો
જૈન ધર્મનાં મૂળ સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી નખાઈ ગયાં. જૈન નાંર્મના આચાર્યોનો પ્રભાવ પણ વધ્યો. હેમચંદ્રાચાર્યસુરીજી સિદ્ધરાજ ઉપર એક ગુરુ જેટલું વર્ચસ્વ ભોગવતા થયા. પાટણનો જાની દુશ્મન અવંતિ એની વિદ્વતા માટે જાણીતું હતું. સિદ્ધરાજે અવંતિના યશોવર્માને હરાવ્યો, પાટણ લાવી પાંજરે પૂરી આખા શહેરમાં ફેરવ્યો ને માળવા ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. પણ સરસ્વતી તો માળવામાં જ રહી. આથી ખિન્ન સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને ગુજરાતી વ્યાકરણ અને ભાષાને સમૃદ્ધ બનાવે એવા ગ્રંથની રચના કરવાનું કહ્યું. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથનું નિર્માણ કર્યું જે સિદ્ધહેમ તરીકે ઓળખાયો. સિદ્ધરાજ આ ગ્રંથથી એટલો પ્રભાવિત હતો કે એણે હાથી ઉપર સોનાની અંબાડીમાં આ ગ્રંથ પધરાવી પોતે ખુલ્લા પગે આગળ ચાલી સિદ્ધહેમની પાટણ નગરમાં નગરયાત્રા કાઢી. આજે પણ અનેક પ્રાચીન પ્રતો ધરાવતું હેમચંદ્રાચાર્ય પુસ્તકાલય સિદ્ધરાજ જયસિંહ ઉપર જૈન વિચારધારા અને વિદ્વતાના પ્રભાવની ચાડી ખાતું ઊભું છે.
આચાર્ય હેમચંદ્રના આ પ્રદાન બાબતમાં કહેવાયું છે કે આચાર્ય હેમચંદ્રએ સમસ્ત વ્યાકરણ વાઙમયનું અનુશીલન કરી ‘શબ્દાનુશાસન’ અને અન્ય વ્યાકરણ ગ્રંથોની રચના કરી. પૂર્વવત્ આચાર્યોના ગ્રંથોનું સમ્યક અધ્યયન્ કરી સર્વાંગ પરિપુર્ણ અને સરળ વ્યાકરણની રચના કરી સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષાઓને પૂર્ણતઃ અનુશાસિત કરી છે. હેમચંદ્રએ ‘સિદ્ધહેમ’ નામક નૂતન પંચાંગ વ્યાકરણ તૈયાર કર્યુ. આ વ્યાકરણ ગ્રંથનું શ્વેતછત્ર સુશોભિત બે ચામર સાથે ચલ સમારંભ હાથી પર કાઢવામાં આવ્યું. ૩૦૦ લહિયાઓએ ‘શબ્દાનુશાસન’ની ૩૦૦ પ્રતિઓ લખીને ભિન્ન-ભિન્ન ધર્માધ્યકક્ષોને ભેટ આપી અને અતિરિક્ત વૃત્તિ દેશ-વિદેશ, ઈરાન, સીલોન(શ્રીલંકા), નેપાળમાં મોકલવામાં આવી. ૨૦ પ્રતિઓ કાશ્મીરના સરસ્વતી ભંડારમાં પહોંચી. જ્ઞાન પંચમી (કારતક સુદ પાંચમ)ના દિવસે પરીક્ષા લેવામાં આવતી હતી.
પાટણમાં અતિભવ્ય જિનાલયો અને ચૈત્ય નિર્માણ થયાં તેનાથી સિદ્ધપુર કઈ રીતે અલિપ્ત રહી શકે? બાળપણમાં સિદ્ધપુર ગામમાં જઈએ ત્યારે પશવાદળની પોળથી દાખલ થઈ વેદવાડાના મહાડની સામી બાજુએ ડાબા હાથે એક દેરાસર આવે. બીજું દેરાસર છુવાળા ફળીથી ઝાંપલી પોળ તરફ જતાં શામજી મંદિર તરફ જવાના રસ્તા પર બરાબર ખાંચા પર ડાબા હાથે આવે. સિદ્ધપુરમાં એક જમાનામાં જૈનોની સારી એવી વસતિ હશે તે આના પરથી પ્રતીત થાય છે. બાળપણમાં આ દેરાસરોનું નકશીકામ અને ક્યારેક ક્યારેક સામે મળતા જૈન મુનિઓ અને સાધ્વીજીઓને જોઈએ તેટલા પૂરતું જ જૈન ધર્મ સાથેની મારી ઓળખાણ મર્યાદિત રહી. બાળપણના એ સંસ્મરણોને વાગોળતાં સિદ્ધપુરના જૈન મંદિર વિષે સંશોધન કરતાં જે માહિતી મળી તે મુજબ રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈન ધર્મ રાજ્યાશ્રય પામી ખૂબ વિકાસ પામ્યો હતો. સિદ્ધરાજે સિદ્ધપુરમાં સિદ્ધવિહાર નામના અતિ ભવ્ય ચૈત્યનું નિર્માણ કરાવ્યું હતું. ઉત્તુંગ ૨૪ દેવકુલિકાઓથી અલંકૃત આ જિનાલય અતિ દર્શનીય લાગતું હતું. મહામાત્ય અલિંગ દેવે ૧૧મી સદીમાં ચતુર્મુખ વિહારનું નિર્માણ કરાવ્યુ હતું. આ જ વિહારમાં શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
સોળમા-સત્તરમા સૈકામાં સિદ્ધપુરના જૈનોની જાહોજલાલી અપૂર્વ હતી. તેનો ઇતિહાસ સં. ૧૬૪૧માં જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીજીના શિષ્ય શ્રી કુશલવર્ધન ગણીની સિદ્ધપુર ચૈત્ય પરિપાટીની રચનાઓમાં જોવા મળે છે. તે સમયે અહીં પાંચ જિનાલયો હતા.
સિદ્ધપુરના અલવાના ચકલે શ્રી મહાવીર સ્વામીના શિખરબંધી જિનાલયના ઉપરના એક ગભારામાં મૂળનાયક રૂપે શ્રી સુલતાન પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન હતા. સંપ્રતિ કાલીન શ્વેત વર્ણની આ પ્રતિમા, આરસપહાણની, પદ્માસનસ્થ અને ફણારહિત છે. પ્રતિમાની ઊંચાઈ ૨૫ ઇંચ અને પહોળાઈ ૨૫ ઇંચની છે.
શ્રી સુલતાન પાર્શ્વનાથ નામ શી રીતે પડ્યું એ અંગેની એક કથા જાણવા મળે છે. ઇસ ૧૨૯૬ થી ૧૩૧૬ દરમિયાન દિલ્હીની ગાદી પર અલાઉદીન ખીલજીનું શાસન હતું. અલાઉદીન ખૂબ ધર્મ ઝનૂની અને મૂર્તિપૂજાનો વિરોધી સુલતાન હતો. ઇ.સ. ૧૨૯૯માં રણથંભોર અને ચિત્તોડ જીત્યા બાદ ગુજરાતના તે સમયના પાટનગર અણહિલવાડ પાટણ પર આક્રમણ કરવા જઈ રહેલો તેનો કાફલો સિદ્ધપુર પહોંચ્યો. સિદ્ધપુરની જાહોજલાલી જોઈ તેના સૈન્યએ નગરના મંદિરોને ધ્વંસ કરવાનું શરૂ કર્યું. સેનાપતિને જ્યારે જાણ થઈ કે અહીં આવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર ૧૧મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના મંત્રી દ્વારા બાંધવામાં આવ્યું છે ત્યારે સેનાપતિએ ખીલજીને ખુશ કરવા તેનો સંપૂર્ણ નાશ કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ થતાં પ્રતિમાઓને જિનાલયના ભોંયરામાં મુકી દેવામાં આવી અને મંદિરની રક્ષા કરી રહેલા ભોજકો સેનાપતિને જિનાલયનો નાશ ન કરવા કરગર્યા પણ તેઓ ના માન્યા અને મંદિર તોડવાનું શરૂ કરી દીધું. ત્યારે કેટલાક ભોજકો ખીલજી પાસે ગયા અને ખીલજીને આ મંદિરનો ધ્વંસ અટકાવવા વિનંતી કરતાં કહ્યું કે આ તો સાક્ષાત પરમકૃપાળુ પરમેશ્વર છે, પથ્થર નથી. મદમાં ચૂર અલાઉદ્દીને ભોજકોને કહ્યું કે જો એવું હોય તો તમે આ વાત સાબિત કરો નહિતર અમે મૂર્તિને તોડી નાખીશું. ભોજકો પાસે બીજો કોઈ ઉપાય ન રહેતા તેઓ પોતાની શ્રદ્ધાની કસોટી આપવા તૈયાર થયા અને સુલતાનને સાંજે મંદિરની મુલાકાત લેવા જણાવ્યું. તેના સૈન્યએ મંદિરને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. સાંજે સુલતાન મંદિરમાં આવ્યો ત્યારે ભોજકોએ ૯૯ દીવા ઘી પૂરીને મૂર્તિ સમક્ષ મૂક્યા અને શ્રદ્ધા, ભક્તિ અને લાગણીને પોતાના અવાજમાં ભરીને દીપક રાગ ગાવાનો શરૂ કર્યો અને જ્યારે દીપક રાગ તેની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે ખીલજીએ જોયું કે ૯૯ દીવા એક પછી એક એની જાતે જ પ્રગટી રહ્યા હતા. આમ છતાં ખીલજી માન્યો નહીં અને તેણે દલીલ કરી કે આ તો દીપક રાગનો પ્રભાવ છે. તેનાથી એમ સાબિત નથી થતું કે મૂર્તિ સાક્ષાત પરમેશ્વર છે. આથી મૂર્તિને ખંડિત કરવા તે પોતાની તલવાર ઉઠાવી આગળ વધ્યો. ત્યાં જ અચાનક વિશાળ સર્પ ક્યાંકથી આવી ગયો અને કોઈ અદ્રશ્ય પાંજરામાં પુરાઈ ગયો હોય તેમ સુલતાન મૂર્તિ તરફ એક ઇંચ પણ આગળ વધી ન શક્યો. પોતાની ભૂલ સમજાતા અલાઉદ્દીન શરમિંદો બન્યો અને બોલી ઊઠ્યો, ‘આ દેવ બાદશાહોનો પણ બાદશાહ અર્થાત સુલતાન છે’, આટલું કહીને અલાઉદ્દીન પોતાના લશ્કર સાથે ચાલ્યો ગયો. તે દિવસથી આ પાર્શ્વનાથ પ્રભુની આગળ સુલતાનનું વિશેષણ કાયમી બન્યું છે.
આ ઘટના પછી સુલતાન પાર્શ્વનાથની મૂર્તિ સિદ્ધપુરના શ્રી મહાવીર સ્વામી જિનાલયના ઉપરના ગભારામાં સ્થળાંતરીત કરવામાં આવી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ જિનાલયોમાં આ તીર્થનો સમાવેશ થાય છે.
સમય જતાં સિદ્ધપુરના જૈનો પાલનપુર અને પાટણ જેવા સ્થળોએ સ્થળાંતર કરવા લાગ્યા આથી આ મંદિરની જાળવણીના અભાવે ક્ષીણ થવા લાગ્યું. વળી મંદિર શહેરની અંદરના ભાગે હતું. આથી આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને એક મોટું ભવ્ય જિનાલય હાઇવે પર બંધાવી ત્યાં આ મૂર્તિ સ્થાપિત કરવાની સલાહ આપી. ૨૯ નવેમ્બર ૨૦૧૭ના રોજ આચાર્ય શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ તેમજ શ્રાવકરત્ન શ્રી કુમારપાળ વી. શાહના માર્ગદર્શન નીચે શ્રી સુલતાન પાર્શ્વનાથ તેમજ અન્ય મૂર્તિઓને સિદ્ધપુર નજીક હાઇવે પર ભવ્ય જિનાલય બંધાવી તેમાં સ્થાપિત કરવામાં આવી.
સિદ્ધપુરની ગોવિંદ-માધવ સોસાયટીમાં એક શિખરબંધી ઘરદેરાસર પણ છે. લગભગ ત્રીસેક વરસ પહેલાં જેઠ સુદ બીજના દિવસે આ ઘરદેરાસરમાં કલિકુંડવાળા શ્રી રાજેન્દ્રસુરી મહારાજ સાહેબના હસ્તે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મહેતા દોલતરામ વેણીચંદ પરિવારે બનાવેલ આ ઘરદેરાસરમાં સોસાયટીના તેમજ આસપાસના શ્રાવકો પૂજા તેમજ દર્શનાર્થે આવે છે.