ગુરુનાં પગલાં - સ્વામી જનાર્દનતીર્થ આશ્રમ સાધના માટે આજે પણ એક બળૂકી જગ્યા છે.
સ્વામી જનાર્દનતીર્થ ગુરુ પુરુષોત્તમદાસજીની જીવનચર્યાની વાત ઘણી લાંબી છે. સ્વામીજી વરસો સુધી તીર્થાટન કરતા રહ્યા. એમની સાથે જોડાયેલા ભક્તજનો અને મુમુક્ષુઓ સ્વામીજી જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં ગુરુસેવા અને સત્સંગ અર્થે સમયાંતરે પહોંચી જતાં. એક વખતે ગુરુમહારાજના સત્સંગમાં દેશમાંથી પધારેલ મુમુક્ષુને તે જ દિવસ ઘરે પાછા જવા કહ્યું. મુમુક્ષુ વિચારમાં પડ્યો ને સંકોચાયો કે કોઈ દિવસ નહીં ને આજે આવું કેમ કર્યું હશે? છતાં ગુરુ ભક્તિ આગળ વિવશ બની આજ્ઞાને શિરોમાન્ય ગણી કંઇ પણ બોલ્યા વગર દેશમાં જવા તૈયાર થયો. શ્રી ગુરુ મહારાજે સ્ટેશન ઉપર સાથે આવી ટિકિટ લઈ આપી, ગાડીમાં બેસાડ્યો, ‘બીજી વખતે આવજે’ તેવો દિલાસો આપી શાંતિથી સદભાવભર્યું વર્તન દાખવી તેને ઘેર જવા વિદાય કર્યો. મુમુક્ષુનું ઓચિંતું એકાએક આગમન જોઈ તેના માતપિતા વડીલો પ્રશ્ન કરવા લાગ્યા. પરંતુ એ દિવસે સાંજે તેના પૂજ્ય માતુશ્રી કૈલાસવાસી થયા. માતા-પુત્રનો અંતિમ મિલાપ થયો. આવો સત્ય અનુભવ થવાથી તેના મનમાં અનેકગણી ગુરુ ભક્તિ જાગી. રસસિદ્ધ મહાત્માઓ બધું જ જાણી શકે છે – ય: સર્વજ્ઞ: સર્વાંવત યસ્ય જ્ઞાનમયં તપ:
કનખલમાં એક દિવસે પોતાના ભક્તોને ઉપદેશ કરતાં પૂજ્યપાદ સ્વામીજીએ કહ્યું કે ભાઈઓ ! રસ્તામાં અમારાં પગલાં પડ્યાં હોય તે ઉપર પગ આવે તો વાંધો નહીં પણ અમારી જીભ ઉપર પગ મુકશો નહીં. અમે કહીએ તે અમલમાં મુકજો. સાચા સંતોના દર્શન દુર્લભ થશે. કેટલીક વખત જાણે આગમ ભાખતા હોય તેમ કહેતાં કે વખત બારીક આવશે. અનાજ પડીકામાં મળશે. (જે અત્યારે જોવામાં આવે છે) પ્રત્યેક કાગળમાં ઈશ્વર સ્મરણમાં વધારો કરજો એવો આશીર્વાદાત્મક ઉપદેશ આપતાં. તેઓ કહેતા, આહારની શુદ્ધતાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. જ્ઞાનની દ્રઢતા માટે જિજ્ઞાસુએ શ્રવણ, મનન, નિદ્રિધ્યાસન કરવા જોઈએ. ષટલીંગ અનુસાર સ્વરૂપોપકારી-ફલોપકારી અંગોસહીન અસાધારણ શ્રવણ ગુરુ પાસેથી કરવું. બ્રહ્મધ્યાનથી ચિત્તનો વિક્ષેપ દોષ તથા નિષ્કામ કર્મથી મળદોષની નિવૃત્તિ થાય છે. વૈરાગ્યબોધ ઉપરતિની અવધીને પ્રાપ્ત થઈ જીવન્મુક્તના વિલક્ષણ આનંદર્થે વાસનાક્ષય-મનોનાશ પ્રધાનપણે કર્તવ્ય છે. આવી શ્રુતિઓનો અંતર્મુખ અભ્યાસ માટે વિચાર કરવો. આવા અનેક અનુભવો તેમની સમીપમાં રહેનાર ભક્ત મુમુક્ષોઓને થતાં હતા.
હા ! આવા સિદ્ધપુરુષોને તો બધું આગોતરું સૂઝતું હોય. ભવિષ્ય નજર સામે દેખાય. સ્વામીજી પોતાની જીવનલીલા સમેટાવાની છે અને દિવસો નજીક આવી રહ્યા છે એ પામી ગયા. પોતાના ભક્તો અને મુમુક્ષોઓ પ્રેમથી વિવશ ન બને તે માટે બધાને આગ્રહ કરી અને દેશમાં વિદાય કરી દીધા. સ્વામીજી સૌને પોતપોતાના ઘરે જવા માટે લગભગ હઠાગ્રહ કહેવાય તેવું કેમ કરે છે તે રહસ્ય તે સમયે કોઈને ન સમજાયું. બધાને વિદાય કરીને તેઓ એકલા ગંગોત્રી પાસે હરસીલ મુકામે પધાર્યા. ત્યાં ત્રણ માસ નિવાસ કરી ઉપલબ્ધ માહિતી અનુસાર સંવત ૧૯૯૦ના શ્રાવણ સુદ ચોથના રોજ પંચમહાભૂતના આ નશ્વર દેહનો ત્યાગ કરી વિદેહ કૈવલ્યાવસ્થાને પામ્યા. આ સમાચારની જાણ થતા બ્રાહ્મણો, સાધુસંત મહાત્માઓ હરસીલમાં ઉમટી પડ્યાં. તેમના બદ્ધ પદ્માસન શરીર ઉપર રુદ્રાભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ યથાયોગ્ય પૂજનવિધિ સાથે વેદમંત્રોચ્ચારના ઘોષ સાથે સ્વામીજીના નશ્વર દેહને શ્રી ગંગાજીમાં જળસમાધિ આપવામાં આવી.
સિદ્ધપુર મુકામે પોતે બંધાવેલ આશ્રમમાં, શ્રી ઉજમબા (રાજરત્ન મગનલાલ શેઠના બહેન અને સ્વામીજીના અનન્ય ભક્ત) વિગેરે ભક્તો દ્વારા તેમના સ્મારક તરીકે ધ્યાન ભજનના અવલંબન માટે સંવત ૧૯૯૧ના વૈશાખ સુદ દસમના દિવસે વેદોક્ત વિધિથી ચરણ પાદુકાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ભાગવત સપ્તાહ પારાયણ તથા સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન આપવામાં આવ્યું. આશ્રમમાં પાછળથી ત્રણ ઓરડીઓ ધર્મશાળારૂપે તથા તેની સામે એક શિવાલય સ્વામી જગદીશતીર્થની ચરણ પાદુકાઓ અને નીચે ત્રણ ગુફાઓ એકાંત ભજન માટે બનાવવામાં આવેલ છે.
આ ઉપરાંત હાલના ટ્રસ્ટીમંડળે કેટલાક નવા બાંધકામો પણ કર્યા છે. નારાયણ સ્વામીના આશ્રમ તરીકે અથવા ગુરુનાં પગલાં તરીકે ઓળખાતી આ જગ્યા એક સમયે અત્યંત રમણીય પ્રકૃતિની ગોદમાં રમતી હતી તેને બદલે હવે તેના ઉપર પણ શહેરીકરણ અને માનવવસવાટના રંગના થપેડા લાગ્યા છે. આમ છતાંય એ જગ્યામાં દાખલ થાવ એટલે અત્યંત શાતા અને ઉર્જા અનુભવી શકાય છે.
સિદ્ધપુર ઉપરાંત ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે શ્રી ગુરુમહારાજની ચરણ પાદુકાઓની પ્રતિષ્ઠા કરી આશ્રમ બંધાવવામાં આવેલ છે. ભટ્ટ જીભાઇ માસ્તરે આશ્રમ બંધાવવામાં સારો શ્રમ ઉઠાવ્યો હતો. ઘણા લાંબા સમય સુધી બ્રહ્મચારી હરિભાઇ વિગેરે આશ્રમની વ્યવસ્થા તેમજ નિયમિત સત્સંગનું સંચાલન કરતાં હતા. આ સિવાય ગુરુ મહારાજ શ્રી જનાર્દનતીર્થજીની ચરણ પાદુકાઓ સિદ્ધપુર તાલુકાના ચંડાળજ (હવે ચંદ્રવતી) માં સ્થાન બનાવી પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
આવા આ પરમધામમાં સંવત ૨૦૨૦ના અધિક ચૈત્ર સુદ છઠથી આરંભાઇ અધિક ચૈત્ર સુદ બારસના રોજ પૂર્ણાહુતિ થયેલ અતિરુદ્રાદિ મહોત્સવો એક અવિસ્મરણીય છાપ છોડી ગયા છે. આ અતિરુદ્રાદિ પ્રસંગે અધિક ચૈત્ર સુદ નોમ અને રવિવારે પૂજ્યપાદ વંદનીય ગુરુ મહારાજ દેવશંકર બાપાએ શ્રી અરવડેશ્વર મહાદેવથી પગે ચાલતા આવી, કણકણને કૃતાર્થ કરતાં પોતાના આશીર્વાદને નિહાળવા યજ્ઞ મંડપમાં પધારી દિવ્ય મંત્રોચ્ચારથી સર્વ દેવતાઓને સંતુષ્ટ કર્યા હતા. સભા મંડપમાં પધારી અગણિત માનવ મેદનીને દર્શનનો લાભ આપ્યો હતો. એક ક્ષણ જનતા જનાર્દને સુખ અનુભવ્યું. પરાવાણીનો લાભ મળ્યો હતો.
સ્વામી જનાર્દનતીર્થજી આશ્રમ અને ત્યારબાદ ત્યાં થયેલ પાદુકા પ્રતિષ્ઠાને કારણે ગુરુનાં પગલાં તરીકે જાણીતી થયેલ આ જગ્યા સિદ્ધપુરમાં જેમ અરવડેશ્વર, બ્રહ્માંડેશ્વર, વાલખીલેશ્વર, ઝેરીબાવાનો મઠ (નાનો મઠ), મોટો મઠ, બિંદુ સરોવર, મહાપ્રભુજીની બેઠક જેવી અનેક તપોભૂમિઓ આવેલી છે. તેમાંનું એક સમગ્ર ચેતાતંત્રને ઉર્જાવાન બનાવીને આધ્યાત્મને માર્ગે વિચારવા પ્રેરે, શરીરના રોમરોમમાં સાત્વિકતા પ્રસરી રહે અને જ્યાં પગ મૂકતાં જ એક હળવાશ અને હાશકારો અનુભવાય એવી આ જગ્યા આજે પણ સ્વામી જનાર્દનતીર્થજીના તપ અને યોગબળે એટલી જ જીવંત છે. સાધના માટે તો આ જગ્યા ઉત્તમ છે જ પણ પોતાની જાત સાથે વાત કરવી હોય – જેને આજના સુધારેલ જમાનામાં વિપશ્યના કહેવાય છે – તે માટે આ ધરતીની પવિત્રતા અને એકાંત હોય એવા સિદ્ધપુરના ગણ્યાગાંઠયા સ્થાનોમાંનું આ એક છે.