Saturday, December 24, 2016
સવારના સાડા ચાર-પાંચનો સમય હતો. ભરભાંખળું થવા માંડ્યું હતું. વળી પાછા બે-ચાર મિત્રોના દરવાજા ખખડાવીને કાંતિલાલ પટેલે તેમને બોલાવી લીધા. સદનસીબે ઈલોરા પાર્કમાં જ રહેતા બીજા એક ડોક્ટર પણ હાથવગા હતા. એમને શોધી કાઢ્યા અને બોલાવી લીધા. સોમાભાઈ પટેલની સરખામણીમાં ડૉ. ઓઝાને પ્રમાણમાં કંઈક ઓછી અસર થઈ હતી. પેલા ડોક્ટરે એમનો ઈલાજ કર્યો અને થોડીવાર પછી એમની જ ગાડીમાં ડૉ. ઓઝાને લઈને બે-એક મિત્રો ઈલોરા પાર્કમાં એમના ઘરે મુકી આવ્યા. સવારના સૂરજનાં કુમળાં કિરણો તે સમયે ધરતીને પંપાળી રહ્યાં હતાં. સૂરજનારાયણ ક્ષિતિજથી ઉપર નીકળી ચૂક્યા હતા. કાંતિલાલે પહેલું કામ પટેલ સાહેબના ફ્રીઝમાં બાકી પડી રહેલ દૂધાને સીંકમાં ઢોળી દઈ એ તપેલીને પણ પાણીથી ધોઈ એંઠા વાસણની સાથે ઉટકવા મુકી દેવાનું કર્યું. આની સાથે જ દૂધાકાંડ પુરો થયો. કાંતિલાલ પટેલ પણ શાંતિથી ઘરે જઈ સૂઈ ગયા. શિવમંદિરોમાં છેલ્લા પ્રહરની પૂજા આરતી પણ ઘણા સમય પહેલાં પતી ગયાં હતાં અને શિવભક્તો પણ મંદિરમાંથી પોતાના ઘરે પહોંચી ગયા હતા. સોમાભાઈ પરિવાર નિરાંતે નીંદર લઈ રહ્યું હતું. માત્ર રાત્રે જે જાગ્યા હતા તે જાણભેદુઓ સિવાય એમના આ પરાક્રમની કોઈને ખબર નહોતી. ખેર ! જેનો અંત સારો તેનું બધું સારું !
આ ભાંગનો પ્રસાદ જેણે કોઈ દિવસ ભાંગ ચાખી પણ ન હોય તેણે શા માટે લેવો જોઈએ ? કોઈ ધાર્મિક શ્રદ્ધાનો સવાલ હોય તો કમ સે કમ આપણે જીરવી શકીએ તેટલું જ લેવું એટલી ખબર તો રાખવી જોઈએ ને ? ભગવાનને ભાંગ ચડે છે એટલે આપણે પણ એનું સેવન કરવું તો ભગવાન શંકર પ્રસન્ન થાય એ માન્યતા કેટલે અંશે સાચી હશે ? સોમાભાઈ સાથે બનેલ આ પ્રસંગ આપણા ધાર્મિક ઉત્સવો સમયે જાણેઅજાણે પાળવામાં આવતી કેટલીક રુઢિઓ સામે લાલબત્તી નથી ધરતો? કે પછી પેલા આપ કી કસમ (1974) ચલચિત્રના ગાયનમાં આવે છે તે મુજબ –
जय जय शिव शंकर
काँटा लगे न कंकर
जो प्याला तेरे नाम का पिया
एक के दो दो के चार हमको तो दिखते हैं
सर पे ज़मीं, पाँव के नीचे है आसमान
हो सो रब दी
જ્યારે મસ્તીમાં આસમાન પગ નીચે અને ધરતી માથા ઉપર દેખાવા માંડે ત્યારે શું ભગવાન શંકરનાં સાચેસાચ દર્શન થતાં હશે ? સોમાભાઈએ આ બાબતે ભાનમાં આવ્યા પછી કોઈ પ્રકાશ પાડ્યો નહોતો નહીં તો આપણને આધારભૂત માહિતી જરુર મળત.
આ શિવરાત્રીની વાત થઈ. શ્રાવણ મહિનો અને તેમાંય ખાસ કરીને જન્માષ્ટમી સાથે જોડાયેલ જુગાર પણ આવી જ કોઈ માન્યતા ઉપર આધારીત છે. જુગારની આધુનિક પ્રથાઓમાં ટેકનોલોજી પણ પગ પેસારો કરી ગઈ છે. આધુનિક જુગારીયાઓ મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી પોતાનો શોખ પુરો કરે છે. પાંડવો જુગારમાં બધું જ હારી ગયા તે બાદ એમની પત્ની દ્રૌપદીને દાવ પર મુકી તેને પણ હારી ગયા હતા. જુગારના આ બનાવને કારણે મહાભારત સર્જાયું હતું. એ વખતે પાસાં નાંખી જુગાર રમવામાં આવતો. આજે પાસાંની રમત ભુલાઈ ગઈ છે પણ હું નથી માનતો કે શકુની આજે હયાત નથી. આ રમતમાં પણ કેટલાક અઠંગ ખેલાડીઓ પાસે અદભૂત કૌશલ્ય હોય છે. આમ તો જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ (કે પછી જન્મરાત્રિ ?) છે. આ દિવસને જુગાર સાથે શું લેવા દેવા હોઈ શકે એ સમજાતું નથી. ઘણો પ્રયત્ન કર્યો કોઈ આધારભૂત માહિતી મળી નથી એટલે એવું માની શકાય કે જુગારના શોખીન લોકોને જુગાર રમવા માટે કોઈ બહાનાની તલાશ હશે અને એમાં એમણે જન્માષ્ટમી ઉપર પસંદગી ઉતારી હશે. આખું વરસ સાદા, સીધા, સરળ અને સંતુલિત (Sane)દેખાતા મારા ઘણા બધા મિત્રોનું વર્તન જન્માષ્ટમી આવે એટલે એકાએક બદલાઈ જાય છે. જન્માષ્ટમી પહેલાં ત્રણ-ચાર દિવસ અને ત્યારપછીના ત્રણ-ચાર દિવસ આ બધા જેમને અંગ્રેજીમાં Out of the World એટલે કે દુન્યવી વાતાવરણથી દૂર કહે છે તેવી સ્થિતિમાં પહોંચી જાય છે. એકાએક એમનામાં આખું વરસ સુષુપ્ત અવસ્થામાં પડેલો જુગારી જાગી ઉઠે છે અને ડીજેની ધૂન પર જેમ જાનૈયા નાચતા હોય તે રીતે એનો અંતરાત્મા પત્તાં કે પૂલ જેવી વ્યવસ્થાઓ જોઈને તાનમાં આવી ઝુમી ઉઠે છે. કોઈક ફાર્મ હાઉસ, પંચતારક હોટલ, ક્લબ કે પછી કોઈ મિત્રનું ઘર જેવી વ્યવસ્થા એને ઉપલબ્ધ બને એટલે એ સાતમા આસમાને વિહાર કરવા માંડે છે. સૌરાષ્ટ્રમાં તો શ્રાવણ મહિનો અને શિવભક્તિ જુગાર વગર અધુરી રહે તેવું લાગે એમ ગલીએ ગલીએ, વાડીમાં, ફાર્મ હાઉસમાં કે અન્ય અનુકૂળ જગ્યાએ જુગારની મહેફિલ જામી જાય છે. કાયદેસર રીતે જુગાર રમવો કે રમાડવો એ પ્રતિબંધિત છે. પણ કાયદો અને અનુશાસનના તંત્રવાહકો શુકન ખાતર ક્યાંક ક્યાંક કોઈકને ઝપટમાં લઈ લે બાકી મોટા પાયે આંક આડા કાન થતા હોય એવો અનુભવ છે. આ જુગારની સાથે હવે દારુનું પણ ઘુસી ગયું છે અને એટલે જ હાથ કી સફાઈ (1974) ચલચિત્રના પેલા ગીતની પંક્તિઓ યાદ આવી જાય છે.
चन्द्रमुखी हो या पारो
कोई फ़र्क़ नहीं है यारों
यारों को तो जीने का बहाना चाहिए
पीने वालों को पीने का बहाना चाहिए !
આ જુગારવૃત્તિ જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવાર સાથે અને ભાંગનું સેવન મહાશિવરાત્રી જેવા તહેવાર સાથે કેમ જોડી દેવાયું હશે ? આપણા શાસ્ત્રમાં ચાર મહારાત્રિઓ કહી છે – શિવરાત્રી, જન્માષ્ટમી, શરદપૂર્ણિમા (મોહરાત્રિ) અને કાળરાત્રિ-કાળી ચૌદશ (દારુણ રાત્રિ). જન્માષ્ટમી અને મહાશિવરાત્રી આ બન્ને રાત્રિઓ ઉપાસના માટેની અત્યંત પવિત્ર અને ફલદાયક મહારાત્રિઓ છે. શંકર અને શ્રીકૃષ્ણની ઉપાસના માટેનો આ શ્રેષ્ઠ સમય છે. જીવ અને શિવનું અનુસંધાન જોડાય તેવું કરવાને બદલે આ મહારાત્રિઓની પવિત્રતા ખંડિત કરવા માટેની વ્યવસ્થાઓ પણ માણસે જાતે જ કેમ વિક્સાવી હશે ? મારો તર્ક એવું કહે છે કે જેમ પ્રાચીન કાળમાં તપસ્વીઓની તપસ્યા ભંગ કરવા માટે અપ્સરાઓથી માંડીને જાતજાતના પ્રલોભનોની માયા રચાતી હતી તે જ રીતે અત્યારે આ પ્રલોભનો ઉપાસના અને આરાધનાના માર્ગમાં અવરોધક બનવા માટેની વ્યવસ્થાઓ છે. બચી જાવ તો શ્રેયના મારગે આગળ વધો. ભગવાન કોઈએ જોયો નથી પણ જીવન શાંતિ અને સુખમાં વીતે તેમાં કોઈ શંકા નહીં.
સોમાભાઈ પટેલ અને ડૉ. ઓઝાના પ્રસંગમાંથી બે મુદ્દા શીખવા જેવા છે.
પહેલો મુદ્દો નીચેની પંક્તિમાં કહ્યો છે –
સિંહણ કેરુ દૂધ હોય તે
સિંહણ સૂતને જરે
આમ, બધાં બધું જ કરી શકતા નથી એટલે દેખાદેખીથી કશું જ ના કરવું. એ પ્રસાદ હોય તો પણ ભાંગ આપણે ન લીધી હોય તો ન જ લેવાય.
અને બીજો મુદ્દો –
જેવો સંગ તેવો રંગ.
સોમાભાઈની સોબતમાં ડૉ. ઓઝા પણ તબીબ હોવા છતાં લપટાઈ ગયા !
મહાશિવરાત્રીનું એ પર્વ સોમાભાઈએ માંડ માંડ હેમખેમ પસાર કર્યું.
ભગવાન શીવની કૃપા કહેવાયને ?