Thursday, May 14, 2015
જશભાઈ આખરે ગ્રેજ્યુએટ થયા. હવે અધિકૃત રીતે એમના નામ પાછળ બી.ઈ. (સિવિલ) લખાતું થયું. સ્વાભાવિક છે આટલા લાંબા વિદ્યાર્થી જીવન બાદ જ્યારે ડિગ્રી હાથમાં આવે ત્યારે એ પછીની મથામણ પણ કંઈ કમ નથી હોતી. એમાંય આ તો જશભાઈ કટકે કટકે પાસ થઈ અને છૂટક વેપારમાં વકરો કરી મેળવેલ ડિગ્રી એટલે જલ્દી ઈન્ટરવ્યુ પણ ન આવે. અહીંયાં વળી પાછા માદન સાહેબ એમના સંકટ મોચન બન્યા. એક ફેક્ટરીમાં નોકરી માટે વાત પાકી કરી. જશભાઈ ત્યાં ગયા પણ ખરા પણ યુનિયન નામથી ભડકતા માલિકો યુનિયન પ્રવૃત્તિમાં આટલું મોટું ગજુ કાઢ્યું હોય એવા વિદ્યાર્થી નેતાને નોકરીએ રાખતાં ગભરાયા. પ્રયત્ન નિષ્ફળ ગયો. નોકરી માટેની મથામણ ચાલુ રહી. માદન સાહેબના પ્રયત્નો પણ ચાલુ રહ્યા. છેવટે એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ જે અત્યારે ગેરી(GERI)ના નામથી ઓળખાય છે તેના ડાયરેક્ટરશ્રી ઓઝા પીગળ્યા. એમણે જશભાઈને વર્ક ચાર્જ્ડ એન્જિનિયર તરીકે નોકરીમાં લીધા. જશભાઈ કામે લાગ્યા. પાંચ છ વરસ વીત્યાં હશે ત્યાં એક દિવસ એકાએક આ બધા વર્ક ચાર્જ્ડવાળા ઈજનેરોને છુટા કરી દેવામાં આવ્યા. જશભાઈનો પણ આમાં નંબર લાગ્યો. પોતે બેકાર બન્યા એનાં કરતાં સાથી ઈજનેરો બેકાર બન્યા એની વેદના જશભાઈના ટ્રેડ યુનિયન લીડરના આત્માને જગાવી ગઈ. જશભાઈએ ઝંડો પકડ્યો. અત્યાર સુધીની પરિસ્થિતિ કરતાં આ પરિસ્થિતિ જુદી હતી. પહેલાં જશભાઈ ઝંડો ઉપાડે એટલે આખી એમ. એસ. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ એમની પાછળ ઉભા રહી જતા હતા. અહીં તો સરકારી નોકરીયાતો હતા. વળી કોઈ યુનિયન પણ નહોતું. જશભાઈને કદાચ પહેલીવાર સંઘશક્તિના અભાવનો અહેસાસ થયો. બદલાયેલા સમય અને સંયોગોની આ તાસીર હતી. પણ જશભાઈ એટલે ઝુંઝારુ જીવ, એ પહોંચ્યા વિરોધ પક્ષના એવા જ એક તેજતર્રાર નેતા સનત મહેતા પાસે. મહાગુજરાત આંદોલન પછી સનત મહેતાએ મોટું ગજુ કાઢ્યું હતું. એમની વાતનું વજન પડતું. જશભાઈએ સનતભાઈને આ કેસ સમજાવ્યો અને મદદ માટે ટહેલ નાંખી. સનત મહેતાએ ઝંડો ઉપાડી લીધો. ટેલીફોન ઉપાડીને સીધો ફોન ઠપકાર્યો તત્કાલિન માર્ગ અને મકાન વિભાગના મંત્રી પ્રખર ગાંધીવાદી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલને. સામાન્ય વાતચીત કરી એમણે બાબુભાઈ પાસે જશભાઈ માટે સમય લીધો સાથે સાથે જશભાઈને મંત્રીશ્રી સમક્ષ કઈ રીતે મુદ્દાસર વાત કરવી એની સમજ આપી. બાબુભાઈને મળવા જતા હતા ત્યાં રસ્તામાં વડોદરાના બેતાજ બાદશાહ ડૉ. ઠાકોરભાઈ પટેલ મળ્યા. જશભાઈ પાસેથી વિગતો જાણી એમણે તો ચરોતરના પાણીદાર પટેલીયાની તળપદી ભાષામાં તડફડ જે હોય તે કહી દેવાની સલાહ આપી. જશભાઈ આટલી લાંબી યુનિયન કારકીર્દીમાંથી એક વાત શીખ્યા હતા કે કોઈપણ પ્રશ્ન એનો ઉકેલ લઈને જન્મે છે અને યોગ્ય સમયે એનો ઉકેલ નીકળી જ આવે છે. ગુસ્સે થવાથી અથવા વાણી ઉપરને કાબૂ ગુમાવાથી પ્રશ્નનો હલ આવે તો પણ કડવાશ રહી જાય છે. આ તો ગાંધીવાદી ટ્રેડ યુનિયન વિચારધારામાં ઘડાયેલ આગેવાન હતો. એણે ધીરજ અને કૂનેહથી સાચી દલીલોની લોખંડી તાકાતથી ભલભલા પ્રશ્નો ઉકેલ્યા હતા, સત્તાધીશોને પોતાના કર્યાં હતાં. એણે ડૉ. ઠાકોરભાઈને સાંભળ્યા તો ખરા પણ સનત મહેતાના માર્ગદર્શન પ્રમાણે મનમાં ને મનમાં એણે બાબુભાઈ સમક્ષ કરવાની રજૂઆતના તાર ગૂંથ્યા. મંત્રીશ્રીની ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે તત્કાલીન ચીફ એન્જિનિયર કાન્તિલાલ કાંટાવાળા ત્યાં હાજર હતા. જશભાઈએ મુદ્દાસર પોતાની વાત મુકી. જેમ જેમ એ દલીલો આગળ વધારતા ગયા બાબુભાઈના ચહેરા પર સંમતિદર્શક ભાવો ઉપસતા તેઓ જોઈ રહ્યા. એનામાંનો પેલો અનુભવી ટ્રેડ યુનિયન નેતા એને કહી રહ્યો હતો કે તીર નિશાન પર વાગી રહ્યું છે. બાબુભાઈના ચહેરા પરના હકારાત્મક ભાવો ટૂંક સમયમાં જ હકારાત્મક પરિણામમાં પણ પરિણમ્યા. એમણે કાંટાવાળાને સૂચના આપી “લઈ લો.” બહાર આવી ખૂંખાર ગણાતા ચીફ એન્જિનિયર કાંટાવાળાએ જશભાઈના ખભે હાથ મુકી કહ્યું કે “તેમની આટલી લાંબી કારકીર્દીમાં કોઈ મંત્રી પાસેથી આ રીતે સાંભળવું પડ્યું નથી.” ખેર, જશભાઈના પ્રયત્નના કારણે બધા જ છૂટા કરાયેલ વર્ક ચાર્જ્ડ એન્જિનિયરોને સરકારે પાછાં નોકરીએ લઈ લીધા. પણ કરમની કઠણાઈ એવી કે જશભાઈ જ રહી ગયા ! વળી પાછો કાંટાવાળાને કાગળ લખ્યો. થોડાક દિવસ પછી માદન સાહેબ પાસે તેઓ આવ્યા હતા તે સમાચાર મળતાં જશભાઈ સદેહે જ ત્યાં પહોંચી ગયા. તેમની વિતક કથા સાંભળી સાથે આવેલ અધિક્ષક ઈજનેર લાલજીભાઈ ચૌહાણ સામે કાંટાવાળાએ નજર કરી. લાલજીભાઈએ જશભાઈને પોતાના વર્તુળમાં સમાવી લેવા સંમતિ આપી. લાગ્યું જશભાઈનો પ્રશ્ન પતી ગયો. પણ મુસીબતો અને જશભાઈ જાણે એકમેકનો પર્યાય બની ગયાં હતાં. જશભાઈને તે સમયે નવ મહિનાનો દિકરો હતો. એમનું પોસ્ટીંગ થયું સુરત, ત્યાંથી એમને મુક્યા વ્યારા અને વ્યારામાંથી એમને ફેંક્યા ઉચ્છલ નિઝર રોડ ચાલતો હતો તેના કામ ઉપર. આ પારદર્શક ખાદીધારી માણસ કદાચ પીડબલ્યુડીના કલ્ચરમાં ફીટ નહીં થતો હોય એટલે ફંગોળાતો ફંગોળાતો છેક નિઝર પહોંચ્યો. જશભાઈના શબ્દોમાં કહીએ તો “આઠ આનાનાં પુરીશાક ખાઈ દિવસો વીતાવ્યા. પ્રયત્નો ચાલુ રાખ્યા. થોડાક મહિનાઓ બાદ સફળતા મળી. બદલી વડોદરા થઈ.” પણ જશભાઈનું નસીબ અહીંયાં પણ બે ડગલાં આગળ હતું. ત્યાંના કાર્યપલક ઈજનેરને કદાચ જશભાઈનો ચહેરો પસંદ નહીં પડ્યો હોય એટલે વળી પાછા ફંગોળાયા તે જતા પડ્યા છોટા ઉદેપુર !! મુસીબત કેડો મુકતી જ નહોતી. આ પ્રમાણિક માણસને સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. જશભાઈ વ્યવહારુ થાય તેમ નહોતા પરિણામે પીડબલ્યુડીમાં એમની ફૂટબોલ મેચ ચાલુ રહી. જેને તક મળે એ લાત મારી અને ખૂણામાં જ્યાં મલાઈ ખાવાની જગ્યા ન હોય ત્યાં ફેંકી દે. જશભાઈને મલાઈ ખાવામાં બિલકુલ રસ નહોતો. એને કોઈની સાથે દુશ્મની પણ નહોતી પણ આજની દુનિયામાં પ્રમાણિક્તાના પડછાયાથી પણ લોકો ભાગે છે એ અનુભવ જશભાઈને નોકરીમાં જોડાયા પછી થઈ રહ્યો હતો. એનાં બાળકો નાનાં હતાં, કોઈ મલાઈદાર પોસ્ટીંગ જોઈતું નહોતું માત્ર વડોદરા રહેવા મળે તેથી વિશેષ કોઈ અપેક્ષા નહોતી. વળી પાછા એન્જિનિયરીંગ કોલેજના ડીન ડૉ. એસ. એમ. સેન જશભાઈની વારે આવ્યા. એમણે મધ્યસ્થી બની જશભાઈનું પોસ્ટીંગ વડોદરા કરાવ્યું. કોઈ સબ ડિવિઝન એમને લેવા તૈયાર નહોતું ત્યાં બી. જે. વ્યાસ કરીને ડેપ્યુટી એન્જિનિયરે એમનો હાથ પકડ્યો અને જશભાઈની ગાડી વળી પાછી વડોદરાના પ્લેટફોર્મ પર આવી ગઈ !
શું આજ રીતે જશભાઈ નોકરી કરશે ?
પીડબલ્યુડીની આ નોકરીમાં માત્ર ચાર જોડ ખાદીનાં કપડાં જેની મૂડી હતી એવો એક સમયનો વડોદરા યુનિવર્સીટીનો તેજતર્રાર યુનિયન લીડર જશભાઈ ટકી શકશે ખરો ?
જશભાઈની કારકીર્દી હજુ તો શરુ થઈ હતી.
પ્રારબ્ધે એમાં કેવા કેવા પલટા લખ્યા હતા એ કોઈને ખબર નહોતી.
આપણે આ વાત આવતા ગુરુવારે આગળ વધારીશું.