શાસ્ત્રીજીની પાઠશાળા એટલે કે સંસ્કૃત મહાવિદ્યાલય એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હતું, જેમાં મહદ્અંશે શાસ્ત્રીજી સાથે જોડાયેલા હોય તેવા આબરૂદાર સદગૃહસ્થ ટ્રસ્ટીઓ તરીકે હતા. ધીરે ધીરે એ ટ્રસ્ટીઓની જગ્યાએ શાસ્ત્રીજીના કુટુંબના સભ્યો નિમાતા ગયા. શાસ્ત્રીજીના મોટા જમાઈ શ્રી બાબુલાલ પંડ્યા સોલિસિટર હતા અને મુંબઈમાં એમની પંડ્યા અને પુનાવાલા નામે સોલિસિટરની ફર્મ હતી જેની ઓફિસર ફોર્ટ ખાતે આવેલી હતી. પંડ્યાજી એક કુશળ કાનુનવિદ્ અને વિચક્ષણ આયોજક હતા. મહદ્અંશે ટ્રસ્ટને લગતી નિમણુંકો અને અન્ય કાનુની બાબતો એમની સલાહ મુજબ ચાલતી.

શાસ્ત્રીજીના મોટા દીકરા શ્રી આશુતોષભાઈ શાસ્ત્રી મુંબઈ વિલ્સન કોલેજમાં ભણ્યા અને ટેનિસથી માંડી એન.સી.સી. સુધીની ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રણી રહ્યા. ગુજરાતી તખ્તાના એ એક કુશળ કલાકાર હતા અને શરૂઆતથી જ ઈન્ડિયન નેશનલ થિયેટર્સ (આઈ.એન.ટી.) જેવી માતબર સંસ્થા સાથે જોડાયા. એ જમાનામાં ગુજરાતી નાટકના ક્ષેત્રે આઈ.એન.ટી.નો ડંકો વાગતો હતો. આશુતોષભાઈ દેનાબેંકમાં પણ ઘણી નાની ઉંમરે અધિકારી તરીકે પહેલા ભુલેશ્વર બ્રાન્ચ અને ત્યારબાદ વરલી બ્રાન્ચના સિનિયર મેનેજર રહ્યા. નાટકના એમના શોખે બેંકની કારકિર્દિ ઉપર બ્રેક લગાવી નહીંતર આશુતોષભાઈ ચોક્કસ દેનાબેંકના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર કે તેથી પણ ઉપર પહોંચ્યા હોત. પ્રમોશન મળે એટલે મુંબઈ બહાર જવું પડે જે એમની આ નાટ્ય આરાધનાના રસ્તામાં આવતું હતું. પ્રવિણ જોષી, સરિતા જોષીથી માંડી અનેક અગ્રણી કલાકારોની હરોળમાં બેસી શકે એટલી કીર્તિ આ ક્ષેત્રે મેળવી. એક સંજીવકુમાર હીરો હતા તેવા ગુજરાતી ચલચિત્ર “રમત રમાડે રામ” માં એમણે નાની પણ અસરકારક ભૂમિકા નિભાવી. એ જમાનામાં “મોગરાના સાપ”, “મંજુ-મંજુ”, “કૌમાર અસંભવમ્”, “સરી જતી સુંદરી” અને “કૉફીનો એક કપ” જેવાં એમનાં નાટકો પ્રેક્ષકોની દાદ મેળવી ગયા. “રમત રમાડે રામ” ચલચિત્રનું ટાઈટલ સૉંગ મારા મગજમાં એવું તો જડબેસલાક બેસી ગયું કે, એને મેં મારો જીવનમંત્ર બનાવી દીધો છે. આ પંક્તિઓ છે –

કોઈનું મીંઢળ કોઈના હાથે
કોઈનું ભાવિ કોઈના સાથે
કોઈના રથનો કોઈ સારથિ
કોઈને હાથ લગામ
આ તો રમત રમાડે રામ...

આપણા જીવનની એકે એક ઘટનાને પેલો કોઈ અદ્રશ્ય હાથ દોરે છે એ વાત આ પંક્તિઓએ મને શીખવાડી છે. માણસના એકબીજા સાથેના સંબંધો લેણા-દેણી ઉપર જ આધારિત છે અને છેવટે તો લેણા-દેણીનું આ ચક્કર કોઈનું મીંઢળ કોઈકના હાથે બંધાવી દે છે અને કોઈકનું ભાવિ કોઈકના સાથે જોડાઈ જાય છે. કોણ, ક્યારે, કેટલા સમય માટે, કોના રથનો સારથિ બને છે તે આ ઘટના બન્યા પછી જ ખ્યાલ આવે છે. એટલે જ કદાય કહેવાય છે કે, “ધાર્યું ધરણીધરનું થાય” અને “નજાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે”. ઈશ્વરને પણ તેમના કર્મ મુજબ જ વર્તવું પડે છે. કર્મનું બંધન જો એને ન લાગતું હોય તો સાક્ષાત્ નારાયણના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ પારઘીના બાણથી કઈ રીતે થાત ? મહાભારતના યુદ્ધમાં જેનું પરાક્રમ અવર્ણનીય હતું તે અર્જુન કાબા જેવા એક સામાન્ય લૂંટારાના હાથે કઈ રીતે લૂંટાયો ? માણસના સમય અનુકૂળ હોય ત્યારે એ એમ જ માનીને ચાલે છે કે, આ જગતના કેન્દ્રસ્થાને હું છું અને મારા જેવો સમર્થ અને મહાન બીજું કોઈ નથી. નરસિંહ મહેતાએ કહ્યું છે તે મુજબ, આ અજ્ઞાનીને એ ખબર નથી કે –

હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે.

આશુતોષભાઈ નાટ્યભૂમિને જ સંપૂર્ણપણે સમર્પિત હતા. છેલ્લે પણ સુરતમાં “કૉફીનો એક કપ” નાટકના શૉ બાદ મોડી રાત્રે એમની તબિયત લથડી અને કારકિર્દિના મધ્યાહને એ ચાલી નીકળ્યા. આશુતોષભાઈ ફૂલગુલાબી પ્રકૃતિના માણસ હતા. બેઠી દડીનો દેહ પણ પહાડી અવાજ અને કોઈ પણ જાતના અભિમાન વગર નાના સાથે નાના બની જવાની આવડત એમની વિશીષ્ટતા હતી. ખૂબ દૂલો માણસ. સિદ્ધપુરના ઘણા બધાને એમણે દેના બેંકમાં ઠેકાણે પાડ્યા હતા. વેકેશનમાં સિદ્ધપુર આવે ત્યારે કિશોર ભટ્ટ તેમજ તેમના બીજા મિત્રો પણ ક્યારેક સાથે હોય, બહુ રોકાય નહીં પણ રહે તેટલો સમય એમના વ્યક્તિત્વથી આખુંય વાતાવરણ ભરાઈ જાય. શાસ્ત્રીજીની પાઠશાળાના મારા સંસ્મરણોમાં આશુતોષભાઈની આ મુલાકાતોનું એક અલગ ખાનું છે. ક્યારેક મોજમાં હોય અને બધા માટે આઈસક્રીમ મંગાવે તો આખી કોઠી મંગાવે. પછી અધ્યયન મંદિરના ચોકમાં મહેફીલ જામે. મને તેમનો સ્વભાવ ગમતો. રાજા માણસ. અત્યારે આટલે જ અટકું છું કારણકે વાતને શાસ્ત્રીજીની સંસ્કૃત મહાવિદ્યાલયવાળી જગ્યામાંથી આગળ લઈ જવી છે. આશુતોષભાઈ માટે મારે હજુ ઘણું લખવાનું છે જે માટેનો યોગ્ય સમય આગળ જતાં આવશે.

અગાઉ જણાવ્યું તેમ શાસ્ત્રીજીની પાઠશાળાની બરાબર સાથે જ જોડાયેલી જગ્યા હતી એમનું નિવાસસ્થાન. લગભગ સાડા છ વીઘા જેટલી આ જમીન જયદત્ત શાસ્ત્રીજીની પોતાની અંગત માલિકીની હતી. આ જમીનમાં જ એમનું નિવાસસ્થાન જે એક બેઠા ઘાટનું મકાન હતું. આ મકાનની પૂર્વ-પશ્ચિમ બંન્ને બાજુ ચોક હતો. પૂર્વમાં ગોળ ગુંબજવાળી બે ઓરડીઓ હતી. જેમાંની ઉત્તર તરફ આવેલી એક ઓરડીનો ઉપયોગ બાથરુમ તરીકે થતો. જ્યારે દક્ષિણના છેડે આવેલી રુમનો ઉપયોગ વલોણું કરવા માટે થતો. આ બંગલાની પશ્ચિમે ખડાલિયા હનુમાન જવાનો રસ્તો પડતો અને ત્યાં એક લાકડાની ફ્રેમનો લોખંડની પટ્ટીની જાળીવાળો ઝાંપો હતો. એ દિશામાં બે પગથિયાં ઉતરીએ એટલે પીલ્લરની બંન્ને બાજુ બે આસોપાલવ હતા અને થોડે આગળ જઈએ એટલે એક ત્રીજો આસોપાલવ. પશ્ચિમ તરફના ચોકમાં પણ ખુલ્લી થાંભલીઓ ઉપર કલાત્મક રીતે ભરાયેલ ધાબાવાળી બે ઓરડીઓ હતી જેને અમે બાળાદરી કહેતા. લાયબ્રેરી બાજુથી બંગલા તરફ આવવાની સીમ વટાવીએ એટલે ડાબા હાથે એક આંબલીનું ઝાડ હતું અને આગળ વધીએ તો ચોકમાં દાખલ થતાં પહેલાં વલોણાવાળી રુમને અડીને એક મોટું બોરસલ્લીનું ઝાડ હતું જેના ઉપર ઢગલાબંધ બોરસલ્લાં બેસતાં અને ચોમાસાની શરુઆતમાં આ બોરસલ્લીના નાના પણ સુગંધીત ફૂલોથી સવારમાં નીચેની જમીન છવાઈ જતી. ચોમાસામાં એકબાજુ દેશી મહેંદીને મોર આવ્યો હોય, પારિજાત ખીલ્યો હોય, મોગરો, જૂઈ અને ચમેલીને ફૂલ આવ્યા હોય ત્યારે ભાદરવા મહિનાની કોઈક રાત્રે અહિંયાથી પસાર થવાનું થાય તો વાતાવરણમાં મધમધતી એક માદક સુગંધ મગજને તરબતર કરી દેતી. આ બોરસલ્લીથી પશ્ચિમમાં પાછળના ચોકમાં જવાને રસ્તે પણ એક આસોપાલવ હતો.

પશ્ચિમ તરફના ભાગમાં ત્રણ આંબા હતાં. તેમાંનો એક સાવ નીચા ડાળાંવો અને ગોળાકાર ફેલાયેલો કલમી આંબો હતો જેની કેરી કાપીને ખાવાતી. બાકી એ આંબા રસની કેરીના હતા. લગભગ દરવાજાને અડીને આવેલ આંબા પાસે એક ઝૂંપડું હતું, જેમાં માલાજી ભીલ અને તેનો પરિવાર પત્ની શાંતાબેન તેમજ કર્મીડો, પ્રતાપ અને કેશવ એમ ત્રણ છોકરાં હતાં. આ માલાજીની પત્ની શાંતા વાસણ-કચરાનું કામ કરતી. માલાજી લાટીમાં લાકડા ફાડવાનું કામ કરતો. એક દિવસ આ ઝૂંપડીમાં આગ લાગી અને એની પત્ની એમાં દાઝી અને મૃત્યુ પામી. પછી એ બીજે રહેવા ગયો ત્યારબાદ એક ઠાકોર પરિવાર અહીં રહેવા આવેલું જેને એક દીકરો અને બે દીકરીઓ હતાં.

બંગલામાં પાંચ રુમ અને બન્ને બાજુ ઓસરી હતાં. આમાંથી એક રુપ પૂજા માટે વપરાતો એની બરાબર સામેનો બીજો રુમ રસોઈ માટે વપરાતો. બરાબર મધ્યનો રુમ શાસ્ત્રીજીનો બેઠક રુમ હતો. દિવસ દરમ્યાન એ લાકડાની પાટ ઉપર ત્યાં જ બેસીને અધ્યયન, વાંચન કે લેખનકાર્ય કરતા. જમ્યા બાદ આરામ પણ ત્યાં જ કરતા. ઉનાળામાં આ રુમના પશ્ચિમ તરફનાં બારણાંને નદીની રેતમાં ઉગતી એક કાંટાળી વનસ્પતિ જવાહાની ગુંથણી કરીને તટ્ટી બનાવતા જેને પાણી છાંટી બપોરના સમયે શાસ્ત્રીજીને ઠંડકમાં આરામ કરવા મળે તેવી વ્યવસ્થા કરાતી. આ દરમ્યાન એક વિદ્યાર્થી આ પાણી છાંટવાના તેમજ શાસ્ત્રીજીના પગ દબાવવા માટે રહેતો.

આ રુમમાં પશ્ચિમ તરફ મોં કરીને ઉભા રહીએ તો ડાબા હાથે શાસ્ત્રીજીનો શયનખંડ હતો જ્યારે જમણા હાથે મહદઅંશે બાકીના બધા કુટુંબીઓ બેઠક જમાવતા. આ રુમમાં એક લાકડાની પાટ હતી જેનો બેસવા માટે ઉપયોગ થતો.

જયદત્ત શાસ્ત્રીજી એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ, ખૂબ ઉગ્ર સ્વભાવ અને બુલંદ પહાડી અવાજ. બનારસ જઈ એમણે અભ્યાસ કર્યો અને દર્શન શાસ્ત્રમાં નિપૂણતા મેળવી. એવું કહેવાય છે કે આ દરમ્યાનમાં ક્યાંકને ક્યાંક તેઓ આ દેશની આઝાદી માટે લડતા. ક્રાંતિકારીઓના પણ સંપર્કમાં આવ્યા હતા અને થોડીક ભૂગર્ભ પ્રવૃત્તિ પણ ચલાવી હોવાનો પણ ઈતિહાસ હતો. શાસ્ત્રીજી દાંતાના રાજવી કુટુંબના ગુરુ/પુરોહિત પણ હતા એટલે દાંતા સ્ટેટ સાથે એમનું જોડાણ રહ્યું. સવારમાં મોડા ઉઠે, પણ રાત્રે સૂએ પણ દોઢ-બે વાગ્યે. સાંજના સમયે સિદ્ધપુરના કેટલાક અગ્રણી સદગૃહસ્થોમાંથી કોઈનું કોઈ એમને મળવા આવે. પશ્ચિમ બાજુના ચોકમાં એ બેઠક જામે દુનિયાભરની વાતો અને સિદ્ધપુરની નવા-જૂની પણ ચર્ચાય. આ બધા મોડા સુધી બેસે ખરા પણ અંધારું હોય તો પશવાદળની પોળ સુધી કોઈકને કોઈક વિદ્યાર્થી ફાનસ લઈ એમને મુકી આવે. આ અગ્રણીઓમાં શ્રી ભગવાનભાઈ ભટ્ટ, શ્રી નટવર ગુરુ, શ્રી ઈશ્વર ગુરુ, શ્રી ભાઈશંકરભાઈ પંડ્યા, શ્રી ભોળાનાથભાઈ વ્યાસ, શ્રી ભાનુભાઈ શુકલ (ઉપલી શેરી), શ્રી નટવરલાલ શાહ (ગોલવાડ) વિગેરેનો સમાવેશ થતો. આ ઉપરાંત શાસ્ત્રીજી પાસે સંસ્કૃત શીખવા સિદ્ધપુરમાંથી પણ કેટલાક હાઈસ્કુલ / કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો આવતા.

શાસ્ત્રીજીનો ઉગ્ર સ્વભાવ એ એમના વ્યક્તિત્વનો ભાગ ગણીએ તો એમનો અનુસરવા જેવો બીજો ગુણ હતો જાણ્યું અજાણ્યું કરવાનો. ગમે તે પ્રવૃત્તિ ચાલતી હોય કે કોઈ ચર્ચા ચાલતી હોય, શાસ્ત્રીજી ત્યાંથી કોઈ કારણસર નીકળે અને પૂછે કે શેની ચર્ચા ચાલે છે ? શું આટલો બધો અવાજ આવે છે ? અને પૂજ્ય હીરાબા કે અન્ય કોઈ જવાબ આપે, “ના ના કંઈ નથી એ તો એમ જ.” અથવા અમે કોઈ રમત રમતા હોઈએ અને તેમાંય ખાસ કરીને પાનાં રમતા હોઈએ અને એમની નજર જાય અને પૂછે – “શું કરો છો ?” અને ભાઈ પતંજલી અથવા નાની બેન જવાબ આપી દે – “ના...ના કંઈ નથી બેઠા છીએ.” તો વાત પતી જાય. પછી શાસ્ત્રીજી ચોળીને ચીકણું ન કરે. આ પ્રસંગો પરથી હું જીવનમાં એક વાત શીખ્યો છું ક્યારેક કોઈ તમારી આમન્યા જાળવવા અથવા મર્યાદાભંગ ન થાય તે માટે વાત દબાવી દે તો ચોળીને ચીકણું ન કરવું. મારા વર્ગખંડોમાં પણ મેં વર્ગ એક અથવા વર્ગ બેના અધિકારીઓને ભણાવતાં આ વાતને જુદી રીતે અનેક વખત સમજાવી છે. ક્રિકેટની મેચ ચાલતી હોય અને તે રસપ્રદ તબક્કામાં હોય ત્યારે જો કોઈ ટેબલ પર ભેગા થઈને બધા ટ્રાન્ઝીસ્ટરથી કોમેન્ટ્રી સાંભળતા હોય, પણ તમે જેવા ઓફિસમાં દાખલ થાઓ કે ચૂપચાપ વિખેરાઈ જઈ પોતાની જગ્યાએ બેસી જાય તો એને એ જ સમયે પેલા ટ્રાન્ઝીસ્ટરવાળા ભાઈને કે બીજા કોઈને દબડાવી નાંખવાની જરુર નથી. મેચ રસપ્રદ તબક્કે હોવા છતાં કોમેન્ટ્રી બંધ કરી બધા વિખેરાઈ ગયા તે બતાવે છે કે તેમણે તમારી આમન્યા જાળવી છે. વખત આવે ટકોર ચોક્કસ કરી શકાય પણ એ તે વખતે ચોળીને ચીકણું કરશો તો મર્યાદા તૂટશે અને એકવાર મર્યાદા તૂટી એટલે વાત પુરી થઈ જશે.

આ જ રીતે કુટુંબના મોભી કે વડીલ પણ ક્યાંકથી પસાર થતા હોય, કૉલેજમાં ભણતો એમનો દીકરો પાનના ગલ્લે ઊભો રહી સિગારેટ પીતો હોય અને દૂરથી જૂએ કે તમે આવી રહ્યા છો તો અને સિગારેટ ફેંકી દે. ત્યાંથી વિદાય થઈ જાય તો એ ને એ ઘડીએ એની ઝડતી લેવાનો કોઈ અર્થ નથી. તમે જોયું ન જોયું કરશો તો મર્યાદા જળવાશે. સમય આવ્યે આ જ વાત એને શાંતિથી બેસાડીને કહેશો તો એ માનશે પણ ખરો. આવું નહીં કરો અને જાહેરમાં એનું સ્વમાન ઘવાય એવું ઘરમાં અથવા બહાર ક્યાંય પણ કરશો તો ફરી વખત તમારા દેખતા સિગારેટ ફૂંકશે. મર્યાદાનો આ પડદો બહુ બારીક હોય છે. એ તૂટે નહીં તે જ ઊભયપક્ષના હિતમાં છે. શાસ્ત્રીજીનો આ સ્વભાવ મને ગમતો. હું ઘણા બધા લોકો પાસેથી ઘણું બધું શીખ્યો છું. હજી પણ શીખું છું (તો પણ હજી ઘણું શીખવાનું બાકી છે). જયદત્ત શાસ્ત્રીજી પાસેથી શીખેલો આ પાઠ મને જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી બન્યો છે.

શાસ્ત્રીજીનો તાપ ખૂબ હતો તે વાત અગાઉ કહી. ક્યારેક આમાંથી રમૂજપ્રેરક પ્રસંગો પણ બનતાં. તેમની પાસેથી આવતા સદગૃસ્થોમાંથી એક નો દીકરો ભણવામાં તો ઠીક, પણ બાકી બધી રીતે તોફાની. ગાળાગાળીમાં તો એનો નંબર આવે. એને સુધરવા માટે શાસ્ત્રીજીના ત્યાં મૂક્યો. એક વખત આગળના ચોકમાં અમે બધા બેઠા બેઠા ગપ્પાં મારતા હતા શાસ્ત્રીજી ત્યાંથી નીકળ્યા. પેલા ભાઈને ઉદ્દેશીને એમણે કહ્યું, “રમણ (નામ બદલી નાખ્યું છે) હજુ પણ તું અપશબ્દો બોલે છે ?” પેલા ભાઈએ સમજણ પડી કે નહીં, પણ ફટાક દઈને જવાબ આપ્યો, “હા દાદા બોલું છું ને.” કદાચ એ અપશબ્દોને કોઈ પ્રાર્થના સમજ્યો હશે. અમે આ બધું સમજતા હતા, પણ શાસ્ત્રીજીની હાજરીમાં હસાય કઈ રીતે ? આ દિવસે ખડખડાટ હાસ્ય રોકી રાખતાં ખૂબ જહેમત પડી હતી એ હજુ યાદ છે.

આવો જ એક નાનો પ્રસંગ ભાઈ પતંજલિની યજ્ઞોપવિત વખતે બન્યો. વિધિ ચાલી રહી હતી. હવે વાળ ઉતરાવવાનો તબક્કો આવ્યો. શાસ્ત્રીજીને કોઈને કહ્યું, “નાપિતને બોલાવો.” આજુબાજુવાળા પરમ વિદ્વાન એટલે એકબીજાનાં મોઢાં જોતા હતા ત્યાં જ જ્યંતિભાઈ શાસ્ત્રીએ ફોડ પાડ્યો કે પેલા વાળંદને બોલાવી દો. હવે વાળ ઉતરાવી ટકો કરાવવાનો છે. આમ, ક્યારેક અમારી સમજશક્તિની મર્યાદાઓને કારણે આવા છબરડા પણ થતા અને એમાંથી ક્યારેક આખી જિંદગી યાદ રહી જાય એવો બોધપાઠ પણ મળી રહેતો.

દાર્શનિક શિરોમણી

જયદત્ત શાસ્ત્રી

સિદ્ધપુરે પેદા કરેલાં રત્નોમાંનું એક મોંઘેરું રત્ન.

વિદ્વાન, પણ.... તેજસ્વિતાની સાથે સૂર્યના તાપ જેવો ગુસ્સો પણ ખરો.

નખશીખ સ્વમાની.

એમણે ધાર્યું હોત તો ખાસ્સું કમાઈ લીધું હોત.

એમના સ્વમાને એમને આ ક્યારેય ન કરવા દીધું.

આ કક્ષાનું વ્યક્તિત્વ જો બનારસમાં રહી ગયું હોત તો ?

પંદર વરસ સુધી એમણે લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનિક પુસ્તકાલયનું.

પ્રમુખપદ શોભાવ્યું.

દાંતાના એ રાજપુરોહિત.

આંજી દે તેવું વ્યક્તિત્વ.

અફ્સોસ માત્ર એક જ વાતનો,

સિદ્ધપુર આ તેજસ્વીતાને ન સહન કરી શક્યું ન સ્વીકારી શક્યું.

કદાય કપિલદેવની આ તપોભૂમિમાં બીજા ક્ષેત્રે સિદ્ધ-સ્વીકૃત નહીં બનતા હોય એવું હશે ?

જયદત્ત શાસ્ત્રી અને આશુતોષ શાસ્ત્રી

આ બે વ્યક્તિત્વની સુવાસ સિદ્ધપુરની સીમા બહાર પણ વિસ્તરી.

એમની કાબેલિયત અને તેજસ્વીતા એ જ તેમની ઓળખાણ બની.

અફ્સોસ ! સિદ્ધપુર એમને ન ઓળખી શક્યું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles