દિવાળી પર્વનો ત્રીજો દિવસ એટલે કાળી ચૌદશ.
- શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ કર્યો. એણે કેદમાં રાખેલ લગ્નયોગ્ય ઉમંરની સોળ હજાર રાજકુમારીઓને મુક્ત કરી. એમના ભાવથી પ્રેરિત થઈ એમને આશીર્વાદ આપ્યા. મરતા સમયે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે વચન માગ્યું – “આ તિથિએ બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહીં.” પરિણામે કાળી ચૌદશનો આ દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને શ્રદ્ધાળુઓએ સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું શરૂ કર્યું. આ સ્નાનને ગામડામાં તારોડીયું કહે છે.
- કાળીચૌદશ ચાર મહારાત્રી એટલે કે શિવરાત્રી, જન્માષ્ટમી, શરદપૂર્ણિમા, મોહરાત્રી અને કાળરાત્રી – કાળીચૌદશ (દારૂણ રાત્રી) છે. આ રીતે શક્તિ અને હનુમાનજીના તંત્રપૂજનનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, ભૈરવ, રૂદ્ર જેવાં ઉગ્ર દેવી-દેવતાઓની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે.
- હિંદુ ઉપરાંત જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તાંત્રિક વિધિ થાય છે જે માટે કાળી ચૌદશનું વિશિષ્ટ મહત્વ છે. મહાકાળી તરીકે ઓળખાતું મા દુર્ગાનું આ સ્વરૂપ સર્વનાશ અને પ્રલયનું પ્રતિક છે. ભારતીય મીમાંસામાં કાળીને કાળની દેવી, અંતિમ સત્ય અને બ્રહ્મરૂપે પણ પૂજાય છે.
- તંત્રશાસ્ત્રોમાં દસ મહાદેવી કાલી, તારા, ત્રિપુરાસુંદરી (ષોડશી), ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ઘુમાવતી, બગલામુખી, માતંગી અને કમલામા - મા કાલીનો આ પ્રમુખ આરાધ્ય મહાદેવીઓનો સમાવેશ થાય છે.
- પુરાણો મુજબ, રક્તબીજ નામના અસુર સાથેના સંગ્રામ સમયે દેવીની ભૃકુટીમાંથી અતિશય કાળી અને વિકરાળ શક્તિ ઉત્પન્ન થઈ જેના એક હાથમાં કૃપાણ, બીજા હાથમાં પાશ, ત્રીજામાં ખપ્પર અને ચોથામાં લોહી નીતરતું કપાયેલું મસ્તક છે. આ કાલીએ રક્તબીજનું માથું કાપીને એને ખપ્પરમાં ઝીલી લીધું અને તેનાં રક્તનું એક ટીપું પણ જમીન પર ન પડ્યું તે રીતે ચૂસી લઈ રક્તબીજનો નાશ કર્યા બાદ યુદ્ધનાં ઉન્માદમાં પ્રસન્ન કાળીએ સમરાંગણમાં મહાભયંકર નૃત્ય આરંભ્યું, જેનાથી સમગ્ર વિશ્વ થરથરવા લાગ્યું. કાળીને રોકવા સ્વયં શિવ અસુરોના મૃતદેહો વચ્ચે સૂઈ ગયા. જેવો કાળીનો પગ શિવ પર પડ્યો, પોતાના પતિ પર પગ આવવાના કારણે શરમથી તેમની જીભ બહાર નીકળી ગઈ અને નૃત્ય અટકી ગયું. આ કારણે કાળીની મોટા ભાગની પ્રતિમા અને મૂર્તિઓમાં માતાજીની જીભ બહાર નીકળેલી દેખાય છે.
- એવી માન્યતા છે કે, નરક ચતુર્દશીના દિવસે જેટલું તેલ બળે તેટલો કકળાટ ઓછો થાય. આ દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે. આ વસ્તુઓ એક કોડિયા કે પડીયામાં મૂકી ચાર રસ્તે મૂકી આવી એની આજુબાજુ પાણીનું કૂંડાળું કરવામાં આવે છે. કેટલાંક આમાં દીવો પણ મૂકે છે. આ વિધિને કકળાટ કાઢવો કહેવાય છે. સાંકેતિક રીતે જોઈએ તો સામે દિવાળીનો તહેવાર છે ત્યારે મનમાં કોઈ પણ પ્રકારની ગ્લાનિ કે રોષનો કકળાટ હોય તો દિવાળીનો ઉલ્લાસ ફિક્કો પડી જાય એટલે આ દિવસે કકળાટ કાઢવાની વાત કરીએ છીએ. આમ તો મન જ સુખ અને દુઃખનું કારણ છે. મનમાં સુખ તો દિવાળી અને દુઃખ તો હોળી. માણસનું મન એને મારી નાખવા માટેનું મોટું કારણ બનીને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, ડિપ્રેશન જેવા રોગોને કંકોત્રી લખી બોલાવે છે. આ બધામાંથી બચવું હોય તો ઘરમાંથી કકળાટ કાઢી સાથે મનમાંથી પણ કાઢીએ.
- વરસ દરમિયાન કોઈની પણ સાથે મન ઊંચું થયું હોય તો આ દિવસે મનમાંથી બધું કાઢી નાંખી જીવન કકળાટ વગરનું બની જાય તેવી કામના કરીએ.
- કાળી ચૌદસની રાત્રે મારી મા ઘી અથવા દિવેલના દીવા ઉપર કાંસાની વાટકી ધરી મેશ પાડતી અને પછી આંખમાં આંજતી. એ કહેતી, “કાળી ચૌદશના આંજ્યા કોઈના ન જાય ગાંજ્યા.” મૂળ તો દિવેલની અથવા ચોખ્ખા ઘીની મેશ આંખનું તેજ વધારે છે. તે ભાવના આની પાછળ રહેલી છે.
- ઘરમાં સૌથી વડીલ સભ્ય હોય તે કેટલીક જગ્યાએ એક હાથમાં દીવો લઈ ઘરને ખૂણે-ખાંચરે ફરી વળે છે અને પછી એ દીવો ઘર બહાર મૂકી આવે છે. ઘરના સભ્યો એ દરમિયાન ઘર બહાર નીકળતા નથી. દીવાના દર્શન પણ કરતા નથી. આ દીવો યમરાજનો દીવો કહેવાય છે. આમ કરવાથી ઘરની નકારાત્મક શક્તિઓ અને આવનાર આપત્તિઓથી ઉગરી જવાય તેવી માન્યતા છે.
- શનિની પનોતી ચાલતી હોય તેમના માટે હનુમાનજી અથવા ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના ઉપકારક છે. આ તિથિએ વિજાપૂર પાસે આવેલ મહુડી તીર્થમાં ભગવાન ઘંટાકર્ણજીનું હોમ અને પૂજા થાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે.