Monday, January 9, 2017
વળી પાછી પેલી આગાહી મગજમાં ઘુમરાવા માંડી. એમાં નિર્દેષીત સમયગાળામાં જ મારે ત્યાં બીજા પુત્રનો જન્મ થયો. આમ, અત્યાર સુધી પેલો ભવિષ્યવેતા આશ્ચર્યજનક રીતે સાચો પડ્યો હતો. હવે એનો છેલ્લો ભાગ બાકી રહેતો હતો એ મુજબ મારા બીજા પુત્રના જન્મના ત્રણ મહિનામાં મારે વડોદરુ છોડવું પડે તેમ લાગતું હતું. વડોદરા માટેનું આકર્ષણ અને પ્રેમ હજુ પણ અકબંધ હતાં. આમ છતાંય મનમાં ઉંડે ઉંડે ક્યાંક એક આછીપાતળી સ્વીકૃતિની રેખા પણ દોરાતી જતી હતી. કારકીર્દીની તો હજુ શરુઆત હતી. આ પરિસ્થિતિમાં બધી તકો ઘરે બેઠા સામે આવીને જ મળે અને બધું ધાર્યા મુજબનું જ થાય એવું બનવાનું નહોતું એ પણ તાર્કિક રીતે સ્વીકૃત હકિકત હતી. જ્યાં સુધી હાઉસીંગ બોર્ડની નોકરીનો સવાલ હતો ત્યાં સુધી બધું અત્યંત સરળ રીતે ચાલતું હતું. આ પણ એક આવનાર બદલાવનો સંકેત હતો એમ મારું આંતરમન કહી રહ્યું હતું. સાહિત્ય પ્રત્યેના ઉંડા લગાવ અને રસને કારણે મારી વાંચન પ્રવૃત્તિ ઠીક ઠીક રહેતી. લખવાનું હજુ શરુ કર્યું નહોતું. એ અરસામાં જ જાણે મારા માટે જ લખાઈ હોય તેવી કવિશ્રી સુંદરજી બેટાઈની કવિતા “અલ્લાબેલી” મારા વાંચવામાં આવી. મેનેજમેન્ટનો કોઈ મોટીવેશનલ કોર્સ કરીએ તો પણ કદાચ જેટલો આત્મવિશ્વાસ ઉભો ન થાય તેટલી જોરદાર આત્મવિશ્વાસ ઉભો કરવાની શક્તિ આ કવિતાના શબ્દે શબ્દમાં ભરી છે. મારા જીવનમાં જ્યારે જ્યારે કોઈ પડકાર અથવા કટોકટી ઉભી થઈ છે. મને સહારો આપી વળી પાછો દોડતો કરવામાં જે પરિબળોએ ભાગ ભજવ્યો છે તેમાંનું એક આ કવિતા છે. આજે પણ હું માનું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કવિતા દ્વારા પુરાયેલું જોમ વ્યક્તિને લડી લેવા માટેની અખૂટ પ્રેરણા પુરી પાડે છે. મારા એક ઈન્ટરવ્યુમાં એકવખત મને પૂછાયું હતું કે “તમે કયા પ્રકારનું જીવન પસંદ કરશો ?” ત્યારે મેં બેધક જવાબ આપેલો કે “એવું ખુમારીવાળું જીવન જેમાં જીવનની બધી જ કમાણી દાવ પર લગાવી કદાચ હારી જવાય તો વળી પાછી એકડે એકથી પુનશ્ચ હરિઓમ કરીને મથામણ કરવાનું મન થાય એવી ખુમારીવાળું જીવન મારી પસંદ છે.” કવિશ્રી બેટાઈ પણ આજ પ્રકારનું જોમ પ્રેરતી વાત “અલ્લાબેલી”માં કરે છે. આ કવિતામાંથી એક શબ્દ પણ કાપ્યા વગર હું એને જેમની તેમ અહીંયા ઉતારું છું. કદાચ મારા જેવા બીજા અનેકનાં જીવનમાં જોમ પુરવાનું નિમિત્ત આ કવિતા બની શકે એવો મારો ઉદ્દેશ છે.
“અલ્લાબેલી”
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.
આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!
– સુંદરજી બેટાઇ
આમ, કારકીર્દીની શરુઆત હતી. અંતરમાં ઉમંગો હતા. કંઈક નવું કરવાની, નવું પામવાની આશાઓ હતી. સાવ બેફિકરુ જીવન હતું. કોઈ મોટી જવાબદારીઓ નહોતી તે જ રીતે કોઈ મોટા ખરચા પણ નહોતા. આ કારણથી નિર્ણયો લેવાની સ્વતંત્રતા હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના એક શૌર્યગીત “આતમ વીંઝે પાંખ”ની પંક્તિઓ યુવાનીમાં અનેકને કંઈક આ રીતે દોરે છે.
“અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.”
આ બધી ગડભાંજ મનમાં ચાલુ હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા ત્યાં એક દિવસ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)ની માર્કેટીંગ અને પ્લાનીંગ ઓફિસરની સીધી ભરતી માટેની જાહેરાત આવી. આ જાહેરાત વાંચીને થોડીક નવાઈ લાગી. કારણકે આ જગ્યાએ મારી જ બેચનો મિકેનિકલ એન્જિનિયર અને આઈઆઈએમ, અમદાવાદનો એમબીએ ભાસ્કર વિભાકર કામ કરતો હતો. મેં ઓફિસ જઈને એને ફોન જોડ્યો. ભાસ્કર અને હું એક જ હોસ્ટેલમાં નજદીકના પાડોશી પણ હતા. એમ.એસ. યુનિવર્સીટીની પોલીટેકનીક-2 એટલે કે મોક્ષગુંડમ વિશ્વેસરૈયા હોલ (એમ.વી. હોલ)ના રુમ નંબર સાડત્રીસમાં હું પાંચ વરસ રહ્યો. ભાસ્કર ઓગણચાલીસમાં રહેતો હતો. આ કારણથી બ્રાંચ જુદી હોવા છતાં પણ અમારો પરિચય નજદીકી હતો. ભાસ્કરને મેં પૂછ્યું કે આ તારી પોસ્ટ માટેની જાહેરાત કેમ આવી છે ? એણે કહ્યું કે તે રાજીનામું આપી જીઆઈડીસી વટવામાં કેનેડીયન કોલાબોરેશનથી પ્રિફેબ્રીકેટેડ હાઉસીંગ કોમ્પોનેન્ટસ બનાવતી કે.જે. સ્પાઈરોલ નામની કંપની જે કિશન મહેતા નામના એક પ્રજાસમાજવાદી કમ કોંગ્રેસી આગેવાને સ્થાપી હતી તેમાં જનરલ મેનેજર તરીકે જોડાવાનો હતો. વાતવાતમાં એણે ટીખળ કરી “આવવું છે અહીં ?” મારા સ્વભાવ મુજબ મેં એને જવાબ આપ્યો “શા માટે નહીં ? કાલે જ આવું છું તને મળવા.” ત્વરિત નિર્ણયો એ મારી સ્વભાવગત નબળાઈ રહી છે. આમ તો સાત ગળણે ગળીને પાણી પીવું એ ડહાપણની નિશાની છે પણ મારી જીંદગીમાં મોટા ભાગે પાણી મળે ત્યારે ગળણું શોધવા જવા જેટલી ધીરજ આજ દિવસ સુધી કેળવી શક્યો નથી. ભાસ્કરને કહ્યું હતું તે મુજબ બીજા દિવસે સવારે જ ગુજરાત ક્વીન પકડી અમદાવાદ પહોંચ્યો અને સીધો ફડીયા ચેમ્બરની મેઝેનીન ફ્લોર પર આવેલ ભાસ્કર વિભાકરની કેબિનમાં જઈ પહોંચ્યો. જીઆઈડીસી કેન્ટીનની ચાની ચૂસકી લેતાં લેતાં મેં ભાસ્કર પાસેથી વિગતવાર જાણકારી મેળવવા માટે વાર્તાલાપ ચલાવ્યો. ભાસ્કરની કેબિનમાં તે દિવસે લીધેલ ચાની ચૂસકી સામેની ખુરશીમાં બેસીને નહીં પણ માર્કેટીંગ અને પ્લાનિંગ અધિકારી તરીકે લેવાનું મારું ભવિષ્ય લખાઈ ચૂક્યું છે તે ખ્યાલ ત્યારે નહોતો. ભાસ્કર પાસેથી જીઆઈડીસીની પ્રવૃત્તિને લગતું લીટરેચર તેમજ અન્ય સંબંધિત માહિતી લઈ હું નીચે ઉતર્યો અને ટાઉનહોલ પાસે આવેલ હેવમોરમાં છોલેપુરીનો નાસ્તો કરી વડોદરા જવા માટે વિદાય થયો.
બીજા દિવસે સવારે ઓફિસ જઈ મેં રાધેશ્યામને મારી કેબિનમાં બોલાવ્યો. આજનું ડીક્ટેશન સાંભળી થોડીવાર એણે પણ આશ્ચર્યનો આંચકો અનુભવ્યો. મેં અગાઉ પણ લખ્યું છે રાધેશ્યામ મારી ટીમનો એક ભાગ બની ચૂક્યો હતો અને પરસ્પર પ્રત્યેના સ્નેહના તાંતણે અમે જોડાયા હતા. રાધેશ્યામે ડીક્ટેશન પૂરું કર્યું અને જતાં પહેલાં મારી સામે વેધક દ્રષ્ટિથી જોયું. એનાં શબ્દો હતા – “સાહેબ ! તમે હવે અહીં થોડા દિવસ છો.”
મેં હસતા હસતા કહ્યું કે “જ્યોતિષનો ધંધો પણ સાઈડમાં શરુ કર સારો ચાલશે.” આજે પણ મને રાધેશ્યામનો જવાબ એવો ને એવો યાદ છે- “સાહેબ ! મેં આટલો વખત તમારી સાથે કામ કર્યું છે. તમે જો ધારશો તો અહીંયા જતા તમને કોઈ નહીં રોકી શકે.”
રાધેશ્યામ કદાચ સાચો હતો. મારા મનમાં પણ આ આત્મવિશ્વાસ ભાસ્કર સાથેની ચર્ચા બાદ બંધાયો હતો. મેં અરજી રજીસ્ટર એડીથી જીઆઈડીસીના વહિવટી અધિકારીને મોકલી આપી. પણ...
સાચું કહું તો હું જરાય ગંભીર નહોતો. મારું મન તો હજુય આઈઆઈએમ, અમદાવાદના એ કેમ્પસમાં ચોંટ્યું હતું. મારે એફબીએ માટે આઈઆઈએમમાં દાખલ થવું હતું. મેં એ માટેની તૈયારી જોરશોરથી શરુ કરી અને એની એન્ટરન્સ એક્ઝામ પણ આપી દીધી.
પરીક્ષા આપ્યા બાદ મારો આત્મવિશ્વાસ બુલંદ હતો.
મારા મત પ્રમાણે મેં ખૂબ સારું કર્યું હતું.
આ લેખિત કસોટીમાંથી પાર ઉતરવાની મને શ્રદ્ધા હતી.
અને...
બન્યું પણ એવું જ.
એક દિવસ ટપાલીએ આઈઆઈએમ અમદાવાદના લોગોવાળું કવર બારણા નીચેની મારા ઘરમાં સરકાવ્યું.
મેં લગભગ ઝપટ મારીને એ ઉંચકી લીધું.
મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા.
કવર તોડી એમાંનો પત્ર બહાર કાઢી એના પર ઝડપથી નજર ફેરવી.
મારો આત્મવિશ્વાસ ફરી એકવાર સાચો પડ્યો હતો.
મેં એન્ટરન્સ ટેસ્ટની એ પરીક્ષા પાસ કરી હતી એવું એ પત્રમાં જણાવ્યું હતું અને ગ્રુપ ડીસકશન તેમજ પર્સનલ ઈન્ટરવ્યુ માટે હાજર રહેવાની તારીખ તેમજ સમય જણાવ્યા હતા.
એ પત્ર માથે મુકીને નાચી ઉઠવાનું મન થઈ ગયું.
મારું સ્વપ્ન સાચું પડી રહ્યું હતું.
ગ્રુપ ડીસકશન અને ઈન્ટરવ્યુમાં કોઈ મુશ્કેલી આવે એવું લાગતું નહોતું.
આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થી તરીકેનું મારું નવું સિરનામું માનસપટલ પર ઉપસી આવ્યું.
માણસ કેવી કેવી કલ્પનાઓ કરે છે નહીં.
પણ...
કલ્પનાઓ વગર તો જીવનમાં મજા પણ ક્યાં છે.
કલ્પનાઓ અને શમણા વગરની જીંદગી...
યે જીંદગી ભી કોઈ જીંદગી હૈ યારો ?