ખીલા તરવાડામાં કનકેશ્વરી અને વેરાઈના મહાડમાં વેરાઈ માતા
બંને બહેનો – એમની પલ્લી આસો સુદ સાતમ
આસો સુદ સાતમ એટલે ખીલા તરવાડામાં આવેલ કનકેશ્વરી માતાની પલ્લીનો દિવસ. આ કનકેશ્વરી માતા વિષે પહેલાં જાણી લઈએ. ઉત્તર ગુજરાતમાં જેમ અંબાજી શક્તિપીઠ છે તેવું જ મહાત્મય ધરાવતું ગીરના જંગલમાં કનકાઇ માતા મંદિર કે જેને કનકેશ્વરી મંદિર પણ કહેવાય છે, આવેલું છે. ચિત્તને હરી લે તેવી સુંદર મજાની વનરાજીથી ઘેરાયેલું આ સ્થળ અત્યંત મનોહારી છે. એક હજાર કરતાં પણ વધુ વર્ષ જૂના આ મંદિરની અધિષ્ઠાત્રી દેવી સુવર્ણ જેવી દૈદીપ્યમાન ક્રાંતિ ધરાવે છે. આ અધિષ્ઠાત્રી દેવી એટલે જ નંદરાજાને ઘેર જન્મેલી અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે જેની ઉપાસના કરી હતી તેવી શક્તિનું પ્રગટ સ્વરૂપ. મંદિરનાં પરિસરમાં જ પશ્ચિમ સીમાએ કનકાઇ માના ભાઈ ભૂદરજીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરનો ઉલ્લેખ મહાભારતમાં પણ થયો હોવાનું કહેવાય છે. કનકાઇ માતા સૌરાષ્ટ્રમાં વસતી કપોળ જ્ઞાતિ સહિત અમુક શાખના બ્રાહ્મણોની કુળદેવી તરીકે પૂજાય છે. નવદંપતી મીંઢોળ અને છેડાછેડી છોડવા માના મંદિરે આવે છે. થોડો વધારે સમય લઈને મંદિરના પરિસરમાં નિરીક્ષણ કરીએ તો અગાઉના સમયમાં કનકાઇ માના દર્શન માટે વિકટ યાત્રાઓ કરનાર ભક્તોની જાણકારી આપતા લેખ પણ જોવા મળે છે.
કનકેશ્વરીનું મુખ્ય મંદિર અહીં ગીરમાં આવેલું છે પણ આ ઉપરાંત ગુજરાતમાં ચાવંડ, પ્રભાસ, કોડીનાર, સુત્રાપાડા, સિદ્ધપુર, શુકલતીર્થ, સુરત, તરેણ, ઉના, મેંદરડા અને આલીદર વગેરે સ્થળોએ પણ કનકેશ્વરી મંદિરો આવેલા છે.
આજથી સો વર્ષ કરતાં વધારે સમય પહેલાં ગિરનારની તળેટીમાં આવેલા કનકાઇ ખાતેથી કનકેશ્વરી માતાની જ્યોત ઉનેવાળ બ્રાહ્મણો સિદ્ધપુર લાવીને ખીલા તરવાડામાં એની સ્થાપના કરી હતી અને ત્યારથી આ મંદિરની તેઓ પુજા કરે છે.
એક લોકવાયકા એવી પણ ચાલે છે કે બસો વરસ અગાઉ આ વિસ્તારના એક ચોકીદાર માતાજીને જોવા પાછળ પાછળ જતાં માતાજી કૂવામાં સમાઈ ગયા હતા. તેણે કૂવામાં નજર કરતાં જોરદાર તેજપુંજને કારણે દ્રષ્ટિ ગુમાવી હતી અને આંખો અંધ બની ગઈ હતી. છેવટે કાકલૂદી કરીને માતાજીની સાત દિવસ નવરાત્રિની પુજા અર્ચના કરવાની બાધા લેતા દ્રષ્ટિ પરત આવી હતી.
ખીલા તરવાડામાં કૂવા પાસે કનકેશ્વરી માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. બ્રાહ્મણો દ્વારા આસો સુદ સાતમના દિવસે હવન પૂજન વગેરે કાર્યક્રમો યોજાય છે. મોડી રાત સુધી માના ચોકમાં ગરબાની રમઝટ જામે છે. પહેલાં આંબલીવાળી માતા પાસે જે માઈમંડળ ચાલતું તેના પુરુષ ભક્તો પણ માના ચોકમાં ગરબા ગાતા. જ્યારે પુરુષો ગરબા ગાતા હોય ત્યારે બહેનો જોડાતી નહોતી. પુરુષો ગરબા ગાઈ રહે પછી બહેનો પણ ગરબા રમતી. પલ્લીના દિવસે મહેલ્લામાં ઘરે ઘરે સાત ધાન્યના પ્રસાદનું નૈવેધ કરવામાં આવે છે, જેમાં ખીચડો, પૂરી, રોટલી, કોળાગવારનું શાક, ખીર અને વડાં જેવા પ્રકારનું નૈવેધ ધરાવી બપોરે પોતપોતાના ઘરે સૌ જમે છે. પલ્લીની રાત્રે સૌને ખીચડાનો પ્રસાદ વહેંચાય છે.
મંદિરમાં કનકેશ્વરી માતાનું સ્વરૂપ મા પાર્વતિનું છે અને શાસ્ત્રોક્ત વિધિથી એની સ્થાપના કરવામાં આવી છે. જમણા હાથે શિવજી સ્થાપિત છે જ્યારે મંદિરની બહાર ક્ષેત્રપાળનું સ્થાનક છે.
પરંપરા મુજબ પલ્લી કૂવાની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે તેની પાછળનો મૂળ આશય માતાજી કૂવામાં સમાઈ ગયા તે હોવો જોઈએ. સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતીના ગોરમાંથી પણ એક કનકેશ્વરી માતાના નવરાત્ર કરે છે. આમ મા કનકાઇનો જે દબદબો ગીરમાં છે તેવો જ દબદબો પલ્લીની રાત્રે મા કનકેશ્વરીનો ખીલા તરવાડામાં જોવા મળે છે. મને એક કરતાં વધુ વખત પલ્લીની રાત્રે માના દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. પલ્લીની રાત્રે શણગાર સજીને બેઠેલી મા અને એનું દિવ્ય સ્વરૂપ એકીટશે જોતા જ રહીએ એવો ભાવ અને માના દર્શનમાત્રથી શરીર અને મન બંને જાણે હળવાંફૂલ થઈ ગયાં હોય તેવો અનુભવ કનકેશ્વરી માના સમીપ ઊભા હોઈએ ત્યારે થાય છે.
જ્યાં માં સ્વયં પાધાર્યા, જે કૂવામાં એમનું સ્વરૂપ તેજપુંજ રૂપે સમાઈ ગયું તે મહેલ્લો અને ખાસ કરીને મા જ્યાં બિરાજે છે એ કૂવો, એની પ્રદક્ષિણા ઘડી ભર તો ગીરના માના મૂળ સ્થાનકની સમીપ આપણને ઊભા કરી દે છે. ખીલા તરવાડો અને એની ધરતીને સાક્ષાત માનું સ્વરૂપ ત્યાં વસ્યું તે માટે જેટલા ધન્યભાગી ગણીએ તેટલું ઓછું છે.
આ ખીલા તરવાડામાં મારાં કેટલાંક સ્વજનનાં ઘર. એક જેમણે પિતાનું શિરછત્ર જન્મ પહેલાં ગુમાવ્યું અને જેમની મા કૌટુંબિક સંબંધે મારી મોટી બહેન થાય તેની તપશ્ચર્યાએ છેક અમેરિકા સુધી ભણાવી, વિસ્કોન્સીન યુનિવર્સિટીમાંથી લાયબ્રેરી સાયન્સમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરાવી એવા ગુજરાતની જ નહીં બલકે દેશની સૌથી અદ્યતન અને મોટી લાયબ્રેરીમાંની એક શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી (યુનિવર્સિટી લાઈબ્રેરી – એમ એસ યુનિવર્સિટી, વડોદરા)ના લાયબ્રેરીયન જેવા ઉચ્ચ હોદ્દે વરસો સુધી કામ કર્યું તે ડૉ. લાભશંકરભાઈ પાધ્યાનું ઘર અને બીજું મારા કાકાની દીકરી જેમની સાથે પરણાવી હતી અને વરસો સુધી કિલાચંદ દેવચંદમાં નોકરી કરી નિવૃત થનાર મારા બનેવી શ્રી વાસુદેવભાઈ જગન્નાથ ઉપાધ્યાય અને તેમનાં બહેન જીવીબેનનું ઘર. આજે તો ખીલા તરવાડામાં કિશોર પટેલ, કિરીટ રાવલ, જનાર્દન શુક્લ, બિપિનભાઈ આચાર્ય, અભિષેક આચાર્ય, અર્શિલ આચાર્ય, ભાવેશ શુક્લ, નિકુંજભાઈ શુક્લ જેવા કર્મઠ કાર્યકરમિત્રો અને આગેવાનોની બહુ મોટી હૂંક મને મળી રહે છે. પણ હું હજુ મારી રાજકિય કારકિર્દીની શરૂઆત કરતો હતો ત્યારે મારી સાથે જોડાયેલ તરવરીયા યુવા કાર્યકર સંજય અકસ્માતમાં ઘણી નાની ઉંમરે ચાલ્યો ગયો તે સંજય એટલે કે રમેશભાઈ પ્રેસવાળાનું ઘર તો ખીલા તરવાડામાં પેસતાં જ આવે. આજે પણ જ્યારે જ્યારે ખીલા તરવાડામાં જવાનું થાય છે સંજયના ઘર સામું જોઈને મનમાં એક નિસાસો નખાઈ જાય છે. ખૂબ આશાસ્પદ અને સેવાભાવી મારો યુવાકાર્યકર મિત્ર સંજય ખૂબ વહેલો ચાલ્યો ગયો.
એ ખીલા તરવાડો છે જ્યાં મૂળ ઠાકર પણ પટેલ એવી અટક લખતા આદરણીય વડીલો શ્રી લાભશંકર શિવશંકર પટેલ (ઠાકર), જેમની પાસે ગાયકવાડી સરકારમાં પટલાઈ હતી અને અત્યારે જ્યાં શિવમંગલ સોસાયટી છે ત્યાંથી ચમકડીની ચાલી સુધીની જમીન મંગળ પટેલના નામે હતી. એમની પટલાઇનો પ્રભાવ તપતો હતો. મારા બાપાના મિત્ર અને અમારા કિશોર પટેલના દાદા શ્રી ઈશ્વર પટેલનું પણ મોટું નામ હતું. એ ખીલા તરવાડાની અધિષ્ઠાત્રી દેવી મા કનકેશ્વરીની પલ્લીનો ઉત્સવ અને એવી રોનક અનેરી હોય છે.
સિદ્ધપુરમાં રહેતી નવી પેઢીને કદાચ ભાગ્યે જ ખયાલ હશે કે મા કનકેશ્વરીની સગી બહેન સિદ્ધપુરમાં વસે છે.
આ બહેનનું નામ છે વેરાઈ માતા.
એમનું સ્થાનક છે વેરાઈનો મહાડ. જેમ કનકેશ્વરી માતાનું મંદિર કૂવા પર છે તેમ વેરાઈ માતાનું મંદિર પણ કૂવાની બાજુમાં જ છે. માનું મંદિર બાજુમાં જેમાં સરસ્વતીના નીરની સરવાણીઓ ફૂટતી અને જેના પાણી ટોપરાં જેવાં મીઠાં હતાં એવો વેરાઈ માતાનો કૂવો અને બરાબર સામે જ માનો ચોક. પશવાદળની પોળથી આવતા જમણા હાથે કણબીનો મહાડ અને મા બહુચરનું મંદિર અને ડાબા હાથે બરાબર સામે જ વળી જાવ એટલે એક જમાનામાં કાલુપુર મંદિરના તાબા હેઠળનું અતિ પ્રાચીન સ્વામિનારાયણ મંદિર અને થોડેક દૂર ચાલીયે એટલે જમણા હાથે વેરાઈ માતાનો ચોક, કૂવો અને માનું મંદિર. માનું સ્થાનક કોઈ મુર્તિ નથી પણ એક જ પથ્થરમાંથી કોરી કાઢેલી પીઠિકા અને તેમાં યંત્રની પુજા થાય છે.
આ વેરાઈના મહાડમાં વેરાઈ માતાની પલ્લી પણ આસો સુદ સાતમના દિવસે જ ભરાય. જો કે આ પલ્લીમાં અન્ય સ્થાનકોની માફક પલ્લી નથી ભરાતી પણ છેલ્લાં ચાર દાયકા કરતાં વધુ સમયથી માતાજીનાં પૂજારી તરીકે માની પુજા અર્ચના કરવાનું સદભાગ્ય જેને સાંપડ્યું છે એવા પૂજારી ભાનુપ્રસાદ રામશંકર પાધ્યા તરફથી બપોરે એક પળીનો હવન થાય છે. આ હવન પૂરો થાય અને ધજા ચઢે એટલે વેરાઈયા ઘાંચી (મોદી)નું નવરાત્રિનું વ્રત પૂરું થયેલું ગણાય. સાંજે એટલે કે રાત્રે માના ચોકમાં બહેનો ગરબા ગાય છે. બેન કનકેશ્વરીના જેવી તામજામ અહીંયાં કદાચ નથી પણ વેરાઈ (વારાહી) માતાનું તેજ તો એટલું જ તપે છે. આજે તો આ મહેલ્લામાં મારા અનેક મિત્રો અને કાર્યકરો છે. આ મંદિરની સહેજ આગળ જમણા હાથે એક ખાંચો છે જ્યાં મારા બાપાના મિત્ર કેશવલાલ મિસ્ત્રીકાકા જે પીડબલ્યુડીમાં નોકરી એન્જિનિયર હતા, રહેતા. થોડે દૂર આગળ જઈએ એટલે ડાબા હાથે ત્રણ કબર પાસે જેની શરાફી પેઢીની બોલબાલા હતી એ હરિરામ કીરી વાળા મણિકાકા ખત્રીનું સમૃદ્ધ મકાન. થોડે આગળ જઈએ એટલે ડાબા હાથે એક ઘોડાગાડીવાળા ભાઈ રહેતા. ક્યારેક વરદી આપવી હોય ત્યારે એમનો સંપર્ક કરવાનો થતો. મિસ્ત્રીકાકા અને મણિકાકાને મારા મારે સારો ભાવ. મિસ્ત્રીકાકાના ઘરથી આગળ જઈએ એટલે વળી પાછા મુખ્ય રસ્તા પર આવી જવાય. મારા સહાધ્યાયીઓમાં નરેન્દ્ર રામશંકર પાધ્યા, રમેશ ચીમનલાલ વાળંદ, હરગોવન શંકરલાલ પ્રજાપતિ અને હરવદન સવિતાનારાયણ ભટ્ટ આ વિસ્તારમાં રહે. આજે ભાઈ નરેન્દ્ર અને હરગોવન હયાત નથી. નરેન્દ્ર અને રમેશની જોડી અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે ‘આ નભ ઝૂકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે’ બહુ સરસ રીતે ગાય. તે જ રીતે ‘બોલ રી કઠપૂતલી દોરી કોન સંગ બાંધી, સચ બતલા તું નાચે કિસ કે લિયે’ પણ ખૂબ સુંદર રીતે રજૂ કરે. સ્ટેજ પરથી આ બંને મિત્રો આ કૃતિ/ગીત રજૂ કરતાં હોય ત્યારે અભિભૂત થઈને ખૂબ આદરથી હું એમને જોઈ રહેતો. એમની આ આવડતને અને આટલા જનસમુહ સામે સ્ટેજ પરથી આવી સુંદર કૃતિ રજૂ કરવાની હિંમત મારામાં ક્યાંક ક્યાંક છૂપી ઈર્ષ્યાનો ભાવ જગાડી જતો.
ખડાલીયા હનુમાનની પલ્લી ભરવાનો અધિકાર તો ઠાકર નુખના ખીલા તરવાડામાં રહેતા પટેલ પરિવારનો છે. આ પલ્લી ચૌધરીની બાગમાં ભરાય છે ત્યારે બસો વરસ કરતાં વધુ સમયથી ચાલી આવતી પ્રણાલી મુજબ મુખ્ય ભુવા પ્રવીણભાઈ હરિભાઇ વાળંદ મોરના પીંછાની આંગી સાથે જોડાય છે. પાણી પુરવઠા બોર્ડમાંથી નિવૃત્ત થયેલ રમેશભાઈ મફતભાઈ લીંબચીયાને ત્યાંથી ગદા અને મારા સહાધ્યાયી રમેશભાઈ ચીમનલાલ વાળંદ મશાલ સાથે આ પલ્લીમાં જોડાય. માણસો ચમત્કારમાં માને કે ન માને પણ પશવાદળની પોળથી ખડાલીયા હનુમાનની પલ્લી જાણે કે ઉડવા માંડે. ત્યાંથી ખડાલીયા હનુમાનનું અંતર બે થી અઢી કિલોમીટર હશે, રેતનો ઢસો. પણ પશવાદળની પોળ છોડ્યા પછી આંખના પલકારામાં તો તે ખડાલીયા હનુમાન પહોંચી જાય. આમ માંડ માંડ ચાલતો હોય તેવો ભૂવો કે મશાલચી જાણે કે પવનપુત્ર હનુમાનજીએ એનામાં જોમ મૂક્યું હોય એમ પલ્લીની સાથે ઉડવા માંડે. આમ તો ખડાલીયા હનુમાનની પલ્લી વિષે અન્યત્ર લખ્યું છે પણ વેરાઈના મહાડ સાથે આ ત્રણે નામ જોડાયેલા છે એટલે એનો ઉલ્લેખ અહીં કર્યો છે.
વેરાઈના મહાડમાં જેમના માટે હું ખૂબ જ આદર ધરાવું છું અને જેમણે સંસ્કૃત એટલું સરસ ભણાવ્યું કે એસએસસી બોર્ડની પરીક્ષામાં મારા ૧૦૦ માંથી ૯૨ માર્કસ આવ્યા તે શંકર ‘કાવ્યતીર્થ’ એટલે કે મારા પરમ આદરણીય પૂ. શ્રી શંકરલાલ વૈદ્યનાથ પાધ્યા સાહેબ. લીલાવતી ગણિત, અંકગણિત અને સંસ્કૃતના એ ખેરખાં. એસએસસીમાં સ્પેશિયલ અંકગણિત રાખેલું તે પણ એમની પાસે ભણ્યો. ઊંચી દેહયષ્ટિ, સહેજ પાકો રંગ, માથે કાળી ટોપી અને શિયાળામાં ખભે સાલ. એલએસ હાઈસ્કૂલમાં એમણે ત્રણ ત્રણ પેઢીને ભણાવી. સંસ્કૃતમાં મારો રસ બે કારણથી જાગૃત થયો. એક જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળાનો સંગ પણ એથીય વધારે શંકરલાલ વૈદ્યનાથ પાધ્યા સાહેબ એટલે કે ઘરડા પાધ્યા સાહેબ અને બાલમુકુંદ જોષી સાહેબ જેવા પાસેથી લીધેલું સંસ્કૃતનું શિક્ષણ. એકાદ વરસ સંસ્કૃત બી. કે. ઠાકર સાહેબ પાસે પણ ભણ્યા. વેરાઈના મહાડમાંથી બહાર નીકળી સહેજ આગળ ચાલીએ એટલે મહેતા ઓળના મહાડના નાકે જ્યાં દત્તાબાવાનું સ્થાનક છે ત્યાં બરાબર સામે બાબુલાલ એમ. ભટ્ટ સાહેબ રહે. ગુજરાતી ભણાવે. અમારા એલએસ હાઈસ્કૂલના બધા શિક્ષકોમાં કપડાં પહેરવાની બાબતમાં એકદમ સુવ્યવસ્થિત વ્યક્તિત્વ. ધોતીયાની પાટલી વાળવાની કળા તો બી. એમ. ભટ્ટ સાહેબ પાસેથી શીખવી પડે. માથે સફેદ ટોપી, ખમીસ કોટ અને બગલાની પાંખ જેવું ધોતિયું. કપડાં ઉપર જરા સરખોય સળ ન હોય કે ડાઘ ના જોવા મળે. ચીવટ અને સુઘડતાનું બીજું નામ એટલે ભટ્ટ સાહેબ. એસએસસીની પ્રિલિમ પરીક્ષામાં ભટ્ટ સાહેબ પેપર તપાસે અને ૧૦૦ માંથી ૫૦ માર્કસ આવ્યા હોય તો એ છોકરો બોર્ડમાં ૬૦ ઉપર માર્કસ લાવે, લાવે અને લાવે જ. ગુજરાતીના મારા બે શિક્ષકો શ્રી બી. એમ. ભટ્ટ સાહેબ અને એમ. આઇ. પટેલ સાહેબ, આ બંનેને કારણે ગુજરાતી ભાષામાં રસ લેતો થયો અને આજે ગુજરાતી વ્યાકરણ અને ભાષાની જે ચીવટ છે એ એક જમાનામાં ઝેર જેવી લાગતી તે બી. એમ. ભટ્ટ સાહેબની કડક ચકાસણીને આભારી છે.
એ જમાનામાં અરધી ચડ્ડી અને ઉપર ટેનિસ શર્ટ અથવા બુશકોટ પહેરીને આવતાં જતાં માનાં દર્શન અનેકવાર કર્યાં છે. મિસ્ત્રીકાકા કે મણિકાકાને ત્યાંથી ચોકલેટ પીપરમીંટ અથવા કાજુદ્રાક્ષ કે બદામ પણ ગજવે નાખ્યા છે. અમારા ઘરેથી ગામમાં એટલે કે સિદ્ધપુરમાં આવવાનો રસ્તો પશવાદળની પોળથી જ આવે એટલે આ વિસ્તારની બાળપણમાં કરેલી અનેક પદયાત્રાઓની યાદોનાં ઘોડાપૂર આજે પણ ઉભરાઇ આવે છે.
કનકેશ્વરી મા ખીલા તરવાડામાં બિરાજે.
વેરાઈ માતા વેરાઈના મહાડમાં હાજરાહજૂર.
મનમાં ક્યારેક થાય છે કે આ બે બહેનો કોક દી તો એકબીજાને મળવા જતી હશે ને?
જાય તો ખરી જ ને. એક જ ગામમાં બંને બહેનો બિરાજમાન હોય તો ક્યારેક ક્યારેક મળવાનું પણ થતું હશે, ખરું ને?
કહ્યું છે કે શ્રદ્ધાને તર્ક કે પુરાવાની જરૂર નથી.
શ્રદ્ધા બુદ્ધિને પણ ગાંઠતી નથી.
જ્યાં શ્રદ્ધા છે ત્યાં ચમત્કારો પણ બન્યા જ કરે છે.
આવો જ એક દિવસ આસો સુદ સાતમ
મા કનકેશ્વરી અને વેરાઈ માતાની આરાધના માટેનો શિરમોર સમો દિવસ
બંને બહેનોની પલ્લીનો દિવસ