નિશાળમાં દિવાળી વેકેશન પડી ગયું. દિવાળીના આગમનને વધાવતી સજાવટ અને ઘરાકીનું વાતાવરણ બજારોમાં દેખાવા માડ્યું હતું. દિવાળી એટલે દારૂખાનું અને ભાતભાતની મિઠાઈઓ. જેમ જેમ દિવાળી નજદીક આવતી જાય તેમ તેમ ઘરે દિવાળી માટેની મિઠાઈઓ અને સાથે આપવાની નમકીન જેવી આઈટમો બનતી જાય. જે જલ્દી ન બગડી જાય તેવી આઈટમો પહેલાં બને અને જેમાં બગાડ થવાનો સંભવ હોય તેવી આઈટમો લગભગ દિવાળીની લગોલગ બને. એ સમયે બજારમાંથી મિઠાઈ કે ગાંઠિયા અથવા સેવ કે ચેવડો જેવી આઈટમો તૈયાર લાવવાનો રીવાજ નહોતો. હજુ અમે એ જમાનામાં જીવતા હતા જ્યારે કંદોઈની દુકાને પાણી નાંખીને લોટ પલાળ્યો હોય તેવી આઈટમો જેવી કે ભજીયાં, ગાંઠિયા, સેવ વિગેરે અમારે ત્યાં ઘરે અથવા બહાર ખાઈ શકાતી નહોતી. પાણી નાંખીને બનાવેલ કોઈ પણ આઈટમ એંઠી ગણાતી અને એટલે ઘર સિવાય બહાર બનેલી આઈટમ ખાઈ શકાતી નહોતી. આજે પાંસઠ-સિત્તેર વરસના સમયગાળામાં તો રીત-રિવાજો અને સિદ્ધપુર ઘણું બદલાઈ ગયું છે. હવે આ પ્રકારનો કોઈ છોછ રહ્યો નથી. ધડાધડ ખૂલી ગયેલી રેસ્ટોરાં અને હોટલોએ એક રીતે કહીએ તો સામાજિક સમરસતાની આલબેલ જગાવી છે. હોટલમાં બેઠેલો ઘરાક કોણ અથવા કઈ જ્ઞાતિનો છે એ કોઈ પૂંછતું નથી એ જ રીતે રસોઈ બનાવનાર કે પીરસનાર કોણ છે એની પણ કોઈ ચિંતા કરવાની હવે જરૂર નથી. હાથ-પગ ધોયા વગર અને પગમાં જોડાં પહેરીને કે ચામડાનો પટ્ટો બાંધીને પણ હવે જમી શકાય છે. આ બધું વ્યાજબી ઠેરાવનાર આને જમાનાનો તકાજો કહે છે તો કેટલાક આપદધર્મ કહે છે, પણ આ બધા “અન્ન તેવો ઓડકાર” તે વાત ભૂલી જાય છે. કદાચ આને પરિણામે જ આજે તામસીવૃત્તિ અને ચારિત્ર્યસ્ખલન વધી રહ્યું છે. સાંઈઠ-સિત્તેર વર્ષમાં આટલું બધું પરિવર્તન વિચાર અને વ્યવહારમાં આવી જશે એવું તો એ વખતે સુધારાવાદીઓએ પણ નહીં વિચાર્યું હોય.
વળી પાછા મૂળ વાત પર આવીએ. દિવાળી વખતે શહેરમાં ફટાકડાની દુકાનો થતી. જો કે, મારા બાપા મારા માટે દારૂખાનું અમદાવાદથી લઈ આવતા. પણ છતાંય ટીકડી, તારામંડળ, બપોરીયાં, સાપોલીયા જેવી નાની નાની આઈટમો સ્થાનિક બજારમાંથી પણ ક્યારેક ક્યારેક ખરીદી શકાતી. કોઈ ખરીદી ન કરવી હોય તો પણ દારૂખાનાની વિવિધ આઈટમો જોઈને સંતોષ લેવા પૂરતો પણ અમે રોજ દારૂખાનાની દુકાનોના વિસ્તારમાં એકાદ ચક્કર મારીને ફટાકડાં દર્શનનું આ નયન સુખ માણી લેતા.
આવા જ એક દિવસે લગભગ વાઘ બારસ અથવા એની આજુબાજુની તિથિ અને સાંજનો પાંચેક વાગ્યાનો સમય હશે. એકાએક આકાશના રંગ બદલાવા માંડ્યા. ક્ષિતિજે કાળાંડિબાંગ વાદળાં બહુ ઝડપથી શહેર તરફ ઘસી આવતા દેખાયાં. પવનની ગતિ થોડી વધી અને વાતાવરણમાં થોડી શીતળતા વર્તાવા માંડી. હવામાં ભીની માટીની સુગંધ આગળ ક્યાંક વરસાદ થઈ રહ્યો છે તેની ચાડી ખાતી હતી. ક્યાંક દૂર દૂર વરસાદ ગાજતો હોય તેવો ગડગડાટ પણ સાંભળી શકાતો હતો. વરસના આ ભાગ માટે આ બધું ન કલ્પી શકાય તેવું હતું. પવનની વધતી જતી ગતિએ હવામાન પલટો કાંઈક ચિંતા કરાવે તેવી સ્થિતિનું નિર્માણ કરશે તેવી દહેશત જગાડતો હતો. મેં ઝડપી ચાલે ઘરની વાટ પકડી. પવનની ગતિ વધતી જતી હતી. રસ્તામાં ધૂળની ડમરીઓ ચઢવા માંડી હતી. પાછળ વાદળનો ગડગડાટ વધુ ને વધુ તીવ્ર બનતો જતો હતો. સૂરજનારાયણ ઢંકાઈ ગયા હતા. લબકારા લેતી વીજળીના લિસોટા આકાશને ઘડીભર આંજી દે તેવા પ્રકાશથી ઉજ્જવલિત કરી રહ્યા હતા. મેં હજુ માંડ નવી વહોરવાડ વટાવી અને ડૉ. હસ્તીરના બંગલાથી આગળ વધ્યો હોઈશ ત્યાં તો ઘટાટોપ વાદળાં ચારેતરફ છવાઈ ગયાં. વીજળી અને મેઘગર્જના તેમજ પવનની ગતિ બીક લાગે તેવી હતી. હજુ રાજપુર ગામ લગભગ અડધો કિલોમીટર દૂર હતું. મેં દોડવાનું શરૂ કર્યું. માંડમાંડ રાજપુર ગામની નવેળી સુધી પહોંચ્યો હોઈશ ત્યાં તો પવનના તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. મને લાગ્યું કે, હવે આગળ ન જવામાં જ સલામતી છે. મેં નવેળીના નાકે જ મારા સહાધ્યાયી અને મિત્ર શંકરભાઈ મૂળચંદ સુથારના ઘરમાં આશરો લીધો. બહાર પવનની ગતિ અને તોફાન વધુને વધુ વેગ પકડતાં જતાં હતાં. થોડીવારમાં આકાશમાંથી જાણે વડાગરા મીઠાના કાંકરા વરસતા હોય તેમ કરાનો વરસાદ ધબધબાટી કરીને તૂટી પડ્યો. શરૂઆતમાં તો આ જોવાની મજા આવી. આકાશમાંથી બરફ વરસતો હોય અને તે પણ વડાગરા મીઠાના મોટા કાંકરાં જેવડો તે દ્રશ્ય મારા માટે નવું હતું. ઘરનાં બધા જ પરસાળમાં આવીને આ દ્રશ્ય માણવા માડ્યાં. હજુ થોડીવાર થઈ હશે ત્યાં એકાએક તોફાન વધ્યું. આગળ કશું સમજાય તે પહેલાં તો એક મોટો ધડાકો થયો હોય તેવો ભાસ થયો અને એની સાથે જ ઘરમાં ઘૂસેલા પવનનાં ગોળાએ છાપરૂં ઉડાડી મૂક્યું. હવે માથે કશું જ ન હોતું. પરસાળનો એક ભાગ હજુ થોડો ઘણો પણ તોફાન સામે ઝીંક જીલી રહ્યો હતો. એ ઊડી જશે તો શું થશે ? એનો ભય મનમાં વ્યાપી ગયો. સલામતી ખાતર ઘરમાં પડેલા બે-ત્રણ મોટાં તપેલાં અને તગારાં બધાએ માથે ઓઢી લીધાં જેથી બાકીનું છાપરૂં ઊડી જાય તો પણ ઉપરથી વરસતો કરાનો વરસાદ માથામાં વાગે નહીં. સાથોસાથ કોઈક ઊડતી વસ્તુ પણ ગળા કે માથાને ઈજા કરે નહીં. થોડીવારમાં તો પરસાળની આગળનો ભાગ બરફના કરાથી છવાઈ ગયો. મનમાં ડર વધતો જતો હતો. તોફાન ધીમું પડવાનું નામ લેતું નહોતું. એક તબક્કે તો એવું લાગ્યું કે, આજે અહીંથી જીવતા નહીં નીકળાય. અમે માથાં બચાવીને એક નાના ભાગ નીચે ઊભા હતા, પણ પવનનો ઝોલો આવે ત્યારે બરફ જેવા ઠંડા પાણીની વાછટ શરીરને ભીંજવી જતી હતી. આ બરફીલા પાણીની વાછટના પ્રભાવથી શરીર ઠંડું પડવા માડ્યું હતું. દાંત કડકડવા માંડ્યા હતા. આ બધું લગભગ ચાળીસથી પિસ્તાળીસ મિનિટ ચાલ્યું. એકાએક પવનનું જોર ઘટવા માડ્યું. સાથોસાથ કરાનો વરસાદ પણ બંધ થઈ ગયો. હા ! હજુ વાદળાં ગરજતાં હતાં. વીજળી ઝબુકતી હતી, પણ આ બધુંયે થોડા સમયમાં શમી ગયું અને સૂરજ આડેથી વાદળાં હટી જતાં ઢળતી સાંજનો તડકો રેલાઈ રહ્યો. જે ઝડપે તોફાન આવ્યું હતું તે જ ઝડપથી શમી ગયું. આમ છતાંય ઘરની બહાર નીકળી મારા ઘરનો રસ્તો પકડવાની હિંમત ભેગી કરતાં થોડો સમય લાગ્યો. હું ખડકીમાંથી બહાર નીકળ્યો ત્યાં ગામની વચ્ચે થઈ તોરણ સુધી પહોંચ્યો. અહીં જ્યાં નજર કરીએ ત્યાં કરાના થર જામેલા હતા. રસ્તામાં એક-બે જગ્યાએ કરાનો માર વાગવાથી ગબડી પડેલ ચકલી, પોપટ, કાબર અથવા કબૂતર જેવાં પક્ષીઓ ઠેરઠેર પડ્યાં હતાં. એમાંનાં મોટાભાગનાં મૃત્યુ પામ્યાં હતાં. તોરણ બહાર નીકળતાં જ એક ભાઈ મળ્યા જે સીમમાં જતા હતા. મારૂં ઘર રસ્તામાં જ આવતું હતું. આમ છતાંય એ ગામ વટાવીને અડધો-પોણો કિલોમીટરનો રસ્તો આવા ભયાનક વાતાવરણમાં પસાર કરતાં મને થડકાર થતો હતો. આટલા વર્ષોમાં રાત કે દિવસનો સમય જોયા વગર જે રસ્તેથી અનેક વખત પસાર થયો હતો તે જ રસ્તો આજે મને સૂનકાર અને બિહામણો લાગતો હતો. એના પર છવાઈ ગયેલી કરાની ચાદર જાણે કે કોઈના શબ ઉપર નવું નકોર કફન ઓઢાડ્યું હોય એવો ભાસ કરાવતી હતી. મેં ધ્રૂજતા અવાજે પેલા ભાઈને વિનંતી કરી મારા ઘર સુધી મૂકી જવાની. મારી સ્થિતિ જોઈને કદાચ એમને પણ દયા આવી હશે એટલે એમણે મને ઊંચકીને પોતાને ખભે બેસાડી દીધો. ઠંડી ગણો કે ભય અથવા બંનેનો સંયુક્ત પ્રભાવ મારૂં શરીર ઠંડું પડી ગયું હતું અને રીતસરનું ધ્રુજી રહ્યું હતું. એમણે મને અમારા ખેતરના દરવાજે ઉતાર્યા. મેં મૂઠી વાળીને દોટ મૂકી. મારી મા ચિંતિત નજરે મારી રાહ જોતી હતી. જઈને સીધો એને વળગી પડ્યો. આજે પહેલીવાર મેં મોતના ભયને આટલો નજદીકથી જોયો હતો. આજે પહેલીવાર કુદરત રૂઠે અને એક નાની ટપલી પણ મારે તો શું પરિણામ આવે અને કુદરતની આ તાકાતની સામે માણસ કેટલો નિઃસહાય છે તેનો મને અનુભવ થયો હતો. જો બાકીનું છાપરૂં પણ ઊડી ગયું હોત તો ? જો ક્યાંકથી પતરૂં અથવા બીજી કોઈ વસ્તુ ઊડતી આવીને વાગી હોત તો ? જો કરાનું આ તોફાન બીજો અડધો કલાક કે કલાક ચાલ્યું હોત તો ? ઘાયલ થઈને રસ્તામાં પડેલાં પેલાં કબૂતર, પોપટ, કાબર અને ચકલીનાં લગભગ મૃત અવસ્થામાં વેર-વિખેર પડેલ દેહ મારી નજર સામે ફરી એકવાર સાકાર થયા. કુદરતના આ મહાભયાનક તાંડવને મેં પહેલીવાર જોયું. ત્યારપછી પણ કરાનાં તોફાન જોયાં છે, પણ આવડા મોટા કરા અને એનો આટલા લાંબા સમય સુધી ચાલેલો વરસાદ અથવા એની સાથે જ વીજળી અને ગાજવીજનું આવું ભયાનક તોફાન મેં ત્યારબાદ કદીયે નથી જોયું. જીવનની શરૂઆતના તબક્કે મેં આવો ભયાનક અનુભવ કર્યો. ખૂબ નાની ઉંમરે પહેલીવખત જ્યારે અંબાજીમાં ઘોડીયામાંથી ઉથલો મારી નીચે પથ્થરની લાદી પર પડતાં ચમત્કારીક રીતે મારો બચાવ થયો હતો. ત્યારબાદ આ બીજો પ્રસંગ હતો જ્યારે મને લાગ્યું કે, મેં મોતને બહુ નજદીકથી જોયું. આ તોફાન હું શંકરલાલ સુથારના ઘરે પહોંચ્યો અને સલામત રીતે આશ્રય લીધો તે પછી મને આંબી ગયું તેને બદલે જો અડધા રસ્તે હોત અને થઈ ગયું હોત તો ? વાવાઝોડામાં ઊડેલાં પતરાંમાંથી એકાદું મને વાગ્યું હોત તો ? જ્યાં મેં આશ્રય લીધો હતો તે ઘરનો કોઈ ભાગ તૂટીને છાપરૂં અમારા ઉપર પડ્યું હોત તો ? આમાંનું ગમે તે બની શક્યું હોત, પણ ન બન્યું તે ઈશ્વરની મોટી મહેરબાની. કુદરતનું આ રૌદ્ર સ્વરૂપ આ પહેલાં આટલું નજદીકથી નહોતું જોયું તે જોવા મળ્યું તે એક મોટો અનુભવ. દિવાળી પહેલાંના ચારેક દિવસમાં બનેલ આ ઘટના આકસ્મિક હતી તેટલી જ અદભુત હતી.
ઘરે પહોંચ્યો એટલે મારી માએ શરીર કોરૂં કર્યું. તાબડતોબ ચૂલો સળગાવી તાપવા બેસાડ્યો અને ગંઠોડાં તેમજ સૂંઠનો પાવડર તુલસીનાં પત્તાં સાથે ઉકાળી શરીરમાં ગરમી આવે તે માટે મને પીવડાવ્યો. જરાક હોશ ઠેકાણે આવ્યા. શરીરમાં ગરમાવો આવ્યો અને સહેજ ઠીક લાગવા માડ્યું એટલે પહેલું કામ મેં દોડીને બહાર ભાગી જવાનું કર્યું. ખેતરના શેઢે હજુ પણ બરફ પૂરેપૂરો ઓગળ્યો નહોતો. આકાશમાં વાદળો લગભગ દૂર થઈ ગયાં હતાં. વાતાવરણમાં એક ભીનાશભરી ઠંડક હતી. અસ્તાચળે જતા સૂરજનાં કિરણો જ્યાં જ્યાં વણપીગળેલા બરફ પર પડતાં ત્યાં મેઘધનુષની આભા રચાતી જોઈ શકાતી હતી. કુદરતના આ કહેરમાં પોતાના માળા સુધી નહીં પહોંચી શકેલા પક્ષીઓનો ઘાણ નીકળી ગયો હતો. કેટલાયે માળા કે બખોલમાં રાહ જોતાં બચ્ચાને ચણ લઈને એની મા કે બાપ હવે ક્યારેય પહોંચી શકવાનાં નહોતાં. ક્યાં સુધી આ જીવ ભૂખ્યા રહી શકશે ? આમાંના કોઈને એમના માથે આવી પડનાર આફતનો ખ્યાલ નહોતો. એ બખોલમાં કે માળામાં હતાં એટલે બચી ગયાં, પણ આ રીતે લંબાયેલું આયખું ક્યારે તૂટશે એનો કોઈ અંદાજ નહોતો.
મનમાં વિચાર આવ્યો, કુદરત પોતાના સંતાનોને આવી નિષ્ઠુર અને ક્રૂર સજા કેમ કરતી હશે ? આ નિર્દોષ પંખીઓએ શું પાપ કર્યા હશે જેની સજા એમને આ રીતે ભોગવવી પડે ? આ બધું જેના ઈશારે થાય છે એ ભગવાન પર પણ ક્ષણભર ગુસ્સો આવી ગયો. પ્રશ્ન થયો શું તારા ત્યાં પણ આમ જ ચાલે છે ? બધું લોલમલોલ ?
ત્યારે મનમાં પણ અંદેશો નહોતો કે આનાથીયે વધુ ભયાનક એક ઘટના થોડા સમયમાં જ ઘટવાની હતી.
ફરી એકવાર જિંદગી અને મોત વચ્ચેનો ગાળો મપાવાનો હતો.
ફરી એકવાર જિંદગી મોતને હાથતાળી આપીને છટકી જવાની હતી.
એવી ઘટના આકાર લેવાની હતી જેની આજે કોઈ જ કલ્પના નહોતી.
આપણે રામ બસ મસ્તીથી રણ જેવા પ્રદેશમાં વરસી પડેલ બરફને માણી રહ્યા હતા.
એક ગાંડો વિચાર ત્યારે પણ મનમાં ઝબકારા લેતો હતો.
ભગવાન આ બરફની સાથે શરબત પણ વરસાવતો હોય તો ?
આઈસગોળા ખાવાની કેવી મજા આવે ?
મારામાં શેખચલ્લી પ્રવેશી ચૂક્યો હતો !!