વિદ્વતાનો ઉપયોગ હંમેશા બીજાને જ્ઞાન, સાચી સલાહ અને સન્માર્ગે દોરવા કરવો જોઈએ.
કવિ કાલિદાસને કેન્દ્રમાં રાખીને રચાયેલો આ પ્રસંગ છે.
એક મહાન કવિ તરીકે તેઓ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા.
માન-પાન, ઇજ્જત-આબરૂ, પ્રતિષ્ઠા તેમના પગમાં આળોટતા હતા.
સ્વાભાવિક છે જ્યારે માણસ સફળતાની સીડી સડસડાટ ચડી જાય ત્યારે ક્યાંકને ક્યાંક એના મનમાં અહંકાર પોતાનું આસન જમાવી દે છે.
કવિ કાલિદાસને પણ પોતે મહાન હોવાનું આવું જ કૈંક ગુમાન મનમાં ઊંડે ઊંડે સંગ્રહીને બેઠું હતું.
એક સમયની વાત છે. કાલિદાસજી પગપાળા પ્રવાસ કરી રહ્યા હતાં.
ગરમીનો સમય હતો, સુરજ એનો પ્રભાવ બતાવી રહ્યો હતો.
રસ્તામાં ચાલતા ચાલતા કવિને તરસ લાગી.
થોડે દૂર જ એક હવેલી દેખાઈ. કવિના આનંદનો પાર ના રહ્યો, ઝડપથી એ ત્યાં પહોચ્યો.
નસીબજોગે બારણું ખુલ્લું જ હતું અને કોઈ કામસર એક સ્ત્રી બહાર આવી રહી હતી. આ સ્ત્રીનો દેખાવ જાજરમાન હતો, મો પર એક વિશિષ્ટ તેજ હતું.
કવિએ તેમને કહ્યું, 'માતા ખુબજ તરસ લાગી છે. પાણી મળી શકશે ?'
પેલી સ્ત્રીએ કહ્યું, 'ભાઈ હું આપને ઓળખતી નથી. આપનો પરિચય ? પાણી પીવડાવવું એતો ગૃહસ્થ ધર્મ છે. પુણ્યનું કામ છે.'
કાલિદાસે પોતાને પરિચય આપવાનાં બદલે કહ્યું કે હું પથિક (વટેમાર્ગુ) છું. કાલિદાસનો જવાબ સાંભળી પેલી સ્ત્રી બોલી 'ભાઈ, પથિક કઈ રીતે હોઇ શકો ? પથિક તો કેવળ બે જ છે. ચંદ્રમા અને સૂર્ય જે ક્યારેય રોકાતા નથી અને હમેશાં ચાલ્યા કરે છે. આપ આ બેમાંથી કોણ છો તે કહેશો ?'
હવે મૂંઝવાનો વારો કાલિદાસનો હતો. છતાંય તેમણે જવાબ આપ્યો, 'માતાજી હું મહેમાન છું.'
મોં પર થોડા સ્મિત સાથે પેલી સ્ત્રીએ કહ્યું, 'આપ મહેમાન કઈ રીતે હોઈ શકો? આ સંસારમાં ફક્ત બે જ મહેમાન છે. તેમાં એક છે ધન અને બીજું યૌવન જેને ચાલ્યા જતાં સમય નથી લાગતો. સાચું કહો આપ બેમાંથી કોણ છો?'
પેલી સ્ત્રીએ આપેલ તર્કપૂર્ણ જવાબ અને પ્રશ્નોથી કાલિદાસ ખરેખર હતાશ થઈ ચૂક્યા હતા. પોતાને ઉચ્ચ કોટિના વિદ્વાન સમજનારને તર્કમાં આ અજાણી સ્ત્રી પરાજિત કરી રહી હતી.
થોડું વિચારીને કાલિદાસે જવાબ આપ્યો, 'હું કાલિદાસ છું, ખૂબ તરસ લાગી છે છતાં પણ સહનશીલતા દાખવીને આપના પ્રશ્નોનો જવાબ આપી રહ્યો છું. હવે તો પાણી પીવડાવો. ખૂબ તરસ લાગી છે, ગળું સુકાઈ ગયું છે. માતા !'
આના ઉત્તરમાં પેલી સ્ત્રીએ કહ્યું, 'સહનશીલ તો બે જ છે. પહેલી ધરતી જે પાપી અને પુણ્યાત્મા બધાનો બોજ સહન કરે છે એની છાતી ચીરીને બીજ વાવો અને એ અનાજનો ભંડાર આપે છે.
બીજું સહનશીલ વૃક્ષ છે. જેને પથ્થર મારો તો પણ સામે મીઠાં ફળ આપે છે. કાપો તો રસોઈ કરવા અથવા ઠંડી ઉડાડવા લાકડું આપે છે તમે સહનશીલ ના હોઈ શકો, સાચું કહો આપ કોણ છો?
લગભગ અર્ધ બેભાન અવસ્થામાં કાલિદાસે આ તર્ક વિતર્કથી ઉત્તેજિત થઈ જવાબ આપ્યો “હું હઠી છું.”
પેલી સ્ત્રીએ કહ્યું પાછું જૂઠું બોલ્યા, હઠી તો ફક્ત બે છે, એક નખ અને બીજા વાળ જેટલી વાર કાપો એ ફરીફરીને ઊગી જ નીકળે!
“ભૂ-દેવ ! તમે હઠી ના હોઈ શકો, સાચું કહો આપ કોણ છો?”
પૂરી તરહ અપમાનિત અને પરાજિત કાલિદાસ અત્યંત ક્ષોભજનક અવસ્થામાં જવાબ આપ્યો “તો પછી હું મૂર્ખ છું.”
સ્ત્રીએ કહ્યું આ જગતમાં બે વ્યક્તિ જ મૂર્ખ હોઈ શકે. પ્રથમ રાજા કે જે કોઈ પણ યોગ્યતા વગર શાસનની ધુરા સંભાળી લે છે અને બીજો દરબારી પંડિત જે રાજાને રીજવવા માટે ખોટી વાતને પણ તર્ક થકી સાચી પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. એક તરસ અને બીજો સંપૂર્ણપણે પોતાની પંડિતાઈના ગર્વનું ખંડન આ બે બેવડો માર કાલિદાસ સહન ના કરી શક્યા. એટલે એ પેલી સ્ત્રીના પગમાં પડી ગયા અને પાણી માટે આજીજી કરવા લાગ્યા.
એકાએક અવાજ સંભળાયો, “બેટા ઊભો થા.”
અવાજ સાંભળી કાલિદાસે ઉપર જોયું તો સાક્ષાત મા સરસ્વતી ત્યાં ઊભાં હતાં. જેમનાં દર્શન અને તેજથી કાલિદાસ ફરી એક વાર નતમસ્તક બની ગયા.
સરસ્વતીજી એ કહ્યું, “બેટા ! અભ્યાસ અથવા ભણતરથી જ્ઞાન આવે છે, અહંકાર નહીં. તેં શિક્ષાના બળ પર પ્રાપ્ત માન અને પ્રતિષ્ઠાને જ પોતાની ઉપલબ્ધિ જ માની લીધી છે અને અહંકારના માર્ગે ચઢી ગયો હતો. એટલે જ મારે તારી આંખો ઉઘાડવા માટે આ કરવું પડ્યું. કાલિદાસને પોતાની ભૂલ સમજાઇ. મા સરસ્વતીના હાથે પડતી જલધારામાંથી પેટ ભરીને પાણી પીધું અને આગળ ચાલી નીકળ્યા.
આ આખાય પ્રસંગ પરથી આપણે એ સમજવાનું છે કે પોતાના જ્ઞાન અને વિદ્વતા પર ક્યારેય અભિમાન ના કરવું જોઈએ. આ અભિમાન જ વિદ્વતાને નષ્ટ કરી દે છે. નીચેના શ્લોકમાં કહ્યું છે કે –
विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय ।
खलस्य साधोर्विपरीतमेतत् ज्ञानाय दानाय च रक्षणाय ॥
વિદ્વતાનો ઉપયોગ હંમેશા બીજાને જ્ઞાન, સાચી સલાહ અને સન્માર્ગે દોરવા કરવો જોઈએ. ઘમંડ કરનાર પાસે સરસ્વતી ઝાઝું ટકતી નથી. ઘમંડ માત્ર વિદ્વતાનો જ નાશ કરે છે એવું નહીં પણ સર્વનાશ તરફ દોરી જાય છે. લંકાપતિ રાવણ પરમ શિવ ભક્ત અતિ પરાક્રમી અને ખૂબ જ વિદ્વાન હતો. પણ તેના અહંકાર અને ઘમંડના કારણે તેનો નાશ થયો. ઘમંડ ના કરો અને વિદ્વતાનો સદુપયોગ કરો.
અને છેલ્લે...
બે ચીજોને ક્યારેય નકામી (વ્યર્થ) ના જવા દેશો.
અન્નનો કણ
અને
આનંદની એક ક્ષણ
હંમેશા હસતા રહો, મુસ્કુરાતા રહો, નિજાનંદની મસ્તીમાં મસ્ત રહો અને હળવા ફૂલ થઈ જીવો.