રવિવાર આમેય સુસ્તીનો દિવસ
એવું નહીં કે રોજ સવારે વહેલા ઉઠી જાવ છું
પણ રવિવાર એટલે થોડું વધારે મોડું ઉઠવાનો દિવસ
રવિવારની સવારનું એક વિશિષ્ટ મહત્વ હોય છે.
એ દિવસે મોડા ઊઠીને જલદી પરવારવાની કોઈ ચિંતા વગર છાપું ઊથલાવી શકાય છે.
એ દિવસે કોઈ જૂના મિત્ર સાથે મન ભરીને ગોષ્ઠી કરી શકાય છે.
નિરાંતે ચાની ચૂસકી લેતાં લેતાં ટેલીવિઝન પર પોતાનો મનગમતો કાર્યક્રમ જોઈ શકાય છે.
ઘરમાં પણ કોઈને ઉતાવળ નથી હોતી. બધું જ સાદી પ્રસંવાદી ગતિની જેમ ચાલે છે.
આવા જ એક રવિવારની સુસ્તાતી સવાર
શિયાળો હવે બારણે ટકોરા મારવા લાગ્યો છે.
વાતાવરણ ઠંડુ થતું જાય છે.
સૂરજનાં દઝાડતાં કિરણો હવે સ્વજનના સ્નેહની જેમ હૂંફાળાં લાગે છે.
સવારમાં થોડો સમય તડકે ખુરશી નાખીને બેસવું ગમે છે.
નાના હતા ત્યારે તો શિયાળાની આ સવારનો તડકો ઉપરાંત સરસ મજાનું તાપણું કરીને આનંદ લૂટતા.
એ બધું હવે પાછળ છૂટી ગયું.
પણ હજુય રવિવારની સવારનું એ સુસ્તાવું જેમનું તેમ જળવાઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલાં રવિવારની આવી જ એક સવારે પાડોશમાં વાગતા એક જૂના ગીતના શબ્દો કાને અથડાય છે.
શબ્દો કાંઈક આ પ્રમાણે છે –
जो तुम हंसोगे तो दुनिया हंसेगी
रोओगे तुम तो ना रोएगी दुनिया
तेरे आंसुओं को समझ ना सकेगी
तेरे आंसुओं पे हंसेगी ये दुनिया
જીવનની વરવી સચ્ચાઈની વાત કેટલી સાહજીકતાથી ગીતકારે શબ્દોમાં ગૂંથી લીધી છે, નહીં?
આપણે રાજી તો જગ આખું હસતું દેખાય.
મનમાં ઉમંગનો ધોધ વહેતો હોય તો આજુબાજુનું બધું પણ કિલ્લોલ કરતું લાગે. આથી ઊલટું...
મન ઉદાસ હોય, કંઈક અણગમતું બન્યું હોય, કોઈ આપદા આવી પડી હોય ત્યારે?
કશું જ ના ગમે.
ગમતા માણસોથી પણ દૂર રહેવાનું મન થાય.
પણ આનો ઉપાય શું?
આપણી ઉદાસીનતા કે દુ:ખ બીજા પાસે રડવા બેસીએ તો મોટા ભાગે આપણે જ્યાં વાતનો વિસામો માનતા હોઈએ તે વિસામો જ દગો દઈ જાય !
તમારી વ્યથા સાંભળવા મોટે ભાગે કોઈ નવરું નથી.
કવિ રણજીતરામ પટેલ ‘અનામી’એ કહ્યું છે –
આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,
હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત...
આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે,
આપણી કથા એ તો સૌની કથા છે,
આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,
ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત...
આ વાત સાથે સુસંગત ક્યાંકથી ઘણા સમય પહેલાં સાંભળેલી એક દ્રષ્ટાંત કથા યાદ આવે છે.
એક સરસ મજાનો શીશમહેલ.
એની બેનમૂન કારીગરી એમાં દાખલ થનારને સ્તબ્ધ કરી દે.
એક દિવસ આ શીશમહેલમાં એક કૂતરો દાખલ થયો. એ ખૂબ ગુસ્સામાં હતો. દાખલ થતાં જ એણે શીશમહેલના કાચમાં અનેક કૂતરાઓ જોયા જે એની જેમ જ વિકરાળ ચહેરો ધરાવતા અને ગુસ્સામાં હતા. એમને જોઈને આ કૂતરો જોર જોરથી ભસવા લાગ્યો. તો સામે પેલા અસંખ્ય કૂતરાઓ પણ એની સામે ભસવા લાગ્યા. આ જોઈને પેલો કૂતરો ગભરાયો અને ત્યાંથી બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ભાગી છૂટ્યો. એણે વિચાર્યું હશે કે આનાથી ભયંકર અને ખરાબ જગ્યા કોઈ હોઈ શકે જ નહીં.
થોડાક દિવસ બાદ એક ખુશમિજાજ અને દેખાવડો કૂતરો શીશમહેલમાં દાખલ થયો. એણે સામે અનેક કૂતરા જોયા જે ખુશમિજાજ હતા અને પૂંછડી હલાવી પોતાની ખુશી વ્યક્ત કરી એનું સ્વાગત કરતા હતા. પેલા કૂતરાની ખુશીનો પાર ના રહ્યો. પહેલી વખત અજાણ્યા કુતરાઓનું આવડું મોટું ઝુંડ ભસવાને બદલે એનું સ્વાગત કરતું હોય એવો આ અનુભવ તેને અત્યંત આનંદ આપી ગયો. એ મહેલમાંથી બહાર નીકળ્યો ત્યારે આ મહેલ એને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સ્થાન અને તેમાં મળેલો અનુભવ જીવનનો શ્રેષ્ઠતમ અનુભવ લાગ્યો. એ ફરી ત્યાં આવવાના સંકલ્પ સાથે વિદાય થયો.
દ્રષ્ટાંતનો બોધ એ છે કે આ દુનિયા પણ એક શીશમહેલ જેવી છે. દરેક વ્યક્તિ પોતાના વિચારો અનુરૂપ પ્રતિક્રિયા અહીંયાં મેળવે છે. જે લોકો સંસારને આનંદિત થઈને જુએ છે, આનંદની અભિવ્યક્તિ માટેનું માધ્યમ બનાવે છે તે હમ્મેશાં સુખદ અનુભવ મેળવે છે. આથી વિપરીત ગુસ્સો કે દુ:ખ સતત ઓઢીને ચાલવાથી આજુબાજુનું બધું જ આપણને દુ:ખદાયક લાગે છે. કવિ અનામીએ જેમ કહ્યું છે તેમ તમારા દુ:ખની ગાંસડી તમારે જ ઉપાડવાની છે. એ બોજ ગણો તો બોજ, કસોટી ગણો તો કસોટી અને જીવનનો એક ભાગ ગણો તો એક ભાગ.
જીવન તમારું પોતાનું છે.
હસીખુશી ને આનંદિત થઈને જીવશો તો પણ એ તમારું છે.
નિરાશ થઈને દુ:ખી થઈને પોતાનાં દુ:ખ રડતાં રડતાં વિતાવશો તો પણ એ તમારું છે.
હવે આ જ ગીતની આગળની પંક્તિઓ વાગી રહી હતી. જીવન જીવવાની ચાવી, ખુશ રહેવાની અને પોતાની રીતે જ આનંદમાં મગ્ન રહીને જીવન ગાળવાની વાત વણી લેવામાં આવી છે.
શબ્દો હતા –
सूरज की किरणों ने जग में किया सवेरा
दीपक जो हंसने लगा तो हो गया दूर अंधेरा
जगमगाते रहो, गुनगुनाते रहो
ज़िन्दगी में सदा मुस्कराते रहो
जो तुम हंसोगे तो दुनिया…
कली हंसी तो फूल खिला, फूल से हंसे नज़ारे
लेकर हंसी नज़ारों की, हंस दिए चांद-सितारे
तुम सितारों की तरह, तुम नज़ारों की तरह
ज़िन्दगी में सदा मुस्कराते रहो
जो तुम हंसोगे तो दुनिया…
દુ:ખ કોને નથી હોતું?
સુખ કોણ નથી માણી શકતું?
આપણા આંતરમનનો તો આ બધો વ્યવહાર છે.
આ વ્યવહારને તહેવાર બનાવીએ તો કેવું?
ગમે તેવી તાણ વચ્ચે પણ ગમે તેવી મુશ્કેલી વચ્ચે પણ
આપણે એવું નક્કી કરી શકીએ કે...
દિવસના ચોવીસ કલાકમાંથી એક કલાક દુનિયાનું જે થવું હોય તે થાય, હું આનંદમાં રહેવા માટે ગાળીશ.
જાતે આનંદિત રહીશ અને શક્ય ત્યાં સુધી બીજાને પણ રાજી રાખીશ.
એક કલાક... માત્ર એક કલાક...
શું સ્વાન્ત: સુખાય કોઈ કામ ન કરી શકીએ?
કહેજોને મને...