હૉસ્ટેલની જિંદગીની શરૂઆત કાંઈક અસમંજસ અને ગભરાટના માહોલથી થઈ. મારા બાપા બે-ત્રણ દિવસ રોકાયા. ડાહ્યાભાઈ મહારાજને મારૂં ધ્યાન રાખવા ખાસ ભલામણ કરી. એ ઉપરાંત સયાજીગંજ ખાતે આવેલી વ્યાસ ટ્રાન્સપોર્ટ કંપનીની બાજુમાં જ રહેતા મારા એક દૂરના બહેનના ત્યાં પણ મળવા લઈ ગયા. આ વ્યાસ ટ્રાન્સપોર્ટ કંપનીના એક ભાગીદાર શ્રી કનૈયાલાલ વ્યાસ મારા બનેવી થતા હતા. મારા બેનનું નામ સવિતાબહેન. મૂળ વસઈ – ડાભલા ગામ. શ્રી જેઠાલાલ શુક્લદાદાને ત્યાં તેમનું પિયર. મારા બાપા અને જેઠાલાલ દાદા બહુ દૂરના નહીં એવા મામા-ફોઈના ભાઈ થાય. જેઠાલાલ દાદા ઘરે ખેતી તેમજ યજમાનવૃત્તિ સંભાળે. વસઈમાં નાના અંબાજી પાસે એમનું ખડકીવાળું મકાન. આ જેઠાલાલ દાદાની દુર્ગાબહેન અને સવિતાબહેન એમ બે દીકરી અને નટવરલાલ, છોટાલાલ અને કાન્તિભાઈ એમ ત્રણ દીકરા. આમાં નટવરલાલ સાથે મારાં નાનાં માસીની દીકરી હસુબહેન પરણાવેલાં એટલે સગામાં સગું એમ નટવરલાલ શુક્લ પાછા મારા બનેવી થાય.
વળી પાછા મૂળ વાત પર આવીએ. વ્યાસ ટ્રાન્સપોર્ટ સયાજીગંજ ટ્રાન્સપોર્ટનું સારૂં એવું કામ કરે. શ્રી કનૈયાલાલ વ્યાસ અને એમના ભાઈ શશીકાન્તભાઈ આ ધંધો સંભાળે. સગું થતું હોવાના કારણે ભૂતકાળમાં પ્રસંગોપાત સવિતાબહેન અને એમના કુટુંબને મળવાનું થતું રહેતું. સવિતાબહેનને સંતાનોમાં શૈલેષ, વિરેન્દ્ર, વિજુ અને બબુ એમ ચાર દીકરા તેમજ પ્રજ્ઞા નામે દીકરી જે સૌથી નાની. શૈલેષ અને વિરેન્દ્ર લગભગ મારી ઉંમરના. વિજુ પણ ખાસ નાનો નહીં એટલે સગામાં કોઈના ત્યાં વસઈ ખાતે પ્રસંગ હોય ટુકડી દુર્ગાબહેનના બે દીકરા દિનેશ અને શ્રીધર અને હસુબહેનનો દીકરો એટલે કે મારો ભાણો અરવિંદ એમ ટુકડી જામે. અરવિંદને બાદ કરતાં મારા સમેત આ બધા વડનાં વાંદરા ઉતારે અને એકબીજાને સારા કહેવડાવે એટલા તોફાની. અંદરોઅંદર મારા-મારી પણ પુષ્કળ થાય. આ બધી બદમાશ ટોળીમાં હું અને શ્રીધર સાવ વૈણ બહાર. અરવિંદ તોફાની નહીં, પણ છાના-છપનાં અડપલાં કરવાની અને દારૂમાં દેવતા મૂકવાની એની આવડત અદભૂત. આ કારણથી અમે બધા સાથે હોઈએ ત્યારે અરવિંદની આ કળા ભાગ્યે જ યુધ્ધવિરામ થવા દે. અરવિંદ એટલું સિફ્તાઈથી કામ કરે કે જ્યારે મહાયુધ્ધ ચાલતું હોય ત્યારે એમાં ક્યાંય ન હોય. આથી ઊલટું, ગમે ત્યાં તોપને નાળચે બંધાઈ જવાની મારી અદભુત આવડતને કારણે છેવટે દોષનો ટોપલો મારા પર ઢળે. મારી સામે કોણ અને સાથે કોણ એ ખબર જ ન પડે. કારણ કે રિમાન્ડ લેવાતો હોય ત્યારે બધા સજ્જનતાનો અંચળો ઓઢી ઊભા રહી જાય. હું ક્યારેક એ પણ ન સમજી શકું કે જેને માટે મેં આ મહાયુધ્ધમાં ઝંપલાવ્યું હતું તે વ્યક્તિ પણ મારી સાથે કેમ નથી ઊભો રહેતો. સરવાળે જે કોર્ટમાં આ કેસ ચાલે તે કોર્ટમાં જજ તરીકે બીજા કોઈ બેઠા હોય તો મને માત્ર ઠપકો આપી છોડી દે. ફરી આવી ધમાલ ન કરવા શીખામણ આપે અને વાત પતી જાય. મારા બાપાની કોર્ટમાં જાય તો એમાં કોઈ ચૂકાદો આવે જ નહીં. એ મગનું નામ મરી ના પાડે. જજમેન્ટમાં “માત્ર બધા ભેગા થઈને રમો” એટલું કહી કેસ ડિસમિસ કરી નાંખે. તકલીફ જો આ કેસ ભૂલેચૂકે પણ મારી માની કોર્ટમાં જાય તો હજુ દલીલ પણ શરૂ ન થઈ હોય અને મને ઝૂડી નાંખે. કોઈક વખત ગ્રહો સારા હોય તો એટલેથી પતી જાય, નહીંતર લાંબુ ચાલે. માસ્તરને ચૉક ગમે તેણે માર્યો હોય, પણ વનેચંદની માફક હું ઝૂડાઈ જાઉં. વચન આપવું પડે, “ફરી તોફાન નહીં કરૂં”, પણ આપણે બંદા સુધરીએ એવું બને ખરૂં ? રંગ જાય તો પૈસા પાછા !
આ ધમાચકડીમાં પહેલા શૈલેષ સાથે અને પછી વિરેન્દ્ર સાથે મારી દોસ્તી બંધાણી. આજે અમે સયાજીગંજમાં વ્યાસ ટ્રાન્સપોર્ટવાળા કનૈયાલાલ વ્યાસ અને સવિતાબહેનના ઘરે જઈ રહ્યા હતા. બંને પતિ-પત્ની સ્વભાવે અત્યંત સરળ. કનૈયાલાલ બોલે ઓછું. સિગારેટના કશ ખેંચે રાખે. પ્રમાણમાં મને ન ફાવે એવા ગંભીર પ્રકૃતિના માણસ. સવિતાબહેન ખૂબ સરળ, પ્રેમાળ અને ભાવનાશીલ વ્યક્તિત્વ.
શૈલેષ અને વિરેન્દ્રને મળ્યાં. ઘણીવાર વાતો કરી. સાંજે સવિતાબહેનના ત્યાં જમવાનું હતું એટલે નિરાંતે બેઠા. વિજુ અને બબુ સાથે ખૂબ વાતો કરી. વડોદરામાં પહેલીવાર કો’ક પોતાનું છે એવો અહેસાસ થયો. વળી, મારી કૉલેજની બરાબર સામે યશકમલ બિલ્ડીંગની પાછલ એમનું ઘર અને કંપની એટલે બહુ નજદીકમાં જ આપણું એક પરિચિત કુટુંબ રહે છે એ વાત ખૂબ સાંત્વનાનો અનુભવ કરાવી ગઈ. વડોદરામાં એ પહેલી સાંજ હતી જે મેં હળવા હૈયે અને મૉજમાં પસાર કરી. નીકળતાં નીકળતાં વાત નીકળી ત્યારે શૈલેષે મને કહ્યું કે, સિધ્ધપુરના જ રેલ્વેમાં નોકરી કરતા નટવરલાલ ઠાકરનો છોકરો ધર્મેન્દ્ર પણ થોડે આગળ સયાજીગંજમાં જ રહેતો હતો અને યોગાનુયોગ એ પણ પ્રેપરેટરી સાયન્સમાં ચાલુ સાલે જ દાખલ થયો હતો. એનો પરિચય પણ કરાવી દઈશ એમ કહેતાં શૈલેષ અને વિરેન્દ્રએ ઉમેર્યું, “મામા ! કોઈ ચિંતા નહીં કરવાની. કોઈથીયે ડરવાનું નહીં. અહીંયાં આપણી પણ ટોળી છે. કાંઈ પણ હોય તો અમે આવી જઈશું.” શૈલેષ તે વખતે દસમા ધોરણમાં બીજા વરસનો આરામ કરી રહ્યો હતો. વિરેન્દ્ર તેનાથી એક જ વરસ પાછળ હતો. આગળ જતાં ખબર પડી કે એમની પાસે વ્યાસ ટ્રાન્સપોર્ટ કંપનીના મજૂરોનું મોટું ટોળું તો હતું જ, પણ જેના નામથી વડોદરામાં લોકો ધ્રૂજતા તે અન્ના પાટીલ સાથે પણ આ કુટુંબને પરિચય હતો. વિધિની વિચિત્રતા જૂઓ, જે માણસ મારામારી કરવામાં અત્યાર સુધી પાછો નહોતો પડતો તેને આજે એના ભાણીયા હિંમત આપી રહ્યા હતા. વડોદરા મારા માટે નવું હતું બાકી અપની ગલી મેં હર કૂત્તા શેર હોતા હૈ. હું પેલી “અપની ગલી”માંથી બહાર નીકળી ગયો હતો એ ધીરે ધીરે મને હવે સમજાવા માંડ્યું હતું. એનો અર્થ એ થતો હતો કે, મારે મારા મિજાજ અને હાથ બંને પર કાબૂ રાખવાનો હતો !
એ રાત્રે હું હૉસ્ટેલમાં નિરાંતે ઊંઘી શક્યો. બીજે દિવસે મારા બાપા સિધ્ધપુર જવા રવાના થઈ ગયા. હવે સાચા અર્થમાં ભારત પ્રજાસત્તાક બન્યું હતું. આઝાદીને પણ એની પોતાની જવાબદારીઓ અને વ્યથાઓ હોય છે તે હું સમજી ગયો હતો અને એટલે ભૂલેચૂકેય –
“પંછી બનૂઁ ઊડતા ફિરૂઁ મસ્ત ગગન મેં,
આજ મૈં આઝાદ હૂઁ દુનિયા કે ચમન મેં” ગાયન હું ગણગણી શકું તેમ હતો.
વડોદરામાં મારી સ્થિતિ એક નિર્દોષ ચકલી જેવી હતી, જેની આજુબાજુ સિનિયર વિદ્યાર્થીઓ થોડા દિવસ માટે બાજ બનીને ઉડ્યા કરવાના હતા.
હૉસ્ટેલના શરૂઆતના દિવસો કોઈ પણ નવા વિદ્યાર્થી માટે જરા જૂદી જ જાતના અનુભવના હોય છે. વડોદરાની હૉસ્ટેલોમાં રેગીંગ સાવ નહોતું થતું એમ નહોતું, સિનિયર વિદ્યાર્થી મેસમાં કે કેન્ટીનમાં પણ આવે તો એને વીશ કરવું પડતું અને ક્યારેક નાસ્તો પણ કરાવવો પડતો. ક્યારેક રાતના બાર વાગ્યે બધા જુનિયર વિદ્યાર્થીઓને જગાડીને સિનિયર વિદ્યાર્થીઓ એમની પાસે કૉમન રૂમમાં લઈ જઈ જાતજાતનાં નાટકો કરાવતા. આ બધું જ હૉસ્ટેલ જીવનની શરૂઆતનો એક ભાગ હતું.
અમારી હૉસ્ટેલમાં રામાણી કરીને એક હટ્ટોકટ્ટો છોકરો હતો. એનું હટ્ટાકટ્ટા હોવું બહુ ઉપયોગી હતું. કોઈ પણ જુનિયર વિદ્યાર્થીને એકાદો સિનિયર આ ભાઈની પ્રોફેસર તરીકે ઓળખાણ આપતો. પેલો ખૂબ ગંભીરતાથી ઔપચારિક રીતે નવા વિદ્યાર્થીને ક્યાંથી આવ્યા છે ?, કેટલા ટકા છે ?, કયા વર્ગમાં છે ? વિગેરે પૂછપરછ કરતો અને પછી કહેતો પણ ખરો કે અભ્યાસમાં ધ્યાન રાખજે. કોઈ કામ હોય તો ચોક્કસ ફેકલ્ટી (વિદ્યાશાખા)માં મને મળી જજે.
પેલા સિનિયર વિદ્યાર્થીએ શીખવાડી રાખ્યું હોય એમ પેલો નવો વિદ્યાર્થી કહેવાતા પ્રોફેસર રામાણીને કેન્ટિનમાં પોતાની સાથે ચા-નાસ્તો કરવા જોડાવા વિનંતી કરતો. થોડી રકઝક પછી પ્રોફેસર રામાણી અને બીજા બે-ચાર પેલા નવા મૂરતિયાને લઈને કેન્ટિનમાં પહોંચતા. ત્યાં બે-ચાર બીજા નવરા બેઠા હોય તેમને પણ પોતાના ટેબલ પર બોલાવી લેતા. પોતાની પસંદનો ધરાઈને નાસ્તો આ બધા ઝાપટતા. બિલ પેલા બકરાએ ચૂકવવાનું રહેતું.
આ બધું પતે પછી છૂટા પડતાં પહેલાં પ્રોફેસર રામાણી કૉલેજમાં પોતે ક્યાં બેસે છે તે રૂમનો નંબર આપતા અને પેલા યજમાનને શુભેચ્છા આપી વિદાય થતા.
મજા એ હતી કે, આ સરનામે કોઈ તપાસ કરવા જાય તો એ રૂમ મોટે ભાગે લેડીઝ રૂમ અથવા પ્રિન્સિપાલની ઑફિસ નીકળે ! કોઈ પ્રોફેસર રામાણી હોય તો મળે ને !! ધીરે ધીરે પેલા બકરાને સાચું સમજાતું. પછી તો એ પણ બીજાઓને ફસાવવાવાળી આ “આજા ફસા જા !” ટોળીમાં ભળી જતો.
હૉસ્ટેલ જીવનમાં શરૂઆતમાં હેરાન થઈને કે મૂરખ બનીને મેળવેલા આ અનુભવ આગળ જતાં જીવનનું એક સુખદ સંભારણું બની જાય છે એમાં કોઈ શંકા નથી. જો કે, અત્યારે કેટલીક કૉલેજોમાં થાય છે તેવું “વાઈલ્ડ રેગિંગ” અમારા સમયમાં નહોતું. માત્ર હળવી મજાક અને નિર્દોષ આનંદથી આગળ વધીને કશું જ નહીં.
આ રેગિંગ કરનાર સિનિયરો જ આગળ જતાં અમારા હૉસ્ટેલ ગાર્ડિયન કે માર્ગદર્શક બનતા અને પછી તો પંખીમેળો બરાબર જામી જતો.
શૈલેષ અને એના ભાઈઓ સાથેની મુલાકાત મને ફળી. બે-ત્રણ દિવસ બાદ એક સવારે મારા રૂમના બારણે ટકોરા થયા. બારણું ખોલ્યું તો સામે શૈલેષ હાથમાં એક ડબ્બો લઈને ઊભો હતો. “મામા ! અમ્માએ આ નાસ્તો તમારા માટે મોકલાવ્યો છે.” મારી બહેનને એ અમ્મા કહેતો હતો. કારણ કે, શરૂઆતમાં આ પરિવાર મધ્યપ્રદેશમાં રહેતું હતું.
મૂળ વાત પર આવીએ તો બાપા સિધ્ધપુર જવા નીકળી ગયા તે પછીનો પહેલો દિવસ કોઈ ખાસ ઘટના વગરનો વીત્યો. જમવા ગયો ત્યારે ડાહ્યાલાલ મહારાજ થોડી વાર માટે મારી પાસે ખૂરશી ખેંચીને બેઠા અને થોડીક વાતચીત કરી. સારૂં લાગ્યું. એમણે મને એક નવી આઈટમથી પરિચિત કરાવ્યો. એ આઈટમ હતી “પંજાબી દાળ” અને “પંજાબી શાક”. આ દાળ સહેજ જાડી હોય. શાક અને દાળમાં મરચું સહેજ ચડિયાતું હોય અને લસણ નાખ્યું હોય. ગોળ ન હોય. મારી મા જીવી ત્યાં સુધી અમારે ત્યાં પણ દાળ-શાકમાં ગોળ નહોતો નંખાતો અને તળવા માટે સરસિયું જ વપરાતું. જવલ્લે જ તલનું તેલ ઉપયોગમાં લેવાતું. અથાણાં સરસિયામાં નંખાતા. સીંગતેલ શબ્દનો પ્રવેશ ત્યાં સુધી મારી ડિક્શનરીમાં નહોતો થયો.
પંજાબી દાળ અને શાકનો સ્વાદ લગભગ ઘર જેવો હતો. ગમ્યું. હૉસ્ટેલમાં ઉત્તર ભારતીય છોકરાઓ અને બિનગુજરાતી છોકરાઓ માટે આ પ્રકારની દાળ અને શાક બનતાં. હું હૉસ્ટેલમાં રહ્યો ત્યાં સુધી એક કઢીને બાદ કરતા હંમેશા દાળ-શાક પંજાબી ખાવાની ટેવ પડી ગઈ. મારી સાથે વાતો કરતાં કરતાં ડાહ્યાભાઈ મહારાજે મેસના એક પીરસવાવાળા વસંત મરાઠેનો પરિચય કરાવ્યો અને પીરસતી વખતે મારૂં ખાસ ધ્યાન રાખવા તેમજ હૉસ્ટેલમાં મારાં રોજનાં કપડાં ધોઈ આપવા કહ્યું. મારા માટે આ મોટી રાહત હતી. ઘણાં વરસ સુધી વસંત મારૂં માત્ર કપડાં જ ધોઈ આપવાનું જ નહીં, પણ નાનું-મોટું કામ કરતો રહ્યો. અમારા ત્રણેય હૉલનાં મેસ એક છત નીચે લાઈનબંધ હતા એટલે ફીસ્ટ કે ચેન્જના દિવસે જ્યાં સારી આઈટમ હોય ત્યાંથી વસંત વાટકીમાં મારા માટે ખાસ લઈ આવે અને એ રીતે ધીરે ધીરે વળી પાછું ઘરે હુકમ ચલાવવાની જે કુટેવ પડી હતી તે રસ્તે હું વળવા માંડ્યો.
હૉસ્ટેલ જીવનની શરૂઆત
મારા માટે વાદળ ઘેરાયેલા આકાશ નીચે,
અપૂરતા અજવાળામાં,
બાઉન્સ ન કળી શકાય તેવી પીચ ઉપર
સનસનાટ બોલિંગ કરતા
ફાસ્ટ બોલરને રમવાનો અનુભવ હતો.
શરૂઆત બહુ જ ડરતાં ડરતાં
દાંડી ન ઊડી જાય તે કાળજી સાથે
કરી રહ્યો હતો.
રન કરવાની બહુ ઉતાવળ નહોતી.
ડૉન બ્રેડમેન મારો આદર્શ હતો.
એનું પેલું પ્રખ્યાત વાક્ય –
“ઈફ યુ હેવ અ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ
રન્સ વીલ ફોલો.”
મારી મથામણ અત્યારે વિકેટ પર ઊભા રહેવાની હતી.
પહેલી ઑવર તો સારી ગઈ.
બોલ અને બાઉન્સ ધીરે ધીરે સમજાતાં જતાં હતાં.
જો દાંડી નહીં ઊડી જાય તો...
રન્સ વીલ ફોલો.
ખેર ! હજારો નિરાશામાં
અમર આશા છુપાઈ છે.
અને...
એ આશાનો દોરવ્યો
હું ઝઝૂમી રહ્યો હતો.