किसको पता अब इस नगरी में कब हो तेरा आना વડોદરાની એ આથમતી ઉતરાયણ અને સિધ્ધપુરનાં સંભારણા

किसको पता अब इस नगरी में कब हो तेरा आना વડોદરાની એ આથમતી ઉતરાયણ અને સિધ્ધપુરનાં સંભારણા વડોદરાની એ પહેલી ઉતરાયણ મારા માટે ભાવનાઓનું તોફાન લઈને આવી હતી એમ કહું તો જરાય ખોટું નથી. સિધ્ધપુર સાથેના લાગણીના જોડાણનાં બંધનો હજુ લગભગ જેમનાં તેમ હતાં. સાચા અર્થમાં સિધ્ધપુરની એ સાવ જુદી રીતરસમે ઉજવાતી ઉતરાયણ જેમાં તે જમાનામાં પતંગ નહોતા ઉડતા અને બીજી બાજુ ખારકીબોર, શેરડી, તલસાંકળી, ટોઠા, ગાય અને કુતરા માટે અનુક્રમે ઘાસ અને શીરો, પંખીઓ માટે ચણ, ગરીબ ગુરબાંને દાન અને “મકરસંક્રાતિ પુણ્યપર્વણી” બોલતા પોતાના યજમાનને ત્યાં ટહેલ નાંખતા ગોર મહારાજો એ અમારી ઉતરાયણની વિશેષતા હતી. અમારે ત્યાં પતંગ દશેરા વખતે ઉડતા જે વિષે મેં આગળ ઉલ્લેખ કર્યો છે. આમ મે કહ્યું તેમ ઉતરાયણ અને દશેરા બંનેના સિધ્ધપુરનાં સંભારણા વડોદરાના આકાશમાં ઉતરાયણને દિવસે ઉડતા વિવિધ પતંગોની માફક વિચારોના આકાશમાં છવાઈ ગયાં હતા. હજુ પણ વડોદરા મારા માટે એટલું પરિચિત શહેર નહોતું. અંહીનું અંગ્રેજી માધ્યમ અને ભણતર મારા માટે ખરેખર કસોટીરૂપ હતાં. જે વાતાવરણમાં મારો ઉછેર થયો હતો તે લગભગ જંગલનું વાતાવરણ અને ગામની જીવન પધ્ધતિમાંથી એકદમ હું વડોદરાની આ કોસ્મોપોલિટન આબોહવામાં આવી ગયો હતો. કોઈ છોડને મૂળ સોતે ઉખાડીને અને પછી એને ગમે તેટલી ફળદ્રુપ જમીનમાં રોપીએ તો પણ શરૂઆતમાં તો એ મુરજાય છે. નવી જમીનમાં એનાં મૂળ જામે અને રસકસ મળતો થાય તે પછી જ એ છોડમાં કંઇક નિખાર આવે છે. સિધ્ધપુરની જમીનમાંથી મૂળ સોતો ઊખડેલ છોડ ધીરે ધીરે વડોદરાની જમીનમાં મૂળ નાખી રહ્યો હતો પણ હજુ એ બરાબર જામી નહોતો રહ્યો અને એટલે પંચમુખી મહાદેવની પોળના મારા મિત્રના મકાન અને ત્યારબાદ એની સાથે બીજા મિત્રોના મકાનની અગાશીમાં યંત્રવત ફરતો તો હતો પણ એ વાતાવરણ મારા માટે સાવ નવું હતું અને મારા વિચારોની કલ્પનાઓનાં પતંગ જાણે કે પોતાનું આકાશ શોધતા હતા. વર્તમાનમાં પાછા ફરી મિત્રો સાથે ઉતરાયણ મનાવવાના સભાનપણે કરાયેલા પ્રયત્ન છતાં પણ મન તો પાછું સિધ્ધપુરમાં મે વિતાવેલ જીવનની યાદો તરફ ખેંચાઇ જતું હતું. જો દુનિયા માટે એમ કહી શકાતું હોય કે – “યે દુનિયા પતંગ, નિત બદલે યે રંગ, કોઈ જાને ના ઉડાનેવાલા કૌન હૈ” તો માણસ માટે પણ આ વાત એટલી જ લાગુ પડે. સાચા અર્થમાં કહું તો ૧૪ જાન્યુઆરી, ૧૯૬૨ની એ ઉતરાયણ સમયની મારી સ્થિતિ પણ કઇંક આવી જ હતી.વડોદરા મને ધીરે ધીરે કોઠે પડવા માંડ્યુ હતું. પણ બળેવ કે નવરાત્રી અથવા ઉતરાયણ કે હોળી જેવા પ્રસંગે સિધ્ધપુરનું મારું ઘર, લગભગ જંગલ કહી શકાય એવો મારો વસવાટ, મારા મિત્રો અને સૌથી વધારે મારી મા અને એના લાડપાન યાદ આવી જતાં. હોઇ શકે કદાચ હું વધારે લાગણીશીલ હોઈશ. કદાચ ઘરથી દૂર રહેવાનો આ કાચી ઉમરમાં પહેલો અનુભવ હતો. જે હોય તે પણ વડોદરાની ઝાકઝમાળ અને વાતાવરણ મને ક્યારેય સિધ્ધપુર કરતાં વધારે આકર્ષી શક્યું નહોતું એ પણ એક હકીકત છે. ઉતરાયણનો એ દિવસ પુરો થયો મને મારું આકાશ ક્યાં અને ક્યારે મળશે એની કોઈ ખાતરી આપ્યા વગર. આમ જોઈએ તો પુરી મજા અને ધમાચકડીમાં આખો દિવસ વડોદરાનું યૌવન અને તેની સાથે અબાલ વૃધ્ધ સૌ આનંદને હિલોળે ચડ્યાં હોય એવો એ દિવસ હતો. ધાબા પરથી વડોદરાને જોવાનું એવું ઘણુબધું એ દિવસની પ્રવૃત્તિમાં હતું. સાવ મજા ન આવી એમ તો ન કહી શકું પણ જે માહોલ હતો એ માણવામાં સિધ્ધપુરની ઉતરાયણ અને દશેરાની યાદો અને એને કારણે હિજરાતું મન પણ એક અનુભવ હતો. હું સિધ્ધપુરમાં રહેતો હતો ત્યાં સુધી ક્યારેય આ બધું જ આજુબાજુ હોવા છતાંય આટલું વહાલું નહોતું લાગ્યું. કદાચ આપણી પાસે જે વસ્તુ હોય અને સાહજિક રીતે પ્રાપ્ત હોય તેની કિંમત આપણે નથી સમજી શકતા. સિધ્ધપુર છોડયા પછી થોડોક સમય મારી મા જીવતી હતી ત્યાં સુધી તો સિધ્ધપુર સાથેનો રાતવાસો રહેવાનો નાતો રહ્યો. પણ... ૧૯૮૦ ફેબ્રુઆરીના મધ્યમાં મા ગઈ. એકાએક ત્યારે મને ભાન થયું કે જે ઈંટ પતરાંના મકાનમાં એ રહેતી હતી એમાંથી આત્મા ઊડી ગયો. આ મારું ઘર નહોતું. એક દિવસ કોઇકે એનો એહસાસ પણ કરાવ્યો કે આ કોઇકનું છે ત્યાં સુધી બે-ત્રણ વરસ મારા બાપા જીવતા હતા એટલે એમના ખાતર અને બાળકોને વતન કેવુ છે તે સમજાય તે માટે સિધ્ધપુર જવાનું થતું. એકાએક તે પણ છૂટી ગયું. ત્યારપછી ભાગ્યે જ રાતવાસો સિધ્ધપુરમાં રહ્યો છું. કદાચ એ સિધ્ધપુર જેને વડોદરાની પહેલી ઉતરાયણના મદહોશ વાતાવરણમાં પણ મે Miss કર્યું હતું. જે સિધ્ધપુર વડોદરા ગયો ત્યારે મને કેટલું વ્હાલું છે તેનો એહસાસ થયો ત્યારે સમજાયું કે સિધ્ધપુરને હું બેતહાશા ચાહું છુ. કહેવાય છે કે માણસ એના જીવનમાં પહેલા પ્રેમને ક્યારેય ભૂલી શકતો નથી. સિધ્ધપુર મારું વતન હંમેશા મારો પહેલો પ્રેમ રહ્યું છે. પણ એ સિધ્ધપુરમાં હું રહી શકું એવી લેણીદેણીનો સંબંધ ૧૯૮૦ પછી ક્યારેય નહીં આવે એવો ખ્યાલ પણ તે સમયે મને બાલીશ લાગતો હતો. ખેર માણસના જીવનની આ તો વિચિત્રતા છે. સુરજ ઢળી ચૂક્યો હતો. હવે આસમાનમાં ક્યાંક ક્યાંક ટુક્કલ ઉડવા માંડ્યાં હતાં, ક્યાંક ફટાકડા ફૂટતા હતા અને અવિરત હરખની કિલકારીઓ સંભળાતી હતી. ઉતરાયણના ડૂબતા સૂરજને અને ઉતરી રહેલ અંધારાને આથી સારી વિદાય કે આવકાર ન આપી શકાયો હોત. આવું વાતાવરણ હું પહેલી વાર જોઈ રહ્યો હતો. બરાબર આ જ વખતે ભાભી ચલચિત્રના પેલા ગાયન “ચલી ચલી રે પતંગ મેરી ચલી ચલી રે” રેકર્ડના બીજા પાસા પર અંકિત જે ગીત હવામાં ગુંજી રહ્યું હતું એના શબ્દો નીચે મુજબ હતા. “खतम हुए दिन उस डाली के जिस पर तेरा बसेरा था आज यहाँ और कल हो वहाँ ये जोगी वाला फेरा था सदा रहा है इस दुनिया में किसका आबू-दाना चल उड़ जा रे पंछी ...” ઘડીભર થયું આ ગીતના શબ્દો થકી નિયતિ મને જાણે કે સંદેશો આપતાં કહી રહી હતી કે હવે સિધ્ધપુરના આ મોહમાંથી બહાર નીકળ અને એની છેલ્લી પંક્તિ તો જાણે મારા માટે જ લખાઈ હતી. “किसको पता अब इस नगरी में कब हो तेरा आना” માણસ નિયતિનો દોરાયો દોરાય છે. ક્યારેક એનાં આદરેલાં પૂરાં થાય છે ત્યારે એ પોતાની આવડત સમજી હરખાય છે. ક્યારેક એનાં આદરેલાં અધૂરાં રહે છે ત્યારે દોષનો ટોપલો કોઈકને માથે અથવા નસીબને માથે ઢોળે છે. માણસની આ પ્રકૃતિ છે. વડોદરાની આથમી રહેલી એ પહેલી ઉતરાયણ કદાચ આ ગીતની પંક્તિઓ થકી મારા માટે સંદેશો આપી રહી હતી. કદાચ આ સંદેશો હતો સિધ્ધપુર સાથેની લેણીદેણી તું ભલે જાળવી રાખ પણ સિધ્ધપુર તને નહીં સંઘરે. કદાચ એ વખતે કોઈએ આ કહ્યું હોત તો મે હસી કાઢ્યું હોત.

jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles