પ્રેમ – સ્નેહ - નિસ્વાર્થ ભાવ, પોતે જેને ચાહે છે તેના સુખ અને કલ્યાણ માટેની કોઈ અપેક્ષા વગરની સાધના. એમાંથી જ તો માતૃત્વ જન્મે છે ને !
વિકાસની જે આંધી ઉઠી એમાં ગુજરાતનાં ઘણાં બધા શહેરોમાં અને અમદાવાદમાં તો ખાસ હજ્જારો ઝાડોનો કચ્ચરઘાણ નીકળી ગયો.
પરિણામ?
એક જમાનામાં ખૂબ સાહજીકતાથી નજરે પડતાં ચકલી, સમડી. કાગડો, ગીધ જેવાં પક્ષીઓ લગભગ ભુલાઈ જવાય એટલી હદે અદ્રશ્ય થઈ ગયાં.
પણ હજુય ક્યાંક ક્યાંક બચેલાં ઝાડમાં જ આ અદ્રશ્ય થતી પંખીઓની જાતનું એકલદોકલ ઘર – માળો નજરે પડે છે.
મારી ઓફિસની કાચની બારી બહાર એક તોતિંગ લીમડાનું ઝાડ સમયની થપાટો ઝીલતું હજીય અડીખમ ઊભું છે.
પાસેથી જ પસાર થતી મેટ્રો ટ્રેન માટેના બાંધકામે એના કેટલાય સાથીઓના ઢીમ ઢાળી દીધા છે.
પણ આ લીમડો હજુ હયાત છે.
એની ટોચ પર એક સમડીએ માળો કર્યો છે.
એક દિવસ જોયું, એ માળામાં એક નાનું બચ્ચું જન્મ્યું.
સમડી આજુબાજુમાંથી ખાવાનું લઈ આવે. પેલું બચ્ચું ચાંચ ફાડીને એ ભક્ષ્ય આરોગે.
લગભગ રોજિંદો ક્રમ બની ગયો સમડી અને એના બચ્ચાને જોવાનો.
સમડી એના બચ્ચા માટે કંઈક ખાવાનું લેવા જાય તો પણ જાણે કે ઊભા જીવે.
ગઈ નથી કે પછી આવી નથી.
બચ્ચું હવે મોટું થવા માંડ્યુ છે.
હવે મા અને બચ્ચું એમની ભાષામાં વાતો કરતાં પણ થયા છે.
સમડીનું ધ્યાન સતત પોતાના બચ્ચા પર રહે છે.
આ બચ્ચું થોડું વધું મોટું થાય છે.
લ્યો ! હવે તો એ ઉડતાં પણ શીખ્યું.
એની મા સાથે થોડું થોડું ઊડે છે અને બંને પાછા માળામાં આવી જાય છે.
આ ઘટનાક્રમ પણ એક દિવસ પૂરો થાય છે.
છેલ્લા કેટલાક દિવસથી બચ્ચું દેખાતું નથી.
કદાચ એણે એનું આકાશ શોધી લીધું છે.
હવે એ માળામાં પાછું નહીં આવે.
એ પણ એનો એક અલગ માળો બનાવશે અને સમયની સાથે એનું જીવન પણ વહેતું રહેશે.
વિચાર આવે છે – સમડીએ જેને ઉછેરીને મોટું કર્યું, રાત દિવસ જેની ચોકીદારી કરી એ બચ્ચાને પોતાની મા નહીં યાદ આવતી હોય?
શું સમડીને અફસોસ નહીં થતો હોય કે પાળી પોષીને મોટું કર્યું એવું આ બચ્ચું એણે એકાએક ભૂલી ગયું?
જવાબ મળે છે – કોઈ પણ પક્ષી કે પશુ સ્વાર્થ માટે થોડું બાળકને મોટું કરે છે?
એ કાંઇ માણસ થોડું છે?
અને...
ત્યારે વાયક મહર્ષિની વિદુષીપુત્રી ગર્ગવંશની દુલારી વાચકનવી નામધરી પણ ગાર્ગી યાદ આવી ગઈ. એ ગાર્ગી જે મિથિલાનરેશના દરબારનાં નવરત્નોમાંની એક હતી.
એ ગાર્ગી જે ભલભલા બ્રહ્મજ્ઞાની પુરુષોને હંફાવી શકતી.
મહિલા સશક્તિકરણની વાત આજે થાય છે ત્યારે ગાર્ગીનું વ્યક્તિત્વ જ એટલું પ્રચંડ પ્રતિભાશાળી હતું કે એની સામે જોવાની કોઇની હિંમત નહોતી ચાલતી.
ગાર્ગી શાસ્ત્રવિદ્યામાં પારંગત હતી, વેદવેદાંતમાં નિપુણ હતી, વાક્છટા અને તર્ક એના ગુલામ હતા. એક સમયે રાજા જનકે, જેનાં બંને શિંગડાં સોનાના પતરાંથી જડેલા છે એવી એક હજાર ગયો બતાવી અને વિદ્વતસભાને પડકાર ફેંક્યો, ‘જે શાસ્ત્ર ચર્ચામાં વિજેતા બને એ આ ગયો લઈ જાય.’
કોઇની હિંમત નહોતી કે ગાર્ગી જે દરબારની શોભા હતી એનો પડકાર ઝીલી શકે.
દરબાર સ્તબ્ધ હતો.
આ સ્તબ્ધતાને તોડતો એક અત્યંત પ્રભાવી અવાજ સંભળાયો.
એ અવાજ હતો મહર્ષિ યાજ્ઞવલ્કનો.
મહર્ષિ યાજ્ઞવલ્ક ભારતવર્ષનું એક એવું અણમોલ રત્ન જે વેદવેદાંતને ઘોળીને પી ગયું હતું. એમણે એમના શિષ્યને આદેશ આપ્યો, ‘આ ગાયોને આપણા આશ્રમ ભળી હાંકવા માંડ.’
બરાબર ત્યાં જ ગાર્ગી પોતાના આસન પરથી ઊભી થઈ. એણે મહર્ષિ યાજ્ઞવલ્ક સાથે ચર્ચાનો પડકાર ઉઠાવી લીધો.
પ્રશ્નોત્તરી શરૂ થઈ.
ગાર્ગીએ પ્રશ્નોની ઝડી વરસાવી.
મહર્ષિ યાજ્ઞવલ્ક એમની લાક્ષણિક છટામાં જવાબ આપતા ગયા.
ગાર્ગીએ સીધો જ એમના મર્મ પર ઘા કર્યો.
એણે કહ્યું, ‘એવું માનવામાં આવે છે કે બ્રહ્મને જાણવા માટે, આત્માવિદ્યા પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મચર્ય અનિવાર્ય છે. પણ... આપ બ્રહ્મચારી તો નથી. આપની તો બે-બે પત્નીઓ છે. આપને શું એવું નથી લાગતું કે આ એક અનુચિત ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છો?’
સભામાં સન્નાટો છવાઈ ગયો.
મહર્ષિ યાજ્ઞવલ્કનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠશે એવી દહેશત ઊભી થઈ.
પણ બરાબર ત્યાં જ મહર્ષિએ અત્યંત ધીર ગંભીર અવાજે જવાબ આપ્યો,
‘બ્રહ્મચારી કોણ હોય છે?’
ગાર્ગીનો જવાબ હતો, ‘જે પરમ તત્વની શોધમાં લીન રહે.’
મહર્ષિએ વળતો પ્રશ્ન પૂછ્યો, ‘તો પછી તને એમ કેમ લાગે છે કે ગૃહસ્થ સત્યની શોધ ન કરી શકે?’
ગાર્ગીએ વળતો જવાબ આપ્યો, ‘જે સ્વતંત્ર છે તે જ આવી શોધ કરી શકે છે. વિવાહ એક બંધન છે એ નિસંદેહ સત્ય છે.’
મહર્ષિએ કહ્યું, ‘કેવી રીતે?’
ગાર્ગીનો જવાબ હતો, ‘વિવાહિત વ્યક્તિએ નિરંતર બીજાઓનું ધ્યાન રાખવું પડે છે. અને હમ્મેશાં કોઈને કોઈ ચિંતામાં લીન રહે છે. અને સંતાન થાય ત્યારે એની ચિંતા અલગથી કરવી પડે છે. આ પરિસ્થિતીમાં મન સત્યને શોધવા માટે મુક્ત કઈ રીતે રહી શકે? આ કારણથી કોઈ શંકા વગર લગ્ન એક બંધન જ છે એમ કહી શકાય.’
ગાર્ગીના આ તર્કથી સભા મંત્રમુગ્ધ બની.
પણ બરાબર ત્યાં જ મહર્ષિનો જવાબ આવ્યો, ‘કોઇની ચિંતા કરવી શું બંધન છે? એ તો પ્રેમ છે.’
ગાર્ગીનો વળતો ઉત્તર હતો, ‘પ્રેમ પણ એક બંધન છે મહર્ષિ.’
મહર્ષિનો વળતો ઉત્તર હતો, ‘પ્રેમ જો સાચો હોય તો એ ક્યારેય બંધન બનતો નથી. એ મુક્તિ આપે છે અને ઈશ્વરની આરાધનામાં કે પરમશક્તિની સાધનામાં પણ કોઈ અડચણ ઊભી નથી કરી શકતો. જેમ સાવિદ્યા યા વિમુક્તયે એટલે કે મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે બરાબર તે જ રીતે સાચો પ્રેમ એ કહેવાય છે જે તમને મુક્તિ આપે, બંધન નહીં.’
મહર્ષિએ પોતાના તર્કને આગળ વધારતાં કહ્યું, ‘સમસ્યા પ્રેમ નથી, સ્વાર્થ છે.’
ગાર્ગીએ પલટવાર કરતાં કહ્યું, ‘પ્રેમ સદૈવ સ્વાર્થી હોય છે મહર્ષિ !’
મહર્ષિનો જવાબ હતો, ‘જ્યારે પ્રેમની સાથે આશાઓ જોડાય છે, અપેક્ષાઓ જોડાય છે, ઈચ્છાઓ જોડાય છે ત્યારે સ્વાર્થનો જન્મ થાય છે. આવો પ્રેમ અવશ્ય બંધન બની જાય છે. પણ...
જે પ્રેમમાં અપેક્ષાઓ ના હોય, આશાઓ ના હોય, જે પ્રેમ માત્ર ને માત્ર આપવા માગતો હોય તે પ્રેમ મુક્તિ આપે છે.’
ગાર્ગી કહે છે, ‘આપની વાત તો પ્રભાવિત કરી જાય તેવી છે પણ આવા પ્રેમનું કોઈ ઉદાહરણ આપ આપી શકો?’
સભા આખી ઉત્સુકતાથી પોતાના કાન સરવા કરીને જવાબ સાંભળવા એકધ્યાન બને છે.
મહર્ષિ જવાબ આપે છે, ‘આંખો ઉઘાડો અને જુઓ. સમસ્ત જગત નિસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ છે. નિસ્વાર્થતાનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ આ પૃથ્વીને સ્પર્શે છે, પૃથ્વી પરનું જીવન ખીલી ઊઠે છે. પૃથ્વી સૂર્યથી કશું માંગતી નથી. એને તો માત્ર સૂર્યના પ્રેમરૂપી કિરણો જોઈએ છે. અને સૂર્ય પણ આ પૃથ્વી પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ નથી કરતો, ના તો પૃથ્વીથી કાંઈ અપેક્ષા રાખે છે અથવા માગે છે. ખુદ સળગીને સમસ્ત સંસારને જીવન આપે છે. આ નિસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ છે, ગાર્ગી ! પ્રકૃતિ અને પુરુષની લીલા અને જીવન એટલે કે સંતતિ એમના પ્રેમનો પરિપાક અથવા ફળ છે. આપણે બધા જ એ નિસ્વાર્થતા, એ પ્રેમમાંથી જન્મ્યા છીએ. અને સત્યને શોધવામાં શું અડચણ આવે?’
પ્રેમ અથવા સંસાર કે પછી સંતતિ પરમ તત્વની પ્રાપ્તિ આડે કોઈ બંધન નથી.
પ્રેમ જ્યાં સુધી અપેક્ષા વગરનો નિસ્વાર્થ હોય ત્યાં સુધી...
એ પ્રેમ પરમ તત્વ સુધી લઈ જવાનું સાધન બને છે.
પેલી સમડી એના બચ્ચાને મોટું કરે છે, એને રક્ષણ આપે છે, એને ખવડાવે છે, એનું પાલન કરે છે...
કોઈ આશા નથી. કોઈ અપેક્ષા નથી.
એ બચ્ચું મોટું થઈને પોતાનું આકાશ શોધી લે તે માટેની એક મા તરીકે સમડીની નિસ્વાર્થ મહેનત છે અને બચ્ચું પોતાનું આકાશ શોધી લે એટલે તેનું તપ પરમ તત્વને પામે છે.
પ્રેમ એ પરમ તત્વનું સૌથી નજદીકનું તત્વ છે. જ્યાં સુધી તેના પર સ્વાર્થ કે આશાની ધૂળ ન લાગે.
અને પેલી સમડી?
એનું આદર્શ ઉદાહરણ.
પ્રેમ – સ્નેહ - નિસ્વાર્થ ભાવ, પોતે જેને ચાહે છે તેના સુખ અને કલ્યાણ માટેની કોઈ અપેક્ષા વગરની સાધના. એમાંથી જ તો માતૃત્વ જન્મે છે ને !
અને એમાંથી જ મહર્ષિ વશિષ્ઠ – અરુંધતિ કે પછી સત્યવાન – સાવિત્રી જેવાં દાંપત્યજીવનનાં ઉચ્ચતમ ઉદાહરણ પુરુષ અને પ્રકૃતિ (સ્ત્રી) વચ્ચેનો આ નિસ્વાર્થ અને પવિત્ર સ્નેહ એ જ તો પરમ તત્વનો અંશ છે.