કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી છે અડગ નિર્ધાર
આ સમજાય તો લક્ષ્ય પામવામાં તમને કોઈ તકલીફ નહીં પડે
કારકિર્દી માટેના નિર્ણયના અત્યંત નાજુક મોડ પર જિંદગી આવીને ઊભી રહી ગઈ હતી.
એક બાજુ સિવિલ એન્જીનિયરીંગને બદલે ટેક્સ્ટાઈલ એન્જીનિયરીંગમાં એડમિશન મળ્યું હતું.
મારે ટેક્સ્ટાઈલ એન્જીનિયરીંગ નહોતું ભણવું.
કોઈ જ કારણ નહોતું ટેક્સ્ટાઈલ એન્જીનિયરીંગ નહીં ભણવા માટે.
એટલી બધી મારી સમજ પણ નહોતી કે એમાં રહેલી તકો અને આગળ શું કરવું તે સમજી શકું.
સિવિલ એન્જીનિયરીંગમાં જવું હતું
પાક્કો નિર્ણય કર્યો હતો
મારું સપનુ હતુ માટે.
આ નિર્ણય સમજ કરતા મારાં માનસ પર પડેલ છાપ અને તેને કારણે પકડાઈ ગયેલ એક વિચાર હતો એથી વિશેષ કંઇ નહીં.
BSC તો કરવું જ નહોતું. કેમ? બસ એમ જ.
મૂર્ખામીની પરાકાષ્ઠા રૂપે મારે એન્જીનિયરીંગમાં જ જવું એને મેં નાકનો પ્રશ્ન બનાવ્યો હતો.
BSC, MSC અને પછી PhD કરીને પણ કારકિર્દીમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન થઈ શકાય એવી કોઈ સમજ તે સમયે નહોતી.
મનમાં એક જડગ્રંથી બંધાઈ ગઈ હતી કે જો હું એન્જીનિયરીંગમાં નહીં જાઉં તો અત્યાર સુધી એક હોંશિયાર વિદ્યાર્થી તરીકેની મારી છાપ છે તે ભુક્કો થઈ જશે.
મડાગાંઠ પડી ચૂકી હતી.
એક નાના ગામમાંથી સામાન્ય મધ્યમ વર્ગમાંથી આવતા છોકરાની જેનાં માત્ર સાધનો જ ટાંચા ન હોય પણ એને સલાહ આપવા માટેય કોઈ ન જડે તે વરવી વાસ્તવિકતાનો હું શિકાર બન્યો હતો.
થોડા દિવસ વડોદરે રહ્યો ત્યાં કરણોપકરણ એવું પણ જાણવા મળ્યુ કે શહેરમાં ત્રણ સજજનો એવા હતા કે જે ધારે તે કરી શકતા હતા.
એમનો પડ્યો બોલ હુકમ ગણાતો.
એમની વાતનુ વજન પડતું.
એમના સહારે મારા કરતાં પણ ઘણી કચાસ હોય એવા બે ત્રણ વિદ્યાર્થીઓને મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ જેવી બ્રાંચમાં એડમિશન મળી ગયું હતું.
એક સજ્જન તો ધારે તેને પ્રિ.મેડિકલમાં એડમિશન અપાવી શકે તેટલી બળુકી વગ અને સત્તા ધરાવતા હતા.
મારી પાસે સત્તાનાં આ કેન્દ્રો સુધી પહોંચવાનો કોઈ રસ્તો નહોતો.
એ જમાનામાં એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ રીતે ખાનગી રહેતી માત્ર પરિણામ જ બોર્ડ પર મૂકાતાં.
મને અડમિશન નહીં મળ્યુ તે માટેનો કોઈ રંજ નહોતો કારણ કે મારે આવી કોઈ વગ નહોતી.
જીવનમાં વગ ન હોય તો શું થાય એનો મારો આ પહેલો અનુભવ હતો.
જે પરિસ્થિતીનું નિર્માણ થાય તેને સ્વીકારી લેવી એ ટાંચા સાધનોવાળા અને વગ વગરના નિમ્ન મધ્યમ વર્ગ માટે વણ લખ્યો નિયમ હતો.
આ સંયોગોમાં થોડા દિવસની રઝળપાટ પછી મને સ્પષ્ટ સમજાઈ ગયું
વડોદરામાં એન્જીનિયરીંગ ભણવા માટે હું લાયક નહોતો ઠર્યો.
કોઈ અજાણ પ્રેરણાનો દોરાયો એક દિવસે બેગ બિસ્તરા બાંધી હું વડોદરા છોડવા તૈયાર થયો.
વડોદરા મારું સપનાંનું શહેર
અનેક આશાઓ લઈને હું આવ્યો હતો.
એક વરસમાં અથડાઇ કુટાઈને ખૂબ ઘડાયો હતો.
હવે મને અંગ્રેજી બોલવામાં ફાંફાં નહોતા પડતાં.
હવે ચેરીબ્લોઝમ, બિલક્રીમ, પીટીશૂઝ, નાઈટ ડ્રેસ, પોલસન જેવા શબ્દો મારા માટે અપરિચિત નહોતા રહ્યા.
ભલે પરીક્ષામાં મારું પરિણામ ધાર્યા મુજબનું ન આવ્યું
પણ વડોદરાએ મને ખાસ્સો ઘડ્યો હતો.
મારા આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.
વડોદરા મને આવ્યો ત્યારે ગમતું હતું તેના કરતાં અનેક ગણું વધારે ગમવા માંડ્યું હતું.
સુરસાગર, કમાટીબાગ, મેરાળના ગણપતિ, EME કેમ્પસ અને એનું મંદિર, કિર્તીમંદિર, માંડવી ઘડિયાળની પોળમાં જતા રસ્તામાં આવતું અંબાજી માતાનું મંદિર આવું ઘણું બધુ મારા સ્મૃતિપટલ પર એક અમીટ છાપ બનીને અંકાઇ ગયું હતું.
માની હથેળીના છાંયડે ઉછરેલ એક વધારે પડતી કાળજી રાખીને મોઢે ચડાવેલ છોકરો જીવનમાં પહેલી વાર મા અને બાપાના રક્ષણથી દૂર ખાસ્સું એક વરસ જેટલું હોસ્ટેલમાં રહ્યો હતો.
હવે મને ઘર અને સિધ્ધપુર એટલું બધું યાદ નહોતું આવતું.
મિત્રો યાદ જરૂર આવતા હતા પણ એમના માટે ઝૂરતો નહોતો.
ઉલટાનું વડોદરાની હોસ્ટેલ અને કોલેજની જિંદગી, એ મેસનું ખાવાનું, ફિસ્ટ અને ચેન્જ, હોસ્ટેલ ડેની ઉજવણી, ફનફેર, સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીઓ અને પેલી થીજવી દીધેલ કોકોકોલા અને એનાં પરમ ચાહકો બાનાઓ ઘણું બધુ એવું હતું જેણે મને આકર્ષ્યો હતો. લગભગ અજાણતામાં જ મારા વ્યક્તિત્વ વિકાસને એક ચોક્કસ આકાર મળ્યો હતો.
એ પંડ્યા હોટેલ, ગેલોર્ડ, મદ્રાસ કાફે, કેનેરા કાફે અને રાવપુરાનું ભજીયાં ઉસળ, બાલુભાઈનાં ખમણ, દુલીરામના પેંડા અને બુમિયાનું દૂધ હવે પોતિકા શબ્દો લાગતા હતા.
પંડ્યા હોટેલ, એલેમ્બીક, નવા યાર્ડ, માંડવી, વાડી, પાણીગેટ, ખંડેરાવ માર્કેટ, અમદાવાદી પોળ, રાવપુરા, મચ્છીપીઠ આ સ્થળો હવે જાણીતાં લાગતાં હતાં.
હું વડોદરામાં કોલેજમાં ભણ્યો એના કરતાં પહેલા વરસમાં આ શહેર, હોસ્ટેલ અને યુનિવર્સિટીના વાતરવરણે મને ખાસ્સો ઘડ્યો હતો.
“Excuse me” કહીને ગમે ત્યાં ઘૂસી જવામાં હવે મને જરા પણ લઘુતાગ્રંથી નહોતી નડતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, બ્લીટ્ઝ, ઈન્ડિયન એક્સપ્રેસ વાંચતો થયો હતો. ધર્મયુગ અને અખંડાનંદ મારાં ખૂબ વ્હાલાં સામયિકો બન્યાં હતાં.
સાચું કહું તો હું વડોદરાના પ્રેમમાં પડ્યો હતો.
જિંદગીએ મને જે ચૌદ વરસની ઉંમર સુધી નહોતું આપ્યું
તેના કરતા વધારે વડોદરાએ મને એક જ વરસમાં આપ્યું હતું.
જો આની કોઈ ડિગ્રી મળતી હોત કે પરીક્ષા થતી હોત તો...
મારો દેખાવ ખૂબ સારો રહ્યો હોત.
વળી મૂળ વાત પર આવીએ.
હવે આગળ શું ?
વડોદરામાંથી તો બિસ્તરા પોટલા બાંધ્યા.
આ વખતે વડોદરાનું પ્લેટફોર્મ છોડ્યું અને ગાડી વાસદ મહી નદીના પૂલ પરથી પસાર થઇ
ત્યારે મને ખ્યાલ હતો કે હું વડોદરા છોડી રહ્યો છું
પણ સાથોસાથ મનમાં એક દ્રઢ નિર્ધાર પણ હતો.
વડોદરાએ ભલે મારી પરીક્ષા લીધી
ભલે મારા સપાનાના મહેલના દ્વારે પહોંચાડીને કલાભવનના દરવાજા બંધ કરી દીધા.
હું તને નહીં છોડું.
પાછો આવીશ, આવીશ ને આવીશ.
હું સિવિલ એન્જીનિયર થઈશ, થઈશ ને થઈશ.
જોવુ છું આવતી સાલ કલાભવન એના દરવાજા કેવા બંધ રાખે છે.
આ વિચાર ઝનુનથી મારા ચેતાતંત્રને જકડી રહ્યો હતો.
એ હતું એક મરજીવાનુ ઝનુન.
એ ઝનુન હતુ કોઈપણ ભોગે ધ્યેય સિધ્ધ કરવાની પ્રતિબધ્ધતાનું ઝનુન.
શરૂઆતની નિરાશા બાદ જીવનની આ પહેલી નિષ્ફળતા મને જરાય ડગાવી શકી નહોતી. ઉલટાનું હું ઝનુની બન્યો હતો.
આ પાર કે પેલે પારના ઝનુનથી યુધ્ધમા ઝૂકાવતાં સૈનિકની જેમ.
મહી પવિત્ર નદી છે. એ વિસ્તારના લોકો ખાસ કરીને પાટણવાડીયા, ધારાળા અને બારૈયા ક્યારેય મહીના ખોટા સોગંધ નથી ખાતા.
માણસાઈના દીવા ભણતાં ભણતાં આ પાત્રો સાથે હું જીવ્યો હતો.
મેં મહીનાં વહેતાં જળ સામે જોઈને...
મહીના સોગંધ ખાધા
હું વડોદરા પાછો આવીશ જ અને...
કલાભવનમાંથી જ સિવિલ એન્જીનિયર થઈશ.
આ મારો નિર્ધાર હતો અને એટલે...
આ વખતે વડોદરા છૂટી રહ્યું હતું એનો મને જરાય રંજ નહોતો.