Friday, January 20, 2017

કોઈપણ વ્યક્તિના સાથે ચાર એવાં ઉપકાર જોડાયેલા છે જેની મૂડી તો ક્યારેય પરત નથી ચૂકવી શકાતી પણ જો એનું વ્યાજ પણ ચૂકવવાનો અવસર મળે તો જીવન ધન્ય બની જાય છે.

આમાંનો પ્રથમ ઉપકાર જગતનિયંતા ઈશ્વરનો છે જેણે આપણને આ જગતમાં મોકલ્યા છે અને જે આજીવન આપણું યોગક્ષેમ વહન કરે છે. ક્યારેય વિચાર આવે છે કે હોસ્પિટલમાં દરદીને આપવા ઓક્સીજનનો બાટલો લાવવો હોય તો એના કેટલા પૈસા આપવા પડે છે ? ઈશ્વરની આ દુનિયામાં આપણા માટે કોઈપણ કિંમત વગર જોઈએ તેટલો પ્રાણવાયુ ઉપલબ્ધ છે. મીનરલ વોટરની એક બોટલ લેવા જઈએ તો એક લીટરના પંદર રુપિયા થાય છે. પંચતારક હોટલમાં એ જ બોટલ સાઈઠ રુપિયે મળે છે. પણ વર્ષાના વાદળો થકી કરોડો લીટર ચોખ્ખું પાણી ઉપરવાળો આપણે માટે વરસાવે છે તેની કિંમત માંડીએ તો કેટલી થાય ? વીજળી બિલ અને ગેસ કે ઉર્જાની કિંમત ચૂકવતાં ચૂકવતાં આપણે લાંબા થઈ જઈએ છીએ ત્યારે અખૂટ ઉર્જાનો ખજાનો સૂરજ આપણને રોજ અઢળક ઉર્જા મફતમાં આપી જાય છે. સ્ટ્રેસ એટલે કે તણાવ. આજના જીવનની મોટી સમસ્યા છે. પણ વહેલી સવારે સંભળાતો પક્ષીઓનો કલરવ અને કુદરતની નદીથી માંડી જંગલો સુધીની અનેક રચનાઓ થકી આપણું સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની અદભૂત વ્યવસ્થા એક પૈસોય ખર્ચ્યા વગર આપણને ઉપલબ્ધ બને છે. આપણે આ વિશે ક્યારેય વિચારતા નથી કારણ કે આ બધું સહજ રીતે અને મફતમાં મળે છે !

બરાબર એ જ રીતે માતા-પિતાની સારસંભાળ આપણને એક સાવ નિઃસહાય નવજાત શિશુમાંથી ક્યારે મોટા જ્ઞાની, ઉદ્યોગપતિ, રાજનેતા કે રમતવીર બનાવી દે તે સમયે આપણે મા-બાપના ઉપકારો ક્યાંક વીસરી જઈને અહંકારમાં રાચતા થઈ જઈએ છીએ. આમાંય મા નો ઉપકાર તો એટલો બધો મોટો છે કે આપણે આપણા ચામડાના જોડા સીવડાવી એને પહેરાવીએ તો પણ ઓછું પડે. એમ કહેવાય છે કે જગતની કોઈપણ મા જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યાંથી લઈને બાળકને જન્મ આપે છે ત્યાં સુધીના ગાળામાં એ મોતના મુખમાંથી પસાર થાય છે અને આમ છતાંય એ પોતાની હથેળીનો છાંયડો કરીને એના બાળકને જીવનના શરુઆતના તબક્કે કોઈપણ પ્રકારના જોખમમાંથી બચાવે છે. પોતાનું સ્વત્વ પાઈને એને ઉછેરે છે. એ ઉછેરમાં બાળકને કશુંક નડશે અથવા ભારે પડશે એ કારણે એ પોતાના ભાવતા ભોજન કે મિષ્ટાન તરફ નજર પણ નથી કરતી. પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સૂવાડે છે. પોતે જાગીને એને ઉંઘાડે છે. પોતાનું બાળક જરા જેટલું માંદુ થાય તો મા નો જીવ ઉડી જાય છે. પિતા એ સંરક્ષક છે પણ માતા તો સ્વયં જનની અને પોષક છે. એટલે જ કહેવાય છે કે – “ઘોડે ચડતો બાપ મરજો પણ દળણાં દળતી મા નહીં”. ક્યારેક પોતાના બાળકના હિતમાં મા એને વઢે છે કે સજા કરે છે તો પણ પસ્તાવો કરીને છાના ખૂણે આંખ લૂંછી લે છે.

સિદ્ધપુર જ્યાં મારું બાળપણ વીત્યું એ સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ માટેનું તીર્થક્ષેત્ર છે. મા દેવહૂતીને પરમ સિદ્ધ એવા એમના પુત્ર કપિલમુનિએ મોક્ષમાર્ગ (સાંખ્યજ્ઞાન)નો ઉપદેશ કર્યો તે બિંદુ સરોવરના પવિત્ર તીર્થક્ષેત્રમાં પોતાની માતાનું શ્રાદ્ધ કરવાથી એનો મોક્ષ થાય છે. આ શ્રાદ્ધવિધિ દરમ્યાન માતૃષોડષિ એટલે કે મા ના ઉપકારોને ઉજાગર કરતા સોળ શ્લોક બોલવામાં આવે છે. વિધિ કરાવનાર વિદ્વાન પંડિત જ્યારે આનું સરળ ભાષાંતર કરીને સમજ આપે છે ત્યારે ભલભલા પથ્થરદિલ વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય છે. મા-બાપનો આ ઉપકાર ઈશ્વરની સમકક્ષ મુકી શકાય તેવો ઉપકાર છે.

ત્યારપછી આવે એવી વ્યક્તિ અથવા વ્યક્તિઓ જે આપણામાં જ્ઞાન અને સંસ્કૃતિનું સિંચન કરી આપણને ઘડે છે. ગુરુ એ આમ તો આપણા કાચા ઘડાને ટપલાં મારી એને નિભાડે પકડવવાનું કામ કરે છે. એટલે જ કહેવાય છે –

“ગુરુ ગોબિંદ દોનો ખડે

કા કો લાગુ પાય

બલિહારી ગુરુ આપકી

ગોબિંદ દીયો બતાય”

ઈશ્વર સુધી જવા માટે પણ યોગ્ય ગુરુની પ્રેરણા અને માર્ગદર્શન જરુરી બને છે. આ ગુરુ જ આપણને માણસ બનાવે છે અને દુનિયા સામે ઉભા રહેવા માટે સક્ષમ બનાવે છે.

માણસ સામાજીક પ્રાણી છે. અનેક રીતે એ જે સમૂહ અથવા સમાજનો સભ્ય છે તે સમૂહ અથવા સમાજનો એને સારા-ભલા પ્રસંગે સધિયારો મળે છે. આ સમાજનું પણ એના પર એક મોટું ઋણ છે. તમારો બાંધવ એટલે કે ભાઈ કોને ગણવો તે સમજાવતો એક શ્લોક નીચે મુજબ છે.

“उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रु संकटे

राजद्वारे स्मशाने च यस्तिष्ठति स बान्धवः ।।

એટલે કે બંધુ (ભાઈ) કોને કહી શકાય ? આ શ્લોકમાં એની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે – આનંદમંગળ અથવા ઉજવણીના કોઈપણ ઉત્સવ પ્રસંગે, ખરાબ સમયમાં, દુર્ભિક્ષ અર્થાત્ દુષ્કાળ પડે ત્યારે, શત્રુ તરફથી સંકટ ઉભું થાય ત્યારે, રાજ દરબારમાં અને છેલ્લે સ્મશાન સુધી જે વ્યક્તિ સાથ નિભાવે છે તે જ આપણો ભાઈ છે.

આમ ઈશ્વર, મા-બાપ, ગુરુ અને છેલ્લે સમાજ આ ચાર ઋણ એટલે કે દેવાં એવાં છે જેમાં વ્યક્તિ મુદ્દલ તો ચૂકવી જ શકતો નથી પણ એનું વ્યાજ જેટલું ય જો એ ચૂકવી શકે તો એને ભાગ્યશાળી સમજવો.

કારકીર્દીના બરાબર મધ્યાને, માત્ર બેતાલીસ વરસની ઉંમર અને સરકારના એક અત્યંત કાબેલ અધિકારી તરીકેની છાપ, ભારત સરકારથી લઈને સીટી બેંક અને અન્ય સંસ્થાઓમાં ઔદ્યોગિક વિકાસ તેમજ નાણાં વ્યવસ્થાપન ક્ષેત્રે કાબેલિયત ધરાવતા નિષ્ણાત તરીકે માન્યતા, મંત્રીશ્રીઓને મળે છે તેવી ચેમ્બરથી માંડી વાહન સુધીની બધી જ સુવિધાઓ અને સરકારના એક સીનીયર અધિકારી તરીકે પ્રાપ્ત સત્તા. આ બધું હજુ બીજાં કમ સે કમ અઢાર વરસ ચાલુ રહી શક્યું હોત. કોઈ મોટા ઔદ્યોગિક જૂથમાં સલાહકાર તરીકે અથવા ડાયરેક્ટર તરીકે જોડાવામાં અથવા વિષય નિષ્ણાત કન્સલ્ટન્ટ તરીકે કામ કરવામાં હાથ-પગ ને હૈયું ચાલે ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી. બરાબર આવા સમયે જ્યારે કોઈ ડાહ્યો માણસ પોતાનું બેંક બેલેન્સ અથવા સ્થાન વધારવાની ચિંતા કરે તેને બદલે મારા સમાજ (અહીંયા સમાજ એટલે જ્ઞાતિ કે કોમના સાંકડા અર્થમાં લેતાં સર્વસમાવિષ્ટ માનવસમાજ એ અર્થમાં આ શબ્દપ્રયોગ કર્યો છે) માટે કંઈક કરવું છે. સિદ્ધપુર જેની ધૂળમાં રમીને હું મોટો થયો, ભણ્યો, આગળ વધ્યો, તેની આબોહવા અને સમાજે નાનાં મોટાં પ્રસંગોએ ક્યાંકને ક્યાંક તો મદદ કરી જ છે. આ વિચારથી પ્રેરાઈને 1990માં મેં એકાએક નોકરીમાંથી રાજીનામું આપી રાજનીતિ (રાજકારણ નહીં)ના ક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારે શ્રી સનતભાઈ મહેતા, શ્રી દિનેશભાઈ શાહ, શ્રી મકરંદભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ ભટ્ટ, શ્રી માધવસિંહભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ જેવા દિગ્ગજોની આ ક્ષેત્રે કામગીરી અને રાજ્યના વિકાસમાં પ્રદાનની મારા મન પર મોટી અસર હતી. રાજનીતિ માટે એક રોમાંચક આકર્ષણ અને સિદ્ધપુર-ઉત્તર ગુજરાત-ગુજરાત માટે કંઈક કરી છુટવાની પ્રમાણિક ભાવનાથી મેં આ ક્ષેત્રમાં ધુબકો માર્યો.

આ પાછળ પ્રેરણા હતી જે વાતની ધૂળમાં રમીને હું મોટો થયો તે વતન અને એથીય આગળ વધીને બહુજન સમાજ માટે કંઈક કરી છુટવાની.

એ વતન જ્યાં મારું બચપણ વીત્યું.

એ વતન જ્યાં મેં અગિયારમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.

એ વતન જ્યાં મારા મા-બાપે છેક 1980 સુધીનો સમય ગાળ્યો.

એ વતન જે છોડીને મારી મા કાયમી ધોરણે મારી સાથે પણ રહેવા તૈયાર નહોતી.

કારણ ?

એ કહેતી પવિત્ર સરસ્વતીનો આ કાંઠો છે.

બિંદુ સરોવરનું આ તિર્થક્ષેત્ર છે.

આવા પવિત્રધામમાં મારો દેહ પડે એનાથી રુડું શું હોઈ શકે.

મારી મા ને સિદ્ધપુર ખૂબ વ્હાલું હતું.

એ માની કૂખે હું જન્મ્યો.

એ બાપની સાથે રહીને અંગ્રેજી પાઠમાળાથી માંડી ગણિત, ખગોળશાસ્ત્ર અને આયુર્વેદિક વનસ્પતિઓ વિશેનું પાયાનું જ્ઞાન મેળવ્યું.

એ સિદ્ધપુરમાં મારા જન્મસમયથી હવે આગળનું લખવું છે.

મેં મારા વિશે લખવાનું શરુ કર્યું ત્યારે અચાનક, અનાયાસે, કોઈપણ આયોજન વગર વચ્ચેની કોઈક ઘટનાથી શરુઆત થઈ.

તે વખતે ખ્યાલ નહોતો કે એક સામાન્ય કહી શકાય એવી જીવનયાત્રાને આટલો સુંદર પ્રતિસાદ મળશે.

કદાચ વાચકમિત્રોને એમાં ક્યાંકને ક્યાંક પોતાના અનુભવોનું પ્રતિબિંબ દેખાયું હશે.

સામાન્ય ઘટનાઓ સામાન્ય વ્યક્તિઓના જીવનમાં લગભગ સરખી જ રીતે આકાર લેતી હોય છે.

એટલે....

હવે એને શરુઆતથી લઈને આગળનો જે ભાગ છુટી ગયો છે અને જ્યાંથી લખવાનું શરુ કર્યું હતું ત્યાં સુધી લઈ જઈશું.

ઘટનાચક્રની શરુઆત થશે 14 એપ્રિલ 1947થી

એનાં કેટલાક મહત્વના પડાવ

1962 એસએસસી પછી વડોદરાનો

1969 ગ્રેજ્યુએટ ડીગ્રી સિવિલ એન્જિનિયરીંગનો

અને તે જ વરસે આઈઆઈટીમાં એમ.ટેક માટે પ્રવેશ.

1971 એમ.ટેક પરીક્ષા પસાર કરી વડોદરા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગમાં નોકરી.

1971થી એપ્રિલ 1975ના કાળખંડ સુધીનું લખાઈ ગયું છે.

14 એપ્રિલ 1975થી આગળ શરુઆતનો તબક્કો પુરો કર્યા પછી ચલાવીશું.

હવે ક્રમ નહીં ચૂકીએ.

આવતીકાલથી શરુ થશે મારું બાળપણ.

અને....

બાળપણ સાથે સંકળાયેલ કેટલીક ખાટી મીઠી યાદો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles