જેમાં મૂર્તિ સ્વરૂપે ભલે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય પણ અક્ષર દેહે મા સરસ્વતી સાક્ષાત વસી રહ્યાં છે તે મંદિર એટલે મંડીબજારના ચોકમાં આવેલું લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલય

મારા ઘરમાં આમ તો ક્યારેય કજિયો-કંકાસ થાય એવું વાતાવરણ જોવા જ ન મળે. મા એના કામમાં મશગુલ અને બાપાની પ્રકૃતિ નરસિંહ મહેતા જેવી, બધું ભગવાન ભરોસે. પણ બે પ્રકારની પરિસ્થિતી મારા ઘરમાં આપણે સરહદે સર્જાતી તંગદિલી કરતાં પણ વધુ મોટી કટોકટીનું વાતાવરણ ઊભી કરી દેતી. ઘડીભર તો વિશ્વયુદ્ધ અહીંથી જ શરૂ થશે એવી ભ્રાંતિ થાય એવું વાતાવરણ બનતું. આ બે પરિસ્થિતીમાંની એક એટલે બાપા કોઈ ચોપડી લઈને એમાં ખૂંપી ગયા હોય. નહાવા-ધોવા, પૂજાપાઠ બધું જ બાકી અને માની રસોઈ લગભગ થઈ ગઈ હોય. મા મોટો કકળાટ પાડે અને બાપા જ્યારે ચોપડી મૂકીને ઊભા થાય ત્યારે જ પરિસ્થિતી યુદ્ધવિરામ તરફ જતી હોય તેવું લાગે. બીજું ક્રિકેટ. મારા ઘરે તો ટ્રાન્ઝિસ્ટર છેક ૧૯૬૪માં આવ્યો, જેની પણ એક આગવી કથા છે, પણ જ્યારે મેચ ચાલતી હોય, બાપા અચૂક સુરતી ફરસાણ માર્ટવાળા ખાંચામાંથી પોલીસલાઇન તરફ જતાં ડાબા હાથે શંકરલાલ દરજીની દુકાન આવે, ત્યાં જ હોય. શંકરલાલ પણ ક્રિકેટના જબરા શોખીન. એમના ફિલિપ્સ રેડિયોમાંથી કોમેન્ટ્રી શરૂ થાય તે એકધ્યાને સાંભળવાની. એ દિવસે બાપા એકટાણું કરે, બહારનું ખાય નહીં અને ઘરે જમવા આવે પણ નહીં કારણ કે લંચ ટાઈમમાં ઘરે જઈને જમીને પાછા અવાય નહીં. માની નાનીમોટી ફરમાઇશો શાકભાજીથી માંડીને છીંકણી કે ચા લાવવાની હોય તેમાં થોડીઘણી જ પૂરી થાય પણ ઘણી બધી રહી જાય. મા મોટેભાગે કકળાટ કરે પણ પછી બધું હતું તેમ શાંત થઈ જાય. આ પુસ્તકો વાંચવાનો શોખ એ મારા બાપા નર્મદાશંકર કુબેરજી વ્યાસે મને વારસામાં સુવાંગ લખી આપ્યો છે, એમાં કોઈનોય ભાગ નહીં.

રાજપુર પ્રાથમિક શાળામાં પણ એ જમાનામાં હજારેક પુસ્તકો ધરાવતું પુસ્તકાલય હતું જેમાં મેઘાણી, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ગુણવંતરાય આચાર્ય, કનૈયાલાલ મુનશી જેવા અનેક સિદ્ધહસ્ત લેખકોના લગભગ હજાર કરતાં વધુ પુસ્તકો હતા. મારા બાપાને પુસ્તક વાંચનનો જબરો શોખ. ક્યારેક રસોઈ થઈ ગઈ હોય અને બાપા કોઈ પુસ્તકમાં પરોવાઈ ગયા હોય ત્યારે મા રાડારાડ કરી મૂકે તો જ આ સજ્જન નહાવા માટે જાય. એમના આ શોખને કારણે હું હાઈસ્કૂલમાં ગયો તે પહેલાં મેં ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, લા મીઝરેબલનો અનુવાદ, દરિયાલાલ, સરફરોશ, હરારી, સૉક્રેટિસ, રઢિયાળી રાત, માણસાઈના દીવા, સોરઠી બહારવટીયા; પન્નાલાલ પટેલ લિખિત માનવીની ભવાઈ, મીણ માટીના માનવી, પાર્થને કહો ચડાવે બાણ, મળેલા જીવ, વાત્રક ને કાંઠે; ઇશ્વર પેટલીકરના પંખીનો મેળો, મારી હૈયાસગડી, તરણા ઓથે ડુંગર, લોહીની સગાઈ, લોકસાગરને તીરે તીરે ઉપરાંત ધૂમકેતુના તણખા મંડળ, મલ્લિકા અને બીજી વાર્તાઓ, આકાશદીપ, છેલ્લો ઝબકારો, ચૌલાદેવી, રાજસંન્યાસી,  કર્ણાવતી, રાજકન્યા, વાચિનીદેવી, જયસિંહ સિદ્ધરાજ (બર્બરજિષ્ણુ), જયસિંહ સિદ્ધરાજ (ત્રિભુવન ખંડ), જયસિંહ સિદ્ધરાજ (અવંતીનાથ), ગુર્જરેશ્વર કુમારપાળ, રાજર્ષિ કુમારપાળ, નાયિકાદેવી, રાય કરણ ઘેલો, અજિત ભીમદેવ, આમ્રપાલી, વૈશાલી, મગધપતિ, મહાઅમાત્ય ચાણક્ય, ચન્દ્રગુપ્ત મોર્ય, સમ્રાટ ચન્દ્રગુપ્ત, પ્રિયદર્શી અશોક, પ્રિયદર્શી સમ્રાટ અશોક, મગધસેનાપતિ પુષ્પમિત્ર, ઇતિહાસદર્શન, રજપૂતાણી અને ભૈયાદાદા, મેં લગભગ આઠમું ધોરણ પસાર કર્યું તે પહેલાં વાંચી કાઢ્યાં હતાં. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ ચાંચિયાની સાહસકથાઓ અને મોહનલાલ ચુનીલાલ ધામી દ્વારા લખાયેલ ક. મા. મુનશીના પાટણ સંદર્ભિત પુસ્તકોને સમકાલીન રાજ્ય વ્યવસ્થાનું જૈન ધર્મ કેન્દ્રમાં રાખી કરાયેલું વર્ણન મને ગમતું. મારી વાંચવાની ઝડપ એ સમયે પણ સારી હતી. હું પાંચમા ધોરણમાં હતો ત્યારે બત્રીસ પૂતળીઓની વારતાનું પુસ્તક એક જ દિવસમાં વાંચી નાખ્યું હતું. મારા બાપા તરફથી મને અબજો રૂપિયાનો વારસો સરખાવીએ તો પણ ઓછો પાડે તેવો આ વાંચનનો અદ્ભુત શોખ અને તેને કારણે ભાષા સાથેની મિત્રતા વારસામાં મળ્યાં છે.

સિદ્ધપુર શહેરમાં એક જમાનામાં પ્રવૃત્તિથી ધમધમતો વિસ્તાર એટલે મંડીબજાર. આમ તો જ્યારે સિદ્ધપુર તેજીમાં હતું અને પૂર્વના નદી પારના ગામડા માધુ પાવડિયાં થઈ સિદ્ધપુરમાં હટાણું કરવા આવતા, અનાજ કે શાકભાજી વેચવા આવતા, કાપડ કે સોનું ખરીદવા આવતા તે જમાનામાં મહેતા ઓળના મહાડ બાજુથી આવો, પંચમુખી હનુમાનજીનું મંદિર ડાબા હાથે મૂકી નાકની દાંડીએ આગળ વધો એટલે જ્ઞાનની પરબ જ્યાં સતત ચાલુ રહેતી હતી એવું લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલય આવે. સરસ્વતી તીરે વસેલું સિદ્ધપુર જેના માટે ગૌરવ લઈ શકે એવી આ લાઈબ્રેરી મને હંમેશાં પ્રિય ઠેકાણાઓમાંનું એક હતું. આમ લાઈબ્રેરી એ મારા માટે એક મંદિર જેટલી જ બલકે એથીય વિશેષ પવિત્રતા ધરાવતું સ્થાન હતું. આ લાઈબ્રેરીના ભોંયતળિયાનો ભાગ એટલે ડૉ. મુરજમલ નિહાલાનીનું દવાખાનું. પગથિયાં ચઢીને ઉપર જઈએ એટલે પુસ્તકોની અદ્ભુત દુનિયામાં પ્રવેશ મળે.

શ્રીસ્થળ અને સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા એવા મહર્ષિ કપિલમુનિ‌ની તપોભૂમિ એવા સિદ્ધપુરમાં નગરજનોની જ્ઞાનબુદ્ધિ માટે ૧૧૦ વર્ષ જૂની લાઈબ્રેરી મંડીબજાર વિસ્તારમાં કાર્યરત છે. આજે તો એને અદ્યતન સુવિધાયુક્ત બનાવવામાં આવી છે. પ્રાચીનકાળથી જ  સિદ્ધપુર એ સરસ્વતીનું એટલે કે જ્ઞાન અને વિદ્યાનું ધામ રહ્યું છે. શહેરમાં જ્ઞાનના પ્રસાર અને પ્રચાર માટે પુસ્તકાલયની જરૂર રહેતી. તેથી કેટલાક આદર્શવાદી યુવાનોએ સને ૧૯૦૭માં ‘મિત્ર મંડળ પુસ્તકાલય’ નામની સંસ્થાની સ્થાપના કરી.

૧૯૧૦માં અમદાવાદના સર ચીનુભાઇ બેરોનેટે આ સંસ્થાને રૂ. ૩૦૦નું દાન આપ્યું હતું. જ્યારે સ્થાનિક મ્યુનિસિપાલિટીએ રૂ. ૧૨પની વાર્ષિ‌ક ગ્રાન્ટ આપવાનું નક્કી કરતાં ‘મિત્ર મંડળ પુસ્તકાલય’ના નામે આ સંસ્થા જ્ઞાનનો પ્રસાર કરતી રહી. પુસ્તકાલયના સ્થાપક મિત્રોએ ૧૯૧૭ સુધી આ પુસ્તકાલયમાં કામ કરીને તેનો વિસ્તાર કરવા પ્રયત્ન કર્યો. તે વખતે સંસ્થાના પ્રમુખ તરીકે નગરશેઠ પ્રભુદાસ ઉજમ અને મંત્રી તરીકે ભાનુલાલ ગોપાળજી ત્રિવેદી સેવા આપતા હતા. આ સંસ્થા તથા તેની સાથે સંકળાયેલા મિત્રોને સન ૧૯૧૮માં જ્વલંત સફળતા મળી.

વ્યવસ્થાપકોએ તે સમયના સિદ્ધપુરના રાજરત્ન દાનવીર શેઠ મગનલાલ પ્રભુદાસને શહેરમાં પુસ્તકાલયની જરૂરીયાતની વાત જણાવી. શેઠશ્રીએ રૂપિયા ત્રણ હજાર મકાન માટે, રૂપિયા એક હજાર પુસ્તકો માટે અને રૂપિયા એક હજાર કાયમી ફંડ ખાતે મળીને કુલ રૂપિયા પાંચ હજાર આ પુસ્તકાલયને દાન આપ્યા. દાનની શરત મુજબ તા. ૧-૧-૧૯૧૮થી આ પુસ્તકાલયનું નામ ‘લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનિક પુસ્તકાલય’ રાખવામાં આવ્યું. તે સમયે વાચકો પાસેથી સભ્ય ફી કે વાર્ષિક ફી લેવામાં આવતી નહોતી.

વીતેલાં વરસોમાં સિદ્ધપુરના વિદ્વાન દર્શન શિરોમણી જયદત્ત વેણીદત્ત શાસ્ત્રી જેવા પ્રખર પંડિતે  ઇ.સ. ૧૯૩૪થી ૧પ વર્ષ સુધી આ પુસ્તકાલયના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ઉપરાંત શ્રીકૃષ્ણકુમાર શેઠ સાક્ષર, રમણલાલ વસંતલાલ દેસાઇ, ભાનુલાલ ગોપાળજી ત્રિવેદી (ઇમાનદાર) દ્વારા પણ પુસ્તલકાયને સેવા આપવામાં આવી છે.

સિદ્ધપુરનું ‘લક્ષ્મીચંદ સુંદરજી સાર્વજનિક પુસ્તકાલય’ એટલા વિષે જ લખવું હોય તો આટલે અટકી જવું પડે.

પણ એમ કરવાને મન માનતું નથી. પુસ્તકાલય પ્રવૃત્તિ પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવ ત્રીજાની ભેટ છે. મહારાજા સયાજીરાવ ત્રીજા ગુણ અને જ્ઞાનના સંવર્ધક હતા. પોતાની રાજ્ય વ્યવસ્થા સુપેરે ચાલે તે માટે એમણે સર માધવરાવથી માંડી શ્રી અરવિંદ જેવા અનેક દક્ષ વહીવટકારોને પોતાની નજદીક રાખ્યા હતા. આને પરિણામે ૬૦ વરસ કરતાં પણ વધુ લાંબુ ચાલેલું તેમનું શાસન અને તે શાસનને પરિણામે ઊભી થયેલી રાજ્ય વ્યવસ્થા માત્ર આ દેશમાં જ નહીં પણ દેશ બહાર પણ સુશાસનના એક સફળ મોડેલ તરીકે ખ્યાતિ પામી હતી. મહારાજા ઇ.સ. ૧૯૦૬માં અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે ત્યાંની પુસ્તકાલય પ્રવૃત્તિનું નિરીક્ષણ કરતા ફરજિયાત કેળવણીનું એક મહત્વનું અંગ પુસ્તકાલય છે એવું જણાયું હતું. દેશમાં પરત આવી નવેમ્બર ૧૯૦૬થી આખા રાજ્યમાં પુસ્તકાલયની પ્રવૃત્તિ સુપેરે વિકસે તે માટે તેઓએ ફરમાન બહાર પાડ્યું હતું. યુરોપ અને અમેરિકાના પ્રવાસ બાદ પોતાના રાજ્યનું પાટનગર એવા વડોદરાના નગરજનો માટે જાહેર પુસ્તકાલય હોવું જોઈએ, તેવા વિચાર સાથે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જૂના સરકારવાડામાં ૧૯૧૦ની સાલમાં મધ્યવર્તી પુસ્તકાલય (સેન્ટ્રલ લાઈબ્રેરી) જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી. આ વ્યવસ્થા સુપેરે પ્રસ્થાપિત થાય તે માટે એના લાઇબ્રેરીયન તરીકે વિલિયમ એ. બોર્ડનની નિમણૂક કરવામાં આવી હતી. પુસ્તકાલય પ્રવૃત્તિ વિષે સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આદેશ કરવામાં આવ્યા મુજબ ૪થી એપ્રિલ ૧૯૦૭ના રોજ એક જાહેરખબર પ્રસિદ્ધ કરી, જે મુજબ જે ગામોમાં સરકારી, સાર્વજનિક, મિત્રમંડળની સંસ્થાવાળી કે એવી કોઈપણ જાતની લાઈબ્રેરી અથવા કોઈપણ પ્રકારની પ્રજાના વાંચન માટે ગોઠવણ નહિં હોય તેવા ગામે સરકારની મદદથી લાઈબ્રેરીઓ શરૂ કરવાની હતી. જેમાં ગામની દરેક વ્યક્તિને કોઈપણ જાતના લવાજમ વગર વાંચવાની છૂટ મળવી જાઈએ એ શરતની સાથે બીજી શરતો પણ હતી.

આ પુસ્તકાલય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલુ એક નામ એટલે મોતીભાઈ અમીન. પુસ્તક પ્રવૃત્તિના પિતામહ તરીકે આજે જેમનું નામ સન્માનથી લેવાય છે તે મોતીભાઈ અમીનનો જન્મ ઇ.સ. ૧૮૭૩માં થયો હતો. મોતીભાઈએ ગ્રેજયુએટ થઇ શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો અને શિક્ષણની સાથે સાથે પુસ્તકાલય પ્રવૃતિ વ્યાપક બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો. સભા સમારંભો, ભાષણો, ઉદઘાટનો અને પ્રમુખસ્થાનેથી દૂર રહી મોતીભાઇએ જે અવિરત સેવાયજ્ઞ કર્યો છે તે આજે કોઇપણ ક્ષેત્રના સેવકો માટે ઉમદા દ્દષ્ટાંતરૂપ છે. એમના ‘પુસ્તકાલય’ સામયિકે ગુજરાતની પ્રજામાં શિષ્ટવાચનનો શોખ વધારવાનું ભગીરથ કાર્ય કર્યું. બે જ વર્ષમાં વડોદરા રાજ્યમાં એમણે ૪૦૦ પુસ્તકાલયો શરૂ કર્યા હતા. ઉપરાંત સાવ નાના ગામોમાં ફરતાં પુસ્તકાલયો સ્થાપીને મોતીભાઇએ જ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધિ ગુજરાતના છેવાડા સુધી પહોંચાડવામાં ફાળો આપ્યો હતો. અખિલ હિંદ પુસ્તકાલય પરિષદે ‘ગ્રંથપાલ ઉદ્યમ પિતામહ’નું બિરુદ આપી તેમને નવાજ્યા હતા. સ્ત્રી-શિક્ષણ અને સ્ત્રી-સ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી મોતીભાઇએ સામાજિક દૂષણો અને જડરૂઢિઓ સામે બળવો પોકારીને અનેકવાર પોતાની નૈતિક તાકાતનો પરચો આપ્યો હતો. એ જમાનાના રિવાજ મુજબ સ્ત્રીઓ પગરખાં પહેરી ન શકતી. આવી સ્ત્રીઓના સહાય અર્થે તેમણે પગરખાંની પરબ શરૂ કરી હતી. ગાંધીજીએ મોતીભાઇને ‘ચરોતરનું મોતી’ કહી બિરદાવ્યા હતા. ૧૯૩૯ની પહેલી ફેબ્રુઆરીના રોજ તેમનું નિધન થતાં ગુજરાતે એક અઠંગ કર્મયોગી, તપસ્વી શિક્ષક અને સાધુપુરષ ગુમાવ્યાનો અપાર ખેદ અનુભવ્યો હતો.

પ્રજાવત્સલ રાજા સર સયાજીરાવ ગાયકવાડ, લાઈબ્રેરી પ્રવૃત્તિના પિતામહ એટલે શ્રી મોતીભાઈ અમીન, જેમની સખાવતો સિદ્ધપુરની સમજોપયોગી દરેક પ્રવૃત્તિઓમાં ફેલાયેલી છે તેવા રાજરત્ન દાનવીર શેઠ મગનલાલ પ્રભુદાસ અને નગરશેઠ પ્રભુદાસ ઉજમ ઉપરાંત ખાસ્સાં ૧૫ વરસ આ સંસ્થાના પ્રમુખ તરીકે જેમણે માર્ગદર્શન આપ્યું તેવા સિદ્ધપુરનું જ વિદ્વતરત્ન દર્શનશિરોમણી શ્રી જયદત્ત વેણીદત્ત શાસ્ત્રીજી (જે આગળ જતાં સાંસારિક સંબંધે મારા સગા ફૂઆજી થયા), સિદ્ધપુરને જેમની દક્ષ કાર્યપદ્ધતિનો લાભ મળ્યો તે રમણલાલ વસંતલાલ દેસાઇ અને તેમના હાથ નીચે જેમણે કામ કર્યું તે મણિલાલ પંડ્યા ‘ઉશનસ’, ભાનુલાલ ગોપાળજી ત્રિવેદી (ઇનામદાર), કેવા કેવા નામો આ પુસ્તકાલય સાથે સંકળાયા જેમણે, જે જમાનામાં લાઈબ્રેરી વ્યવસ્થા માંડ ઉગીને ઊભી થતી હતી તે જમાનામાં સિદ્ધપુરને ભેટ આપી એક અદ્ભુત પુસ્તકાલયની. લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલય. બાપા સાથે ક્યારેક એનાં પગથિયાં ચઢી જતો. સાવ સામાન્ય કહેવાય તેવા અરધી ચડ્ડી અને ખમીસ પહેરેલું એ બાળક, જેના ઉપર એ સમયે પણ મા સરસ્વતીની કૃપા અનરાધાર વરસી રહી હતી તેને ત્યારે ભાગ્યે જ ખયાલ હશે કે એક દિવસ એની માના આશીર્વાદ ‘મા સરસ્વતી તારી જીભે વસજો !’ સાચા પડશે. એ મા સરસ્વતીનું મંદિર જેમાં મૂર્તિ સ્વરૂપે ભલે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય પણ અક્ષર દેહે મા સરસ્વતી સાક્ષાત વસી રહ્યાં છે તે મંદિર એટલે મંડીબજારના ચોકમાં આવેલું લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલય.               


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles