હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરવા માટેની શિષ્યવૃત્તિ માટે મુંબઈ જઈને આપેલ પહેલી પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો હતો. પ્રાથમિક કસોટી મેં સફળતાપૂર્વક પસાર કરી છે એવું તત્કાલિન મુંબઈ રાજ્યના શિક્ષણ વિભાગના આ પત્રમાં જણાવ્યું હતું. લેખિત પરીક્ષા માટે એકાદ મહિના બાદ તે જ સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ફરી એકવાર પરીક્ષાદેવી મને ફળ્યાં હતાં. આ પત્ર હું બીજા દિવસે સ્કૂલમાં લઈ ગયો અને પ્રાર્થના બાદ પ્રિન્સિપાલ સાહેબની ઑફિસમાં જઈ તેમને બતાવ્યો. ભાવસાર સાહેબ આ સમાચાર જાણી ખુશ થયા. એમણે મારી પીઠ થાબડી આશીર્વાદ આપ્યા. આ જ પત્ર ક્લાસમાં મેં અમારા ક્લાસ ટીચર પરીખ સાહેબને બતાવ્યો. તેઓ પણ ખૂબ રાજી થયા અને આખા ક્લાસ સમક્ષ આ પત્ર વાંચી સંભળાવી મને શાબાશી આપી. ઉત્સાહની આ પળોમાં એમના મ્હોંમાંથી નીકળેલા શબ્દો હજુ પણ મારા કાનમાં ગૂંજે છે. તેમણે કહ્યું હતું, “આ છોકરો ખૂબ આગળ જશે.”
હવે ક્લાસમાં તેમજ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓમાં જેમ જેમ આ વાત ફેલાતી ગઈ સૌ મને એક જુદી નજરથી જોતા થયા હતા. મારી સાથે અત્યાર સુધી વાત ન કરનાર છોકરાઓ પણ હવે મારી સામે દોસ્તીનો હાથ લંબાવતા. મુંબઈની આ પ્રાથમિક પરીક્ષાની સફળતાએ જાણે કે રાતોરાત મને સ્કૂલમાં પ્રસિદ્ધ કરી દીધો હતો. મનમાં આ બધું જોઈ એક છૂપો આનંદ પણ થતો અને થોડી દહેશત પણ લાગતી. સમય આમને આમ વીતતો જતો હતો. શાળામાં શિક્ષણકાર્ય હવે વેગ પકડતું જતું હતું. એલ. એસ. હાઈસ્કૂલમાં પ્રવેશ લીધાને લગભગ છ મહિના જેટલો સમય વીત્યો હતો. સદનસીબે અત્યાર સુધી જે જે શિક્ષકો સાથે પનારો પડ્યો. તેમને કારણે મહાભારતના મેદાન પર દિગ્મૂઢ થઈને ઊભેલા અર્જુનની સ્થિતિમાંથી હું ધીરે ધીરે પ્રખર યોદ્ધા અર્જુનની સ્થિતિમાં આવતો જતો હતો. મારો અર્જુનવિષાદ યોગ પૂરો થયો હતો અને મહદઅંશે એનો જશ પ્રવિણકુમાર શામળદાસ પરીખ – મારા વર્ગશિક્ષક સાહેબને જતો હતો. એમણે પસંદ કરી કરીને વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં ભેગા કર્યા હતા. માત્ર એટલેથી જ સંતોષ નહીં માનતાં આ વિદ્યાર્થીઓ ઉપર એ વિશેષ ધ્યાન પણ આપતા. જેમ કામધેનુ ગાય પાસેથી ઈચ્છિત ફળ મળી રહે તેમ કોઈ પણ મુશ્કેલી લઈને પરીખ સાહેબ પાસે જનાર વિદ્યાર્થી સંતોષકારક જવાબ મેળવ્યા વગર પાછો આવે તેવું બનતું નહીં.
એક બાજુ શાળામાં અભ્યાસ ગતિ પકડી રહ્યો હતો. બીજી બાજુ, મુંબઈ જવાની તારીખ નજીક આવતી જતી હતી. તૈયારી જેવું તો કાંઈ કરવાનું હતું નહીં. કોઈ માર્ગદર્શન આપે એવું પણ નહોતું. આજે જ્યારે હું વિચાર કરૂં છું ત્યારે સમજાય છે કે, રાજ્યકક્ષાની આવડી મોટી પરીક્ષા, જેમાં આખા અવિભાજીત મુંબઈ રાજ્યમાંથી ચુનંદા વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોય તે તો ખૂબ તૈયારી માંગી લે. સિદ્ધપુર શહેર નામ માત્રનું હતું, ગામડું વધારે હતું. આવી જગ્યાએથી અને ખૂબ પાતળી આર્થિક સ્થિતિ ધરાવતા કુટુંબોમાંથી આવતો વિદ્યાર્થી શરૂઆતના તબક્કે જ મુંબઈ જેવા શહેરમાં આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે મનોવૈજ્ઞાનિક દબાવ અને INFERIORITY COMPLEX એટલે કે લઘુતાગ્રંથિથી પીડાતો હોય. આની સરખામણીમાં સારા કુટુંબમાંથી આવતો અને શહેરી વાતાવરણમાં તૈયાર થયેલ વિદ્યાર્થી પ્રથમ તબક્કે જ મનોવૈજ્ઞાનિક ફાયદા સાથે શરૂઆત કરે. આમાં કોનો કેટલો I.Q. એટલે કે બુદ્ધિમતાનો આંક છે તે અગત્યનું નથી. બુદ્ધિમતાનો આંક ચોક્કસ જેટલો વધારે હોય તેટલો ફાયદો, પણ એક સરખા I.Q.વાળા પ્રમાણમાં પછાત કહી શકાય તેવા અને પ્રમાણમાં વિક્સિત કહી શકાય તેવા વાતાવરણમાંથી આવતા હોય તો પેલો શહેરી અને પ્રમાણમાં સારી સ્કૂલ કે સુખી કુટુંબમાંથી આવતો સ્પર્ધક એક આત્મવિશ્વાસ સાથેના મનોવૈજ્ઞાનિક ફાયદાથી શરૂ કરે છે. તેમાં કોઈ બેમત નથી.
આથી ઊલટું, IGNORENCE IS BLISS. એટલે કે, અજ્ઞાનતા પણ સુખનો એક પ્રકાર છે. તેમને કયા પ્રકારની પરિસ્થિતિ સાથે પનારો પડવાનો છે એ ખ્યાલ જ ન હોય તો એમાંથી ઊભી થતી ચિંતાઓથી તમે મુક્ત થઈ જાવ છો ! મારી સ્થિતિ આવી હતી. પરીક્ષા આપવા જવાનું હતું, પણ આજુબાજુમાં એક વ્યક્તિ એવો નહોતો કે જે એ પરીક્ષામાં પૂછાનાર પ્રશ્નો તેમજ તેના કઈ રીતે જવાબ આપવા તે બાબતે માર્ગદર્શન આપી શકે. દિવસો વીતતા જતા હતા. મુંબઈ જવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. મારા બાપાએ બેરિસ્ટર સાહેબને પત્ર લખી નાખ્યો હતો. પહેલી વખતની મુલાકાત અને આ મુલાકાતમાં પાયાનો તફાવત એ હતો કે, પહેલી વખત ગયા ત્યારે સ્કૂલ હજુ શરૂ થતી હતી. અભ્યાસ ધીરે ધીરે વેગ પકડી રહ્યો હતો. આ કારણથી બહુ પાછળ પડી જવાનો ડર નહોતો. આ વખતે એવું નહોતું. અભ્યાસ ગતિ પકડી ચૂક્યો હતો. ચારેક મહિના બાદ વાર્ષિક પરીક્ષા આવવાની હતી. દિવસે દિવસે પ્રમાણમાં નવું અને અધૂરૂં લાગે તેવું ભણવાનું હતું. આ કારણથી આ વખતે મુંબઈ માત્ર પરીક્ષા પૂરતું જ ત્રણ-ચાર દિવસ રોકાવું અને શક્ય તેટલા વહેલા પાછા આવવું એવો નિર્ણય લેવાયો. મારા બાપા પ્રિન્સિપાલ સાહેબ અને પરીખ સાહેબને પણ મળી આવ્યા હતા અને તેમનો પણ મત એ જ હતો કે, શક્ય તેટલા ઓછા સમયમાં પરીક્ષા આપીને પાછા આવી જવું.
આખરે એ દિવસ આવી પહોંચ્યો. આ વખતે પ્રવાસના કાર્યક્રમમાં પણ ફેરફાર હતો. સાંજે દિલ્હી મેઈલથી નીકળી અમદાવાદથી મુંબઈ જતો ગુજરાત મેઈલ પકડી સવારમાં મુંબઈ પહોંચવું એવું આયોજન હતું. ચાલુ દિવસોનો સમય હતો એટલે ગાડીઓમાં બહુ ભીડ રહેતી નહીં. પરીક્ષા એક દિવસની હતી. એના આગલા દિવસે સવારે મુંબઈ પહોંચવાનું હતું અને પરીક્ષા પત્યાના બીજા દિવસે સાંજની એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી એ જ દિલ્હી મેઈલમાં સિદ્ધપુર પરત આવવાનું હતું. આમ, મુંબઈનું મારૂં કુલ રોકાણ માત્ર સાઈઠ કલાક એટલે કે અઢી દિવસ હતું અને સિદ્ધપુરમાંથી મારી ગેરહાજરી સાડા ત્રણ દિવસની થતી હતી. અમે ગુજરાત મેઈલમાં મુંબઈ પહોંચ્યા અને ફરી એકવાર બેરિસ્ટર સાહેબના ત્યાં પેલા પરિચિત રૂમમાં ધામા નાખ્યા. સામાનમાં આ વખતે બિસ્તરો નહોતો, લોખંડની ટ્રંક નહતી, નાસ્તાનો ડબ્બો નહોતો, સામાનમાં જે ગણો તે પહેરેલા કપડાં ઉપરાંત બે જોડ કપડાં જ હતાં.
સામાન ઓછો હોય ત્યારે કેટલી નિરાંત રહે છે તેનો અનુભવ આ મુસાફરીમાં થયો. આગળ જતાં મને સમજાયું છે કે, જીવનમાં પણ અપેક્ષાઓ, પળોજણો, ખટપટ, ઈર્ષા અને બિનજરૂરી ચિંતાઓનો જેટલો સામાન ઓછો રાખીએ તેટલી આ જીવનની મુસાફરી હળવાશથી કરી શકાય છે. જીવનની આ ટ્રેઈન એના નિર્ધારિત સ્ટેશન એટલે કે જન્મ અને મૃત્યુ વચ્ચે દોડતી જ રહેવાની છે. કોઈનાય માટે નથી આ ટ્રેનનું સમયપત્રક બદલાતું નથી કે નથી એના સ્ટોપેજ બદલાતા. ખૂબ નાની ઉંમરે થયેલો આ અનુભવ આ રીતે વિચારી શકાય એ સમજ ત્યારે નહોતી. જિંદગીએ ડફણાં મારી મારીને આજે આ સમજ મારામાં ઊભી કરી છે. એનો સૌથી અગત્યનો ભાગ તે આ સમજને અમલમાં મૂકવાનો છે તેમાં હજુ પણ હું 100% સફળ નથી થયો એવું પ્રમાણિકતાપૂર્વક કહું તો વધુ ઉચિત ગણાય. જીવનની પરીક્ષાઓ, એની મુસાફરીઓ, એના ગંતવ્ય સ્થાનો, એના યજમાનો, એનો સરસામાન, આ બધું સમયપ્રમાણે બદલાતું રહે છે. એની એક માત્ર નિશ્ચિતતા છે. ટ્રેઈન જ્યાંથી ઉપડે છે તે સમય અને સ્ટેશન એટલે કે જન્મ અને મુસાફરી જ્યાં પૂરી થાય છે તે અંતિમ સ્થળ એટલે કે મૃત્યુ. આ બંને અંતિમ સત્ય છે વચ્ચેનું બધું જ ઉપરવાળાની દયા અને કર્મબળને આધિન બન્યા કરે છે. હળવા રહો, બિનજરૂરી જંજાળોમાંથી મુક્ત રહો અને હસતા રહો તો જીવન સાચા અર્થમાં મધુવન બનીને મહેંકી ઊઠે છે. તમે તો સુખી થાવ જ છો, પણ તમારી સાથે જોડાયેલાઓ માટે પણ ભલે સુખનું કારણ ન બનો. દુઃખનું કારણ તો નથી જ બનતા એ મોટી સિદ્ધિ છે.
બીજા દિવસે લેખિત પરીક્ષા માટે જવાનું હતું. આ વખતે સ્થળ કે આજુબાજુનું વાતાવરણ બેમાંથી એકેય અજાણ્યાં નહોતાં એટલે બહુ ઉચાટ જેવું નહોતું.
અગિયાર વાગ્યાના નિર્ધારિત સમયે એક વર્ગખંડમાં અમારી પરીક્ષા શરૂ થઈ. પેપર વહેંચાયું. મને આપવામાં આવેલ સમજ મુજબ હું એને શરૂઆતથી અંત સુધી નિરાંતે વાંચી ગયો. આમ તો, લગભગ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહનો સમય હતો. મુંબઈનું વાતાવરણ આમેય સમઘાત હોય છે. ડિસેમ્બરમાં તો એ અત્યંત ખૂશનૂમા લાગે છે. વર્ગખંડમાં પણ ઉપર પંખો ફરતો હતો. આમ છતાંય મારા શરીરે પરસેવો વળી રહ્યો હતો. ધ્રૂજારીનું એક આછું લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું.
સ્ટેન્સિલ પેપર પર હાથથી લખીને રોનીયો એટલે કે સાઈક્લો સ્ટાઈલ કરેલ પેપરમાં ઘણા શબ્દો સારી રીતે વાંચી શકાતા નહોતા. ઘણા શબ્દો મરાઠી મિશ્રિત લ્હેકામાં લખાયા હતા એટલે સમજી શકાતા નહોતા. દા.ત. “આપણે” શબ્દને બદલે “આપણ” લખ્યું હતું. “પેરાશુટ” ને બદલે “વેરાશૂટ” વંચાતું હતું. મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્રીયન પ્રભુત્વનો પહેલો પરચો મને આ પરીક્ષાએ કરાવી દીધો. આ પેપર કોઈ ગુજરાતી ભાષાના જાણકાર નહીં, પણ કોઈ મહારાષ્ટ્રીયન ભાઈએ કાઢ્યું હશે એટલે સ્વાભાવિક રીતે જ એમાં ભૂલો પણ હતી અને સાઈક્લો સ્ટાઈલ એટલે કે રોનીયોની ગુણવત્તા પણ સારી નહતી. આવું હોય તો ફરિયાદ કરી શકાય એટલી અક્કલ કે હિંમત પણ મારામાં નહોતી. સરવાળે પેપર ઠીક ઠીક લખાયું. બહાર આવ્યો ત્યારે મારા બાપાએ મને પૂછ્યું, “ભાઈ ! કેવું હતું પેપર ? કેવા જવાબો આપ્યા ?” મને મનમાં ખબર હતી, મારા બાપાની મારા પાસેથી હું ભણીગણીને ખૂબ આગળ વધું એવી એકમાત્ર અપેક્ષા હતી. હું જાણતો હતો કે, મેં પેપરમાં ધડબકો કર્યો છે. એમના પ્રશ્નના જવાબમાં હું કાંઈ જ બોલી ન શક્યો. મારી આંખોમાં ઝળઝળીયાં હતા. બરાબર તે જ વખતે મારા બાપાનો સશક્ત પંજો મારા બરડામાં મૂકાયો. એ બોલ્યા, “કાંઈ નહીં”, પણ એ સ્પર્શમાં એવી જબરદસ્ત સાંત્વના હતી, જેણે ક્ષણમાત્રમાં મારો બધો જ ક્ષોભ અને દુઃખ દૂર કરી દીધાં. ગીતાના ભગવાન શ્રીકૃષ્ણની માફક, “કર્મણ્યે વાધિકારસ્તે...” નો ઉપદેશ ફરી એકવાર જાણે મારા બાપા મારા સારથી બનીને વગર બોલે મને આપી રહ્યા હતા. મુંબઈ, ધોબીતળાવ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના એ કોરીડોરમાં હિંમતનો એ શક્તિપાત એક શબ્દ કરતાં પણ બોલ્યા વગર મારા બાપાએ મને જે અનુભવ કરાવ્યો તેણે આખી જિંદગી મને કોઈ પણ પ્રકારની પરીક્ષામાં કે આપત્તિમાં અડગ રહીને “કર્મણ્યે વાધિકારસ્તે...”ના સિદ્ધાંતને અનુસરવાની અખૂટ શક્તિ આપી છે. સેન્ટ ઝેવિયર્સનું આ પરિસર મારા માટે આ રીતે જીવનબોધનું પવિત્ર સ્થાન બન્યું. આજે પણ ક્યારેક ક્યારેક મુંબઈમાં હોઉં ત્યારે અમથો અમથો સેન્ટ ઝેવિયર્સ, ધોબીતળાવ લટાર મારી આવું છું. મારા માટે એ શક્તિ પુનઃસિંચિત કરવા માટેનું, નવું જોમ અને નવો ઉત્સાહ મેળવવા માટેનું પ્રેરણા સ્થળ છે. એ આજે પણ મારૂં તીર્થક્ષેત્ર છે.
પરીક્ષા વિશેની એક શબ્દ પણ ચર્ચા કર્યા વગર આખી વાતને સંપૂર્ણપણે બીજા રસ્તે વાળી દઈને મારા બાપાએ મને કહ્યું, “ભૂખ બહુ લાગી છે. ચાલ, આપણે તે દિવસે જમ્યા હતા તે ઊડીપીમાં જઈએ.” અમે બંને ઊડીપીમાં પહોંચ્યા. ખાસ આગ્રહ કરીને તે દિવસે મારા બાપાએ મને પૂરી અને સૂકી ભાજી ઉપરાંત સેવઉસળ પણ ખવડાવ્યું. ઊડીપીમાંથી બહાર નીકળ્યા ત્યારે પરીક્ષાનો વિષાદ ભૂલાઈ ચૂક્યો હતો. કોઈ પણ અજુગતી કે કડવી ઘટનાને ભૂલી જવાની શક્તિ એ ભગવાને માણસજાતને આપેલું મોટામાં મોટું વરદાન છે. જમ્યા બાદ અમે બહાર નીકળ્યા અને ટહેલતા ટહેલતા વળી પાછા ચર્ચગેટનો રસ્તો પકડ્યો. ધોબીતળાવમાં એ વખતે દોડતી મુંબઈની જાહોજલાલી જેવી ઈલેક્ટ્રીક ટ્રામ આવનાર વર્ષોમાં ઈતિહાસ બની જશે એવું તે વખતે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.