ચલો થોડા મુસ્કુરાતે હૈ.
નીચેની પંક્તિઓ વાંચવામાં આવી-
“मुश्किलों को हराते हैं...
चलो.. थोड़ा मुस्कुराते हैं...
कदर करना सिख लो..
ना जिंदगी वापस आती है...
ना जिंदगी में आये हुये लोग....
कई बार तबियत दवा लेने से नहीं,
हाल पूछने से भी ठीक हो जाती है”
બહું જ સંક્ષિપ્તમાં કેટલી સરસ વાત કહી છે.
“मुश्किलों को हराते हैं...”
મુશ્કેલીઓ આવે જાય. મુશ્કેલીઓની સામે ઝૂકી જવાથી અથવા ઢીલા પડી જવાથી કોઈ મુશ્કેલી હટી જતી નથી. પોતાના દુખનાં રોદણાં રોવાથી દુખ કપાતું નથી અને એટલે જ કવિ અનામીએ કહ્યું છે –
“આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,
હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત....
આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે,
આપણી કથા એ તો સૌની કથા છે,
આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,
ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત..."
અનામીએ સનાતન સત્ય કહી નાખ્યું છે. આપણી વ્યથા આપણને મોટી લાગે છે પણ ઘેર ઘેર માટીના ચૂલા છે. કોઈને કોઈ પ્રકારની વ્યથા સૌને છે અને એ સંયોગોમાં હસતાં હસતાં આ વ્યથા સહન કરવી એ એનો સૌથી સારો ઉપાય છે.
“चलो.. थोड़ा मुस्कुराते हैं...”
દુનિયાની મોટામાં મોટી શિખામણ આ પંક્તિમાં છે. મેં ઘણીવાર આ વાત અમલમાં મૂકી છે. ખાસ કરીને ટ્રાફીક જામ હોય, બધા અકળાયા હોય, સૌ એકબીજાથી આગળ નીકળી જવાની હોડમાં હોય અને ભૂલે ચૂકે જો કોઈએ કોઈનો રસ્તો રોક્યો અને તેમાંય જો વાહન ટચ થઈ ગયું તો જ્વાળામુખી જ ફાટે. આવા સંયોગોમાં સામો વ્યક્તિ બરાબર ક્રોધમાં હોય અને તમે જરાય વિચલીત થયા વગર એક નાનું સ્મિત એને આપશો તો ઝગડો થવાને બદલે પેલાના મગજના કુકરમાંથી ગુસ્સાની સ્ટીમ રીલીઝ થઈ જશે. વાત સમેટાઇ જશે અને હળવાશથી આ મુશ્કેલી ઉકલી જશે. તમે હસસો તો તમારી સાથે દુનિયા હસવાની છે એ વાત સમજાવતી આ પંક્તિઓ-
“जो तुम हंसोगे तो दुनिया हंसेगी
रोओगे तुम तो ना रोएगी दुनिया
तेरे आंसुओं को समझ ना सकेगी
तेरे आंसुओं पे हंसेगी ये दुनिया”
થોડા આગળ વધીએ. બીજું મોટું તત્વજ્ઞાન.
“कदर करना सिख लो..”
આપણે ઘણી બધી વસ્તુઓ આપણો અધિકાર છે એમ માની સામી વ્યક્તિ કરે છે તેને બે સારા શબ્દો કહેવાની વાત તો દૂર રહી કોઈ જ પ્રતિભાવ આપતા નથી. ઘરમાં પત્ની આખો દિવસ ધસેડો કરે છે એને પણ એની મુશ્કેલીઓ છે, એની વ્યથાઓ છે, એ પણ માણસ છે એવું કેટલા પતિ સમજે છે? ભૂલ કાઢવાની હોય તો શૂરાપુરા પણ સારું કર્યુ હોય તો “અરે વાહ! આજે તો પૂરણપોળી એકદમ મસ્ત છે” અથવા “દિવાળી આવે તે પહેલાં તો તેં ઘરને એવું ચોખું ચણાક કરી નાખ્યું કે જાણે આજે જ દિવાળી આવી ગઈ”. આપણને કોણ જાણે કેમ આવું કહેવામાં બહુ મોટી અગવડ પડે છે. એ જ રીતે પત્ની પતિ થાક્યો પાક્યો ઘરે આવે ત્યારે બે સારી વાત કરવાના બદલે છોકરાઓના તોફાનથી માંડી દુનિયાભરની ફરીયાદ એના માથે મારે છે.
પટાવાળો પાણી આપે અને ગ્લાસ એકદમ ચોખ્ખો હોય તો એને “અરે વાહ! સરસ સાફ કર્યો છે ગ્લાસને” એવું કહેતા અથવા એણે ચા સરસ બનાવી હોય તો “દોસ્ત મજા આવી ગઈ. ચા ખૂબ સરસ હતી” કહેતાં આપણી જીભે કાંટા વાગે છે. આવું આપણા દરેક સંબંધ માટે સાચું છે. માણસ હયાત હોય ત્યારે આપણે એને સારું લાગે તેવા બે શબ્દો નથી કહી શકતા અને એના ગયા પછી પોક મૂકીને રડીએ છીએ. શું અર્થ છે એનો?
આ સંદર્ભમાં ઓશો રજનીશ ખુબસુરત શબ્દો દિલમાં કંડારી રાખવા જેવા છે. રજનીશ કહે છે-
“જયારે મારું મૃત્યુ થશે તો
તમે મારા
પરિવારજનોને મળવા આવશો
અને મને ખબર પણ નહિ પડે તો
હમણાં જ આવી જાવો ને મને મળવા.
જયારે મારું મૃત્યુ થશે
તમે મારા બધા ગુનાઓ
માફ કરી દેશો
જેની મને ખબર પણ નહિ પડે તો
આજે જ માફ કરી દો ને.
જયારે મારું મૃત્યુ થશે ત્યારે
તમે મારી કદર કરશો અને
મારા વિષે સારી સારી વાતો કરશો
જે હું સાંભળી નહિ શકુ તો
હમણાં જ બોલોને.
જયારે મારું મૃત્યુ થશે ત્યારે
તમને થશે કે માણસ
ઘણો સારો હતો એની સાથે
થોડો વધુ સમય વિતાવ્યો હોત તો
સારુ થાત તો
આજે જ આવી જાઓ ને.
એટલા માટે કહું છું કે
રાહ નહિ જુઓ
રાહ જોવામાં ક્યારેક
બહુ મોડુ થઇ જાય છે..!”!
કોઇની પણ કદર કરતા શીખી લો. એમાં રોકડાનો વ્યવહાર રાખો, ઉધાર ક્યારેય નહીં કારણ કે-
“ना जिंदगी वापस आती है...
ना जिंदगी में आये हुये लोग....
कई बार तबियत दवा लेने से नहीं,
हाल पूछने से भी ठीक हो जाती है”
કોઈકના હાલ પૂછીને, કોઈકને બિરદાવીને, કોઈકને સ્મિત આપીને તો કોઈકને બે સારા શબ્દો કહી અથવા લખીને પ્રેમ વ્યક્ત કરતા શીખો.
જિંદગી બીજી વાર નહીં આવે અને એટલે જ...
કઠપુતલી (૧૯૭૧) ચલચિત્રના આ ગીતની કેટલીક પંક્તિઓ મેં અહીંયા ઉતારી છે. સમય મળે તો આ ગીત સાંભળજો ને.
“सूरज की किरणों ने जग में किया सवेरा
दीपक जो हंसने लगा तो हो गया दूर अंधेरा
जगमगाते रहो, गुनगुनाते रहो
ज़िन्दगी में सदा मुस्कराते रहो”