જેમ વડોદરામાં યુનિવર્સિટીના વિદ્યાર્થી જીવનમાં ફનફેર એટલે કે આનંદમેળાનું એક વિશિષ્ટ સ્થાન હતું તે જ રીતે જુદી જુદી વિદ્યાશાખાઓની તેમજ યુનિવર્સિટીની ચૂંટણીઓ પણ ખાસ્સો પંદર દિવસનો ઉત્સવ હોય તે રીતે યુનિવર્સિટી કેમ્પસને ચૂંટણીમય બનાવી દેતી. જે તે વિદ્યાશાખાનો પ્રતિનિધિ યુનિવર્સિટીની વિદ્યાર્થીસભામાં ચૂંટાય તેને FR એટલે કે FACULTY REPRESENTATIVE કહેતા. આ ઉપરાંત સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનના જનરલ સેક્રેટરી એટલે કે મહામંત્રી અને વાઈસ પ્રેસિડન્ટ એટલે કે ઉપપ્રમુખની ચૂંટણી સીધી થતી. જે માટે બધી જ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ મતદાન કરતા. આ જ રીતે, દરેક વિદ્યાશાખામાં જે તે વિદ્યાશાખાના સંબંધિત ક્લાસના પ્રતિનિધિ એટલે કે ક્લાસ રિપ્રેઝન્ટેટીવની ચૂંટણી જે તે વિદ્યાશાખાના વિદ્યાર્થી મતદારો કરતા અને આ ચૂંટાયેલા CR ભેગા થઈ ફેકલ્ટી જનરલ સેક્રેટરીની ચૂંટણી કરતા.
FR તેમજ VP અને GSની ચૂટણીની તો રંગત જ કાંઈક ઔર હતી. યુનિવર્સિટી આજુબાજુના બધા જ રોડ કલાત્મક રીતે લખાયેલા ઉમેદવારોના નામથી ઊભરાઈ ઉઠતા. ખૂબ જ સુંદર અને વૈવિધ્યપૂર્ણ ડિઝાઈનમાં ડામરના રસ્તા પર લખાયેલાં આ નામ એક અલગ જ ભાત પાડતાં. ફેકલ્ટીની દિવાલો પણ બાકી નહોતી રહેતી. દિવાલો ઉપર ઉમેદવારોના નામનાં ભીંતસૂત્રો તો લખાતાં. આ ઉપરાંત વિવિધ રંગ અને ડિઝાઈનમાં તૈયાર કરેલાં પોસ્ટરો પણ ચોંટાડાતાં. પાછળથી આ પોસ્ટરો ચોંટાડવા ઉપર પ્રતિબંધ આવેલો એટલે પોસ્ટરોનાં તોરણ બનાવીને લટકાવવાનો રિવાજ શરૂ થયેલો. જેમ ઉમેદવાર પાસે વધુ સાધનો તેમ તેનો ચૂંટણીપ્રચાર પણ વધુ આક્રમક અને દબદબાભર્યો રહેતો. પોતપોતાના ટેકેદારો સાથે આ ઉમેદવારો ફેકલ્ટીના કેમ્પસમાં નાના-મોટા કાર્યક્રમો યોજતા. કોઈક તો વળી ઢોલ-નગારાં કે બેન્ડવાજાં સાથે પોતાના ટેકેદારોનું સરઘસ કાઢીને યુનિવર્સિટી રોડ કેમ્પસ તેમજ જે તે વિદ્યાશાખાના કેમ્પસમાં નીકળી પડતા. આ સરઘસો પણ ભાતભાતનાં રહેતાં. માથા ઉપર સાંતાક્લૉઝ અથવા રંગલા જેવી કે પછી સરકસના વિદૂષક જેવી ટોપીઓ પહેરી હોય અને પીપૂંડાં વગાડી જોરદાર ઘોંઘાટ મચાવતાં આ ટોળાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ચૂંટણીનું એક આગવું આકર્ષણ હતું. ક્યાંક ક્યાંક તો ટેકેદારો ટોળે વળી સંગીતની ધૂન પર ડાન્સ પણ કરતા. કેટલાક વળી ઊંટલારીમાં વરઘોડો કાઢતા તો કેટલાક મોટર સાયકલ અને સ્કૂટરોની રેલી કરતા. આખા વાતાવરણમાં એક જુદા જ પ્રકારની મસ્તી અને ઉન્માદ છવાઈ જતો. FRની ચૂંટણી લડવી ખાસ્સી ખર્ચાળ હતી. GS કે વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી તો એથીયે વધુ સંસાધનો તેમજ સંખ્યાબળની તાકાત અને વ્યવસ્થાપન શક્તિ માંગી લેતી. વડોદરા યુનિવર્સિટીની અમારા સમયમાં થતી ચૂંટણીઓ સાચા અર્થમાં લોકશાહીની એક નાનીશી પ્રયોગશાળા હતી. જનરલ સેક્રેટરી અને વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ઊભા રહેલા ઉમેદવારો દરેક વિદ્યાશાખાની મુલાકાત લેતા અને પોતપોતાના ટેકેદારો સાથે ચૂંટણીપ્રચાર કરતા. FR, VP તેમજ GS માટેના ઉમેદવાર ક્યારેક ચાલુ ક્લાસે પણ પ્રોફેસરને વિનંતી કરી બે-પાંચ મિનિટ માટે વર્ગખંડની મુલાકાત લેતા અને ટૂંકૂં સંબોધન કરી પોતાને મત આપવા વિનંતી કરતા. આમાં કેટલાક બહુ પ્રતિભાશાળી અને પ્રભાવી વક્તાઓ હતા તો કેટલાક પાસે મતનું વ્યવસ્થાપન કરવાની અને નેટવર્કીંગની અદભૂત ક્ષમતાઓ હતી. યુનિવર્સિટી પૉલિટિક્સે મારા જીવનમાં પણ નેતૃત્વ ઘડતરના પાઠ શીખવવાનું મોટું કામ કર્યું અને આગળ જતાં સક્રિય રાજકારણમાં જોડાવા માટેનાં બીજ આ સમયગાળા દરમિયાન વવાયાં અને અંકુરીત થયાં તેમ હું ચોક્કસ કહી શકું. આમ તો પ્રકાશ બ્રહ્મભટ્ટ (કોકો), નરેન્દ્ર તિવારી, અશ્વિન શાહ, છાયા જેવા ઘણા વિદ્યાર્થી નેતાઓ યુનિવર્સિટીના આ રાજકારણમાંથી આગળ જતાં જાહેર જીવનમાં પણ જાણીતા બન્યા, પણ એક મોટું આશ્ચર્ય ગણો કે ગમે તે યુનિવર્સિટી પૉલિટિક્સના બેતાજ બાદશાહ, વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય, શ્વેત ખાદીધારી, ઠીંગણું કદ, વેધક આંખો વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજવાની અને એને ઉકેલવાની અદભૂત સૂઝ અને વરસો સુધી વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી બની એકચક્રી શાસન ચલાવનારા ભાઈ જશભાઈ પટેલ જે જશભાઈ એટીકેટીના નામે જાણીતા છે અને આજે 82 વરસની જૈફ વયે પણ રેસકોર્સ વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેમણે યુનિવર્સિટી છોડ્યા બાદ સક્રિય રાજકારણ તરફ નજર પણ ન કરી. PWDની નોકરીમાં જોડાયા ત્યાં પણ એન્જિનિયરોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવી જૂનિયર એન્જિનિયરોને વર્ગ-2નો દરજ્જો અપાવ્યો. પણ વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય જશભાઈ પટેલ ક્યારેય સક્રિય રાજકારણમાં ન ગયા.
ભાઈ પ્રકાશ બ્રહ્મભટ્ટ સાંસદ બન્યા તો બીજાઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકારણમાં કાઠું કાઢ્યું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી ચીમનભાઈ પટેલ એમ. એસ. યુનિવર્સિટીના પ્રથમ જનરલ સેક્રેટરી હતા. આ ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સક્રિય રાજકારણમાં દાખલ થઈ કેન્દ્ર કે રાજ્ય સરકારામાં મંત્રીપદ સુધી પહોંચનારાઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી, એમના દીકરાશ્રી તુષાર ચૌધરી, રાજસ્થાન સરકારમાં મંત્રી બનેલ શ્રી પુષ્પેન્દ્રસિંગ, ગુજરાત સરકારમાં ત્રણ વખત કેબિનેટ મંત્રી રહેનાર શ્રી જયનારાયણ વ્યાસ, તેમજ માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર તેમજ નલિન ભટ્ટ જેવાનો સમાવેશ થાય છે. જો કે, આ યાદી સંપૂર્ણ નથી. જે યાદ આવ્યું તે મુજબ નામ લખ્યાં છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આ રીતે માત્ર એકેડેમિક નિષ્ણાંતો પેદા કરતી વિદ્યાસંસ્થા નહોતી. એણે રાજ્યના સમાજ જીવનમાં પણ નેતૃત્વ પૂરૂં પાડે એવા ગુજરાતના જાહેર જીવનના અગ્રણીઓ પણ પેદા કર્યા છે.
એમ. એસ. યુનિવર્સિટીની એ ચૂંટણીઓ,
FR, CR અને GS તેમજ VP માટેના ઉમેદવારો
એ ઢોલ, નગારાં, ત્રાંસા કે પછી બેન્ડની સુરાવલીઓ
વિવિધ અને આકર્ષક વેશભૂષામાં
પ્રચાર માટે નીકળી પડતા
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ
વર્ગખંડમાં આવીને બે-પાંચ મિનિટનું ભાષણ કરી
ચૂંટણી પ્રચાર કરતા કેટલાક ઉમેદવારો
ક્યાંક મોટા મોટા ખરચા અને ધૂમધામ,
ક્યાંક અંગત લોકપ્રિયતા ઉપર મુશ્તાક
સાદગી અને કોઈ ખરચા, ભાષણબાજી કે ઝાકઝમાળ નહીં
અને છતાંય...
કોઈ ન હરાવી શકે તેવા
સાચા વિદ્યાર્થી પ્રતિનિધિ, શ્વેત ખાદીધારી, સરળ અને થોડા બરછટ
સતત ચૂંટાઈ આવતા જશભાઈ પટેલ.
યુનિવર્સિટીની ચૂંટણીના એ લગભગ પંદર દિવસ
સમગ્ર કેમ્પસમાં ઊભો થઈ જતો ચૂંટણીનો માહોલ
ચૂંટણી પ્રચાર અને મતદાન માટેનું આયોજન
ચૂંટણી થકી પોતાના પ્રતિનિધિને ચૂંટવાની
લોકશાહી પ્રક્રિયાના...
પ્રથમ પાઠ અમને ભણાવ્યા
એમ. એસ. યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીઓએ
અદભૂત હતા એ દિવસો.