છેલ્લા બે-ત્રણ દિવસથી માધ્યમોમાં એક જ ચર્ચા છે અને તે ચર્ચા છે મિઝોરમ, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ પાંચ રાજ્યોની વિધાનસભાની તાજેતરમાં થયેલ ચૂંટણીઓની. દરેક પક્ષના કેટલાક ઉમેદવાર જીત્યા છે તો કેટલાક હાર્યા છે. જે જીત્યા એમને ત્યાં ગુલાલ ઉડ્યા અને જશ્ન થયો. જે હાર્યા તેમને ત્યાં માતમ. આમ તો ચૂંટણી એ લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. દરેક સીટ પર નિર્ધારિત સંખ્યામાં જ ઉમેદવાર જીતે છે, બાકીના હારે છે. ચૂંટણી લડવી હોય તો પહેલાં તમારી જાતને સ્વસ્થતાપૂર્વક હાર સ્વીકારવા અને પચાવવા માટે તૈયાર કરવી પડે. હાર જીરવવાની કે પચાવવાની જિંદાદિલી ન હોય એ માણસ ભાંગી પડે. હાર પચાવવાની જિંદાદિલી જેનામાં હોય તે ક્યારેક હારીને પણ જીતી જાય. એટલે જ કહેવાયું છે – ઘોડે ચડે તે પડે !
ચોથા ધોરણમાં એક પાઠ ભણવામાં આવ્યો છે. એ પાઠમાં ખેલકૂદની હરીફાઈ, હારજીતનું વર્ણન, બધું કર્યા બાદ છેવટે બહુ મોટી શિખ આવે.
છેવટની પંક્તિઓમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એ સંદર્ભમાં કહેવાય –
જીતી ગયા ભાઈ જીતી ગયા
રમનારા સૌ જીતી ગયા
હારી ગયા ભાઈ હારી ગયા
ઘરે બેઠા તે હારી ગયા
મહત્વ રમતા રહેવાનું છે.
રમતમાં આજે હારશો તો ક્યારેક જીતશો પણ ખરા.
ઘરના ખૂણે સંતાઈને બેસી રહેવાથી તો તમે વગર હાર્યે પણ હારી જાવ છો.
કારણ કે તમને કોઈ જાણતું કે બિરદાવતું નથી.
આમ ચૂંટણી હારી ગયા એટલે સર્વસ્વ હારી ગયા એવું નથી.
અને ચૂંટણી જીતી ગયા એટલે બધું જીતી ગયા એવું પણ નથી.
કેટલીક પ્રમાણમાં ઓછી જાણીતી પણ મહત્વની હારજીતની ચર્ચા કરીએ.
શરૂઆત કરીશું મહાત્માજી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીથી.
મોરિત્સબર્ગ સ્ટેશનના ઐતિહાસિક બનાવ બાદ ગાંધીજી ભારતની આઝાદી માટે લડવાના મક્કમ નિર્ધાર સાથે ભારત આવે છે.
હજી મહાત્મા નહોતા બન્યા એવા ગાંધીજી મિસ્ટર ગાંધી કે બેરિસ્ટર ગાંધી તરીકે ઓળખાતા.
૧૮૮૪માં સ્થપયેલી ગુજરાત સભાના ઉપપ્રમુખ પદે ૧૫ નવેમ્બર ૧૯૦૫ના રોજ તેઓની વરણી થઈ.
ગુજરાત સભા દ્વારા એ વર્ષ મુંબઈ અધિવેશન માટે જે ડેલિગેશન મોકલવાનું હતું તે માટેની ચૂંટણી થઈ. ૭ ડિસેમ્બર ૧૯૧૫ના રોજ ગાંધીજી અને વલ્લભભાઈ બંનેની ડેલિગેટ તરીકે પસંદગી થઈ.
૨૭મી ડિસેમ્બરે મુંબઈ અધિવેશનમાં સબજેક્ટ કમિટીની ચુંટણીમાં ગાંધીજી ઊભા રહ્યા.
માત્ર ત્રણ જ મત મળ્યા અને પરાજય થયો !
સમય વ્યતિત થતો જાય છે.
ગાંધીજીને પરત આવ્યાને લગભગ ચારેક વરસ જેટલો સમય વિત્યો છે.
છઠ્ઠી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખની તા. ૨૨.૮.૧૯૧૯ના રોજ ચૂંટણી થઈ.
ગાંધીજીએ એમાં ઝંપલાવ્યું.
એ ચૂંટણીમાં હરગોવિંદદાસ કાંટાવાલાને ૨૨ મત મળ્યા.
ગાંધીજીને ૧૫ મત મળ્યા અને હાર જોવી પડી.
હવે સરદાર પટેલની વાત કરીએ.
૭ ડિસેમ્બર ૧૯૧૫ અગાઉ જણાવ્યુ તેમ ગુજરાત સભાના ડેલિગેટની ચૂંટણીમાં ૨૪મા ક્રમે ચૂંટાયા.
પણ ખરેખર રાજકારણની શરૂઆત તો હવે થતી હતી.
૫મી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ અમદાવાદમાં દરિયાપુર બેઠક પરથી મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડ્યા.
માત્ર એક મતથી વિજયી બન્યા.
સરદારને ૩૧૪ મત મળ્યા.
તેમના હરીફ ગુલામ મોહિયુદ્દીનને ૩૧૩ મત મળ્યા.
પરિણામને કોર્ટમાં પડકારાયું.
૨૬મી માર્ચ ૧૯૧૭ના રોજ ચૂંટણી રદ થઈ !
આ સરદારની પ્રથમ ચૂંટણીના ઘટનાક્રમની વાત છે.
વલ્લભભાઈ ૧૯૧૯માં મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખની ચૂંટણી લડ્યા.
પરાજિત થયા.
વલ્લભભાઇને ૧૮ મત મળ્યા.
વિજેતા મૂળચંદ શાહને ૨૧ મત મળ્યા.
આમ સરદાર બંને વખત ખૂબ ઓછા મતથી હાર્યા.
કદાચ આજની ખરીદ-વેચાણ સંઘની પ્રથા હોત તો પરિણામો જુદાં આવી શક્યાં હોત !
ત્યારબાદ ૧૯૨૪માં ૫૩ વિરુદ્ધ ૨ મતે અને ૧૯૨૭માં ૪૮ વિરુદ્ધ ૭ મતે જીતીને વલ્લભભાઇ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા.
તાજેતરના ઇતિહાસમાં આવો જ દાખલો કોંગ્રેસના રાજસ્થાનના દિગ્ગજ નેતા સી. પી. જોશીનો છે.
૨૦૦૮માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી.
નાથદ્વારા સીટ ઉપરથી શ્રી સી.પી. જોશી ધારાસભાની ચૂંટણી ૧ મતથી હારી ગયા.
જો જીત્યા હોત તો કોંગ્રેસે રાજસ્થાનમાં સત્તા કબજે કરી હતી અને સી.પી.જોશી મુખ્યમંત્રી બન્યા હોત.
પણ...
કદાચ અશોક ગેહલોતનું નસીબ જોર કરતું હશે તે શ્રી સી.પી.જોશી માત્ર એક મતે હાર્યા!
આમ ક્યારેક છેક મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જાય એ રીતની હારજીત થતી હોય છે.
૬૦ના દાયકાની શરૂઆતમાં પંજાબમાં શ્રી પ્રતાપસિંહ કેરોન પંજાબ વિધાનસભાની ચૂંટણી ખૂબ વિવાદાસ્પદ રીતે નગણ્ય એવી ૩૧ મતની બહુમતીથી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા.
ગમે તેટલા ઓછા મતે અથવા ભલે એક મતે જ થાય પણ જીત એ જીત છે.
પણ વિધાનસભાની કે અન્ય ચૂંટણી જીતી ગયા એટલે જિંદગી જીતી ગયા એવું નથી.
કોઈ પણ ચૂંટણી હારી જાવ તો જિંદગી હારી જવાતી નથી.
તમારી સ્વસ્થતા અને હાર પચાવીને પણ કોઈને મદદરૂપ થવાની અથવા સમાજની સેવા કરવાની ભાવના તમને હાર્યા છતાંય જીતાડી દે છે.
મને ખાસ્સો ત્રણ ચૂંટણી હારવાનો અનુભવ છે.
સામે એનાથી વધારે વાર જીતીને વિધાનસભા પહોંચ્યો છું.
પણ હાર્યો ત્યારે ક્યારેય હતાશ નથી થયો કે મેદાન છોડી ભાગી નથી ગયો.
મતપેટીથી ધારાસભ્ય અથવા મંત્રી ચૂંટાય છે.
મતપેટી જ એને વિદાય કરે છે.
નેતા મતપેટીથી ચૂંટાય કે ન ચૂંટાય, પ્રજા એને અનુસરે છે.
કારણ કે એ પ્રજાના દિલમાં છે અને પ્રજાની સાથે સારાભલા પ્રસંગે ઊભો રહે છે.
માત્ર ચૂંટણી જ નહીં જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પડકારો અને કસોટીઓ તો આવવાની જ.
જરૂરી નથી તમે દરેક વખતે સફળ બનો.
જરૂરી એ છે કે તમે જે હેતુ લઈને મેદાનમાં ઝંપલાવ્યું છે તેને પૂરી પ્રતિબદ્ધતાથી વળગી રહો.
ભલે એકવાર પાછા પડવાનું થયું...
તમારો પણ સમય આવશે.. આવશે.. અને આવશે જ...
યાદ રાખો –
જિંદગી જિંદાદિલીનું નામ છે
જીતવું દિલ જીતવાનું કામ છે
હાર પણ દિલ જીતી દે છે કોક’દી
મોત પણ...
જીવન અમર ઝાંપો કદિ