અમે સામાન ઉતારી સ્ટેશન પરથી ઘોડાગાડી પકડી ઘરે જવા રવાના થયા. એ જમાનામાં સિદ્ધપુરમાં ડામરના રસ્તા નહોતા અને વાહનમાં ઘોડાગાડી એકમાત્ર સાધન હતું. સ્ટેશનથી મારૂં ઘર ખાસ્સું ચાર કિલોમીટર દૂર હતું. રસ્તામાં પગ ખૂંપી જાય એવી રેતવાળો નેળિયાનો રસ્તો પણ આવે. આ કારણસર કોઈ મજૂર એટલે સુધી બેગ અને બિસ્તરો ઊંચકીને આવે નહીં અને આવે તો એ જે પૈસા માંગે તે લગભગ ઘોડાગાડીના ભાડા જેટલા થાય. સ્ટેશનથી રૂપિયો / સવા રૂપિયો ખર્ચીએ એટલે ઘોડાગાડી છેક ઘર સુધી પહોંચાડી દે. સોંઘવારીનો જમાનો હતો. જો કે, રૂપિયો ગાડાનાં પૈડા જેટલો મોટો હતો. સિદ્ધપુરમાં મારે ઘોડાગાડીમાં બેસવાનું થાય એવું જવલ્લે જ બનતું. અમે ઘોડાગાડીમાં બેઠા અને એના માલિકે પોતાની જગ્યાએ બેસી ઘોડાને ચાબૂક ફટકારી એટલે ઘોડો સ્ટેશનથી ઝાંપલી પોળના રસ્તે દોડવા માંડ્યો. હજુ મુંબઈની મુલાકાતનો નશો ઉતર્યો નહોતો એટલે ઘોડાગાડીની સીટ પર આપણે જરા વધારે પડતા ટટ્ટાર થઈને બેઠા હતા. ખેર ! કાંઈ નાની-સૂની વાત નહોતી. છેક મુંબઈ જઈ આવ્યા અને ત્યાં દસેક દિવસ રહીને જોવાલાયક ઘણું બધું જોયું પણ ખરૂં.

મુંબઈની મુલાકાતના આ દસ દિવસમાં મારૂં ઘણું બધું ઘડતર થયું હતું. મારી દ્રષ્ટિ વિસ્તરીત બની હતી. વિચારવાની ક્ષમતા અને પદ્ધતિ બંનેમાં ખૂબ મોટો ફેર આવ્યો હતો. મુંબઈની મુલાકાતની એક મોટી ફલશ્રુતિ એ હતી કે એણે આધુનિક વિશ્વની વિસ્તરતી જતી ક્ષિતિજો સાથે મારો પરિચય કરાવી આપ્યો. એરોડ્રામથી આગબોટ, વીજળી ટ્રામથી ટ્રેન, ગેટ વે ઑફ ઈન્ડિયાથી હેંગિંગ ગાર્ડન, જ્યાં જ્યાં હું ગયો તે દરેક સ્થળે મારા વ્યક્તિત્વમાં કાંઈક ને કાંઈક ઉમેરવારનું કામ કર્યું. સિદ્ધપુરમાં પણ મોટા માણસો અને ધનિકો નહોતા એવું નહીં, પણ મુંબઈમાં ફિલ્મ કલાકારોથી માંડી મોટા ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓની જીવનશૈલી જુદી અને અત્યંત અર્વાચીન હતી. આમ છતાંય મુંબઈના માણસમાં પોતે બધાથી એકદમ જૂદો છે એવો અહમ્ લગભગ નહોતો. આની સરખામણીમાં કશું જ ન ગણાય એવા સ્થાનિક આગેવાનો અને ધનપતિઓ સિદ્ધપુરમાં ખૂબ મોટા રૂઆબથી રહેતા.

અમારી ઘોડાગાડી આગળ દોડી રહી હતી. સુરતી હોટલ પાસેથી ડાબા હાથે વળી હવે એ પોલિસ લાઈનનો રસ્તો પકડી ચૂકી હતી. સામાન અમે લઈને ગયા હતા. એનાથી વજનની દ્રષ્ટિએ કાંઈક ઓછું લઈને પાછા આવ્યા હતા. ભાથાનો ડબ્બો ખાલી થયો હતો અને મુંબઈના આઈસ હલવાનું 500 ગ્રામનું એક પેકેટ ઉમેરાયું હતું. મુંબઈની અમારી આ એકમાત્ર ખરીદી હતી. આમેય, મારા બાપા ખૂબ ઓછી જરૂરિયાતોથી જીવતા હતા. આખી જિંદગી એમણે ચા ચાખી નહોતી. પાન - બીડી – સિગારેટ - સોપારી એમને ખપતાં નહોતાં. કપડામાં બિન્નીના જીનનું રેલ્વેવાળા પહેરે છે તેવું કપડું લઈ એ બે સફેદ કોટ સીવડાવતા. ત્રણેક ખમીસ, ત્રણ ખમીસ નીચે પહેરવાની બંડી અને ત્રણ ધોતિયાં - આ મારા બાપાની આખી અંગત મિલકતનો હિસાબ. જિંદગીભર એમણે કોઈ ઘરેણું પહેર્યું નહોતું. ક્યારેક હળવા મૂડમાં હોય ત્યારે કહે પણ ખરા કે માત્ર રોટલાનું વ્યસન છે એ સિવાય કોઈ વ્યસન નથી. હા ! જમવામાં મિષ્ટાન ભાવે, પણ સૌથી વધુ ભાવે દાળ. દાળ ન હોય તો “જમવાનું અધૂરૂં” એવું કહેતા મારા બાપા ઘણીવાર ટાંકતા “સબડકા વગર ધડબકો” દાળ પ્રેમ વ્યક્ત કરતું એમનું પ્રિય વાક્ય હતું. એ બહારગામ જાય ત્યારે થેલીમાં બે જોડ કપડાં અને પીવાનો પાણીનો પિત્તળનો ગ્લાસ એકાદ અઠવાડિયું બહારગામ જવું હોય તો આટલા સામાનમાં ચાલી જાય. કોઈના પર પણ આધારિત નહીં. એક માત્ર પરાવલંબન ગણીએ તો આ માણસ જાતે દાઢી કરવાનું પસંદ નહોતો કરતો. આ એમની સ્ટાઈલ હતી કે મજબૂરી મને સમજાયું નથી, પણ એક સમય એવો આવ્યો કે, દાઢી પણ જાતે કરવાની એમણે શરૂ કરી દીધી. ભગવાનની દયાથી માથામાં ઝાઝા વાળ નહોતા એટલા એમનું દાઢી - સ્વાલંબન હેર કટિંગ સલૂનના ખર્ચામાંથી બચાવવાનું મોટું કારણ બની શક્યું. આની સરખામણીમાં મારે આજે બે દિવસ માટે પણ બહાર જવું હોય તો ખાસ્સો સામાન થઈ જાય છે. હવે મર્યાદિત સામાન સાથે હળવા રહીને મુસાફરી કરવાનું લગભગ ભુલાઈ ગયું છે.

અમારી ઘોડાગાડી તબડક તબડક તબડક કરતી રાજપુરનું ગોંદરૂં વટાવી રહી હતી. આગળ જતાં ખડાલિયા હનુમાનના રસ્તે ગંગા તલાવડી અને પછી જમણા હાથે અંબાજીના નેળિયામાં વળી જાવ એટલે સામે જ નટવર ગુરૂના બંગલાનો ઝાંપો આવે.

ઘોડાગાડી જેવી ઝાંપે જઈને ઊભી રહી કે, ઘરના આંગણામાં રમી રહેલાં બાજાજીના સંતાનોએ દોટ મૂકી બધા અમારી તરફ. કોઈકે ટ્રંક ઊંચકી લીધી તો કોઈકે બિસ્તરો. આ કોલાહલથી મારી મા મધ્યસ્થ ખંડના બારણે દોડી આવી. ઘરમાં દાખલ થતાં જ વચ્ચેનો ખંડ એ અમારૂં દિવાનખાનું અથવા મધ્યસ્થ ખંડ હતો. એની એક બારી પાસે ડામોચીયો પડ્યો હતો તો બીજી બાજુ ઘંટી હતી. સામસામે ખીંટીઓ પર કપડાં ટીંગાડવાના. ઈસ્ત્રી જેવો શબ્દ હજી સુધી મારા જીવનમાં પ્રવેશ્યો નહોતો. ઘરમાં દાખલ થઈને મારી માના ચરણસ્પર્શ કરી એને ભેટી પડ્યો. મારી માથી અલગ આટલા બધા દિવસ રહેવાનો મારો આ પહેલો અનુભવ હતો, પણ લાંબા સમય મારા પગ ઘરમાં ટક્યા નહીં. બહારનું વાતાવરણ પેલી થોરની વાડ, ઘરની આજુબાજુની લીમડીઓ બધાં જાણે મને એક સાથે પૂછી રહ્યાં હતાં – “કેવું રહ્યું મુંબઈ ?”

અમારા ખેતરની બાઉન્ડ્રીને પાર શાસ્ત્રીજીની પાઠશાળા અને ત્યાંનું વાતાવરણ, બહેન, નાની બહેન, ભાઈ પતંજલિ અને લગભગ મારી ઉંમરના વિદ્યાર્થીઓ પ્રભાશંકર, કાન્તિ, ચંદ્રશેખર બધાને મળવા માટે મન જાણે અધીરૂં બન્યું હતું. ઘરે પાણી પીધું. મારી મા રાડો પાડતી રહી અને હમણાં આવું છું કહી દોટ મૂકી તે સીધા શાસ્ત્રીજીની પાઠશાળામાં. સૌથી પહેલાં બહેનને મળ્યો. શાસ્ત્રીજીને મળવા જેટલી મારી ઉંમર ત્યારે ન હોતી અને હિંમત પણ નહોતી, પણ એમણે મને જોઈ લીધો. ચાલુ દિવસ હતો એટલે એમણે પ્રશ્ન કર્યો - “કેમ અત્યારે ?”  મારા વતી બહેને જવાબ આપી દીધો – “મુંબઈથી પરીક્ષા આપીને હમણાં આવ્યો એટલે.” શાસ્ત્રીજીની એક ખાસિયત હતી. બિનજરૂરી પ્રશ્નો નહીં કરવાની. એમની મર્યાદા જળવાઈ રહેવાનું આ પણ એક મોટું કારણ હતું એવું હવે મને સમજાય છે. એ વળી પાછા એમના કામમાં પરોવાઈ ગયા. બહેનના રિવાજ મુજબ - કાંઈકનું કાંઈક ખવડાવ્યા વગર પાણી ન આપે. એ વખતે બીજું તો કાંઈ નહોતું એટલે ગોળનો એક કાંકરો મને આપ્યો અને કહ્યું – “ખા ! ખાલી પેટે પાણી ન પીવાય. વાગે.” ભાઈ પતંજલિ અને નાની બહેન તો હતાં નહીં. સાંજે સ્કૂલેથી પાછા આવ્યા પછી જ મળી શકાય એમ હતું એટલે બંગલેથી નીકળીને લાયબ્રેરી જ્યાં પ્રભાશંકર અને કાન્તિલાલ રહેતા હતા ત્યાં પહોંચ્યો. ચંદ્રશેખર (બાબુ) ભિક્ષા લઈને આવ્યો નહોતો એટલે આ બંને મિત્રો સાથે પંદર-વીસ મિનિટ ગપ્પાં મારી પાછો ઘરનો રસ્તો પકડ્યો. ન્હાવા-ધોવાનું હજુ બાકી હતું. ઘરે જઈ ઝડપથી ન્હાઈ-ધોઈ સીધો પાટલો નાંખી જમવા બેઠો. મારી માએ આજે કંસાર બનાવ્યો હતો. મારી માની આ સ્પેશ્યાલિટી હતી. એ કેટલીક વાનગીઓ દાઢમાં સ્વાદ રહી જાય એવી બનાવતી. લાપસી એમાંની એક હતી. આ સિવાય ઘઉંની સેવનો બિરંજ, દાળ-ઢોકળી, ઢોકળાં, ભાખરી અને મેથીનાં થેપલાં અથવા મૂઠીયાં એની સ્પેશ્યાલિટી હતી. પૂરણપોળી પણ એ ખૂબ સારી બનાવતી. મારી માના જેવી છુટ્ટી લાપસી અને એની અંદર સરસ મજાની સોડમ મારતું ચોખ્ખું ઘી મને ભાગ્યે જ મારા ઘર સિવાય બીજે મળ્યું છે. જતાં જતાં આ બધી વસ્તુ એટલી જ સરસ રીતે બનાવવાનો વારસો મારી મા મારી પત્નીને આપતી ગઈ છે.

જમ્યા પછી કશું જ કામ નહોતું. મુસાફરીનો થાક પણ હતો. થોડો ઘણો ઉજાગરો પણ હતો. અમારા મધ્યસ્થ રૂમમાં સામસામે બારણાં હતાં. એની પ્લીન્થ જમીનથી લગભગ ચાર ફૂટ ઊંચી હતી. બંને બારણાં ખૂલ્લાં રાખો એટલે સરસ મજાનો કુદરત વીંઝણો ઢોળતી હોય એવો પવન આવે. જમીન પર કશું જ પાથર્યા વગર એક ઓશીકું મૂકીને મેં લંબાવ્યું. ઘડી વારમાં તો નિંદ્રાદેવીએ મારો કબજો લઈ લીધો.

મહાલક્ષ્મીને ખોળેથી હું સરસ્વતિના ખોળે પાછો ફર્યો હતો. સરસ્વતિ મારે માટે સૌથી વિશેષ હતી. સિદ્ધપુર એના કિનારે વસ્યું હતું. સિદ્ધપુરથી સ્વર્ગ હાથવેંત છેટું છે એમ કહેવાતું. સરસ્વતિના પાણીમાં ન્હાવાથી ખૂબ પૂણ્ય મળે છે એવી દ્રઢ માન્યતા પ્રવર્તમાન હતી. આ હતી સિદ્ધપુર જેના કિનારે વસ્યું હતું અને શહેરની ધૂળમાં રમીને મારૂં બાળપણ વીત્યું તે કુંવારિકા સરસ્વતિ.

પણ.....

મારી મા મારા માટે પ્રાર્થના કરે અથવા આશીર્વાદ આપે. “સરસ્વતિ તારી જીહ્વાએ (જીભે) વસે” તેવા આશીર્વાદ હંમેશાં આપતી. એણે ક્યારેય તું સદૈવ લક્ષ્મીજીના ખોળે રમતો રહે એવા આશીર્વાદ આપ્યા હોય એવું મને યાદ નથી. જે હોય તે. એક શક્તિની ઉપાસના અને વફાદારી હંમેશા ફળે છે. સરસ્વતિએ મને ઘણું આપ્યું છે.

મારી હેસિયત બહારનું આપ્યું છે.

મને માગવાનું કહ્યું હોત તો જેની કલ્પના પણ ન કરી હોત તેવું આપ્યું છે.

માત્ર ને માત્ર મા સરસ્વતિએ !!

મારી માની પ્રાર્થના અને આશીર્વાદ મુજબ....

મા સરસ્વતિએ સદૈવ મારૂં પાલન કર્યું છે.

“સરસ્વતિ તારી જીભે વસે !”

મારી માના આ આશીર્વાદ મને પૂરેપૂરા ફળ્યા છે.

આમ છથાંય...

મહાલક્ષ્મીની ગોદમાંથી સરસ્વતિના કિનારે

બપોરની એ નિંદ્રામાં

મને હજુયે મુંબઈની ઝાકઝમાળ અને ચહલપહલનાં સપનાં આવતાં હતાં.

મહાલક્ષ્મી...

મા સરસ્વતિ...

કેવો અદભૂત સંયોગ હતો, નહી ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles