માધુ પાવડિયાં – ઘાટની બારી
પડિયા-પતરાળાં અને સમૂહભોજન – તે હી ના દિવસા ગતા:
માધુ પાવડિયાં એટલે બાવાજીની વાડીની પાછળનો ભાગ. બાવાજીની વાડીમાંથી પગથિયાં ઉતરી એ વાટ પર જતાં વચ્ચે ગોગાબાપજીની દેરી આવે. ઘાટ તરફ જવાની એ બારી આજે પણ ઘાટની બારી તરીકે ઓળખાય છે. સરસ્વતી નદી સર્પાકારે વહેતી એ અરવડેશ્વરથી આગળ જતાં હિંગળાજ અને ત્યાંથી બ્રહ્માંડેશ્વરને ઘસાઈને આગળ વધે ત્યારે એના બે ફાંટા પાડતા. એક સીધો પશ્ચિમ તરફ વહેતો અને બીજો મોક્ષપીપળા તરફ થઈ ઘાટના આ પગથિયાંને અથડાઇ અને આગળ હરીશંકરના આરા તરફ વહેતાં સરસ્વતી નદીનો રેલવેનો પુલ આવે તે પહેલા પાછો જેનાથી જુદો પડ્યો હતો તે પ્રવાહને મળીને સરસ્વતી નદીના પુલ નીચેથી કમળીવાડા તરફ જતાં વટેશ્વર અને બીજાં પુનાસણ, હિસ્સોર જેવાં ગામોને પણ પાણીની સરવાણીનો લાભ આપતો જતો. મારા બાળપણમાં મેં બે જગ્યાએ કેવડાનાં મોટાં ઝુંડ જોયેલાં, એક હિંગળાજ માતા પાસે અને બીજું સરસ્વતી નદીનું પાણી રેલવે પુલથી વહીને આગળ જાય ત્યાં ખૂબ મોટા વિસ્તારમાં કેવડો (પેન્ડેનસ) વિખરાઈને જંગલની જેમ ફૂલેલો ફાલેલો જોવા મળતો. આ કેવડામાંથી કેવડાત્રીજ સમયે એનું ફૂલ એટલે કે એક ગોટલી જેવો રજ વળગેલો ભાગ, જેની સુગંધ મનને પ્રફુલ્લિત કરી દે એવી હોય, તે લઈ આવતા. મોટે ભાગે ભીલ ભાઈઓ આ કામ કરતા. એવું કહેવાતું કે કેવડામાં ભયંકર ઝેરી સાપ વસે. હું આઠમા કે નવમા ધોરણમાં હોઈશ, આ સર્પદંશને કારણે એલ.એસ.હાઈસ્કૂલની સામે ભીલવાસમાં રહેતા અને કેવડો લેવા ગયેલા એક ભીલ યુવકનું કરૂણ મૃત્યુ થયાનો દાખલો પણ મારી સ્મરણમાં છે. હિંગળાજ પાસેનાં કેવડાનાં ઝુંડ તો એક વખતે સરસ્વતી નદીમાં ભયંકર પૂર આવ્યું ત્યારે હિંગળાજનો કિનારો ધોવાયો તેમાં જતાં રહ્યાં નહિતર સિકોતર પાસે ઊભા રહીને હિંગળાજનું મંદિર જોઈ શકાતું નહોતું કારણ કે તે કેવડાનાં ઝુંડથી આચ્છાદિત હતું. રેલવે પુલ પછીના ભાગમાં આવેલો કેવડો કાળક્રમે સરસ્વતી નદી સુકાઈ એના કારણે ધીરે ધીરે વિલીન થઈ ગયો. એક જમાનાનું એક નયનરમ્ય દ્રશ્ય આજે માત્ર સ્મૃતિમાં જ રહી ગયું છે.
જ્યાં લગભગ બારેમાસ સરસ્વતી નદીનાં જળ વહેતાં એ મોક્ષપીપળા પાસેનો ઘાટ માધવ ઘાટ કહેવાતો હશે જેમાંથી અપભ્રંશ થતા થતા માધુ પાવડિયાં નામ પડી ગયું હશે. પાવડિયાં એટલે પગથિયાં. પશવાદળની પોળથી ભૂતનાથ મહાદેવ સુધી સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે નગરજનોને સ્નાનાદિ માટે મૂળરાજ સોલંકીએ પથ્થરનાં પગથિયાંના ઘાટ બનાવેલા. નદીનાં ભારે પૂરમાં નુકસાન પામેલ મોક્ષપીપળાનાં પથ્થરનાં ઘાટનો રાણી અહલ્યાબાઈ હોલ્કર અને ત્યારબાદ શેઠશ્રી પુરુષોત્તમદાસ ભાઈચંદ સરૈયાએ જીર્ણોદ્ધાર કરી ફરી બંધાવી આપ્યો હતો.
જ્યારે ઉનાળામાં નદી સુકાઈ જતી ત્યારે દાનવીર શેઠશ્રી પુરુષોત્તમદાસ સરૈયા નગરજનો માટે સ્વખર્ચે પશવાદળની બહાર અખાડાની સામે આવેલ કૂવામાંથી મશીનરી દ્વારા પાણી આપવામાં આવતું. એ વખતે પાણીની આજના જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. જે જમાનામાં એક રૂપિયો ગાડાના પૈડાં જેવડો મોટો ગણાતો તે સમયે સરૈયા શેઠે સંસ્કૃત વૈદિક મહાવિદ્યાલયને રૂ. ૭૦૦૦નું માતબર દાન આપ્યું હતું.
બાવાજીની વાડીથી આગળ નદીનો ઢાળ ઉતરીએ એટલે સરસ્વતી મૈયાનાં દર્શન થતાં. માધુ પાવડિયાંનાં નીચે મોટો ધરો હતો. સવારથી સાંજ સુધી વાનરસેનાનું કોઈક ને કોઈક સભ્ય અહીંયાંથી ધરામાં ધુબકો મારતું દેખાય. જૂની પેઢીનાં નગરજનો અને ખાસ કરીને જુવાનિયાઓ માટે માધુપાવડિયાં તથા થડીનાં પાવડિયાં પાસેનાં સરસ્વતીનાં પાણીથી બારેમાસ ભરાયેલાં રહેતાં. નદીના આ ધરા તેમજ બિંદુસરોવર પાસે આવેલું અલ્પા (અહલ્યા) સરોવર વગર પૈસે તરવાનું શીખવાના સ્વિમિંગ પુલ હતાં. બાળકો દફ્તર લઈ ભણવા જતાં આવતાં અહીં તરવા શીખવા આવતાં. સિદ્ધપુરનાં અનેક બાળકો/યુવાનો આ રીતે રમતાં રમતાં તરતાં શીખી જતાં. હવે તો આ વાત પરીકથા જેવી લાગે છે.
નગરનાં સ્રી, પુરૂષ તથા બાળકો રોજ નદીમાં પ્રાત:સ્નાન કરવા આવતાં. પૂજા-અર્ચના કરવાવાળા ભૂદેવો તો સૂર્યોદય પહેલાં સરસ્વતી સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધ્ય આપતા. ઘાટ પર સ્રીઓ ઘરનાં વાસણ-કપડાં ધોતી. દિવાળીમાં મોટાં વાસણો નદીમાં મંજાતાં. નગરના દરેક મહોલ્લામાં શુદ્ધ પાણીનાં કૂવાનો ઉપયોગ થતો. સુખી ઘરોમાં પાણીની નાની કૂઈઓ હતી.
એ સમયે નગરમાં પાણી મફતમાં મળતું, દરેક મહોલ્લામાં પશુઓ માટે હવાડા હતા. કુવાઓ પર કપડાં ધોવાયેલ પાણી એકઠું કરાતું અને સાંજે પોઠિયા ઉપર બાંધેલી ચામડાની મશકમાં ભરીને ધૂળિયા રસ્તા ઉપર છાંટી દેવાતું. ત્યારે મહોલ્લામાં પાકા રોડ નહોતા. એ સમયે ગુજરાતમાં જ્યારે બારેમાસ અખૂટ પાણી મળતું ત્યારે પણ સિદ્ધપુરના નાગરિકો પાણીનો બગાડ ના થાય એમ કરકસરથી વાપરતા હતા.
સિદ્ધપુરમાં જમણવારની કોઈ નવાઈ નહોતી. જ્ઞાતિભોજન ઉપરાંત પણ નાના મોટા પ્રસંગોએ જમણવાર થતા રહેતા. આ જમણવારમાં ખાખરાનાં પતરાળાં (પત્રાવલી-પતરાળી) અને દડિયા (પડિયા) વપરાતાં. આ પતરાળાં-દડિયા બનાવવાનો ગૃહઉદ્યોગ સિદ્ધપુરમાં ત્યારે અનેક વિધવા બહેનો અને ઓછી આવક ધરાવતાં કુટુંબોનો નિર્વાહ ચલાવતો. આ બહેનો એપ્રિલ-મેના સમયે અમીરગઢ, માવલ, ઈકબાલગઢ, ચિત્રાસણી વગેરે જગ્યાએથી ખાખરાનાં પાન વીણી લાવતી. આ ખાખરાનાં પાનને સૂકવીને એના ગઠ્ઠા બાંધવામાં આવતા. પાનખર ઋતુમાં લીમડાનાં પાન ખરે અને સળીઓ પણ નીચે પડે તે સળીઓ વીણી લાવી એનાથી ખાખરાનાં પાનને બરાબર જોડીને થાળી જેવડું ગોળ પતરાળું બનાવાતું જે આવા જમણવારમાં થાળી તરીકે કામ આવતું. પડિયો એટલે કે દડિયો દાળ લેવા માટે વપરાતો. ક્યારેક પીવાના પાણીનું પ્યાલું ન હોય તો દડિયામાં પાણી ભરીને પી પણ શકાય. એ જમાનામાં અંબાલાલ ત્રિવેદી મગદળવાળા હોય, છોટાકાકા મગદળવાળા હોય કે બીજા, મગદળનો લાડુ દડિયામાં મૂકીને એના ઉપર બીજો એક દડિયો ઢાંકી એનું પેકેજિંગ થતું. ક્યાંક ફૂલવડી ચોરીછૂપીથી બહાર લઈ જવી હોય તો પણ દડિયો હાથવગું હથિયાર બનતો.
પણ દડિયાનો મુખ્ય ઉપયોગ તો દાળ ખાવા માટે. દાળ પ્રવાહી હોય એટલે આ દડિયો કાણો ન હોય તે જોઈ લેવું જરૂરી બનતું. ક્યારેક આટલી ચકાસણી પછી પણ દડિયો કાણો નીકળે તો કોઈ અનુભવી તરત તેની નીચે બીજો દડિયો ગોઠવી દેતો. દડિયો કાણો નીકળે એટલે દાળ ન સંઘરે, બીજા અર્થમાં પોતાની પાસે આવેલું ન સંઘરાય અને જતું રહે તે માટે પ્રચલિત કહેવત ‘અક્કરમીનો દડિયો કાણો’ ચલણમાં હતી. જમણવાર પતી જાય એટલે એક મોટું તબડકા જેવું પાત્ર રહેતું જેમાં પડિયા-પતરાળાં ભરી એનો બહાર નિકાલ કરી દેવાતો. આ પડિયા-પતરાળાંમાં વધેલું અનાજ તેમજ મિષ્ટાન ગાયો માટે ખોરાક બનતો. પતરાળાં એક જ વખત વપરાય એટલે સંપૂર્ણ ડિસ્પોઝેબલ આઈટમ તરીકે સેન્દ્રિય કચરો (ઓર્ગેનિક વેસ્ટ) તરીકે એનો નિકાલ થઈ જતો. અત્યારની ડિશ અને સ્ટીલનાં વાસણોની માફક આને સાફ કરીને ફરી ઉપયોગમાં નહોતું લઈ શકાતું એટલે એ વ્યવસાયથી પણ અનેક ઓછી આવકવાળાં ઘર અને વિધવા બહેનોનો નિર્વાહ ચાલી જતો.
પતરાળાં પ્રથા હવે નથી. એને કારણે રોજગારીની એક મોટી તક નાશ પામી છે. પતરાળું અને પડિયો આજની પેઢી માટે જ્યાં સુધી જમણવારને લાગેવળગે છે ત્યાં સુધી ભૂતકાળ બન્યાં છે. આમેય હવે પંગતે બેસીને જમવાની પ્રથા પણ ઘસાતી ચાલી છે. બુફે માત્ર ફેશન નહીં પણ વરવી વાસ્તવિક્તા બની ચૂક્યું છે. સમૂહભોજન એટલે જેમાં શાક સમારવાથી માંડી પીરસવા સુધી બધું જ કુટુંબ અને સગાંવહાલાંના સાથ સહકારથી થતું તે આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થાય છે. જમવાની વાનગીઓ તો ચટાકેદાર હોય પણ ઘણી જગ્યાએ જ્યારે પીરસવાવાળાંને જોઈએ ત્યારે અનાયાસે એક નિ:સાસો નીકળી પડે છે. ક્યારેક થાય છે કે ક્યાં જઇ રહ્યા છીએ આપણે? હવે પ્રસંગ એ કુટુંબના, સમૂહના, પાડોશીઓના, પોળના કે મહોલ્લાના નથી રહ્યા પણ ઈવેન્ટ મેનેજમેન્ટના બન્યા છે. પ્રસંગો ખર્ચાળ થતાં જાય છે અને ‘લાંબા વાંહે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય’ એ ન્યાયે સમાજનો મધ્યમ અને નબળો વર્ગ વહેવારના નામે પેલા માલેતુજારોની નકલ કરવામાં દેવાના બોજ હેઠળ દબાતો જાય છે. ક્યારેક આ પ્રકારના પ્રસંગોમાં જવાનું થાય છે ત્યારે શ્રીમંતાઈનું આ વરવું પ્રદર્શન અને અમીરીનો નગ્ન નાચ જોઈને દિલ ભરાઈ આવે છે. આ કારણથી મોટા માણસોને ત્યાં લગ્ન પ્રસંગોમાં જવાનું ટાળું છું અને જાઉં તો ઝડપથી ભાગી છૂટું છું. હવેની રસોઈમાં પેલી રંગાડાના દાળની સુગંધ કે ચુરમા ઉપર વાઢીએ પીરસાતા ચોખ્ખા ઘીની સોડમ નથી આવતી. અરધા અંગ્રેજી, અરધા ગુજરાતી, અરધા પંજાબી એવાં કંઇક ભળતાં જ વ્યંજનો પેટમાં જઈને શરીરને ઉપકારક તો ન બને પણ વિચારતંત્રને પણ ક્યારેક કલૂષિત કરે તેવી સ્થિતિમાં પેલો પડિયો-પતરાળું અને રંગાડાની દાળ, કોળા અને ચણાની દાળનું શાક ખૂબ યાદ આવે પણ હવે નથી એ પતરાળું રહ્યું, નથી એ પડિયો રહ્યો, અને નથી એવી રસોઈ રહી, નથી એવા પીરસનાર રહ્યા કે નથી કોઈ પ્રસંગમાં ગપ્પાં મારતાં મારતાં શાક સમારવાની મજા રહી. સાચા અર્થમાં ‘તે હી નો દિવસા ગતા:’ એટલે કે અમારા તે દિવસો ગયા.
માધુ પાવડિયાં વિષે થોડું રસપ્રદ વર્ણન ઉશનસે પોતાના પુસ્તક ‘સદમાતાનો ખાંચો’માં કર્યું છે, વીસમી સદીની શરૂઆતનું સિદ્ધપુર અને તેનું જનજીવન વિષે ઉલ્લેખ કરતા ઉશનસ લખે છે – ‘પાવડિયાં અમારી રમતોનું મુખ્ય સ્થળ. રમતાં રમતાં કંઈ કેટલાંય પગથિયાં ઊતરી જઈએ ને નીચાણવાળા પટમાં અમસ્તા જ હડિયાદોટી કર્યા કરીએ. આ નીચાણમાં થઈને કોક કાળે કુંવારકા સરસત (સરસ્વતી નદી) વહેતી હશે એમ મનાય છે, હવે તો તે વહેણ બદલી બ્રહ્માંડેશ્વર-અરવડેશ્વર ને વટેશ્વર આગળ થઈને વહે છે. હવે તો આ નીચાણવાળા પહોળા પટમાં ઠેર ઠેર આખા ગામના ઉકરડા ઠલવાય છે. અમારી ટોળી આ ઉકરડામાંય રમ્યા કરે. અમે ઉકરડા ખૂંદ્યા કરીએ ને ફેંદ્યા કરીએ કે કંઈ કરતાં કંઈ જાદુઈ રતન મળી આવે છે ! અમારી ચોર-સિપાઈની રમત પણ અહીં જ આ સૂકા પટમાં જ રમાય. જૂના વહેણના અવશેષ જેવો એક વહેળો હજીય ત્યાં ઉત્તર-દક્ષિણ દિશાએ વહે છે ને આગળ જઈ મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે, ત્યાં સુધી અમારી હડિયાદોટીની આણ. આ ઉકરડાઓમાંથી કોણ જાણે શોય ખજાનો અમે રોજ ઢૂંઢતા ફરતા હતા. અમારા કિશોર કુતૂહલનો પાર ન હતો.’
માધુ પાવડિયાં ને ઘાટની બારી એ પ્રાચીન સિદ્ધપુરની યાદ આપતા આજે પણ હયાત છે. કહેવાય છે કે સિદ્ધપુર શહેર છ દરવાજા અને એક બારીનું શહેર હતું.