કર્દમ ઋષિ તેમજ દેવહુતિ માતા અને કપિલ મુનિ સાથે જોડાયેલી બીજી કેટલીક વાતો પણ બિંદુ સરોવર નજદીક આવેલા કેટલાંક સ્થાનના મહાત્મય સાથે જોડાયેલી છે. બિંદુ સરોવર, અલ્પા સરોવર, જ્ઞાન વાવ વિગેરેનો ઉલ્લેખ કર્યો તેની સાથોસાથ આ સ્થાનકોનું પણ સ્મરણ કરવું જોઈએ. કર્દમ મહામુનિ બિંદુ સરોવરને કિનારે તપશ્ચર્યા કરતા હતા. તેમની સાથે બીજા ઋષિમુનિઓ પણ આ તપશ્ચર્યામાં સામેલ હતા. આ ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવતા મંત્રોચ્ચારથી વાતાવરણ હંમેશા ગુંજતું રહેતું. તેમના દ્વારા કરવામાં આવતા યજ્ઞ અને તેમાં હોમવામાં આવતા સમિધ અને આહુતિને કારણે ધુમ્રસેરો ઉઠતી અને ઊંચે આકાશને આંબવા મથતી હોય તેમ આકાશ તરફ આગળ વધતી. આ ધુમ્રસેરો દૂર દૂરથી જોઈ શકાતી હતી.
કોઈ પણ યજ્ઞ માટેના કેટલાક સામાન્ય નિયમો છે. યજ્ઞ જે ભૂમિ પર થતો હોય તે ભૂમિ યોગ્ય અને શુદ્ધ હોવી જોઈએ. યજ્ઞ માટે વેદી તૈયાર કરવા તદ્દન નવીનક્કોર કાચી ઈંટ વપરાય છે. યજ્ઞમાં હોમવા માટેનું હવિદ્રવ્ય પણ શુદ્ધ હોવું જોઈએ અને આંબો, ખીજડો, પલાશ જેવાં પવિત્ર લાકડાં હોમ કરવા માટે વપરાવાં જોઈએ. યજ્ઞ કરાવવા માટે જે પુરોહિત બેસે તેને વિધિવિધાનનું જ્ઞાન હોવું જોઈએ. સાથોસાથ યોગ્ય મંત્ર અને શુદ્ધ મંત્રોચ્ચાર પણ આવડવા જોઈએ. યજ્ઞ કરાવનાર પુરોહિતની માત્ર દેહશુદ્ધિ જ નહીં પણ આચારવિચારની શુદ્ધિ પણ જોવી જોઈએ. એ જ રીતે યજ્ઞ કરવા બેસનાર યજમાનની પણ દેહશુદ્ધિ અને આચારવિચાર શુદ્ધિ જરૂરી છે. યજમાને યોગ્ય વિધિવત સ્નાન વિગેરે કરી ઉપવાસ કરવો જોઈએ. આ બધું જ હોય અને જો યજ્ઞ કરવા પાછળ બૃહદ જનકલ્યાણની ભાવના અથવા કોઈ શુભ કાર્ય પાર પાડવાનો સંકલ્પ ન હોય તો આ યજ્ઞ રાક્ષસી બની જાય છે. આમ, ઋષિમુનિઓ જ્યાં તપ અને આરાધના કરતા હતા એ બિંદુ સરોવર અને સરસ્વતીનો પવિત્ર કિનારો હતો, પરમ પવિત્ર સિદ્ધ ક્ષેત્ર હતું અને સોનામાં સુગંધ ભળે તેમ કર્દમ ઋષિનું સાન્નિધ્ય અને માર્ગદર્શન હતું. આમ અહીંયાં યજ્ઞકાર્ય સતત ચાલ્યા કરતું.
એક વખતે આ યજ્ઞકાર્યમાં ભંગ પડાવવા આસુરીશક્તિઓ પ્રવૃત્ત થઈ. યજ્ઞની પવિત્રતાને અભડાવવા સારું મળમૂત્ર અને લોહીમાંસ જેવા ભ્રષ્ટ અને મલીન પદાર્થો નાખી તેઓ ઋષિઓ દ્વારા કરવામાં આવતા યજ્ઞયાગાદિનો ભંગ કરી તપોનિષ્ઠ ઋષિઓને હેરાન કરતા. આ પ્રકારે યજ્ઞમાં વિધ્ન આવતાં યજ્ઞકાર્ય અટકતું અને ઋષિમુનિઓ નિ:સહાય બનીને પોતાની ભક્તિ એળે જતી જોઈ રહેતા.
આ બધું કર્દમ ઋષિને પણ ખૂબ કઠતું. ઋષિ સમૂહમાં તેઓ જ્ઞાનવૃદ્ધ તેમજ વયોવૃદ્ધ અને સૌના આદરપાત્ર ઋષિ હતા. આપત્તિના સમયે આ સહુને બચાવવા તે પોતાની ફરજ છે એવું માનતા કર્દમ ઋષિ આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવા માટે પ્રવૃત્ત બન્યા. તેમણે મા શક્તિની આરાધના શરૂ કરી. આ આરાધનાથી પ્રસન્ન થઈ દેવી પોતાની શક્તિઓ સાથે પ્રગટ થયાં. દેવીનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું અને તેઓ અટ્ટહાસ્ય કરીને ભયંકર શબ્દ કરવા લાગ્યાં. કર્દમ ઋષિ તરફ દ્રષ્ટિ કરીને દેવીએ કહ્યું, ‘હે મુનિવર ! આપે મારું સ્મરણ કરી મને અહીંયા બોલાવી છે તેનું કારણ શું?’
આ પ્રશ્નના જવાબમાં કર્દમ ઋષિએ અસુરો દ્વારા કરવામાં આવતી કનડગતની વાત દેવી સમક્ષ મૂકી તેમણે વિનંતી કરી કે, ‘હે મહાદેવી ! અમો પોતે તેમજ અન્ય ઋષિમુનિઓ અહીંયાં રહીને સરસ્વતી તેમજ બિંદુ સરોવરના પવિત્ર કિનારે તપશ્ચર્યા તેમજ યજ્ઞયાગાદિ ક્રિયાઓ કરીએ છીએ. આ દુષ્ટ અસુરો અમારી તપશ્ચર્યા તેમજ યજ્ઞયાગાદિ ક્રિયા માં ભંગ પડાવી અમને હેરાનપરેશાન કરે છે. હે દેવી ! આ આસુરી શક્તિઓનો આપ નાશ કરો અને અમને રક્ષણ આપો.’
કર્દમ મહામુનિની આ વિનંતી સાંભળી કાલી સ્વરૂપે પ્રગટ થયેલ મા આદ્યશક્તિએ અસુરોનો સંહાર કર્યો અને આ તપોભૂમિને તેમના આતંકથી મુક્ત કરી. ભવિષ્યમાં આવું ન બને અને ઋષિમુનિઓની તપશ્ચર્યાનો ભંગ ન થાય તે હેતુથી આદ્યશક્તિ મહાકાળી સ્વરૂપે ત્યાં જ બિરાજ્યાં. આ આદ્યશક્તિ મહાકાળીનું મંદિર બિંદુ સરોવર તીર્થક્ષેત્રનો એક ભાગ છે.
આવી જ એક કથા સિદ્ધકૂપ વિષે સાંભળવામાં આવી છે. એવું કહેવાય છે કે ભગવાન કપિલમુનિ માતા દેવહુતિની કૂખે ઉત્પન્ન થયા. તેમના જાતકર્મ સંસ્કાર સમયે સ્વયં બ્રહ્માજી હાજર હતા. પોતાના પૌત્રની જાતકર્મની વિધિ દરમ્યાન બ્રહ્માજીએ કહ્યું –
‘સર્વ તીર્થંજલમ્ આનય’
એટલે કે બધાં જ તીર્થોનું જળ લાવો.
સૌના મનમાં પ્રશ્ન ઊભો થયો કે સર્વ તીર્થોનું જળ આ જગ્યાએ ક્યાંથી લાવવું? કર્દમ ઋષિ પોતે પણ બ્રહ્માજીની આ આજ્ઞા સાંભળી ઘડીભર તો અવાચક થઈ ગયા. પણ કર્દમ ઋષિ પોતે મહાસમર્થ તપસ્વી હતા. બ્રહ્માજીના પુત્ર હતા. તેમણે બ્રહ્માજીની આજ્ઞા સાંભળ્યા બાદ મનોમન સંકલ્પ કર્યો કે, ‘જો આજ દિવસ સુધીની મારી તપશ્ચર્યામાં કોઈ ખામી ન રહી હોય તો વર્ષોની મારી તપશ્ચર્યાના ફળને હું અર્પણ કરું છું અને આ જગ્યાએ સર્વ તીર્થોનું જળ ઉત્પન્ન થાય તેવી કામના કરું છું.’
જાણે ચમત્કાર થયો હોય તેમ મહામુનિ કર્દમ ઋષિનાં આ વચનો સાંભળી સર્વ તીર્થ ત્યાં પ્રગટ થયાં ને જમીનમાંથી એકાએક જળની સરવાણી ફૂટી. આ નિર્મળ અને પવિત્ર જળથી કપિલમુનિને સ્નાન કરાવ્યું, તેમના જાતકર્માદિ સંસ્કાર પૂરા કરવામાં આવ્યા.
સર્વતીર્થનું જળ પોતાના પરમ તપસ્વી પુત્ર કર્દમ ઋષિના તપોબળના કારણે ઉત્પન્ન કર્યું તે જોઈને બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા. કહેવાય છે કે ‘પુત્રાત શિષ્યાત ઇચ્છેત પરાજય’ એટલે કે પુત્ર અને શિષ્ય એવા પાકવા જોઈએ જે પોતાના પિતા અથવા ગુરુને પણ ઝાંખા પાડી દે. આ રીતે પોતાની સિદ્ધિ/શક્તિને કારણે જે લોકો ખ્યાતિ પ્રાપ્ત કરે છે તે ઉત્તમ કહેવાય છે.
उत्तमा आत्मनः ख्याताः पितुः ख्याताश्च मध्यमाः ।
अधमा मातुलात् ख्याताः श्वशुराश्चाधमाधमाः ॥
કર્દમ ઋષિનું તપોબળ અને સિદ્ધિ જોઈ બ્રહ્માજી ખૂબ જ પ્રસન્ન થયા અને જે જગ્યાએથી આ તીર્થજળની સરવાણી ફૂટી હતી ત્યાં પોતે સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી. જેમાં આ સરવાણી ફૂટી તે કૂવો એટલે સિદ્ધકૂવો અને એને કિનારે સ્વયં બ્રહ્માજી દ્વારા સ્થાપિત સિદ્ધનાથ મહાદેવના મહાત્મય વિષે નીચે પ્રમાણે કહેવાયું છે.
સિદ્ધકુપેતુ ય: સ્નાત્વા પુનર્જન્મ નચિદ્યતે ।
સિદ્ધકુપ નમસ્તુભ્યં જાતકર્મ સમુદ્ભવ ।
ગ્રહાણાર્ધ્યમયાદતં પ્રસિદ્ધપરમેશ્વરમ્ ॥
અર્થ થાય સિદ્ધકૂપના આ જળથી સ્નાન કરવાથી પુન:જન્મ નિશ્ચિતપણે નાશ પામે છે. જાતકર્મ સમયે જેનો ઉદ્ભવ થયો છે તેવા સિદ્ધકૂપને હું નમસ્કાર કરું છું અને (એના જળથી) મારા દ્વારા આપવામાં આવેલ આ અર્ધ્યને સ્વીકારી હે પરમેશ્વર તમે પ્રસન્ન થાવ.
આમ, બિંદુ સરોવર આસપાસ આવેલાં બે મંદિરોમાં મહાકાળીનું મંદિર અને ભગવાન સિદ્ધનાથનું મંદિર તેમજ સિદ્ધકૂપની સ્થાપના અને ઉત્પત્તિ પણ મહાતપસ્વી કર્દમ ઋષિ સાથે જોડાયેલી છે.
સરસ્વતી સિદ્ધપુરનો પ્રાણ છે, સિદ્ધપુરની જીવનરેખા છે. તો બિંદુ સરોવર પરિસર એ સિદ્ધપુરનું હ્રદય છે. કપિલમુનિ દ્વારા અહીંયા સાંખ્યશાસ્ત્રને પ્રગટ કરવામાં આવ્યું છે, એનો બોધ અપાયો છે. કપિલમુનિ તો સિદ્ધોમાં સિદ્ધ એવા પરમ સિદ્ધ તપસ્વી હતા. આથી જ એમના માટે કહેવાય છે કે ‘સિદ્ધાણામ્ કપિલોમુનિ’ અને જ્યાં પરમ સિદ્ધ કપિલમુનિનું ક્ષેત્ર અને એની આણ વરતતી હોય ત્યાં બીજા કોઈ પણ વ્યક્તિનું તપ એને સિદ્ધિ સુધી લઈ જઇ શકતું નથી એવી એક માન્યતા પ્રવર્તે છે. આ કારણથી કોઈ પણ સિદ્ધિ માટેની ઉપાસના સરસ્વતી નદીનો કિનારો વટાવી સામે છેડે જ કરી શકાય છે. કદાચ આ કારણથી જેમની તપોભૂમિ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ અને પ્રાત:સ્મરણીય પૂ. રંગઅવધૂતજી મહારાજને છેક અરવડેશ્વર સુધી ખેંચી લાવી તે પૂ. દેવશંકર બાપાની તપોભૂમિ સરસ્વતીના સામે કિનારે છે. આ પુણ્યશાળી આત્માને જ્યારે આત્મજ્ઞાનના પારસમણિનો સ્પર્શ થયો હશે ત્યારે આ દીવા જેવુ સત્ય સ્પષ્ટ દેખાયું હશે અને એટલે જ એક વહેલી સવારે પૂ. દેવશંકર બાપાએ પોતાનું ઘર અને સંસાર સાથેનો નાતો સાહજીકતાથી કોરાણે મૂકી વાટ પકડી અરવડેશ્વરની. એ દિવસે સરસ્વતી નદીનો આ કિનારો છોડી પૂ. બાપા સામે કિનારે પહોંચ્યા. સરસ્વતી પાછી ઓળંગી તે સિદ્ધપુર નહીં આવવાના અડગ નિર્ણય સાથે ! આજે પૂ. દેવશંકર બાપાની તપોભૂમિ પણ દૂર દૂરથી આવતા અનેકો માટે પવન તીર્થભૂમિ બની ચૂકી છે.