મહાપ્રભુજીની બેઠક - સિદ્ધપુર
આખા દેશમાં ૮૪ બેઠકોમાંથી આ એક જ બેઠક એવી છે જ્યાં મહાપ્રભુજી બે વાર પધાર્યા હતા.
મહાપ્રભુજીની બેઠક વિષે ચર્ચા કરતાં પહેલા આ બેઠક એટલે શું તે સમજી લઈએ. બીજું સિદ્ધપુરના બેઠકજીનું વિશિષ્ટ મહત્વ એટલા માટે છે કે મહાપ્રભુજી અહીંયા બે વખત પધાર્યા હતા. આ મહાપ્રભુજી એટલે શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યક્તિએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યું છે. તેમના પ્રાગ્ટય વિષે બે મત છે. કેટલાકને મતે તેમનું પ્રાગટ્ય સંવત ૧૫૩૫માં હતું તો કેટલાક માને છે કે તેમનું પ્રાગટ્ય સંવત ૧૫૨૯માં થયું હતું. પણ તેમના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભક્તિમાં અતિનિષ્ણાત હતા. ૧૧ વર્ષની કૂમળી વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. આ બાળક સૌને પ્રિય હોવાથી તેમનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. તેઓના ચરણારવિંદમાં શુભ ચિન્હોનાં દર્શન થતાં. મહાપ્રભુજી વલ્લભાચાર્યએ કૃષ્ણભક્તિ દ્વારા ધર્મના સિદ્ધાંતને સમજાવવા માટે એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. વલ્લભાચાર્યજીના મત મુજબ પ્રભુનો જીવો પ્રત્યેનો જે સદભાવ, કૃપાદૃષ્ટિ અને જીવનો પ્રભુમાં વિશ્વાસ એ જ પુષ્ટીમાર્ગ છે. વલ્લભાચાર્યજીએ પોતાના સિદ્ધાંતને પુષ્ટીમાર્ગ નામ આપ્યું હતું, તેથી તે પુષ્ટીમાર્ગના પ્રણેતા કહેવાય છે.
તો ક્ર્ટલાક માને છે કે, મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ સંવત ૧૪૭૮માં વૈશાખ વદ એકાદશીના દિવસે ચંપારણ્ય (રાયપુર, છત્તીસગઢ)માં થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લામાગારુ હતું. તેમણે વેદ, ઉપનિષદનું અધ્યયન કર્યું અને માત્ર અગિયાર વર્ષની નાની ઉંમરે વિજયનગરમાં રાજા કૃષ્ણદેવરાજના રાજદરબારમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને બધાને નિરુત્તર કરી દીધા હતા. તેમનાથી પ્રભાવિત થઈને કૃષ્ણદેવ રાજાએ તેમને આચાર્ય પદ પર સ્થાપિત કર્યા. તેમણે ત્રણ વખત ભારતભ્રમણ કર્યું, પુષ્ટીમાર્ગનો પ્રચાર કર્યા, ૮૪ ભાગવદ્ પારાયણ કરી. જે સ્થાન પર તેમણે પારાયણ કરી હતી તે દરેક સ્થાન આજે પણ ૮૪ બેઠકના નામે જાણીતાં છે, તેમજ આ બેઠક પર જવાથી શાંતિનો અનુભવ પણ થાય છે.
આચાર્યશ્રીએ ભારતભરમાં ત્રણ વખત ખુલ્લા ચરણે પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન વિદ્યાનગરમાં શરૂ થયેલ વાદમાં એક તરફ શાંકરવાદીઓ હતાં ત્યારે બીજી તરફ માધવ, રામાનુજ, નિંબાર્ક મતવાદીઓ હતાં. આચાર્યશ્રીને જાણ થતાં તેમણે નવેસરથી વાદના મુદ્દા ખોલાવ્યા અને શ્રી વલ્લભે પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વમાન્ય થયો. આ સમયે તેમનો કનકાભિષેક થયો. 30 વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.
તેઓ દિવ્યશક્તિ પ્રગટ કરતાં કરતાં તેઓ વૃંદાવનમાં છ માસ બિરાજી વિદ્વત્સમાજમાં બ્રહ્મવાદની સ્થાપના કરી. આપે શ્રી યમુનાષ્ટક રચ્યું. સં. ૧૫૪૯માં શ્રાવણ સુદ ૧૧ની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધા અને આજ્ઞા કરી, ‘શ્રી વલ્લ્ભ ! મારો આપેલો ગદ્ય મંત્ર તમે જે જીવને આપશો તેનો હું સ્વીકાર કરીશ.’ આ ગદ્ય મંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસંબંધ’થી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ ૧૬ ગ્રંથો લખ્યાં જે ષોડશ ગ્રંથના નામે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે છે કે ‘જીવો બ્રહ્મને ભૂલી ગયાં છે માટે દુઃખી છે.’ અર્થાત શ્રી મહાપ્રભુજી કહે છે કે જેણે શ્રી કૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે. રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ‘બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું તે સાથે મિલન અને આનંદનું ઊભરવું તે રાસલીલા. તેથી શ્રીમદજીએ રાસલીલાને અતિમહત્વ આપ્યું છે.
સિદ્ધપુરમાં શ્રી મહાપ્રભુજીની પધરામણી વિષેની વિગતો નીચે મુજબ છે.
સિદ્ધપુરમાં શ્રીમહાપ્રભુજીની પધરામણી (પહેલી યાત્રા દરમ્યાન):
શ્રી મહાપ્રભુજીએ બિંદુ સરોવર ઉપર મુકામ કર્યો. (હાલ જે બિંદુ સરોવર છે તે પાછળથી બનેલું છે. મૂળ પ્રાચીન બિંદુ સરોવર શ્રીમહાપ્રભુજીનાં બેઠકજીના પાછલા ભાગમાં આવેલું હતું એમ પ્રાચીન વિદ્વાનોનો મત છે. આજે પણ ત્યાં તેના અવશેષરૂપે મોટો ખાડો છે. શ્રી મહાપ્રભુજી કદાપિ તીર્થને પીઠ કરીને બિરાજે નહીં. બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી જે દિશામાં બિરાજે છે, તે જોતાં હાલના બિંદુ સરોવર તરફ તેમની પીઠ થાય છે, જ્યારે મૂળ સરોવરના સ્થાન તરફ તેમનું મુખારવિંદ છે. આથી પણ નિશ્ચિત થાય છે કે મૂળ બિંદુ સરોવર બેઠકજીની પાછળના ભાગમાં આવેલું હોવું જોઈએ. બિંદુ સરોવર ઉપર બિરાજી, શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાનીને કહ્યું કે: ‘આ ઠેકાણે કદર્મ ઋષિનો આશ્રમ હતો.’ (આજે પણ આ વિસ્તાર કર્દમવાડીના નામે જ પ્રસિદ્ધ છે. શ્રીમહાપ્રભુજીના બેઠકજીના સ્થાનમાં કર્દમ ઋષિ અને દેવહુતિજીની પ્રતિમાઓ પણ છે.) શ્રીમહાપ્રભુજીએ આ તીર્થનું મહાત્મ્ય દમોદરદાસજીને બતાવ્યુ: ‘અહીં કપિલમુનિએ તેમના માતા દેવહુતિને સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું. તે જ્ઞાન થયા પછી દેવહુતિજી આ સરોવરમાં જળરૂપ થઈ ગયા હતાં. આથી આપણે અહીં મુકામ કરીશું.’
શ્રીમહાપ્રભુજીએ ત્યાં સાત દિવસ બિરાજી, શ્રી ભાગવતનું પારાયણ કર્યું. તે દરમ્યાન કેટલાક માયાવાદી બ્રાહ્મણો તેમની સાથે માયાવાદ વિષે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. આચાર્યશ્રીએ માયાવાદનું ખંડન કરી તેમનો પરાજય કર્યો અને શુદ્ધાદ્વૈતબ્રહ્મવાદ સિદ્ધ કર્યો.
એક દિવસ કેટલાક વિદ્વાન બ્રાહ્મણો આચાર્યશ્રી પાસે આવ્યા. તેમણે કહ્યું: ‘બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, તેથી તેઓ અન્ય સર્વ વર્ણો કરતાં શ્રેષ્ઠ છે. માટે ‘વર્ણનામ બ્રાહ્મણો ગુરુ:’ એમ કહેવાયું છે. લોકો શાલિગ્રામ વગેરેની પૂજા કરે છે, તેને બદલે લોકોએ બ્રાહ્મણોની પૂજા કરી, તેમને નૈવેદ્ય ધરાવવું જોઈએ. આ વિષે આપનો શો અભિપ્રાય છે?’
જવાબમાં આચાર્યશ્રીએ આજ્ઞા કરી: ‘પૂર્વે સત્યયુગમાં બ્રાહ્મણો વેદવિદ્યા અને સદગુણોથી સંપન્ન હતા. ત્યારે તેમને પૂજવામાં આવતા. દિવસે દિવસે બ્રાહ્મણોમાંથી વિદ્યા અને સદગુણો ઓછાં થયાં, તેથી તેમનું પૂજન બંધ થયું. જે સમયે બ્રાહ્મણોનું પૂજન થતું તે સમયે માત્ર તેમના શરીરનું પૂજન નહોતું થતું, પણ તેમના શરીરમાં રહેલી વેદવિદ્યા, સત્ય, દયા, પરોપકાર, નિ:સ્વાર્થપણું વગેરે સદગુણોનું પૂજન થતું હતું. પૂર્વના સંસ્કારોને લીધે બ્રાહ્મણો અન્ય વર્ણથી ઉત્તમ છે એ વાત ખરી છે પરંતુ હાલ કળિયુગમાં તમામ વર્ણો તેમના વર્ણાશ્રમધર્મથી વિરુદ્ધ આચારવિચારમાં તત્પર છે. બ્રાહ્મણો વેદના અધ્યયન, વૈદિક ક્રિયાઓ અને સદાચારથી વિમુખ છે. તેઓ વિક્ષિપ્ત મનવાળા, ભ્રાંતિવાળા અને જનનેદ્રિયના સ્વાદથી લોભાયેલા છે. તેઓ વેદથી વિરુદ્ધ ધર્મો અને આચાર પાળે છે. તેઓ સંસ્કારરહિત છે. તેમનામાં આંતરશુદ્ધિ અને સંસ્કારશુદ્ધિ નથી. તેથી તેઓ ધર્મપાલન કરી શકતા નથી. ધર્મ માટે દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ શુદ્ધ જોઈએ. તેવી શુદ્ધિ આ કળિયુગમાં દુર્લભ છે. આવી હાલની સ્થિતિ હોવાથી અન્ય વર્ણો બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી, બ્રહ્મભોજન કરાવી તેમની પૂજા કરે છે, તેથી તેમણે સંતોષ માનવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુણોથી માણસ પૂજાય છે, જાતિ કે ઉંમરથી નહીં. ફક્ત બ્રાહ્મણની યોનિમાં જન્મવાથી બ્રાહ્મણોનો દેહ પૂજ્ય નથી. સંસ્કાર, ધર્મશીલતા, વેદવિદ્યા અને સદાચાર હોય તો જ બ્રાહ્મણ પૂજ્ય છે. જે પૂજાને યોગ્ય છે તેની પૂજા લોકો સામે પગલે કરે છે. આપણી પૂજા બીજા કરે એવો આગ્રહ રાખવાની જરૂર નથી. બ્રાહ્મણો મનુષ્ય તરીકે સત્કારને પાત્ર છે પણ પૂજાવાલાયક તો શ્રીહરિ જ છે. દરેક મનુષ્યમાં આત્મારૂપ ભગવાન ગુપ્ત છે, માટે જીવાત્માનું ભજન કરવું જરૂરી નથી. તેમના ઉપર દયા રાખવી, જીવાત્મા સિવાય અન્યત્ર મૂર્તિમાં બિરાજમાન ભગવાનની પૂજા કરવી, જેમને સુખની ઈચ્છા હોય તેમણે સદાનંદ ભગવાનની ભક્તિ કરવી. આ સિવાય અન્ય કોઈ પ્રકારે દુ:ખ મળે છે. તમે ધર્મ સંબંધી કોઈ પ્રશ્ન ન પૂછતાં માત્ર તમારા સ્વાર્થ સંબંધી પ્રશ્ન પૂછ્યા એ ઠીક નથી. તમારા પ્રશ્નમાં જ તમારો ઉત્તર સમાયેલો છે.
આ પ્રમાણે આચાર્યશ્રીએ તેમને જવાબ આપ્યો. તે સાંભળી, તે બ્રાહ્મણો સંસ્કારી હોવાથી પ્રસન્ન થયા અને બીજા દિવસે તેમને શરણે આવ્યા અને સેવક થયા. સિદ્ધપુરથી શ્રીમહાપ્રભુજી વટેશ્વર થઈ પાટણ પધાર્યા.
સિદ્ધપુરમાં શ્રીમહાપ્રભુજીની ફરી પધરામણી (બીજી યાત્રા દરમ્યાન):
શ્રીમહાપ્રભુજીએ પહેલી ભારતયાત્રા નવ વર્ષમાં પૂરી કરી. ત્યાર પછી તરત જ બીજી ભારત યાત્રા આરંભી. તે વખતે શ્રીમહાપ્રભુજી નારાયણ સરોવરથી અમદાવાદ થઈ સિદ્ધપુર પધાર્યા. તે વખતે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર ઉપર તેમણે મુકામ કર્યો.
શ્રીમહાપ્રભુજીએ આ વખતે પણ અહીં શ્રી ભાગવત પારાયણ કર્યું પછી અહીંથી તેઓ પુષ્કર તીર્થ જવા પધાર્યા.
આમ સિદ્ધપુરની મહાપ્રભુજીની બેઠક દેશની અન્ય બેઠકો કરતાં વિશિષ્ટ એટલા માટે છે કે આખા દેશમાં આ એક જ બેઠક એવી છે જ્યાં મહાપ્રભુજી બે વાર પધાર્યા અને શ્રીમદ ભાગવતજીનું બિંદુ સરોવરના તીરે પારાયણ કર્યું. વૈષ્ણવ સંપ્રદાય માટે આ બેઠકજી એક મહત્વનું તીર્થ છે.