મહાશિવરાત્રીનું મહાપર્વ અને એનું મુખ્ય આકર્ષણ
શિવરાત્રીનો વરઘોડો
શિવરાત્રીનું પર્વ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ઉજવાય છે. શિવરાત્રીના તહેવાર સાથે શિવ+રાત્રી એમ બે શબ્દો સંકળાયેલા છે. તેને શંકરરાત્રી કહેવાતી નથી. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રી કહેવાય છે. લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે ઉજવે છે, તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે.
શિવરાત્રી વ્રત ક્યારે કરાય?
જેને આ વ્રત કરવું હોય તેને ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રી વ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે.
આ સંબંધમાં ત્રણ પક્ષ છે –
(૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની-તેરસ ઉપર ચૌદસ બેસે તે રાત્રી
(ર) નિશીથ (અર્ધરાત્રી) વ્યાપિની- તેરસની મધ્ય રાત્રી, રાત્રે ૧૨ વાગ્યા પછીનો સમય.
(૩) ઉભય વ્યાપિની- વૃદ્ધિ તિથિ. દા.ત. તેરસ તિથી સૂર્યોદય સમયે બેસતી હોય તો તે બીજા દિવસે (ચૌદસ) સૂર્યોદય સુધી અથવા થોડા વધુ સમયે રહે તેને ઉભય વ્યાપિની કહેવાય.
વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથ વ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેથી ચૌદશની તિથિ નિશીથ વ્યાપિની હોય તે મુખ્ય/અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષ વ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથ વ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ
શિવરાત્રિ સાથે જોડાયેલ કથાઓ
સમુદ્રમંથન
એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઝેર ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે હળાહળ (અતિ ભયાનક વિષ) એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે, “તેઓ શિવજીનો સંપર્ક કરે” અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફની અનુકંપાને કારણે તે હળાહળ ઝેર પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રીને જોડવામાં આવે છે.
શિકારી અને હરણાંની વાર્તા
શિવરાત્રીના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાર્તા પ્રચલિત છે. શિકારી હરણીનો શિકાર કરવા તત્પર બને છે ત્યારે હરણી કહે છે કે હું મારાં બાળકોને મળીને આવું, તેટલી મને રજા આપો. પછી હું તારા શિકાર માટે હાજર થઈશ. શિકારી એ વાત માની ગયો. જંગલમાં રાત્રીનો સમય સલામતીથી વિતાવવા શિકારી બીલિનાં વૃક્ષ ઉપર ચઢી ગયો. રાત્રી દરમિયાન તે પાંદડાં તોડીને નીચે ફેંકવા લાગ્યો. આ વૃક્ષ નીચે શિવલિંગ આવેલું હતું. બીજી તરફ, હરણીએ ઘેર જઈને શિકારી સાથેની વાતચીત કહી સંભળાવી. હરણી, હરણ અને હરણબાળ સૌ સમર્પણ માટે તૈયાર થયાં. તે સૌ વાયદા મુજબ શિકારી પાસે આવ્યાં. રાત્રીનો ઉપવાસ અને શિવલિંગ ઉપર બિલિપત્ર ફેંકતાં શિકારીના હૃદયમાં પરિવર્તન થયું હતું. તેવામાં મરવા તત્પર બનેલા હરણ પરિવારને જોતાં તેને આશ્ચર્ય થયું. તેનાથી તે પ્રસન્ન થયો. તેણે સાચાબોલાં હરણાંને જીવતદાન આપ્યું. એમ કહેવાય છે કે આ ઘટનાથી શિકારી અને હરણાં સ્વર્ગવાસી થયાં.
શિવરાત્રી પૂજા અને વ્રત કેવી રીતે કરાય ?
શિવની પૂજા શુદ્ધ પાણી કે ગંગાજળ, કાચું દૂધ(ગાયનું), મધ, દહી, શેરડીના રસથી કરવી, ચંદન અને કેસરથી શિવલિંગનું અનુલેપન કરવું, સાથે જ ધંતૂરો, આમ્ર અને બિલિપત્ર ચઢાવવા. શિવની પૂજામાં ધંતૂરો, કરેણ, બિલિપત્ર આદિ પુષ્પો ચઢાવવામાં આવે છે. ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે જાગરણ કરવામાં આવે છે. આ જાગરણ તો માત્ર પ્રતીક છે. તે માત્ર એક રાત્રીનું સ્થૂળ જાગરણ નથી, પણ આ સંગમયુગમાં આત્માની જ્યોતિ જગાડવાનું, આત્માને જાગૃત કરવાનું સૂચન કરે છે. મહાશિવરાત્રીના દિવસે હંમેશની તુલનામાં હજારગણું ફળ પ્રાપ્ત થાય છે. આ માટે ‘ૐ નમ: શિવાય’ આ નામ જાપ વધારેમાં વધારે કરવો.
આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. પ્રાચીન સમયે ઋષિઓ કંદમૂળ ખાઈને ભોજનની આસક્તિ વિના ધ્યાન, ભક્તિ, પૂજા, પ્રાર્થના, તપસ્યા કરતા હતા. શિવરાત્રીમાં કંદમૂળનો ઉપયોગ થાય છે તે આત્માઓનું સૂચન કરે છે. પરમાત્માના દિવ્ય અવતરણ સમયે આત્માઓ વિકારી બની ગયા હોય છે. તેમનામાં દિવ્યતાની કોઈ સુગંધ અસ્તિત્વ ધરાવતી નથી. આવા આત્માઓ પરમાત્માને ઓળખીને, પરમાત્મા ઉપર સ્વયંનું સમર્પણ કરે છે. ઈશ્વરીય કાર્યમાં તન, મન, ધનનું સમર્પણ કરે છે. ત્યાગ, તપસ્યા, સેવાની ત્રિવેણી દ્વારા ઈશ્વરીય કાર્યમાં સહયોગી બને છે.
આ દિવસે ભાંગને શિવની પ્રસાદી રૂપે ગ્રહણ કરાય છે. આ વ્રત બાર, ચૌદ અથવા ચોવીસ વર્ષો સુધી થઈ શકે કે પછી તેનું ઉદ્યાપન કરવું. વ્રતની સમાપ્તિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું. બ્રાહ્મણોનાં આશીર્વાદ મેળવીને વ્રત સમાપ્તિ થાય છે.
સિદ્ધપુરમાં શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ, શ્રી વાલકેશ્વર મહાદેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવની ચાર પાલખીઓ પીતાંબરધારી બ્રાહ્મણો દ્વારા સરસ્વતી નદીના કિનારેથી નીકળી બિંદુ સરોવર જાય છે જ્યાં હરિ અને હરનું મિલન થાય છે. બિંદુ સરોવર ખાતે આવેલા શ્રી કપિલ મુનિ, શ્રી કર્દમ ઋષિ અને માતા દેવહુતિ તેમજ ગયગદાધર ભગવાનને ત્યાં જઈને બિંદુ સરોવરના કુંડ ઉપર આ ચારેય પાલખીઓ ભેગી થાય છે. કપિલ ભગવાનના મંદિરના પૂજારી દ્વારા આ ચારેય પાલખીઓનું સ્વાગત કરવામાં આવે છે. સ્વાગત બાદ મહાશિવરાત્રીની શોભાયાત્રા એલ. એસ. હાઈસ્કૂલ, પથ્થરપોળ, ખીલાતરવાડો, અલવાનો ચકલો, કોઠારીવાસ, પશવાદળની પોળ, રુદ્રમહાલય, મહેતાઓળનો મહાડ, ગોવિંદ-માધવ મંદિરથી પસાર થઈને નીલકંઠ મહાદેવ પાસે સમાપ્ત થાય છે.
આ શોભાયાત્રામાં સિદ્ધપુર શંકરાચાર્ય પીઠના ગાદીપતિ શંકરાચાર્ય જોડાય છે. શોભાયાત્રામાં નિશાન ડંકા મોટા મઠથી ગાદી પરંપરા મુજબ જોડાય છે જેની દક્ષિણા શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. શોભાયાત્રામાં આગળ નિશાન ડંકા અને પાછળ લગભગ દોઢસોથી બસો જેટલા ઘોડાઓ તેમજ ગજરાજ પણ જોડાય છે. દરેક મહોલ્લે અને ચોકે ચોકે યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને ભગવાનની આરતી ઉતારવામાં આવે છે.
સિદ્ધપુરમાં મહાશિવરાત્રીની શોભાયાત્રાની આ પરંપરા લગભગ ૮૦૦થી ૯૦૦ વરસ જેટલી પ્રાચીન હોવાની માન્યતા છે.
મહાશિવરાત્રીના આગલા દિવસે બાવાજીની વાડીમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ દ્વારા નિમંત્રણયાત્રાનું વરઘોડું (નાની પાલખીયાત્રા) કાઢવામાં આવે છે. જેમાં ભગવાન નીલકંઠેશ્વર અને સિદ્ધેશ્વર મહાદેવ નગરના ઇષ્ટદેવ શ્રી ગોવિંદ-માધવના મંદિરે અને પટેલલોકના મહાડમાં બિરાજમાન શ્રી સિદ્ધનાથ મહાદેવના મંદિરે તેમજ નગરના તમામ દેવોને અને નગરજનોને નિમંત્રણ આપવા જાય છે.
સિદ્ધપુર મહાદેવની નગરી છે. સિદ્ધપુરમાં પાંચ સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે – અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને વટેશ્વર મહાદેવ. આ ઉપરાંત સિદ્ધપુરમાં લગભગ ૨૦૦થી ૨૫૦ જેટલા શિવમંદિરો આવેલા છે જેમાં શિવરાત્રીના દિવસે સવારે બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના તેમજ લઘુરુદ્ર કરવામાં આવે છે અને રાત્રે ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ૧૨ કલાક મહાદેવની અલગ અલગ ઉપચારો જેવા કે ભાંગ, શેરડીનો રસ વગેરે દ્વારા મહાપૂજા કરવામાં આવે છે. સિદ્ધપુરનો મહાશિવરાત્રીનો મેળો એ સમગ્ર ગુજરાતમાં જુનાગઢના મહાશિવરાત્રીના મેળા પછી મોટામાં મોટો મેળો હોય છે. આ દિવસે સમગ્ર સિદ્ધપુર નગર શિવમય બની જાય છે.
શિવરાત્રીનો વરઘોડો અને તેમાં પણ છેલ્લાં કેટલાક વરસોથી ૨૦૦ કરતાં વધુ ઘોડાઓ ઉપર બેઠેલા નાના બાળકો આ શોભાયાત્રાનું વિશિષ્ટ આકર્ષણ બને છે. ભગવાન શિવને ભાંગનો પ્રસાદ ચઢે છે એટલે એ દિવસે અન્ય શહેરોનાં શિવમંદિરોમાં જે રીતે પ્રસાદ વહેંચે છે તે રીતે દૂધાનો પ્રસાદ વહેંચવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે સિદ્ધપુરના મુખ્ય શિવમંદિરોમાં દર્શન માટે તેમજ પૂજાઅર્ચના માટે ભાવિક ભક્તોની ભીડ જામે છે. જેમ નગરધણી ગોવિંદ-માધવ, રાધાકૃષ્ણ, રણછોડરાયજી અને ગોવર્ધનનાથજી પટેલલોકના મહાડમાં શિવને મળવા પધારે છે તે જ રીતે બિંદુ સરોવરમાં શિવ વિષ્ણુ સ્વરૂપ દેવોને મળે છે. આમ શિવરાત્રીના દિવસે પણ હર અને હરિનું મિલન થાય છે જે આપણને સંદેશ આપે છે કે અમે ગમે તે સ્વરૂપે હોઈએ એકના એક જ છીએ. અમારા નામે જુદા જુદા પંથો ચલાવી નવા નવા વાડા ઊભા કરશો નહીં. પણ આ સમજે તો માણસ કહેવાય નહીં ને?