મહાશિવરાત્રી – શિવભક્તિનો મહોત્સવ

સાથોસાથ મારી ફરાળભક્તિ

 

મહાશિવરાત્રી, એનું ધાર્મિક મહત્વ, એ દિવસે ભગવાન ભોલેનાથની નગરયાત્રા, શિવરાત્રીની ચાર પ્રહરની પૂજા એ ૨૪ કલાકનો સમય એટલે મહાશિવરાત્રીની સવારનો સુરજ ઊગે તે બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યાં સુધીનો સમય શિવભક્તિના ઘોડાપૂર ઉમટતા હોય એવો સમય રહેતો. મારા ઘરની બાજુમાં જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા અને એ પાઠશાળામાં મૃત્યુંજય મહાદેવનું મંદિર. મારા માબાપને મૃત્યુંજય મહાદેવમાં ખૂબ જ આસ્થા, જેનો વારસો આજે હું નિભાવું છું. મારા બાળપણનો એ સમય શાસ્ત્રીજીની પાઠશાળાની જાહોજલાલીનો સમય હતો. ૬૦-૭૦ વિદ્યાર્થીઓ જુદી જુદી જગ્યાએથી ત્યાં અભ્યાસ માટે આવીને નિવાસ કરતા. સિદ્ધપુર શહેરમાંથી પણ કેટલાક યુવાનો સંસ્કૃત શીખવા માટે અહીં આવતા. શિવરાત્રીના દિવસે સંધ્યા ઢળે અને શિવની પ્રહર પૂજાઓ શરૂ થાય. મારાં માબાપ જીવ્યાં ત્યાં સુધી સોમવારે અને પ્રદોષ શિવરાત્રીએ તેમજ શ્રાવણ મહિનો આખો મૃત્યુંજય મહાદેવની પૂજા અભિષેક અમારા પરિવારના અને વિશેષત: મારા યોગક્ષેમની પ્રાર્થના સાથે થાય. મંત્રોચ્ચારથી શિવમંદિર ગાજી ઊઠે. શુદ્ધ ઉચ્ચારો સાથે લયબદ્ધ રીતે થતાં મંત્રોચ્ચારની પણ એક જોરદાર અસર આજુબાજુના વાતાવરણ પર થાય છે. આ મંત્રોચ્ચારોનું શ્રવણ એક વિશિષ્ટ અનુભૂતિ કરાવે છે. આવી એ મહાશિવરાત્રીની મહારાત્રી જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા અને મૃત્યુંજય મહાદેવનું મંદિર, આ વાતાવરણ આજે પણ હું આંખ મીંચું તો નજર સમક્ષ ખડું થાય છે. મંત્રોચ્ચારનો એ ધ્વનિ હજુ પણ જાણે કે કાનમાં ગુંજે છે.

શિવની ચાર પ્રહરની પૂજામાં વપરાતાં વિવિધ દ્રવ્યો બાબતે શાસ્ત્રી શ્રી સંદીપભાઈ પંડ્યા દ્વારા નીચે મુજબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે –

 

પ્રહર - ૧.

શિવજીની દિશા : પશ્ચિમ તરફની પૂજા.

ચંદન પ્રકાર : ગંધ.

ધાન્ય : ચોખા, કાળા તલ.

પુષ્પ : સફેદ પુષ્પ, કરેણનું ફુલ, આંબાનું પાન.

ફળ : બીલું.

નૈવેદ્ય : ખીર.

 

પ્રહર - ૨

શિવજીની દિશા : ઉત્તર તરફની પૂજા.

ચંદન પ્રકાર : કેસર ચંદન.

ધાન્ય : ચોખા, જવ.

પુષ્પ : કમળ, તુલસી પાન.

ફળ : બીજોરૂં

નૈવેદ્ય : લાડુ, પાયસ.

 

પ્રહર - ૩

શિવજીની દિશા : દક્ષિણ તરફની પૂજા.

ચંદન પ્રકાર : કસ્તુરી ચંદન.

ધાન્ય : ચોખા, ઘઉં.

પુષ્પ : આંકડાના ફુલ, કરેણના ફુલ.

ફળ : દાડમ.

નૈવેદ્ય : માલપુડા, પુરી, વડા, શાક.

 

પ્રહર - ૪

શિવજીની દિશા : પૂર્વ તરફની પૂજા.

ચંદન પ્રકાર : રક્ત ચંદન.

ધાન્ય : સપ્ત ધાન્ય.

પુષ્પ : જૂઈ, શંખપુષ્પી, ચંપો, દુર્વા, આકડો .

ફળ : કેળું, કેરી.

નૈવેદ્ય : શીરો, દહીં, ભાત.

છેલ્લા પ્રહરમાં સમય હોય તો શિવ સહસ્ત્ર નામ દ્વારા પણ બીલીપત્ર ચડાવી શકાય.

 

આ થઈ શિવરાત્રી અને ધાર્મિક ઉપાસના તેમજ વિધિની વાત.

બાળપણમાં આના કરતાં પણ વધુ મહત્વ શિવરાત્રીને દિવસે મા ફરાળ તૈયાર કરતી તેનું રહેતું. આમ તો મા પોતે આઠમ, અગિયારસ, સોમવાર એવાં બધાં વ્રતો કરવાવાળો જીવ. ક્યારેક ઉપવાસ કરે તો સોમવારે એકટાણું. પણ માના આ ઉપવાસ અને એનું ફરાળ બહુ દમવાળું ન હોય. મોરૈયાની ખિચડી અને ક્યારેક શીંગદાણાની સુખડીથી વધારે વૈભવ માના ફરાળમાં ન હોય. પણ કેટલાક મોટા ઉપવાસના દિવસો આવતા જેમાં દેવશયની અગિયારસ, જન્માષ્ટમી, જન્માષ્ટમી પછીની શ્રાવણ વદ અગિયારસ, દેવઉઠી અગિયારસ અને મહાશિવરાત્રી આવે. મારા ઘરમાં હું કે મારા બાપા કોઈ ઉપવાસ-અગિયારસ નહોતા કરતા. માની ભાષામાં અમે અનાજ ખાઈને જીવવાવાળા ધાનનાં ધનેરાં હતા. પણ આ મોટા ઉપવાસ આખું ઘર કરે. એમાંય જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો હોય અને ત્યાર પછીની અગિયારસ ન કરવામાં આવે તો ગોકુળમાં ગધેડું થઈને જનમવું પડે એવું મા કહેતી. (આમ તો હું માનું છું કે એકનો એક અવતાર બે વાર ના આવે!) આ મોટા ઉપવાસના દિવસે ટેસડો પડી જતો. મા ફરાળની વિવિધ વાનગીઓ તૈયાર કરે. એમાં પણ રાજગરાનો શીરો બનાવવાની એની હથોટી અદભૂત. રાજગરાનો લોટ ઝીણો હોય. એને પૂરતું ઘી નાખીને સપ્રમાણ રીતે શેકવો એ પણ એક કળા છે. એ લોટ બરાબર શેકાય, શેકાઈને તૈયાર થાય એટલે એની સુગંધ આવે. બસ એ વખતે ગોળનું પાણી તૈયાર રાખ્યું હોય તે એમાં રેડતા જવાનું, પણ કાળજી એ રાખવાની કે રાજગરાના લોટમાં ગાંઠિયા ન પડી જાય. અને ગોળનું  પાણી અને લોટ એકરસ બની જાય. એને સતત હલાવતા રહેવું પડે એટલે વધારાનું પાણી બળી જાય અને ઘી છૂટે. આ ઘી છૂટે એટલે શીરાની સરસ મજાની સોડમ આવે. એ વખતે એમાં ઈલાયચી, પલાળી રાખેલી દ્રાક્ષ અને બદામની કતરણ નાખી દેવાની. સરસ મજાનો શીરો તૈયાર! ઉપવાસ માટે મા જે વાનગીઓ બનાવતી તેમાં મને સૌથી પ્રિય આ રાજગરાનો શીરો હતો. (આજે પણ છે) પછી બટાકાની છીણ, ખાંડેલા શીંગદાણા નાખીને મોરૈયાની વઘારેલી ખિચડી અને શિંગોડાના લોટની કઢી. શિંગોડા અથવા રાજગરાના લોટના ડબકા. બટાકા અથવા સુરણનું શાક. સાથે રાજગરાના લોટની ભાખરી પણ ખરી. ક્યારેક આમાં બટાકાનો માવો અને પલાળેલા સાબુદાણા ભેળવી મરચું મીઠું નાખી બનાવેલી પૂરી પણ ભળતી. સાંજે સાબુદાણાની ખિચડી. બસ આ કારણથી ઉપવાસ કરવાનો. ફરાળની માના હાથની રસોઈની તુલનામાં ક્યારેય બીજું કશું આવી શકે એવું એ વખતે પણ નહોતું લાગ્યું અને આજે દાવા સાથે કહી શકું કે માની ફરાળી રસોઈ બનાવવાની હથોટી એની આગવી વિશિષ્ટતા હતી. અને એટલે કોઈ આધ્યાત્મિક કારણસર નહીં પણ જીભને ટેસડો પડી જાય એટલા ખાતર હું ઉપવાસ કરતો.

મહાશિવરાત્રીના ઉપવાસમાં શક્કરીયું ઉમેરાતું. અમારે ત્યાં રસોઈ સગડીથી થતી, ચૂલો પણ વપરાતો. મહાશિવરાત્રી આવે એટલે થોડા દિવસ પહેલાં શક્કરીયાં બજારમાં આવે. આ શક્કરીયાં ધીમા તાપે શેકી અને મીઠું મરચું ભભરાવી લીંબુ નિચોવી ખાવાની મજા આવે. આ બધી પ્રવૃત્તિમાં બે કલાક ખર્ચાય પણ ખરા. શક્કરીયાં બાફીને એનું શાક પણ થાય અને બાફેલાં શક્કરીયાંનો માવો શીરો બનાવવામાં પણ વપરાય. આમ અન્ય ઉપવાસની સિઝનમાં મોટે ભાગે સુરણ, બટાકા કે અળવીની ગાંઠોનું રાજ હોય પણ મહાશિવરાત્રી વખતે તો શક્કરીયું મેદાન મારી જાય. મહાશિવરાત્રીના ફરાળમાં શક્કરીયું કેન્દ્રસ્થાને હોય બાકી બધું એમનેએમ. આમ મહાશિવરાત્રીનો ઉપવાસ તો કરવાનો પણ ભગવાન શંકર પ્રસન્ન થાય એના કરતાં જીભનો સ્વાદ પોસાય એ કારણ કેન્દ્રસ્થાને રહેતું. આમ મહાશિવરાત્રીનું એક અલગ પાસું પણ હતું. આ ઉપરાંત ક્યારેક બાપા કંદોઇની દુકાનેથી બટાકાની કાતરીનો ચેવડો કે પછી રાજગરાની નુખતી પણ લાવે. સરવાળે આડે દિવસે અથવા કોઈ તહેવારમાં મિષ્ટાન-પાણી ખાઈને પણ જેટલો ભાર (કેલરી) પેટમાં નહીં નાખતા હોઈએ તેટલો ભાર આ ભૂખ્યા રહેવાના કે ઉપવાસના દિવસે પેટમાં પડે! આ મારી મહાશિવરાત્રી અને એના વ્રત ઉપવાસનું બીજું પાસું, એનાં સાચાં કારણો સાથે. કહે છે સાચું કબૂલી લઈએ તો ભગવાન દરગુજર કરે છે. એટલે આ સાવ સાચી કબૂલાત અહીંયાં લખી છે. બાકી તો મહાશિવરાત્રી એટલે ભોલેનાથને ભજવાનો તહેવાર. અને ભોલેનાથ માટે તો ‘મિલન’ ચલચિત્રના એક ગીતમાં એવું કહેવાયું છે કે –

 

उसकी निशानी वो भोला-भाला,

उसके गले में सर्पों की माला

मन उसका मंदिर है प्राण पुजारी,

घोडा न हाथी अरे बैल सवारी,

कैलाश पर्वत का जोगी है वो

अच्छा वही दर दर का भिखारी,

हां वो है भिखारी ठीक

लेके भक्ति की भीख

बदले में जगत को मोक्ष दिया

 

વાહ મારા ભોળીયા નાથ. શંભો હર !

હર મહાદેવ !!  


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles