- ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)
યુક્રેન-રશિયા યુદ્ધને કારણે જીવનના લગભગ દરેક ક્ષેત્ર ઘણા બધા દેશોમાં પ્રભાવિત થયા છે. જ્યાં યુદ્ધ ચાલુ છે તે યુક્રેન-રશિયા બોર્ડર પર અને વોર-ઝોનમાં યુદ્ધે સાર્વત્રિક તબાહી વેરી છે, આંતરમાળખાકીય સવલતો જેવી કે વીજળી, પાણી, ગટરવ્યવસ્થા વગેરેમાં મોટાપાયે વિનાશ થયો છે અને આમ છતાંય યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. યુનાઈટેડ નેશન્સ દ્વારા પસાર કરવામાં આવેલ શાંતિ ઠરાવને બધા ઘોળીને પી ગયા છે. બીજી બાજુ તુર્કી અને સિરિયામાં મહાવિનાશક ભૂકંપને કારણે જેટલો વિનાશ થયો છે તેનો સાચો આંકડો પણ હજુ બહાર આવ્યો નથી.
આ સામે યુનાઈટેડ નેશન્સ દ્વારા મેરીટાઈમ ટ્રાફિકને સંરક્ષણ મળે તે માટે સમજૂતી થઈ છે. અત્યારે દરિયામાં ચાલતા આ ટ્રાફિકમાંથી માત્ર એક ટકો સંરક્ષિત છે. બાકી બધું ભગવાનની મહેરબાનીથી ચાલ્યા કરે છે. આ ઐતિહાસિક સમજૂતી દ્વારા યુનાઈટેડ નેશન્સના સભ્ય દેશોએ મધદરિયે સંરક્ષણ પૂરું પાડવા સંમત થયા છે. દરિયાના પેટાળમાં એટલો બધો ખજાનો છે જે અગત્યનો અને ફ્રેજાઈલ છે, તે લગભગ આપણી પૃથ્વીને અડધોઅડધ ઢાંકીને બેઠો છે. આ ખજાનાની જાળવણી માટે છેલ્લા કેટલાય વર્ષોથી સો જેટલા દેશો વચ્ચે પરામર્શ ચાલતો હતો તેના પરિપાકરૂપે ‘યુનાઇટેડ નેશન્સ ટ્રીટી’ આખરી થઈ છે.
આ પગલું ઘણા લાંબા સમયથી અપેક્ષિત હતું અને એને કારણે પર્યાવરણીય જૂથો કહે છે તેમ મરીન બાયોડાયવર્સિટીને થયેલ નુકસાન પુનઃ ભરપાઈ કરવામાં મદદ મળશે. આને કારણે સાતત્યપૂર્ણ અને ટકાઉ વિકાસને વેગ મળશે. આંતરરાષ્ટ્રીય દરિયો દુનિયાના સાઈઠ ટકા કરતા વધુ ભાગને આવરી લે છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિ પોતાના શ્વાસોશ્વાસમાં જે ઑક્સિજન વાપરે છે, તેનો અડધોઅડધ આ દરિયાઈ પર્યાવરણમાં પેદા થાય છે.
આ માટેની કૉન્ફરન્સના ચેરપર્સન રેના લીએ તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે જાહેરાત કરતા હર્ષોન્મિત થઈ જણાવ્યું હતું કે ‘આખરે વહાણ કિનારે પહોંચી ગયું’. સમુદ્રની બાયોડાયવર્સિટી તેમજ એને થતા પર્યાવરણીય નુકસાન સામે રક્ષણ પૂરું પાડતી આ સંધિ છેલ્લા પંદર વર્ષથી ચર્ચામાં હતી અને યુનાઈટેડ નેશન્સના માર્ગદર્શન હેઠળ પાંચ રાઉન્ડ્સમાં થયેલ ચર્ચાઓ બાદ સર્વસંમતિ સાધી શકાઈ હતી.
ગઈ સાલ ડિસેમ્બર મહિનામાં મોન્ટ્રિયલ (કેનેડા) ખાતે વિશ્વની ૩૦ ટકા જમીન અને સમુદ્રને આ રીતે સંરક્ષિત કરવા માટે જે લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું તે ‘૩૦ બાય ૩૦’ અંતર્ગત થયેલ ચર્ચાઓમાં સંમતિ સાધવામાં આવી હતી. આ સંધિને કારણે સંબંધિત દેશોને એન્વીરોનમેન્ટલ (પર્યાવરણીય) ઇમ્પેક્ટ અસેસમેન્ટ હાથ ધરવા માટે છૂટ મળે છે. છેલ્લું ચર્ચાપત્ર ૨૦૨૦માં મળ્યું તેમાં વિકાસશીલ દેશોએ પોતાને વધારે ભાગ મળે તેવી માંગ આગળ ધરી હતી જેને કારણે આર્થિક મુદ્દાઓ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ‘મરીન જિનેટિક રિસોર્સીસ’ જે બાયોટેક્નોલૉજી જેવા ઉદ્યોગોમાં કાચામાલ તરીકે વપરાય છે તેને કારણે ઊભા થનાર લાભાલાભ વિષે ચર્ચા થઈ હતી.
યુનોના સેક્રેટરી જનરલે આ સંધિને આવકાર આપતા કહ્યું છે કે, ‘આ સંધિ મલ્ટીલેટરાલિઝમ અને પર્યાવરણમાં ભાંગફોડ કરતા તત્ત્વો જે મહાસાગરના આરોગ્યને નુકસાન કરે છે, તેને આવનાર પેઢીઓ દરમિયાન કઈ રીતે નાથવા તેનો રસ્તો બતાવે છે.’
‘ગ્રીનપીસ’ કહે છે, ‘અગિયાર મિલિયન સ્કેવર કિ.મી. (૪.૨ મિલિયન સ્કવેર માઇલ્સ) જેટલા મહાસાગરને આ સંરક્ષણ હેઠળ લાવવાનો આપણે આદર્શ લક્ષ્યાંક રાખીએ તો ૨૦૩૦ સુધીમાં એ પ્રાપ્ત કરી શકાય.’ દરેક દેશે વિધિવત્ રીતે આ સંધિને સ્વીકારવી જોઈએ અને જેટલું શક્ય તેટલું વધુ જલદી અમલમાં મૂકવું જોઈએ. આની સાથોસાથ સંપૂર્ણપણે સંરક્ષિત મહાસાગર અભયારણ્ય ઊભા કરવા જોઈએ એવું ગ્રીનપીસ ઓશન્સના સુશ્રી લોરા મેલરનું કહેવું છે. ઘડિયાળ તો પેલું ‘૩૦ બાય ૩૦’નું લક્ષ્યાંક નજર સામે રાખી ટીક, ટીક ચાલ્યા જ કરવાની છે અને આપણને (આ દુનિયાવાસીઓને) ખોટા આત્મવિશ્વાસમાં રહેવું પાલવે તેમ નથી.