ગેટ વે ઑફ ઈન્ડિયા પાસેના દરિયામાં બોટ રાઈડ કરવાની મજા આવી. અત્યાર સુધી ક્યારેક ક્યારેક અમદાવાદ જવાનું થતું ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં બેસવાનો મોકો મળી જતો એની સરખામણીમાં આ વિશાળ દરિયો અને પેલા હોડકાની સરખામણીમાં એક માળવાળી મોટરબોટ અત્યાર સુધી જે જોયું હતું અને અનુભવ્યું હતું તેની સરખામણીમાં જે અનુભવી રહ્યો હતો તે અનેકગણું મોટું હતું. મારી કલ્પના બહારનું હતું. અત્યાર સુધી અરબી સમુદ્ર માત્ર નક્શામાં જોયો હતો. આજે હું એને એક અફાટ જળરાશિ તરીકે જોઈ રહ્યો હતો. સામે છેડે ક્ષિતિજ સિવાય કાંઈ ન દેખાય એવો એનો વ્યાપ હતો. આવા વિશાળ સમુદ્રમાં અમે જે મોટરબોટમાં બેઠા હતા તેની શું હેસિયત હતી તે ખ્યાલ અમે ત્યાં લાંગરેલી સ્ટીમરની લગોલગ જઈ પહોંચ્યા ત્યારે આવ્યો. લીલીપુટના વેંતીયાઓની વાર્તા મેં વાંચી હતી. સામે ઊભેલી સ્ટીમરની સરખામણીમાં અમારી બોટ તો એ વેંતીયા જેવી પણ નહોતી લાગતી. આ સ્ટીમર મને મારા બાપાએ સમજાવ્યું તેમ ઘણા નાના કદની હતી. આનાથી અનેકગણી મોટી સ્ટીમરો સાત સમુંદર ખેડતી. માસલામાન અને પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી. દરેક પ્રકારની સવલતો મોજૂદ હોય અને જાણે દરિયામાં તરવું એક નાનું શું ગામ હોય એવી આ સ્ટીમરો હતી. અમારી બોટ આ સ્ટીમરને ચકરાવો લઈ પાછી વળી. ઈચ્છા તો ઘણીએ હતી કે, દૂર દૂર દરિયામાં મુસાફરી કરીએ, પણ પેલા મોટરબોટવાળા માટે જે સીમા નિર્ધારિત હતી ત્યાંથી એણે પાછું વળવું જ પડે. ભલે મેં જોઈ તે સ્ટીમર નાની હોય, પણ મને તો એ ખૂબ મોટી લાગી. એ જમાનામાં ઈંગ્લેન્ડ કે અમેરિકા જવું હોય તો પણ દરિયાઈ રસ્તે જવાતું. કારણ કે, વિમાન વ્યવહાર એટલો વિકસ્યો નહોતો. ભવિષ્યમાં ક્યારેક આપણે પણ આવી જંગી આગબોટમાં સવાર થઈને દુનિયા જોઈશું એવો વિચાર મનમાં ઝબકી ગયો. સ્ટીમર વિશેના આ વિચારોમાં ગેટ વે ઑફ ઈન્ડિયાનો ધક્કો ક્યારે આવી ગયો અને અમારે બોટમાંથી નીચે ઉતરવાનો સમય આવ્યો તેનો ખ્યાલ પણ ન રહ્યો. બોટમાંથી નીચે ઉતરીને ધક્કાનાં પગથીયાં ચઢી અમે વળી પાછા ગેટ વે ઑફ ઈન્ડિયાની ફૂટપાથ પર આવી પહોંચ્યા. અહીંયાં એક બાજુ લોકો કબૂતરને ચણ નાખતાં હતાં. આ ચણ જુવાર અથવા મકાઈનું હતું અને એક નાની પતરાંની દાબડીનું માપીયું ભરી ચાર આનામાં એક ડબલી ચણ વેચાતું હતું. સેંકડોની સંખ્યામાં કબૂતરો આ ચણ ખાવા ઉતરી આવતાં. આમાં સફેદ કબૂતર પણ હતાં. આ કબૂતરોની વચ્ચે થોડીક ચકલીઓ અને બે-ચાર ખિસકોલી પણ આરામથી પેટપૂજા કરતાં જોવા મળ્યાં. મજા આવી. મારા પણ પેટમાં હવે ભૂખનાં લક્ષણો વર્તાવા લાગ્યાં હતાં. ત્યાં ફૂટપાથ ઉપર ચણાજોરગરમ અને ખારીશીંગથી માંડી ભેળ, પકોડી અને સેન્ડવીચ જેવી નાસ્તાની ચીજો મળતી હતી. મેં સેન્ડવીચ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. આ અગાઉ ક્યારેય સેન્ડવીચનો ટેસ્ટ કર્યો નહોતો. સેન્ડવીચ બનાવવાવાળો મોટા છરાં જેવા ચાકુથી સિફ્તપૂર્વક બ્રેડની ચારે બાજુનો કઠણ ભાગ કાપી નાંખતો. ત્યારબાદ બંને બ્રેડને બટર તેમજ લીલી ચટણી લગાડી એક બ્રેડ નીચે ગોઠવી એના ઉપર કાકડી, ટમાટર તેમજ બાફેલા બટાકાની પાતળી સ્લાઈસ મૂકી એના ઉપર બીજી બ્રેડનું પડ ઢાંકી દેતો. પછી એને પેલા છરાથી ત્રણ ઊભા અને ત્રણ આડા એ રીતે કાપા પાડી એક જાડા કાગળમાં મૂકી ઉપર લાલ ચટણી નાખી હાથમાં આપતો. મુંબઈમાં મેં હંમેશા એક વસ્તુ જોઈ છે જે કાંઈ કરો તે વ્યવસ્થિત કરો. વેઠ ઉતારીને કામ પૂરૂં કરવા ખાતર ન કરો. જે માણસે આ સેન્ડવીચ બનાવી તેની પોતાના આ કામ પ્રત્યેની ચીવટ મને સ્પર્શી ગઈ. ચાર આનાની એક એ મુજબ અમે બાપ-દિકરાએ બે સેન્ડવીચ લઈ આઠ આના ચૂકવ્યા. બાજુમાં જ દરિયા તરફની પાળી ઉપર બેસીને અમે આ સેન્ડવીચનો સ્વાદ માણ્યો. પહેલીવાર સેન્ડવીચ નામની વાનગીથી આ રીતે પરિચિત થવાનો અને એને માણવાનો મોકો મળ્યો. મજા આવી. મુંબઈના ખૂમચાવાળા પાસેથી ભેળ અને સેન્ડવીચ લઈને ખાવી એની પણ એક આગવી મજા હોય છે. તે વખતે બિસ્લેરીનો જમાનો નહોતો. મુંબઈમાં જાહેરનળેથી પાણી પી શકાય એવી પણ કોઈ સવલત નહોતી. સરવાળે અમે પાંચિયાનો એક ગ્લાસ એ પ્રમાણે દસ પૈસાના પાણીના બે ગ્લાસ વેચાતા લઈ અમારી તરસ છીપાવી.
વળી પાછી ગેટવેટ ઑફ ઈન્ડિયાથી અમારી દડમઝલ શરૂ થઈ. ત્યાંથી ચર્ચગેટ સ્ટેશન ચાલીને પહોંચવું બહુ દૂર ન હોતું. અમે કદમતાલ મિલાવતા ચર્ચગેટ પહોંચ્યા. લગભગ સાંજના સાડા છનો સમય થયો હતો. અમારી પાસે રિટર્ન ટિકિટ હતી એટલે બીજી કોઈ ઝંઝટમાં પડ્યા વગર બોરીવલી જતી ટ્રેનના એક ડબ્બામાં બારી પાસે બેઠક જમાવી. ઑફિસ છુટવાનો સમય હતો એટલે સવારની સરખામણીમાં ગીરદી હતી. મુંબઈમાં મેં એ જોયું કે, સવારે ચર્ચગેટ સ્ટેશનમાંથી બહાર પડતો હોય તે રીતે માનવપ્રવાહ મહાનદની માફક નીકળતો અને પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા રીતસરની દોટ મૂકતો. જેને જૂઓ બધાં દોડતાં જ હોય. સાંજે આથી ઊલટું માનવ મહેરામણ ચર્ચગેટ સ્ટેનના પ્લેટફોર્મ પર ઠલવાતો અને અંધેરી, બોરીવલી અથવા વિરારની પોતાને અનુકૂળ ગાડી પકડી એના ડબ્બામાં ચઢી જતો. નસીબદાર હોય તે પાટીયાની સીટ પર બેસી જાય અને બાકીના ઊભા ઊભા મુસાફરી કરતા. બધું જ યંત્રવત્. ટ્રેન ચાલે એટલે કેટલાક ઝોકાં ખાવા માંડે તો કેટલાક એમનું ગ્રુપ જમાવી પત્તાં રમે. વચ્ચે વચ્ચે ભજન સાંભળવાનો લ્હાવો પણ મળતો. થોડી થોડી વારે સીંગદાણાથી માંડી ભેળ અને ગોળી-બિસ્કીટ સુધી વેચતા ફેરિયા પણ પોતાનો ધંધો કરતા.
આ બધામાં વળી પાછો એક નવી આઈટમ સાથે પરિચય થયો. લગભગ આપણી આંગળીથી થોડાં મોટાં અને સોનેરી રંગનાં કેળાં પહેલીવાર જોયાં. આ કેળાંને એલચી કેળાં કહેવાતાં. મેં પહેલાં કેળા સામે જોયું, પછી બાપા સામે જોયું. મારી નજરમાં એક માંગણી છુપાયેલી હતી. મને વળતો જવાબ મળ્યો, “અત્યારે નહીં, જઈને તરત જમવાનું છે. કાલે વિચારીશું.” મારા બાપા ઝાઝું બોલતા નહીં, પણ બોલ્યા હોય એમાંથી ફરતા પણ નહીં એટલે બીજા દિવસે આપણું એલચીકેળા માટેનું બુકીંગ પાકું થઈ ગયું એનો મનમાં આનંદ હતો.
અમારી ગાડી બોરીવલી તરફ આગળ વધી રહી હતી. બાંદરાનું સ્ટેશન ગયું અને સાંતાક્રુઝ આવ્યું એટલે મારા બાપાએ દૂર આંગળી કરી મુંબઈનું વિમાની મથક એ તરફ આવેલું છે એવો નિર્દેશ કર્યો. એક બીજી ખાસ ઘટના મને પ્રભાવિત કરી ગઈ તે પારલા પાસે રેલ્વે લાઈનની લગભગ અડીને આવેલું પાર્લે બિસ્કિટનું કારખાનું. અમારી ગાડી ત્યાંથી પસાર થઈ એટલે સરસ મજાનાં તાજાં બિસ્કીટની સુવાસ શ્વાસોશ્વાસમાં ભળી. બિસ્કીટ મારી ભાવતી આઈટમ હતી. પાર્લે બિસ્કિટ ઉપરાંત એ જમાનામાં બ્રિટાનિયા, જે.બી.મંઘારામ અને સાઠે જેવી કંપનીઓનાં બિસ્કિટ તેમજ રાવળગાઁવની ચોકલેટ અને ગોળીઓ પ્રખ્યાત હતાં. પાર્લેની ફેક્ટરીનાં સાક્ષાત્ દર્શન બહારથી તો બહારથી પણ થયાં તેની મજા આવી ગઈ. આજે પણ એ મહેંક હજુ મગજમાં ઘૂમરાય છે. મારા બાપાએ મને સમજાવ્યું કે, પારલા, અંધેરી, કાંદિવલી અને બોરીવલી તેમજ સાંતાક્રૂઝમાં મોટા ભાગે ગુજરાતીઓ રહે છે. જૂહુ બાજુ ફિલમ કલાકારો અને મોટા ધનપતિઓના બંગલા આવેલા હતા. આ બધી વાતો કરતા કરતા અમે અંધેરી વટાવ્યું અને કાંદિવલીના સ્ટેશનથી ગાડી ઉપડી એટલે બોરીવલી ઉતરવા માટે તૈયાર થયા. રાતના લગભગ આઠ વાગ્યાનો સમય થયો હશે. પંદરેક મિનિટમાં તો અમે બેરિસ્ટર સાહેબના ત્યાં પહોચી ગયા. એમના પત્ની મારી માને પક્ષેથી કાંઈક ખૂબ દૂરનાં નહીં એવાં સગાં થતાં હતાં એટલે એ સંબંધે હું એમને માસા કહેતો. દૂરનું સગું હોય તો પણ એ જમાનામાં સંબંધો મહેંકતા અને પોતાને ત્યાં કોઈ મહેમાન આવે તો જે કાંઈ હોય તે રોટલો વહેંચીને ખાવાનો રિવાજ હતો. અમે ઘરમાં દાખલ થયા ત્યારે બેરિસ્ટર સાહેબ દિવાનખાનમાં જ બેઠા હતા. સરસ મજાનાં ઈસ્ત્રી કરેલા સફેદ લેંઘો અને સદરો તેમણે પહેર્યાં હતાં. અમને આવકાર આપતાં એમણે પહેલો જ પ્રશ્ન કર્યો, “મુંબઈ ફરી આવ્યો ? કેવું રહ્યું ? શું શું જોયું ?” મને જે કાંઈ યાદ હતું તે સવિસ્તાર એમને જણાવ્યું અને કહ્યું કે, મજા આવી. એમના ચહેરા પર માયાળુ સ્મિત હતું. વાતચીત પતી એટલે મારા રૂમમાં જઈ બૂટ-મોજાં વિગેરે કાઢ્યા અને કપડાં બદલી અમે બંને બાપ-દીકરો પાછા ડ્રોઈંગરૂમમાં આવ્યા. આમ તો ચોમાસું લગભગ પૂરૂં થયું હતું, પણ મુંબઈના વાતાવરણમાં રહેલા ભેજને કારણે શરીરમાંથી પરસેવો નીકળતો. શરીર સિદ્ધપુરની માફક સૂકું નહોતું રહેતું. દરિયાકિનારે ગયા ત્યારે હોઠ પર જીભ ફેરવીએ તો પણ ખારાશનો અનુભવ થતો. આ મુંબઈના વાતાવરણની ખાસિયત હતી. થોડીવારમાં મહારાજે સૂચના આપી એટલે અમે ત્રણેય ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા. ભૂખ કકડીને લાગી હતી. રીતસરના જાણે કે થાળી પર તૂટી પડ્યો. રસોઈ સ્વાદિષ્ટ બની હતી. તેમાંય નાના – નાના કદની ભાખરી એકદમ મસ્ત હતી. મજા આવી ગઈ. ખોરાક પેટમાં પડ્યો એટલે દિવાનખંડમાં બેઠા બેઠા પણ ઝોકાં આવવા માંડ્યાં. દિવસભરનો થાક તો હતો જ. બેરિસ્ટર સાહેબના ધ્યાન બહાર આ ન ગયું. એમણે બહુ થાકી ગયા છે. હવે સુઈ જાઓ કહી અમને છુટા કર્યા અને પોતે પણ પોતાના શયનખંડ તરફ રવાના થયા. એ રાત્રે ન ઘર યાદ આવ્યું કે ન સિદ્ધપુર. આખા દિવસની રખડપટ્ટીમાં થાક એટલો બધો લાગ્યો હતો કે, પ્રાર્થના કરીને પથારીમાં જેવો પડ્યો. ઘસઘસાટ ઊંઘી ગયો તે બીજા દિવસે સવાર પડે વહેલી.
બીજા દિવસે સવારે ઊઠીને નિત્યક્રમથી પરવારી નાસ્તાના ટેબલ પર ગોઠવાયા. બેરિસ્ટર સાહેબને એ દિવસે ક્યાંય જવાનું નહીં હોય એટલે એ પણ અમારી સાથે નાસ્તામા જોડાયા. નાસ્તો કર્યા બાદ મને એમના સ્ટડી-કમ-ઑફિસ રૂમમાં લઈ ગયા. ચારેબાજુ કાયદાના પુસ્તકોથી સરસ રીતે ગોઠવાયેલાં કબાટ રૂમની લગભગ વચ્ચે કહી શકાય એ રીતે મોટું ટેબલ અને એની એક બાજુ બેરિસ્ટર સાહેબને બેસવા માટેની ઊંચી પીઠવાળી ખૂરશી અને બીજી બાજુ મુલાકાતીઓ માટે છએક ખુરશી ગોઠવી હતી. ઉપર પંખો હતો. એ જમાનામાં મુંબઈમાં એર કંડિશનીંગ રાખવાનો ચાર્જ કદાચ ઓછો હશે, નહીંતર બેરિસ્ટર સાહેબની પ્રેક્ટિસ ખૂબ સારી ચાલતી હતી અને એમના માટે એરકંડિશન લગાવવું કોઈ મોટી બાબત નહોતી. ઓફિસ જોઈને ખૂબ પ્રભાવિત થયો. હું આજે પણ માનું છું કે, જ્યારે કોઈ હેસિયત નહોતી તે જમાનામાં પણ તક્દીરે મને ઘણું બધું આપ્યું છે. સરકારની આ પરીક્ષા આપવા આવવું ન બન્યું હોત તો એક બેરિસ્ટરની ઓફિસ કેવી હોય ? તાજ હોટલ કેવી હોય ? સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ કેવી હોય ? એ જમાનાની અવિભાજીત મુંબઈ રાજ્યની વિધાનસભા કેવી હોય ? દરિયો કેવો હોય ? ગુજરાતી શાળામાં ભણીને હજુ એલ. એસ. હાઈસ્કૂલના વાતાવરણમાં પણ થોડો ગભરાટ લાગતો હતો ત્યારે હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલ કેવી હોય ? તે અનેક બાબતોની સપનામાં પણ હું કલ્પના ન કરી શક્યો હોત. “જીવ્યા કરતાં જોયું ભલું” એ કહેવત કદાચ આ કારણથી જ પડી હશે.
હું અત્યારે કોઈ સપનાની દુનિયામાં મહાલતો હોઉં એ રીતે મુંબઈમાં મહાલી રહ્યો હતો. પરીક્ષાનું તો જે થવાનું હશે તે થશે, પણ અત્યારે તો સ્વપ્નનગરી મુંબઈ મને હર ક્ષણે કાંઈક નવું પીરસતી હતી. હર ક્ષણે કાંઈક નવો જ અનુભવ કરાવતી હતી. મુંબઈમાં પગ મૂક્યાને હજુ તો માંડ દોઢ દિવસ થયો હતો ત્યાં અતિ ઝડપથી બનતી જતી ઘટનાઓએ મને મુંબઈમય બનાવવાનું શરૂ કરી દીધું હતું. મોટામાં મોટો ફાયદો એ હતો કે, રહેવા માટે બહુ જ સારી સગવડ મળી ગઈ હતી. આમ, મુંબઈમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે તે ઉક્તિને ખોટી પાડીને મુંબઈએ મને રોટલો પણ આપ્યો, ઓટલો પણ આપ્યો અને મારી સમક્ષ મુંબઈ દર્શન થકી એક નવી જ દુનિયાનું ચિત્ર ખડું કરી દીધું.
હજુ તો ઘણું બધું બાકી હતું.
મુંબઈ પાસે વિવિધ અજાયબીઓનો જાણે કે ખજાનો હતો.
મને એ ખજાનાની ચાવી મળી ગઈ હતી.
જેમ જેમ પટારા ખૂલતા જશે કાંઈક ને કાંઈક નવું સામે આવતું જશે.
મુંબઈ મને પ્રભાવિત કરી રહ્યું હતું
મુંબઈ મને આકર્ષી રહ્યું હતું
મનમાં ઊંડે ઊંડે...
મુંબઈ મને ગમવા લાગ્યું હતું.