લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલયના મારા શિક્ષક સાહેબો અને તેમની ખાસિયતો તેમજ મારા ઘડતરમાં પ્રદાન બાબતની વાત આપણે જોઈ ગયા. શૈક્ષણિક સંસ્થા હોય એટલે એની સાથેના સંબંધોના અંતિમ ચરણમાં પરીક્ષા તો આવે જ. દર વરસે થતી વાર્ષિક પરીક્ષા જે તે ધોરણના સંદર્ભમાં, જે કોર્સ નક્કી થયો હતો તેના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થી ક્યાં ઊભો છે અને આગળના ધોરણમાં જવા માટેની પરિપક્વતા અથવા ક્ષમતા તેણે પ્રાપ્ત કરી છે કે નહીં તેનો અડસટો આ પ્રકારની પરીક્ષા ચોક્કસ આપી શકે. આમ છતાં, પરીક્ષા એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોઈ શકે. ન તો પરીક્ષાના પરિણામ ઉપરથી માણસની આવનાર સમયમાં શું ગતિ થશે તે કલ્પી શકાય છે. આ માણસ આગળ જતાં ક્યાં અને કેવી પ્રગતિ કરશે તેને પરીક્ષાના પરિણામના સાથે કોઈ સંબંધ નથી. માટલું ઘડાઈ ચૂક્યું છે, પણ એ માટલું કોઈનું પાણિયારૂં શોભાવશે, કોઈ પરબમાં મુકાશે કે પછી એને કાણાં પાડીને ગરબો કરાશે – કાંઈ જ ખ્યાલ આવી શકતો નથી. પરીક્ષામાં ઝઝૂમવાની ક્ષમતા અને શક્તિ ચોક્કસ શૈક્ષણિક સંસ્થાઓમાંથી મળતા શિક્ષણમાંથી પ્રાપ્ત થાય છે. આ સંસ્થાઓ જે નથી શીખવાડતી તે જીવનમાં ઝઝૂમવાની ક્ષમતા કઈ રીતે પ્રાપ્ત થાય તે. જેમ ચોપડી વાંચીને તરવાનું કે કૂશ્તી નથી શીખી શકતાં બરાબર તે જ રીતે જીવનમાં વિવિધ અનુભવ મેળવ્યા વગર અને જુદા જુદા પ્રકારના વિપરિત સંયોગોમાંથી પસાર થયા વગર જીવનમાં ઝઝૂમવાની શક્તિ મેળવી શકાતી નથી.
કોઈ પદવીદાન સમારંભમાં વક્તવ્ય આપતા મૂર્ધન્ય સાહિત્યકાર અને ચિંતક તેમજ શિક્ષણવિદ્ ફાધર વૉલેસે આ સંદર્ભમાં કાંઈક આમ કહ્યું છે –
પદવીદાન સમારંભમાં
સાક્ષરોની સમક્ષ
શિષ્ટ ભાષણોના તાલે
તમારા હાથમાં મરોડદાર અક્ષરોવાળો
એક કાગળ મૂકાય તે માટે ને ?
એ કાગળ
તમારી ડિગ્રીનો હશે
તમારી લાયકાતનું પ્રમાણપત્ર હશે
શાનું પ્રમાણપત્ર ?
શાની લાયકાત ?
પદવી મળી એટલે...
જીવનમાં ઝૂઝવાની યોગ્યતા સિદ્ધ થઈ એવું હોતું નથી
હાથમાં કાગળીયાં આવ્યાં એટલે
મનમાં અને દિલમાં જરૂરી સંસ્કારો પડ્યા એમ પણ નથી
પરીક્ષા માટેની તૈયારી અને જીવન માટેની તૈયારી
એ કાંઈક જૂદી જ વસ્તુઓ છે.
પરીક્ષામાં પ્રથમ આવ્યા ?
શાબાશ
પણ હજુ જીવનમાં પ્રથમ આવવાનું બાકી છે !
- ફાધર વાલેસ
પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે પછી ઉચ્ચ શિક્ષણ માટેની કોઈ મહાવિદ્યાલય કે યુનિવર્સિટી હોય, જ્ઞાનપ્રાપ્તિના વિવિધ તબક્કે માર્ગદર્શક તરીકે માસ્તર એટલે કે શિક્ષક અથવા ગુરૂની ભૂમિકા બહુ જ અગત્યની છે. ઈશ્વરની આરાધના અને પરમજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ ગુરૂની કૃપા અને માર્ગદર્શન ન હોય તો કામ અધૂંરૂં રહે છે અને એટલે જ કહ્યું છે –
“ગુરૂ ગોવિન્દ દોનોં ખડે, કા’કો લાગૂં પાઁય
બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય II”
આમ, ગુરૂનું મહત્વ ગોવિંદ એટલે કે ભગવાન કરતાં પણ વધુ ગણ્યું છે. કારણ કે એના દ્વારા અપાયેલ જ્ઞાન અથવા માર્ગદર્શન થકી જ યોગ્યતા પ્રાપ્ત કરીને વિદ્યાર્થી અથવા શિષ્ય પ્રકાશમાન દિપક સમાન પરમાત્મા સુધી પહોંચી શકે છે. ભારતની વાત કરીએ તો, ગુરૂની ભૂમિકા આથીયે આગળ વધીને રાજ્ય કે સમાજ ઉપર આપદા આવે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે પણ ખૂબ અગત્યની બની રહે છે. ધનનંદની અત્યાચારી અને અધર્મી રાજ્ય વ્યવસ્થાને વિદાય કરી એની જગ્યાએ ચંદ્રગુપ્તની સુચારૂ અને સક્ષમ રાજ્યવ્યવસ્થા સ્થાપવામાં પંડિત વિષ્ણુગુપ્ત મૌર્ય એટલે કે ચાણક્યની ભૂમિકા આપણને સહુને સુવિદિત છે જ. તે જ રીતે પોતાના ગુરૂ રામદાસના અક્ષયપાત્રમાં સમગ્ર રાજ્ય મૂકી દેનાર છત્રપતિ શિવાજી નીતિ અને ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રજાલક્ષી રાજ્ય વ્યવસ્થા આપે તેવો ગુરૂનો આદેશ અને એના અનુસંધાને શિવાજી મહારાજના તે આદેશના પ્રતિકરૂપે ભગવો ધ્વજ આજે ભારતના ઈતિહાસનું એક જ્વલંત પ્રકરણ છે. આમ, ગુરૂ ઈશ્વરની પણ ઉપર છે, માતા-પિતાથી પણ ઉપર છે અને એવા સક્ષમ ગુરૂ સાથે ઘડાયેલી વ્યક્તિ પછી ભલે તે શ્રીકૃષ્ણ અને સુદામા હોય અથવા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હોય, અર્જૂન હોય, અશ્વત્થામા હોય કે કર્ણ હોય, સક્ષમ ગુરૂના માર્ગદર્શન વગર ઈતિહાસનાં આ અમરપાત્રો કેટલું કાઠું કાઢી શક્યાં હોત એ મોટો સવાલ છે.
જો કે, પુત્ર અને શિષ્ય પિતા અથવા ગુરૂ કરતાં સવાયા પાકે અને ગુરૂ કે પિતા અનુક્રમે પોતાના શિષ્ય કે પુત્રના નામે ઓળખાય એ સર્વોત્તમ પરિસ્થિતિ છે.
આ તર્કને આગળ વધારીએ તો આત્મબળ અથવા સ્વબળથી ખ્યાતિ મેળવે તેવા વ્યક્તિત્વનું ઘડતર કરનાર પરિબળ એટલે શિક્ષક.
સમય કોઈની રાહ જોતો નથી. નિરંતર ચાલતી ઘડતરની આ પ્રક્રિયામાં ઘડાતા ઘડાતા સમય ક્યાં વીતતો ગયો એનો ખ્યાલ પણ ન રહ્યો.
હવે આઠમા ધોરણમાં બધા જ વર્ગોમાં પ્રથમ આવીને મેં પરીખ સાહેબની મારા પાસેથી જે અપેક્ષા હતી તે પૂરી કરી. હવે નવમું ધોરણ શરૂ થયું. શાળા ખૂલ્યા ને બે-ત્રણ મહિના થયા હશે અને ઓગસ્ટ અંક અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં મારા બાપા માંદગીમાં પટકાયા. દરેક બાળકનો આદર્શ એના પિતા હોય છે. દરેક બાળક પોતાના પિતાને સુપરમેન સમજે છે. મારા બાપા એકદમ તંદુરસ્ત અને કસરતી શરીર ધરાવતા હતા. નખમાંય રોગ નહીં. ચ્હા, સોપારી, પાન, બીડી એવું કોઈ પણ વ્યસન નહીં. સંયમી અને સાદું જીવન. મેં એમને ત્યારસુધી કદીયે માંદા પડેલા જોયા નહોતા. એકાએક એમને તાવ આવવાનો શરૂ થયો. માંદગી વધવા માંડી અને એ ખાટલે પડ્યા. ડોક્ટરને બોલાવ્યા. નિદાન થયું ડબલ ન્યૂમોનિયા. એ જમાનામાં એન્ટી બાયોટિક દવાઓ ખૂબ ઓછી ઉપલબ્ધ હતી. ડબલ ન્યૂમોનિયા એ ભયંકર ગંભીર બિમારી ગણાતી. સારવાર ચાલુ થઈ. તાવ ઉતરવાનું નામ નહોતો લેતો. રોગ કાબૂમાં આવવાનું નામ નહોતો લેતો. મૂળ ફેફસાંની બિમારી. શ્વાસ લેવામાં તકલીફ પડે. ઑક્સિજન સપોર્ટ જેવી કોઈ વસ્તુ નહીં. દાક્તરની સારવાર ચાલુ હતી છતાં પણ માંદગી વધવા માંડી. અમારા કુટુંબમાં વડીલ એવા રવિશંકરદાદા અને ભાગીરથી ભાભુને મારી માએ બોલાવી લીધાં. કારણ કે આ વગડાના ઘરમાં એને હિંમત આપે અથવા મદદરૂપ થાય એવું કોઈ નહોતું. મારા બાપાની ચાકરીમાં મારી માએ રાત કે દિવસ ન જોયા, ન ખાવાનો સમય જોયો, ન ઊંઘવાનો કે આરામનો. એકમાત્ર ચોવીસ કલાકનું કામ મારા બાપાને સમયસર દવા આપવી તેમજ એમની દેખભાળ કરવી. આટલી ગંભીર માંદગી મેં કોઈ દિવસ જોઈ નહોતી. હવે ડોક્ટર દિવસમાં બે વખત આવતા. ઈન્જેક્શનોનો મારો ચાલ્યો, પણ રોગ મચક આપતો નહોતો.
મને એ દિવસની સવાર આજે પણ આંખ મીચું એટલે સ્પષ્ટ નજર સામે આવે છે. રવિશંકરદાદા મારા બાપાના ખાટલાના ઓશિકે બેઠા હતા. હું એમ જ ત્યાં ઊભો હતો. એકાએક મારા બાપાએ મને નજદીક બોલાવ્યો. મારો હાથ હાથમાં લીધો અને રવિશંકર દાદાના હાથમાં મૂક્યો. ક્ષીણ અવાજે એ મને કહી રહ્યા હતા –
“બેટા ! મને કંઈ પણ થાય તો દાદા કહે તેમ જ કરજે. એ સલાહ આપે તે પ્રમાણે હંમેશા વરતજે.”
મને કાંઈ સમજાયું નહીં. મારા બાપા એટલે પહાડ જેવો માણસ. કેમ આવું કહેતા હશે ? શા માટે મારે રવિશંકર દાદાની સલાહ પ્રમાણે કામ કરવાનું ? મને થોડું થોડું સમજાયું. મારા બાપા હિંમત હારી રહ્યા હતા. મેં જીવનમાં મારા બાપા હિંમત હારી જાય એવી કલ્પના જ નહોતી કરી. મારા માટે મારા બાપા સુપરમેન હતા અને મારી મા વાઘ હતી. મારા બાપા ઢીલા પડ્યા તે મને ન ગમ્યું. ત્યાંથી ચૂપચાપ સરકી ગયો. સીધો પૂજાની રૂમમાં પહોંચ્યો. કોઈ જ નહોતું. તે દિવસે ભગવાનની સામે ઊભા રહીને ખૂબ રડ્યો. રીતસરનો ભગવાન સાથે ઝઘડો કર્યો. થોડું સારૂં લાગ્યું. વળીપાછા રાબેતામુજબની જિંદગી શરૂ થઈ. સ્કૂલે જવામાંથી મુક્તિ નહોતી. હું સ્કૂલમાં હોઉં તો પણ મારો જીવ ઘરે પહોંચી જતો. નજર સામે વારંવાર મારા બાપાએ કરેલાં ઉચ્ચારણો અને સલાહ તરવરતાં. સ્કૂલ છૂટે એટલે સીધો ભાગીને ઘરે ક્યારે પહોંચું એની વેતરણમાં રહેતો.
સદનસીબે જે કાંઈ પરિસ્થિતિ હતી તેમાં ધીરે ધીરે પલટો આવ્યો અને એક દિવસ ડૉક્ટરે મારા બાપાને ભયમુક્ત જાહેર કર્યા. એમને હવે મોસંબીનો રસ, મગનું પાણી, રાબડું જેવી હળવી વસ્તુઓ લેવાની છૂટ આપવામાં આવી. થોડા દિવસમાં વધુ સુધારો દેખાવા માંડ્યો. મારા બાપા હવે થોડો સમય બેસતા થયા. ઘરમાં ને ઘરમાં ધીરે ધીરે થોડું થોડું ચાલતા થયા. મારી સૌથી મોટી રાહત મારી માના મ્હોં ઉપર દેખાતી હતી. એની તપશ્ચર્યા અને પ્રાર્થના ફળી હતી એમ કરતાં કરતાં મારા બાપાની તબિયતની ગાડી પાટે ચઢવા માંડી અને એ દિવસ પણ આવ્યો જ્યારે મારા બાપાએ ઘરમાંથી બહાર પગ મૂક્યો.
મને એ દિવસ બે કારણસર યાદ છે. એક, એ દિવસ આસો સુદ છઠ્ઠનો દિવસ હતો, જ્યારે પશુવાદળની પોળ બહાર આવેલા સિકોતર માતાના મંદિરે પલ્લી ભરાય છે. બીજું, મારા પોતાના પરાક્રમના ભાગરૂપે હું પીળી કોડર ભમરીઓ ગાલ પર કરડાવી આવ્યો એટલે મ્હોં સુજીને રાવણ જેવું થઈ ગયેલું. મારી માએ એના ઉપર કુંભારના પીંડાની માટીનો લેપ કર્યો હતો એટલે મારા મ્હોંની કાંતિ ઓર જ્યાદા દીપી ઊઠી હતી. આ દિવસે સાંજે મારા બાપા ઘર બહાર નીકળ્યા. નવરાત્રિના શુભ દિવસો હતા. મારા ઘરેથી ચાલીને લગભગ એકાદ કિ.મી. દૂર સિકોતર માતાના મંદિરે અમે બાપ-દિકરો દર્શન કરવા ગયા ! મારા મનમાં બેવડો આનંદ હતો – એક મારા બાપા સાજા થઈ ગયા અને આજે ઘણા વખત પછી પહેલીવાર ઘર બહાર પગ દીધો એનો. પણ બીજો, અત્યાર સુધી બાપાની આંગળી ઝાલીને ફરનાર હું આજે જીવનમાં પહેલીવાર એમનો ESCORT બન્યો, એમનો સાથી અને સહાયક બન્યો એનો.
જય નારાયણ વ્યાસ આજે એકાએક મોટા થઈ ગયા
જય નારાયણ વ્યાસ પણ જવાબદારીભરી રીતે વર્તી શકે તે સ્થાપિત થયું.
મારૂં સ્ટેટસ અને પરિપક્વતા એ દિવસે એક વ્હેંત વધી ગયાં.
સિકોતર માતાની પલ્લીનો એ દિવસ
..... મારા જીવનની મધૂર યાદોમાંનો એક દિવસ બની રહ્યો.
મારા બાપામાંનો પેલો સુપરમેન પાછો ફર્યો હતો.
ડબલ ન્યૂમોનિયા ઉપર એમણે શાનદાર વિજય મેળવ્યો હતો.
મારા માટે આ ખૂશી, ખૂશી અને ખૂશીનો દિવસ હતો.
મેં ત્યારે એ ગીત સાંભળ્યું નહોતું અને આમ છતાંય ઝવેરચંદ મેઘાણીની પેલી પંક્તિઓ મારા મનમાં જીવંત થઈને નાચી રહી હતી.
મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.