featured image

ડૉ. જય નારાયણ વ્યાસ (ગુજરાત મિત્ર માટે)

યુરોપ માટે એક સારા સમાચાર છે. સ્ટેટિસ્ટિક્સ નેધરલેન્ડ્સ (સીબીએસ) દ્વારા પ્રકાશિત થયેલા આંકડાઓ દર્શાવે છે કે, રેકોર્ડ ફુગાવાના દર છતાં, ૨૦૨૨ના છેલ્લા ક્વાર્ટરમાં ડચ અર્થતંત્રમાં ૦.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને એ રીતે નેધરલેન્ડ્સ મંદી ટાળવામાં સફળ રહ્યું છે. ડચ અર્થતંત્ર ૨૦૨૨માં ૪.૫ ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. કોરોના, યુક્રેન યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે આવું પરિણામ આશ્ચર્યજનક છે. ઘણા નિષ્ણાતોને ડર હતો કે નેધરલેન્ડ મંદી તરફ આગળ વધી રહ્યું છે. જોકે, સીબીએસના પ્રારંભિક આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી દેશ સફળતાપૂર્વક આર્થિક મંદીને ટાળવામાં સફળ રહ્યો છે.

ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ડચ અર્થતંત્રમાં ૦.૨ ટકાનું સંકોચન જોવા મળ્યું હતું ત્યારે ૨૦૨૨ના અંતિમ ત્રણ મહિનામાં જીડીપી ૦.૬ ટકા વધવાને કારણે અર્થતંત્રને જરૂરી બળ મળ્યું છે. સતત બે ક્વાર્ટરમાં જીડીપી ઘટે તો તેને મંદી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. નેધરલેન્ડ્સ આમાંથી બચી ગયું છે. તેના બદલે, સીબીએસના આંકડાઓ જણાવે છે કે ૨૦૨૨માં ડચ અર્થતંત્રમાં કુલ ૪.૫ ટકાનો વધારો થયો છે જે આ સદીમાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે. ૨૦૨૦માં અર્થતંત્રમાં ૩.૯ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ૨૦૨૧માં તે ૪.૯ ટકા વધ્યો હતો.

સીબીએસ અનુસાર, ગયા વર્ષના અંતે જોવા મળેલી વૃદ્ધિ મોટાભાગે ઘરગથ્થુ વપરાશમાં વધારાને આભારી છે (ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં +૦.૯ ટકા). ઊંચી કિંમતો હોવા છતાં પરિવારોએ સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ, કેટરિંગ, પરિવહન અને સંચાર સહિતની સંખ્યાબંધ સેવાઓ પર વધુ નાણાં ખર્ચ્યા હતા. ડચ સરકાર દ્વારા ખર્ચમાં પણ ૦.૪ ટકાનો વધારો થયો છે, જ્યારે સ્થાવર સંપત્તિમાં રોકાણ ૦.૫ ટકા વધ્યું હતું. ખાસ કરીને હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હતું. નેધરલેન્ડ્સમાંથી નિકાસ ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં ૨.૪ ટકા વધી હતી, જ્યારે આયાત માત્ર ૨.૨ ટકા વધી હતી, એટલે કે ડચ વેપારે ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિમાં સકારાત્મક યોગદાન આપ્યું હતું.

સીબીએસના મુખ્ય અર્થશાસ્ત્રી પીટર હેન વાન મુલીજેને જણાવ્યું હતું કે તેઓ પ્રારંભિક આંકડાઓથી આનંદમિશ્રિત આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેમને કોઈ મોટા સંકોચનની તો નહીં પણ નજીવી વૃદ્ધિની અપેક્ષા હતી. પરંતુ ૦.૬ ટકા વૃદ્ધિ તેમની અપેક્ષા કરતાં વધુ સારી છે. તેમણે કહ્યું કે દેખીતી રીતે ગ્રાહકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હતા. એવું લાગે છે કે શ્રમ બજારે આમાં ભૂમિકા ભજવી હતી.

રસપ્રદ વાત એ છે કે, નેધરલેન્ડ્સે યુરોપમાં સૌથી ઊંચો ફુગાવાનો દર નોંધ્યો હોવા છતાં, ૨૦૨૨ના અંતમાં જોવામાં આવેલ આર્થિક વૃદ્ધિ પડોશી દેશોમાં નોંધાયેલા આંકડા કરતાં સરેરાશ ૦.૬ ટકા વધારે હતી. ફ્રાન્સ અને બેલ્જિયમ બંનેએ ચોથા ક્વાર્ટરમાં માત્ર ૦.૧ ટકાની આર્થિક વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે EUની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીનું અર્થતંત્ર ૦.૨ ટકા સંકોચાયું હતું. સરેરાશ, સમગ્ર EUમાં આર્થિક વૃદ્ધિ શૂન્ય ટકા હતી.

યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ઉર્જાના ભાવમાં વધારો થવાથી ૨૦૨૨માં વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી હતી. યુએસ અર્થતંત્ર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સંકોચાયું, જ્યારે જર્મની વર્ષના અંતિમ ત્રણ મહિનામાં સંકોચાયું હતું. તાજેતરના મહિનાઓમાં, ઘરગથ્થુ અને વ્યવસાયિક આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને યુરોપમાં પ્રમાણમાં હળવા શિયાળાએ ઉર્જા વપરાશમાં ઘટાડો કરવામાં મદદ કરી છે, જેથી ઉર્જાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ગયા મહિને આ વર્ષ માટેનો વૈશ્વિક વૃદ્ધિનો તેનો અંદાજ વધારીને ૨.૯ ટકા કર્યો હતો, જે ઓક્ટોબરમાં ૨.૭ ટકા અંદાજ્યો હતો, અને કહ્યું હતું કે વૈશ્વિક મંદીની શક્યતા ઓછી છે. યુએસ, યુરોઝોન અને યુકેમાં વ્યાપાર પ્રવૃત્તિ ફેબ્રુઆરીમાં તેજ થઈ છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પ્રોત્સાહક નિશાની છે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles