Thursday, October 1, 2015
અનિલને મેં સ્પષ્ટ કહ્યું કે “આ પ્રકારની આ મારી પહેલી નોકરી છે. વિષય અંગેનું જ્ઞાન પૂરતું છે પણ ફિલ્ડમાં કામ કરવાનો કોઈ પ્રસંગ નથી મળ્યો. આ કારણથી સ્વાભાવિક રીતે જ ઘણી બધી પદ્ધતિઓ અને પ્રણાલિકાઓ અંગે હું અજાણ છું. હું નોકરી કરવા આવ્યો છું અને મારી જાતને સારી રીતે પ્રસ્થાપિત કરવા માંગુ છું. તને આ ક્ષેત્રનો ઘણો લાંબો અનુભવ છે. સાથે સાથે હાઉસીંગ બોર્ડને એક સંસ્થા તરીકે પણ તું બરાબર જાણે છે. મારે આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. લાંબો સમય નથી. એક મહિનામાં દિવસ રાત જોયા વગર મચી પડીને હું તૈયાર થવા માંગુ છું. આમાં મારે તારી પથદર્શક તરીકે જરુર છે.” તમે તમારા હોદ્દાના અહંકારમાંથી બહાર આવી શીખવા માંગો તો મદદ અને સહકાર બન્ને મળી રહે છે. જ્ઞાન કોઈ હોદ્દા કે સીનીયોરીટી મુજબ સંગ્રહીત નથી થતું. વરસોથી એનું એ જ કામ કરવાને લીધે અને એ દરમિયાન ટેન્ડર ક્લાર્ક, સ્ટોરકીપર, એસ્ટાબ્લીશમેન્ટ ક્લાર્ક જેવાં વિવિધ ટેબલો પર કામ કરીને અનિલ ઘડાઈ ગયો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આ માણસ ઘણી નાની ઉંમરે નોકરીએ લાગી ગયો એ એની મજબુરી હતી. પણ ખૂબ મહેનતુ અને પોતાનાથી બનતું બધું જ કરી છુટવાની ભાવનાને કારણે એ કર્મચારીઓમાં પ્રિય પણ બન્યો હતો અને નાની મોટી બાબતોમાં એની સલાહ લેવાય એવો કાબેલ પણ બન્યો હતો. નોકરીના પ્રથમ પગથીયે જ મને અનિલ જેવો મદદનીશ મળ્યો એ કદાચ મારું સદભાગ્ય હતું. લાંબા ગાળે તો મને એ પણ જાણવા મળ્યું કે હાઉસીંગ બોર્ડમાં અનિલ જ્યાં ગયો ત્યાં એના સ્વભાવ અને પરગજુપણાને કારણે ડ્રાયવર અને પટાવાળાથી માંડી ઓફીસર્સ સુધી સહુ કોઈનો સંકટમોચક હતો. મેં નિખાલસતાપૂર્વક મારી કેટલીક મર્યાદાઓનો એની પાસે ખુલ્લા મને એકરાર કર્યો એ કદાચ એના માટે પણ નવું હતું. આગળ જતાં મને એકવખત કહેલું કે અત્યાર સુધી એણે ઘણા અધિકારીઓ જોયા શીખવું હોય, આવડતનો અભાવ હોય છતાંય પોતાનો રુઆબ ન છોડે. આથી તદ્દન વિપરીત મેં નિખાલસતાપૂર્વક મારી મર્યાદાઓનો સ્વીકાર કરી એના પર વિશ્વાસ મુક્યો એટલે એને પણ કંઈક વિશેષ ગમ્યું એવું એના વર્તન પરથી દેખાતું હતું. હવે પેલી ડી.કે. દેસાઈએ આપેલી ચેલેન્જ મારી એકલાની નહોતી રહી. એમાં અનિલ પણ મારી સાથે એક મજબુત સાથી તરીકે ભળ્યો હતો. આ ઘટના બાદ હું એક મોટો પદાર્થપાઠ શીખ્યો તે એ કે રીસ્ક અને રીસ્પોન્સીબીલીટી હંમેશા વહેંચી નાંખવાથી વધુ સારી રીતે જીવી શકાય છે. કોઈપણ પ્રશ્ન હંમેશા એનો જોડીયો ભાઈ એટલે કે ઉકેલ લઈને જ જન્મે છે. આવા સમયે તમે તમારી ટીમના સભ્યો સાથે નિખાલસતાથી પરિસ્થિતિનું વિશ્લેષણ કરો અને શું થઈ શકે તે બાબત બધાનો મત જાણવાનો પ્રયત્ન કરો તો એ આશીર્વાદરુપ બની રહેશે. જ્ઞાન અને ડહાપણ હોદ્દા કે સીનીયોરીટી અનુસાર વહેંચાયેલું નથી. દરેક સંસ્થામાં સંસ્થાની સાથે જ મોટા થયા હોય એવા કાર્યદક્ષ અને મહેનતુ વ્યક્તિઓ હોય જ છે. પોતાની કાર્યદક્ષતાને કારણે આવી વ્યક્તિઓ સંસ્થાનો લગભગ આધાર બની જતી હોય છે. છેક મુંબઈ રાજ્યના સમયથી દરેક મુખ્યમંત્રીઓના પટાવાળા તરીકે કામ કરનાર શ્રી ગુણે સાથે સ્મિતની આપ લે કરવા માટે પણ ભલભલા મોટા માણસો રાજી રહેતા. ગુણેમાં માણસની ગજબની પરખ હતી. એના સાહેબનો મિજાજ કેવો છે ? અને આવનાર મુલાકાતીનું કદ અને અગત્યતા શું છે ? એ પ્રમાણે એનું વર્તન પણ સહુને ગમે તેવું રહેતું. હવાલદાર હોવા છતાં એના યુનિફોર્મ પર એક ડાઘ ન હોય કે કડક ઈસ્ત્રી કરેલી ટોપીમાં ક્યાંય સળ ન હોય. આગળ જતાં હું સરકારમાં અધિકારી બન્યો અને સચિવાલયની મુલાકાત લેતો થયો ત્યારથી માંડીને હું મંત્રી બન્યો ત્યાં સુધી મેં ગુણેને એકધારી સતર્કતા અને ચપળતાથી કામ કરતાં જોયાં છે. આવા જ એક લાલજીભાઈ કરીને પીડબલ્યુડીમાં સચિવશ્રીના પટાવાળા હતા. જેનું પણ ખાતામાં બહુ માન. ભલભલા મુખ્ય ઈજનેરો લાલજીભાઈ સાથે સંબંધ રાખે. આવા માણસો લગભગ બધે જ જોવા મળે છે પણ એના માટે પેલો કેપીટલ “આઈ” નાનો કરવો પડે. આજ રીતે બીજી એક બાબત આની સાથે જોડાયેલી છે તે છે રિવોર્ડ એન્ડ રીસ્ક શુડ ઓલવેઝ બી શેર્ડ. માત્ર જોખમો વહેંચો તો નહીં ચાલે. જ્યારે કોઈપણ કામની કદર થાય ત્યારે એ માટે જેમણે કામ કર્યું છે તેમને આગળ ધરો. માત્ર પૈસા જ બધું નથી. માણસને પોતાને યાદ કર્યો એ સ્વીકૃતી પણ દોડતો રાખે છે. આવું બને ત્યારે સાચા અર્થમાં કોને ફાયદો થાય ? તમને લાગશે કે મેં સામાન્ય કર્મચારીઓને મહત્વ આપ્યું, બીજા નથી આપતા એટલે આ મારી જ મહાનતા છે ને ? જી ના. નીચેની પંક્તિઓ ધ્યાનથી વાંચો.
પાની... પાની જબ દુધ મેં મિલ જાતા હૈ
તબ પાની ભી દુધ હી કહલાતા હૈ
સિર્ફ ઈતના હી નહીં...
દુધ પાની કો અપને ભાવ બીકાતા હૈ !
આ પંક્તિઓ શું કહે છે ?
પાણી જ્યારે દુધમાં મળી જાય ત્યારે પાણીની કિંમત વધી જાય છે. એ પણ દુધના ભાવે વેચાય છે. તમે તમારા જુનિયર્સ કે એથીય નીચે જઈને પટાવાળા કે ડ્રાયવરને પોતાના સાથીઓ તરીકે સંબોધો છો ત્યારે તમારામાં પણ કદાચ આ ભાવના આવી શકે.
પણ...
હવે છેલ્લી પંક્તિઓ વાંચીએ.
મગર... દુધ જબ આગ પે ચઢ જાતા હૈ
તબ ?
તબ... પાની પાની હી જલ જાતા હૈ
દુધ દુધ હી બચ જાતા હૈ
સમજણ પડી ?
કોઈપણ કટોકટીની આગ અથવા વિપરીત પ્રસંગ સામે બાથ ભીડવાનો સમય આવશે ત્યારે પેલું પાણી એટલે કે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ સાથે નહીં જોડાયેલા હોય તો દાઝશો. આ સત્ય મને વહેલું સમજાયું. હું ગમે ત્યાં રહ્યો મેં ક્યારેય કોઈને હોદ્દાનીરુએ માન આપ્યું નથી. પટાવાળા કે ડ્રાયવર સાથે પણ હળવાશની પળોમાં ગપ્પા મારવા કે એના ખભે હાથ દઈ વાત કરવી મને ગમે છે. કોઈપણ વ્યક્તિ મારા સામે હાથ લંબાવે તો હસ્તધનૂન કરવામાં મને જરાય છોછ થતો નથી. આનો અર્થ એ નથી કે ક્યાંય પણ શિસ્તપાલનમાં કચાશ રહે છે. કડક શિસ્તના આગ્રહી તરીકે મારી છાપ આજ સુધી રહી છે.
અનિલ સાથેની આ ચર્ચાને અંતે મેં એની સામે હાથ લંબાવ્યો. અમારા બન્નેના હાથ એક દ્રઢ નિશ્ચય સાથે ભીંસાયા. હાઉસીંગ બોર્ડમાં મને મારો પહેલો વફાદાર સાથી મળી ચુક્યો હતો. ત્યારબાદ હું ગમે ત્યાં ગયો અનિલ સાથેના સંબંધો સતત ચાલુ રહ્યા.
હવે શરુઆત થઈ મારા તાલીમ અને અભ્યાસના અભિયાનની.
મારી નજર સામે આંખ મીચું એટલે ડી.કે. દેસાઈ દેખાય.
અને...
કાનમાં એમના શબ્દો ગુંજે “આવા છોકરા જેવા અધિકારીઓ....”