Wednesday, February 8, 2017
અંગ્રેજી અને ગણિતના શિક્ષણ ઉપરાંત મારા વ્યક્તિત્વ વિકાસમાં સહુથી મોટું પ્રદાન બીજાં બે પરિબળોને કારણે થયું હશે એમ માની શકાય. પહેલું મારા બાપા ઘણી બધી જગ્યાએ મને લઈ જતા. સહુથી પહેલો એમણે મારો પરિચય રેલવે સાથે કરાવ્યો. રેલવેના પાટા કઈ રીતે બદલાય, ગાડી આવવાની હોય ત્યારે સિગ્નલ કઈ રીતે અપાય, જે તે સ્ટેશને ગાડી ન ઉભી રહેવાની હોય ત્યારે અપાતું સિગ્નલ તે રનીંગ થ્રુ ત્યારબાદ ગાડી સ્ટેશનમાં આવી શકે તે માટે અપાતું સિગ્નલ અને ગાડી જેની અંદર ન આવી શકે તેવું “રુક જાવ” કહેતું સિગ્નલ અને એની પોઝીશન એ રસપૂર્વક સમજાવતા. સ્ટેશનથી બન્ને બાજુ જે પહેલું સિગ્નલ હોય તેને હોમ સિગ્નલ અને તેથી આગળ દૂરનું સિગ્નલ હોય તેને આઉટર સિગ્નલ કહેવાય. જો આઉટર સિગ્નલ નીચું નમેલું ન હોય તો ડ્રાયવરે ત્યાં જ રોકાઈ જવું પડે. રેલવે સેફ્ટી સિસ્ટમ વિશે પણ કેટલીક રસપ્રદ બાબતો તે સમજાવતા. પહેલું તે ટેબલેટ એટલે કે એલ્યુમિનિયમની એક વચ્ચેથી થોડી કપાયેલી, કાણાવાળી ગોળ ટીકડી. આ ટીકડી જ્યારે આગળના સ્ટેશન માસ્તર સબ સલામત છે એની સંજ્ઞારુપે પોતાને ત્યાંનું લીવર ખેંચે ત્યારે જે સ્ટેશનેથી ગાડી રવાના થવાની હોય ત્યાં આ ટેબલેટ નીકળે. એને એક ગોળ વાયરની રીંગ સાથે બાંધેલ ડબ્બીમાં મુકી ટ્રેનના ડ્રાયવરને સોંપાય એટલે એને આગળ વધવા માટે રજા છે એવું લાયસન્સ મળી ગયું. રસ્તામાં જો કોઈ કામ ચાલતું હોય તો એ જગ્યાએ ગાડી મર્યાદિત ગતિએ ચલાવવાની એવું લખાણ પણ સ્ટેશન માસ્તર તરફથી ડ્રાયવરને અપાય જેને “કોશન મેમો” કહેવાય. આ ટેબલેટ ગાડી બીજા સ્ટેશને પહોંચે એટલે ત્યાં સોંપી દેવાનું અને ત્યાંથી નવું ટેબલેટ મળે એટલે આગળ વધવાનું. મજા મેલ કે એક્સપ્રેસ ટ્રેન જે નાના સ્ટેશને ન ઉભી રહે ત્યાં આઉટર સિગ્નલ બહાર એક ખાસ બનાવેલ ખુરશી જેવી વ્યવસ્થામાં પોઈન્ટસ મેન એટલે કે સાંધાવાળો આ ટેબલેટ લઈ એની રીંગ એન્જિન તરફ રહે તે રીતે ઉભો રહે અને પંચાવન સાઈઠ કિલોમીટર કે એથી વધુ ઝડપે જતી ટ્રેનના એન્જિનમાંથી બહાર ઝુકીને ખલાસી આ ટેબલેટ ઝડપી લે. ખૂબ જોખમી કામ પણ અમને એ જોવામાં મજા આવતી. મારી યાદગીરીમાં મેં ક્યારેય આ ટેબલેટ પડી ગયું હોય એવું જોયું નથી. રેલવેની આ સિવાયની વ્યવસ્થા ખાસ કરીને સંદેશા વ્યવહાર ટેલીગ્રાફથી ચાલતો. તાર માસ્તર ગટરગટ ગટરગટ આવું અવાજની સંજ્ઞાથી સંદેશો મોકલે અને આવનાર સંદેશો સમજી લે તે માટેની વિશીષ્ટ ભાષાને મોર્સલીપી કહેવાતી. ગાડીના છેલ્લા ડબ્બાની પાછળ LV લખ્યું હોય છે તેને Last Vehicle એટલે છેલ્લો ડબ્બો કહેવાય અને રાત્રે છેલ્લા ડબ્બાની પાછળ બળતો લાલ દીવો ટેઈલ લેમ્પ કહેવાય. આવું ઘણું બધું રેલવે વિશેનું જ્ઞાન એમની સાથે ફરતાં મેળવેલું. બ્રિટીશરો પહેલાં સ્ટેશન માસ્તરના છોકરાને તાર માસ્તર તરીકે તરત પસંદગી આપી દેતા તે પાછળનો તર્ક રેલવેનાં બે પ્લેટફોર્મ વચ્ચે ઉછરીને યુવાન બનેલ વ્યક્તિ કમ સે કમ રેલવેની આ પરિભાષા અને વાતાવરણથી પરિચીત હોય જ તે હતો.
મારા બાપાની સાથે અમદાવાદ જવાનું બનતું. મારા નાનાં માસી અને એમનું કુટુંબ તે વખતે બળીયા લીમડી પાસે ઉત્તર ગુજરાત પટેલ સોસાયટી વિભાગ-2માં રહેતું. મારા સહુથી મોટા માસીયાયી ભાઈ સનતભાઈનો મોટો દિકરો ચંદ્રવદન લગભગ મારી ઉંમરનો (આમ થોડોક મોટો ખરો એટલે કાકા કરતાં ભત્રીજો મોટો એમ કહેવાય ને ? પણ કાકો એ કાકો છે નાનો તો ય રઈનો દાણો !) ત્યારબાદના બે સંતાનો કિરીટ અને હરીશ સાથે પણ મનમેળ ખૂબ સારો. સામે વાસુદેવ કરીને એક છોકરો રહેતો અને એ જ બ્લોકમાં ઉપર એક પ્રવિણભાઈ રહેતા. આ બધી ટુકડીને કારણે માસીને ત્યાં જવાનું થાય તો ગમે. મારાં ભાભી સુભદ્રાભાભીનો સ્વભાવ પણ ખૂબ માયાળુ. સનતભાઈ સ્વભાવે ઉગ્ર ખરા પણ દિલનો રાજા માણસ. મારા ભાભીનો બીજો એક ગુણ હતો બધું જ હસતા મોઢે કરવાનો. એ જમાનામાં ટેલીફોન તો હતા નહીં. ક્યારેક ટ્રેન મોડી પડે અને રાત્રે અગિયાર સાડા અગિયારે પહોંચીએ તો પણ બધું આટોપીને નવરાં થયેલાં મારાં ભાભીના ચહેરા પર આ લપ ક્યાંથી આવી એવો કોઈ કચવાટ મેં ક્યારેય જોયો નથી. ફટાફટ મોડી રાત્રે પણ ગરમ રસોઈ બનાવી અમને જમાડે. આ ઉપરાંત સનતભાઈની સાથે એમના નાનાભાઈ શિવપ્રસાદભાઈ રહેતા. હરફનમૌલા જેવા માણસ. એમની કપડાંથી માંડીને વાળ ઓળવા સુધીની દરેક બાબતમાં ખાસ ચીવટ. જમાનાની સાથે બરાબર ચાલે. સિનેમા જોવાના શોખીન. મધુમતીથી માંડીને મુગલ-એ-આઝમ સુધીનાં ઘણાં બધાં ચલચિત્રો મેં અમદાવાદમાં મારા બાપાની સાથે જોયા છે. ત્યારે પાંચ આનાની ટિકીટ હતી. મને એ ખબર નહોતી પડતી કે છેક પડદા પાસે બેસીને સિનેમા જોવાના માત્ર પાંચ આના અને જેમ પાછળ બેસીએ તેમ અપર ક્લાસ અને બાલ્કનીમાં વધારે પૈસા કેમ ? રાજપુરમાં રામલીલા તો પહેલી હરોળમાં બેસીને જોતા એટલે આ સિનેમાની પહેલી પાટલી મારે મન ચલચિત્ર જોવા માટેની સહુથી ઉત્તમ પોઝીશન હતી.
અમદાવાદની મુલાકાત દરમ્યાન જ અનેક વખત કાંકરીયા, બાલવાટિકા અને પ્રાણીસંગ્રહાલય જોવાનો મોકો મળ્યો. એ જમાનો રુબિન ડેવિડની કારકીર્દીનો સુવર્ણકાળ હતો. અનેક પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ મગર, કાચબો, સાપ જેવા જીવો સાથે રુબરુ થવાનો આનંદ અનેરો હતો. લટકામાં બાલવાટિકામાં આંતરગોળ અને બહિર્ગોળ અરીસા સામે ઉભા રહી આપણું પ્રતિબિંબ જોવાનું, બકરા ગાડીમાં બેસવાનું અને બોટમાં બેસી નગીનાવાડી જવાનું ખૂબ આનંદપ્રદ બની રહેતું. આમ જોઈએ તો આ બધું મારા પરોક્ષ ઘડતરનો ભાગ હતું.
જનસત્તાવાળા રમણલાલ શેઠ સાથે મારા બાપાની સારી ઓળખાણ. એક દિવસ છાપુ કઈ રીતે છપાય છે તે જોવા લઈ ગયા. એ જમાનામાં સીસું ઓગાળી એના બ્લોક બનતા જે છાપવા માટે વપરાતા. ઓટોમેટીક મશીન ઉપર છાપું છપાય અને એની ગડી વળી બહાર આવે ત્યાં સુધીની પ્રક્રિયા પહેલી વાર જોઈ. હું એ સમયે માંડ ચોથા કે પાંચમા ધોરણમાં હોઈશ. મને નથી લાગતું કે અમદાવાદમાં રહેનાર કોઈ બાળકને પણ આટલી નાની ઉંમરે અખબાર કઈ રીતે છપાય છે તે જોવા સમજવાનો મોકો મળ્યો હોય.
મારા એક કૌટુંબિક કાકા કસ્ટમ અને સેન્ટ્રલ એક્સાઈઝ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ હતા. એ સમયે એમની ડ્યુટી અમદાવાદ એરપોર્ટ પર હતી. હું એ જમાનાની વાત કરું છું જ્યારે સિદ્ધપુરથી કોઈ મુંબઈ જાય અથવા મુંબઈથી સિદ્ધપુર આવે તો એના મોભા મુજબ દસ-પચ્ચીસ માણસો એને લેવા મુકવા આવતાં. પ્લેન કેવું હોય તે ક્યારેક ચલચિત્રમાં જોયું હતું. મારા બાપા મને અને ચંદ્રવદનને લઈને એક દિવસ એરપોર્ટ પહોંચ્યા. કુમારકાકા એમનાથી નાના. એ સમયનો વિવેક ગણો કે કુમારકાકાની ખાનદાની અમે એરપોર્ટ પહોંચ્યાં અને એમને જાણ કરી એટલે એ દરવાજા સુધી લેવા આવ્યા. કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટના બગલા જેવા સફેદ ડ્રેસમાં હું એમને પહેલીવાર જોઈ રહ્યો હતો. મારા આશ્ચર્યની અવધી તો ત્યારે આવી જ્યારે એમણે “પ્રણામ મોટા ભાઈ !” એમ કહી નીચા નમીને મારા બાપાનો ચરણસ્પર્શ કર્યો. એક સાવ સામાન્ય લાગતા ધોતિયાધારીને કસ્ટમનો એ સમયે એરપોર્ટના સુવાંગ ચાર્જમાં રહેલો અધિકારી આટલું માન આપી રહ્યો હતો. કુમારકાકાના આ સંસ્કાર અને ખાનદાની હતી એમાં કોઈ બેમત નહીં પણ સામે પક્ષે સાદગી તો સાદગી મારા બાપાના વ્યક્તિત્વમાં પણ એવું તો કંઈક હતું જે એમને રમણલાલ શેઠ જેવા ધુરંધરથી માંડી અનેક વ્યક્તિઓ માટે આદરને પાત્ર બનાવતું હતું. એ દિવસે પહેલીવાર વિમાન જોયું. કુમારકાકાએ એમના કલેક્ટરને ફોન કરી મુંબઈથી આવેલ આ વિમાન અમને બતાવવા માટેની મંજૂરી મેળવી અને પાયલટની કોકપીટથી માંડી આખું વિમાન અમે જોયું એટલું જ નહીં અમને એના એન્જિનિયરે વિમાન કઈ રીતે ઉડે એની સમજ પણ આપી. અમે બહાર આવ્યા. થોડી જ વારમાં મુંબઈ જનારા પેસેન્જરો બેસી ગયા એટલે વિમાનનાં બારણાં બંધ થયાં અને ઘરઘરાટ કરતા એનાં પંખા ફરવા માંડ્યા. વિમાન રનવેના છેડે પહોંચ્યું અને એણે કોતરપુર તરફના છેડે જતા રનવે ઉપર ઉડવા માટે દોડ લગાવી. આ વિમાન કયું હતું તે યાદ નથી પણ એની વિશીષ્ટતા એ હતી કે આજના વિમાનોથી ઉલટું એ ઉડવાનું થાય એટલે ટેકઓફ વખતે પહેલાં પૂંછડી અધ્ધર થતી અને પછી વિમાન હવામાં ઉચકાતું. અત્યારે આથી ઉલટું થાય છે. આ અનુભવ પણ રસપ્રદ હતો. મારી ઉંમર તે વખતે સાત-આઠ વરસથી વધારે નહીં હોય.
શબ્દરચના હરિફાઈઓનું મારા બાપા એજન્ટ તરીકે કામ કરતા ત્યારે અશોક નિવાસ હોટલ જે સ્ટેશનથી નજીક ચોખા બજારના ખૂણા ઉપર હતી ત્યાં રહેતો. પહેલી વાર કોઈ હોટલ કે લોજમાં જમવાનો અનુભવ મને અશોક નિવાસે કરાવ્યો. એ દિવસે જમવામાં પહેલીવાર રસગુલ્લુ ચાખવા મળ્યું !
અમે અમદાવાદ સ્ટેશને ઉતરીએ ત્યારથી એક અથવા બીજી રીતે મારું સામાન્ય જ્ઞાન વધે તેની પ્રક્રિયા શરુ થતી. આ પ્રક્રિયાના ભાગરુપે જ મેં ટેક્સટાઈલ મીલ પણ જોઈ અને બ્રોડગેજ રેલવેલાઈન શું કહેવાય તે પણ અનુભવ્યું. અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલ જ્યારે બંધાઈને શરુ થઈ હતી તે જ ગાળામાં સુભદ્રાભાભીને બે-ત્રણ મહિના માટે ત્યાં રાખવા પડેલા. અમે ત્યારે સિવિલને અમારી છાવણી બનાવી દીધેલી. એનો એકેએક ખૂણો અમે ફેંદી વળતા. સિવિલના ભોંયરાથી માંડી એની મોટી મોટી લીફ્ટ અમારા માટે સમય પસાર કરવા માટેની એક આદર્શ વ્યવસ્થા હતી. તે વખતે સિવિલ એકદમ શાંત અને સ્વચ્છ લાગતી લગભગ 1958-59ની સાલ હશે. આજે તો બધું બદલાઈ ગયું છે. જો કે સિવિલ હોસ્પિટલ સાથેનો મારો પરિચય અને નાતો દિવસે દિવસે વધુને વધુ ગાઢ બન્યો છે.
હું આઠમા ધોરણમાં હતો ત્યારે ગુજરાત મુંબઈ રાજ્યનું ભાગ હતું અને હંસરાજ મોરારજી પબ્લીક સ્કુલમાં સ્કોલરશીપથી ભણવા માટેની પરીક્ષા ધોબી તળાવ સેંટ ઝેવિયર્સ હાઈસ્કુલમાં લેવાઈ હતી. મારો મુંબઈનો આ પહેલો પ્રવાસ હતો. મને બધું સમજાવી શકાય તે માટે મારા બાપાએ ખાસ દિવસની લોકલ (સ્લો) ટ્રેન પસંદ કરી હતી. એક ડબ્બામાં નીચેની બર્થ ઉપર અમારું બિસ્તર પાથરી મેં બારી પાસે જમાવ્યું. રસ્તામાં આવતી નદીઓ અને દરેક મોટા શહેર વિશે મારા બાપા વિગતે સમજાવતા. ત્યારે નર્મદા અને તાપી જેવી મહાનદી જોઈ. દમણગંગા અને મહી પણ જોઈ. રસ્તામાં આવતાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જેવાં સ્ટેશનો બહારથી તો બહારથી જોયાં. સમય ક્યાં ગયો કંઈ જ ખબર ના રહી. મુંબઈમાં અમે બોરીવલી (વેસ્ટ) ખાતે શ્રી મોહનલાલ બેરીસ્ટરના ત્યાં ઉતર્યા હતા. પરીક્ષા તો ઠીક પણ એ વખતે લગભગ દસેક દિવસ મુંબઈ રોકાઈને મારા બાપાએ મને ગેટ વે ઓફ ઈન્ડિયા અને બોરીવલી નેશનલ પાર્કથી માંડી વાલકેશ્વર અને ભુલેશ્વર સુધી મુંબઈની બધી જ જોવાલાયક જગ્યાઓ બતાવી. એ સમયે મુંબઈમાં લોકલ ટ્રેનમાં ગીરદી નહોતી રહેતી. ટ્રેન ઉપરાંત ભાયખલ્લા, તારદેવ વિગેરે વિસ્તારમાં ટ્રામ પણ ચાલતી. મુંબઈ ઘણું સાફસૂથરું અને પ્રમાણમાં શાંત શહેર હતું. સાંતાક્રૂઝ એરપોર્ટ પર પહેલા માળની બાલ્કનીમાંથી સાવ નજદીકથી પ્લેન જોઈ શકાતાં. આતંકવાદ કે આતંકવાદીઓની કોઈ દહેશત નહોતી. મુંબઈ ખૂબ ફર્યા, મજા કરી, ચોપાટીની પ્રખ્યાત ભેળ અને મુંબઈની પુરીભાજી પણ માણી. સાવ નાના પણ સ્વાદિષ્ટ એવાં એલચીકેળાં પહેલીવાર ખાધાં તે જ રીતે સેન્ડવીચ સાથે પ્રથમ પરિચય મુંબઈમાં થયો. એ સમયે એસ. મોહનલાલ અને ચંદુ હલવાઈનો આઈસ હલવો મુંબઈની વિશીષ્ટતા હતી. મેં સારંગા ચલચિત્ર મુંબઈમાં જોયું ખૂબ મજા આવી. મારી ઉંમરના (આશરે બાર વરસ) સિદ્ધપુરના મારા સહાધ્યાયી મિત્રોને જ્યારે મહેસાણા સુધી જવાની પણ તક નહોતી મળી ત્યારે મેં મારા બાપાની આંગળી પકડી ઘણું બધું જોઈ નાંખ્યું. અભ્યાસ ઉપરાંત આ મારા દ્રષ્ટિફલકને વિક્સાવવામાં ખૂબ અગત્યની તાલીમ હતી.
મારું ઘડતર થઈ રહ્યું હતું.
ભલે ડૂન સ્કુલ કે અન્ય મોટી અંગ્રેજી કેળવણીની સંસ્થાઓ મારા નસીબમાં નહોતી
પણ......
પાઠમાળાથી માંડી પોસ્ટ ઓફિસના વ્યવહારો
અખબાર પ્રકાશનથી માંડી વીજળી ઉત્પાદન
ટેક્સટાઈલથી માંડી ટ્રામ
ટ્રેનથી માંડી વિમાન
એવાં ઘણાં બધાં ક્ષેત્રો હતાં જે હું શહેરમાં રહ્યો હોત તો પણ મને જોવા જાણવા ના મળત.
આ શક્ય બન્યું મારા બાપાની ધગશ
અને દુનિયા જોવા સમજવાની દ્રષ્ટિને કારણે
5 થી 15 વરસની ઉંમરનો આ ગાળો
મેં મારા બાપાના ખભે બેસીને દુનિયા જોઈ
મારા ઘડતર અને સામાન્ય જ્ઞાનનો મજબૂત પાયો નખાયો એ આ સમયગાળા દરમિયાન
સાચા અર્થમાં મારા બાપા...
મારે માટે હતા...
જીવનની જંગમ વિદ્યાપીઠ
જ્યાં હર ક્ષણ
કંઈક નવું જાણવા શીખવાની
તાલીમ મળતી.
પળે પળ
ક્ષણે ક્ષણ