Saturday, January 28, 2017
માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુજરાતી વિષયમાં આત્મકથા અંગેનો નિબંધ પુછાય તો વિષય ગમે તે હોય એની શરુઆત અને અંત માટે કેટલાક ફરમા ફીટ બેસે તે રીતે શીખવાડી દેવામાં આવ્યા હતા. આજે પણ એ પંક્તિઓ એવીને એવી યાદ છે. ફાટેલા જોડાની આત્મકથા હોય કે પછી પુરાણા કિલ્લાની, ભાંગેલી ખુરશીની આત્મકથા હોય કે ફાટેલી ચોપડીની જે હોય તે શરુઆતમાં જ નીચેની પંક્તિઓ લખી નાંખવાની –
“સુણો મારી જીવનકથની
સાહસોત્સાહ કેરી
તેમાં કેવા વિપુલ પલટા
પ્રારબ્ધના ભરેલા
રંગે તેમાં જીવન સઘળું
સુખ કેરા સુરંગો
તે સામે જો નજર કરશો
દુઃખ કેરા તરંગો”
કોઈપણ વ્યક્તિનું જીવન એકધારું સુખ કે દુઃખમાં જતું નથી. સુખ અને દુઃખના બદલાતા રંગ એ જીવનની વાસ્તવિક્તા છે. કોઈક કથાકારના મુખે સાંભળ્યું છે (અત્યારે નામ યાદ નથી આવતું) – જીવનમાં જ્યારે કોઈ આનંદદાયક ઘટના ઘટે ત્યારે એને હરિકૃપા ગણી આવકારવી. એથી ઉલટું જો કંઈક અજુગતું અથવા દુઃખદાયક બને તો એને હરિઈચ્છા ગણી નભાવી લેવું. જેમ કોઈ નદી એક કિનારે નથી વહેતી બરાબર તે જ રીતે જીવનની આ નદી હરિઈચ્છા અને હરિકૃપાના બે કિનારા વચ્ચે જ વહે છે. સુખ અને દુઃખ જીવનની ઘટમાળનું અવિભાજ્ય અંગ છે. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે ક્યારેક આ અંગે વિચારું તો જે સરખામણી હાથવગી મળી આવે છે તે ગતિ અને ઘર્ષણની છે. ઘર્ષણ એ કોઈપણ ગતિ અથવા ઉર્જાનું મોટામાં મોટું અવરોધક પરિબળ છે. પણ જો ઘર્ષણ ન હોત તો આપણે ચાલી પણ ન શકતા હોત.
મારી મા ના જીવનને લગતી બે મોટી નિરાશાઓ જે કામ હું ન કરી શક્યો તેની પીડા મારા મનમાં હંમેશા રહી છે અને રહેશે.
પણ....
એક એવી પણ ઘટના બની ગઈ જેનો આનંદ મને આજીવન પ્રેરતો રહેશે. હું ગ્રેજ્યુએટ થયો. યુનિવર્સીટીમાં રેન્ક હોલ્ડર હતો. ડિસ્ટીંક્શનથી બીઈ સિવિલની પરીક્ષા પાસ કરી હતી. તે જમાનામાં એમ.એસ. યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ થતાં ઈજનેરોનું લક્ષ અમેરીકાની સારી યુનિવર્સીટીઓમાં અભ્યાસ કરવાનું રહેતું. સ્વાભાવિક હતું મેં પણ એ દિશામાં પ્રયત્ન શરુ કર્યાં. ટ્રાન્સ્ક્રીપ્ટ કઢાવી અને સારી યુનિવર્સીટીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરુ કરી દીધી. એ જમાનામાં જીઆરઈ કે બીજી કોઈ પરીક્ષાઓ નહોતી. વિદ્યાર્થીના એકેડેમીક પરફોર્મન્સ ઉપરથી જ એડમીશન અપાતું. પરીક્ષાનું પરિણામ આવ્યું એ પહેલાં ફોર્મ્સ વિગેરે મંગાવવાની જે કંઈ વિધિઓ હતી તે પુરી કરી નાંખી અને પરિણામ પછી ફોર્મ ભરીને રવાના કરી દીધાં. મારી સાથેના ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રક્રિયામાં પડ્યા હતા. ધીરે ધીરે એ સમય આવ્યો જ્યારે બે કે ત્રણ સારી કોલેજોમાંથી એડમીશન માટેનો ઓફર લેટર પણ આવી ગયો. ઘણી સારી યુનિવર્સીટીમાં એડમીશન મળતું હતું અને એમાંની એક યુનિવર્સીટીએ તો આસિસ્ટન્ટશીપ માટેની પણ સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી હતી. આમ, અમેરીકા વધુ અભ્યાસ માટે જવાનો તખતો તૈયાર થઈ રહ્યો હતો. આઈ-20 ફોર્મ આવી જાય એટલે લગભગ બધાં કાગળીયાં પુરાં થાય અને વીઝા માટે અરજી કરી શકાય. આ સ્ટેજ તરફ હું આગળ વધી રહ્યો હતો. બીજા બે વિકલ્પો પણ સામે હતા. આઈઆઈએમ અમદાવાદમાં દાખલ થવું અથવા આઈઆઈટી મુંબઈ તરફ નજર દોડાવવી. આઈઆઈએમ અમદાવાદનો વિકલ્પ છેલ્લો હતો કારણકે ત્યાં ઘરના પૈસે ભણવાનું હતું અને એવી કોઈ વ્યવસ્થા મારી પાસે નહોતી. આઈઆઈટી, મુંબઈ મહિને સાડા છસ્સો રુપિયા સ્કોલરશીપ આપતી હતી અને એમાં પ્રવેશ મળશે એવો મને પુરો વિશ્વાસ હતો એટલે એક વિકલ્પ તરીકે આઈઆઈટી મુંબઈમાં એમ.ટેક કોર્સમાં દાખલ થવા માટેનું ફોર્મ ભરી દીધું. પસંદગી આમ છતાંય અમેરીકા માટે હતી. અમેરીકામાં અભ્યાસ કરી વૈશ્વીક કક્ષાએ એક નિષ્ણાત તરીકે નામ ઉભું થાય એ મોટી લાલચ અને અમેરીકા જેવા સમૃદ્ધ દેશની મોટી યુનિવર્સીટીમાં ભણવા માટેનું ખેંચાણ મને અમેરીકા જવા માટે લગભગ ધકેલી રહ્યા હતા. દિવસો વીતતા જતા હતા. ધીરે ધીરે હું અમેરીકા જઈ રહ્યો છું એ વાત સ્પષ્ટ બનતી જતી હતી.
બરાબર ત્યારે જ.......
મેં જોયું તો કેટલાક દિવસોથી મા ના મોઢા પર ક્યાંક ઉદાસીની ઝાંય ડોકાઈ જતી હતી. મેં વધુ ઝીણવટથી મારી માનું અવલોકન કરવા માંડ્યું ત્યારે મને જણાયું કે ચોક્કસ કોઈ એવી વાત છે જે મારી મા ને અંદરથી પીડી રહી છે. કદાચ મને દુઃખ થાય એ હેતુથી મારી મા એ કળવા દેતી નહોતી. મેં એક-બે વખત આડકતરી રીતે વાત કઢાવાનો પ્રયત્ન પણ કર્યો. પણ એ મારી મા હતી. જીવનના સારા નરસા અનેક પ્રસંગો એણે પચાવ્યા હતા. એની પાસેથી વાત કઢાવવી સરળ નહોતી. બહુ કહીએ તો એ હસીને વાત ઉડાવી દેતી.
પણ સામે પક્ષે એનો જેની સાથે પનારો પડ્યો હતો એ પણ એનો જ દીકરો હતો ને? એમ સરળતાથી થોડો હાર માની લેવાનો હતો. મેં મારા પ્રયત્નો ચાલુ રાખ્યા.
અને......
એક દિવસ એમાં સફળતા પણ મળી.
સવારે ચા પીતાં પીતાં આ મુદ્દે અમારી ચર્ચા આગળ વધી.
મારી મા એ એની વાત મુકતાં કહ્યું કે ભાઈ આપણા સગામાંથી જ બે છોકરા અમેરીકા ભણવા ગયા. ગયા તે ગયા. ત્યાં જ રહી ગયા. અમારે તો તું એકનો એક દીકરો છે. અમારી હવે ઉંમર થઈ છે. તું હજારો માઈલ દૂર જાય પછી ક્યારે મળવાનું થાય તેનું કોઈ ઠેકાણું નહીં. અમારે સાજેમાંદે કોઈકના ઉપર આધાર રાખવાનો. એણે એ વાત કરતાં કરતાં જે શબ્દો વાપર્યા તે મારા કાનમાંથી દાખલ થઈ હૃદય સોંસરવા નીકળી ગયા. તેણે કહ્યું “ભાઈ ! એક આંખ આંખમાં લેખું નહીં અને એક છોકરું છોકરામાં લેખું નહીં” વાતનું સમાપન કરતાં એણે વળી પાછો આખોય મુદ્દો બદલી નાંખ્યો. એણે કહ્યું કોઈ ચિંતા નહીં. સહુનો ભગવાન છે. તારી ઈચ્છા હોય અને તું સુખી થતો હોય તો અમે રાજી છીએ. કોઈપણ પ્રકારના દુઃખ વગર તું બાકીની વિધિઓ આટોપ અને તારું જે લક્ષ છે તે મુજબ આગળ અભ્યાસ કરવા ચોક્કસ અમેરીકા જા.
અને મારી મા ના રોગની નાડ પરખાઈ ગઈ. બસ આટલી નાની વાત અને મારી મા મનમાં આવડો મોટો બોજ લઈને ફરે છે ? એક ઝાટકે મારી બુદ્ધિનાં કમાડ ખુલી ગયાં. અતિ ઉત્સાહ ગણો કે સ્વાર્થ જેમણે મને ઉછેરીને મોટો કર્યો તેમની વૃદ્ધાવસ્થાને કોઈકના વિશ્વાસે કે પછી ભગવાન ભરોસે છોડીને અમેરીકા જવાનું વિચારી રહ્યો હતો. થોડીક ક્ષણ માટે મને મારી જાત પર ગુસ્સો અને ફીટકાર આવ્યાં. મને લાગ્યું એક મોટું પાપ કરવા તરફ હું આગળ વધી રહ્યો હતો.
એક જ ઓરડાનું ઘર હતું ને એટલે જુદી જુદી રુમોમાં કે કબાટમાં શોધવા જવાની વ્યથા કરવી પડે તેવું નહોતું.
ક્ષણનાય વિલંબ વગર મારાં આ બધાં ડોક્યુમેન્ટ હું જે ડોક્યુમેન્ટ હોલ્ડરમાં રાખતો હતો તેમાંથી બહાર કાઢ્યાં. એક છેલ્લી નજર એડમીશનના એ કાગળ અને આઈ-20 પર નાંખી લીધી. મારી મા ના દેખતાં જ એ કાગળના ટુકડાઓ કરી સળગાવી દીધા. એ કાગળના ટુકડા જ્યારે સળગી રહ્યા હતા ત્યારે એમાંથી નીકળતી અગ્નિશીખા જાણે કે વગર વિચારે અમેરીકા જવા માટે મેં કરેલા નિર્ણયના મહાપાતકને બાળી રહી હતી.
આ કાગળ સળગીને રાખની ઢગલી બની ગયા અને અગ્નિ શાંત થઈ ગયો ત્યારે મારી અને મારી મા ની બન્નેની આંખમાં આંસુ હતાં. પણ એ આંસુ દુઃખનાં નહોતાં.
મને આનંદ હતો ફરજપાલનને મારગે પાછા ફર્યાનો.
મારી મા ને આનંદ હતો દીકરો આ દેશમાં રહીને નજર સામે જ ભણશે એનો.
મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો –
Win Win Solution
એટલે કે.......
તુમ્હારી ભી જય જય
હમારી ભી જય જય
ન તુમ હારે
ન હમ હારે
જેવો સહુને ખુશ કરે તેવો ઉકેલ હું કાઢી શક્યો.
દેર સે આયે
દુરસ્ત આયે
ત્યારબાદ અનેક વખત અમેરીકા ગયો છું.
સીટી બેંકથી માંડી અનેક મોટા સેમિનારોમાં ભાષણો આપ્યાં છે.
વિશ્વબેંક સામે નર્મદા યોજના વિષે રજૂઆત કરી છે
અહીંથી ત્યાં જઈને વસેલા મારા મિત્રોને એમનાં સમૃદ્ધ નિવાસસ્થાનોએ મળ્યો છું.
અમેરીકાથી વેકેશન ગાળવા અહીં આવતા મિત્રોને પણ મળ્યો છું
ક્યારેય........એક ક્ષણ માટે પણ એવું નથી લાગ્યું કે અમેરીકા જવાનું માંડી વાળીને મેં કંઈ ગુમાવ્યું છે.
એક નિષ્ણાત તરીકે પણ વર્લ્ડ વોટર ફોરમથી માંડીને સ્વેડ ફંડ અને વૈશ્વિક ક્ષેત્રે જળવ્યવસ્થાપનમાં તજજ્ઞોના ગ્રુપ ઓફ નાઈનમાં પણ રહ્યો છું. જગતના અનેક દેશોમાં ફર્યો છું.
અને એટલે......
હું માનું છું કે અમેરીકા નહીં જવા છતાં પણ આજે હું વધારે સુખી છું.
જો હું અમેરીકા ગયો હોત અને અહીંયા મારાં મા-બાપને કોઈ માંદગી નડી ગઈ હોત તો કદાચ જીવનભર હું મારી જાતને માફ ન કરી શક્યો હોત.
જેમ મારી મા માટે ઘરનું ઘર ન બનાવી શક્યો અને એને તિર્થાટન ન કરાવી શક્યો એ મારા જીવનની બે મોટી હતાશા કે નિષ્ફળતાઓ છે તે જ રીતે અમેરીકા જવાનો વિચાર રદ કરીને અહીં રોકાઈ ગયો અને મારી મા ના મનને એના કારણે જે શાતા મળી.
એના મને જે આશીર્વાદ મળ્યા
એ મારા જીવનની સહુથી મોટામાં મોટી સફળતા છે
હા....
મારા જીવનની સહુથી મોટી સફળતા
મારા જીવનનું સહુથી મોટું સુખ
અમેરીકા અભ્યાસ માટે ન જવાયું તે.