Saturday, February 25, 2017
ગ્રામ્ય જીવનમાં રામલીલા, કઠપૂતળીનો ખેલ, મદારીનો જાદુ વિગેરે પ્રસંગો મનોરંજન પૂરું પાડે છે તેની સાથોસાથ તેમના માધ્યમ થકી જીવનમાં ઉપયોગી બોધપાઠ પણ પુરો પાડે છે. મારી શાળાના અભ્યાસમાં એક દિવસ પણ એવો નથી આવ્યો કે જ્યારે ભણતરનો ભાર લાગ્યો હોય કે પરીક્ષાને કારણે કોઈ તણાવ ઉભો થયો હોય. નિશાળે ન જવાનું મન થાય એવું તો બનતું જ નહીં. આમ, એકતરફ શાળામાં ઘડતર થઈ રહ્યું હતું તો બીજીતરફ વ્યક્તિત્વ ઘડતરની એક વિશીષ્ટ પ્રયોગશાળા મારી મા ના દ્રષ્ટાંતો તેમજ વાર્તાઓ કહેવાના કૌશલ્યને કારણે ઉભી થઈ હતી. આ વાર્તાઓના માધ્યમથી જે શીખ મને ઉપલબ્ધ બની રહી હતી તે કોઈપણ મેનેજમેન્ટ સ્કુલના અભ્યાસક્રમ કરતાં પણ વધુ અસરકારક હતી તેમ કહેવું જરાય અતિશયોક્તિ નથી. આ માધ્યમ થકી મળેલ બોધની કેટલીક વાતો મારે કરવી છે.
કોઈપણ જગ્યાએ આપણને પૂછવામાં ન આવે ત્યાં સુધી વચ્ચે બોલવું ઉચિત નથી તે વાત મારી મા બે રીતે કહેતી. એક કહેવત – “વગર બોલાવ્યું બોલે તે તણખલાની તોલે”. તમને પૂછ્યા વગર સલાહ આપવાનો ઉત્સાહ ક્ષોભજનક જ સ્થિતિ ઉભી કરે એવો આનો અર્થ થાય. ક્યારેક વણમાંગી સલાહ આપવાનું ભારે પડી જાય તે સમજાવવા હિતોપદેશમાંથી એક વાર્તા કહેતી. આ દ્રષ્ટાંત મુજબ શિયાળાની એક કડકડતી ઠંડીની રાતે જંગલમાં એક વડના ઝાડ નીચે વાંદરાઓનું એક ટોળુ ભેગું થઈને ચણોઠીના લાલચટક દાણા ભેગા કરી એના ઉપર સુકું ઘાસ અને તણખલા વિગેરે મુકી ફૂંક મારી એમાંથી તાપણું સળગાવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. વાંદરાઓનો આ વ્યાયામ જોઈ એક યુવાન ગીધથી ન રહેવાયું એટલે એણે પ્રસ્તાવ મુક્યો. એણે કહ્યું “આ વાંદરાઓ બિચારા ક્યારનાય હેરાન થાય છે. કોઈકે તો એમને સલાહ આપવી જોઈએ કે ચણોઠીમાંથી અગ્નિ ના પ્રગટે. ફુંકો મારી મારીને એમનાં ગલફોરાં ફાટી જશે. આ રીતે ગમે તેટલું મથશે તોય અગ્નિ પ્રગટવાનો નથી અને એમની ઠંડી ઉડવાની નથી.” યુવાન ગીધની આ વાત સાંભળી ધુર્જટી નામના વયોવૃદ્ધ ગીધે (જે પોતે આ ગીધોની વસતીનો મુખી હતો) સલાહ આપતાં કહ્યું “ભાઈ ! હાડ થીજાવી નાંખે એવી ઠંડી છે. આવી ઠંડીમાં બધાં પક્ષીઓ પોતપોતાના માળામાં લપાઈને ઝપી ગયા છે. તારી સલાહ કોઈએ પૂછી નથી. આ સંયોગોમાં તું વાંદરાની ચિંતા કર્યા વગર માળામાં લપાઈને સૂઈ જા. વાંદરાં અનુભવે સમજશે.” આટલું કહીને ધુર્જટી પોતાના માળામાં લપાઈને સૂઈ ગયો. પેલા યુવાન ગીધને ઉંઘ આવતી નહોતી. એની સંવેદના એટલી વધી ગઈ કે એ પોતાની જાતને રોકી શક્યો નહીં અને નીચે બેઠેલા વાંદરાના ટોળા વચ્ચે ઉડીને જઈ બેઠો. એણે વાંદરાઓને સાચે રસ્તે દોરવાના શુભ આશયથી સલાહ આપી કે આ ચણોઠી છે અંગારા નથી. ચણોઠીમાંથી આગ પ્રગટાવી શકાતી નથી. ગીધની આ વાત સાંભળી બાજુમાં બેઠેલા વાંદરાએ ઝાપટ મારી એની ડોક પકડીને મરડી કાઢી. ગુસ્સાથી એણે તરફડીયાં મારતા પેલા ગીધને કહ્યું કે આટલા બધા વખતથી અમે હેરાન થઈએ છીએ ત્યારે તને હવે સલાહ આપવાનું સૂઝે છે. આમ, વગર માંગ્યે માત્ર શુભ આશયથી પ્રેરાઈને સલાહ આપવા જતાં પેલા યુવાન ગીધે પોતાનો જાન ગુમાવ્યો !
આજ રીતે એક બીજી કહેવતનો પ્રયોગ ઘણીવાર મા કરતી. તે કહેતી “બેસો જોઈ તો ઉઠાડે ના કોઈ”. આ એક વાક્યમાં જે ટનબંધ શિખામણ હતી તેનો મને ભરપૂર લાભ મળ્યો છે. કોઈપણ પ્રસંગમાં અથવા કાર્યક્રમમાં આપણે જઈએ ત્યારે અપેક્ષીત ન હોઈએ તો સીધા જઈને મંચ પર અથવા આગલી હરોળમાં ન બેસી જવું જોઈએ. આયોજકોને તેમના અગત્યના મહેમાનો બેસાડવા માટે સવલત રહે તે હેતુથી ત્રણ-ચાર હરોળ છોડીને આપણે બેસીએ તો સારું લાગે. મેં ઘણીવખત જોયું છે કે કેટલીક વ્યક્તિઓ આ વ્યવહાર કે પ્રમાણભાન જાળવતી નથી. નાછૂટકે આયોજકોમાંથી કોઈએ એમને અમૂક હરોળ છોડીને પાછળ બેસવા કહેવું પડે છે. આમ થવાને કારણે અપમાનીત થવાય અને આટલા બધા માણસોની હાજરીમાં કોઈક આપણને ટોકે એટલે દુઃખ થાય. આથી ઉલટું તમે આયોજકોના મતે અગત્યના હોવ તો પાછળ બેઠા હશો અને ત્યાંથી કોઈ આયોજક તમને દોરીને આગળ લઈ જશે તો બધાનું ધ્યાન દોરાશે અને તમારું માન વધશે. કોઈપણ જગ્યાએ આપણે આપણી અગત્યતા અને મોભો જોઈને જ બેસવું જોઈએ. કોઈ મેનેજમેન્ટ સ્કુલ આ શીખવાડતી નથી જે મારી મા પાસેથી શીખવા મળ્યું -
આવી જ એક વાર્તા એ કહેતી. એનું શીર્ષક હતું “બાપા કાગડો”.
વાત કંઈક આમ છે.
એક શેઠ નામુ લખતા હોય છે. બાજુમાં એમનો નાનો દિકરો રમતો હોય છે. એટલામાં સામા ઘરના છજા ઉપર એક કાગડો આવીને બેસે છે, પેલો બાળક એની કાલીઘેલી ભાષામાં શેઠને કહે છે “બાપા કાગડો”. નામુ લખતાં લખતાં શેઠ વળતો જવાબ આપે છે “હા ! બેટા કાગડો”. આ સંવાદ આગળ ચાલે છે. થોડીવાર પછી વળી પાછો પેલો બાળક કહે છે “બાપા કાગડો”. સામે જવાબ મળે છે “હા ! બેટા કાગડો”. આવું તે દિવસે અનેકવાર બને છે. શેઠ કામમાં વ્યસ્ત છે તોય જરાય ગુસ્સે થયા વગર કે ધીરજ ગુમાવ્યા વગર અનેકવાર પેલા બાળકને જવાબ આપે છે.
સમય વીતતાં આ બાળક યુવાન બને છે. શેઠની ગાદી સંભાળી લે છે અને ધંધાનું સુકાન પોતાના હાથમાં લઈ લે છે. પેલા શેઠ હવે વૃદ્ધ થયા છે એ પેઢીએ જાય છે ખરા પણ કામમાં માથું નથી મારતા. એક દિવસ કોઈક મુદ્દા પર શેઠ એમના દિકરાને કંઈક પૂછે છે. પેલો એના કામમાં વ્યસ્ત હોય છે એટલે જવાબ નથી મળતો. આથી શેઠ બીજી વાર એ જ વાત પૂછે છે. પેલો પુત્ર એના કામમાં છે વારંવાર બાપા આ વાત પૂછ્યા કરે છે એટલે સહેજ ગુસ્સે થઈ જાય છે. શેઠને એ જે જવાબ આપે છે એમાં ગુસ્સો રણકે છે. થોડીવાર શેઠ સમસમીને બેસી રહે છે.
એટલીવારમાં એમના મુનીમ ઉઘરાણીએ ગયા હોય છે તે પાછા આવે છે. શેઠ એમને સામે મુકેલ ગોદરેજનું કબાટ ખોલી ઉપરના ખાનામાંથી એક ચોપડો આપવા કહે છે. મુનીમ ચોપડો આપે છે. દરમ્યાનમાં પેલો પુત્ર પણ કામમાંથી થોડો નવરો થાય છે. પેલો ચોપડો શેઠ એમના દિકરાને આપે છે અને એમાં કેટલોક અગત્યનો હિસાબ લખ્યો છે તે જોઈ લેવા કહે છે. ચોપડો ખોલતાં જ પેલા યુવાનને દર ત્રીજી લીટીએ એક સંવાદ લખેલો દેખાય છે. એ સંવાદ છે –
“બાપા કાગડો”
“હા ! બેટા કાગડો”
શેઠની સામે જોઈ એમનો પુત્ર પ્રશ્ન કરે છે “આમાં શું અગત્યનો હિસાબ છે ? મને સમજણ પડતી નથી.” ત્યારે શેઠ પેલા સંવાદ તરફ એનું ધ્યાન દોરે છે અને કહે છે “બેટા ! સહુથી અગત્યનો હિસાબ તે આ ‘બાપા કાગડો’ છે. તું નાનો હતો ત્યારે માંડ દસ મિનિટમાં અઢાર વખત તે આ પ્રશ્ન પૂછ્યો હતો અને જરાય ગુસ્સે થયા વગર હું કામમાં હતો તો પણ મેં દર વખત જવાબ આપ્યો હતો ‘હા ! બેટા કાગડો’. આજે મેં માત્ર બીજી વખત તને કંઈક પૂછ્યું અને તું ગુસ્સે થઈ ગયો એટલે મારે આ હિસાબ તને બતાવવો પડ્યો.” મારી મા આ વાત અત્યંત ભાવુકતાથી કહેતી.
મને ત્યારે શેઠનો છોકરો વીલન લાગતો. પોતાના બાપાને આ રીતે જવાબ કઈ રીતે આપી શકાય ? પણ આજે તો ઘણા ઘરોમાં આ બનતું જોવું છું. ઘરડાં મા-બાપ જાણે ક્યારે ઉકલી જાય એની રાહ જોઈને એમને ઘરમાં કોક રુમ કે ખૂણો સોંપી દેવાય છે. ઘરે મુલાકાતીઓ આવે કે અગત્યના મહેમાનો એમને આ મહેમાનોની વચ્ચે આવીને બેસવાની મનાઈ હોય છે. વહુ કે દિકરો ઘરડા મા-બાપ આ રીતે દિવાનખાનામાં આવીને બેસે એનાથી એમની પોઝીશનમાં પંચર પડી જાય તેવું માને છે !
દાદા કે દાદીને મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય પણ મેં એવા અનેક દાખલા જોયા છે. જ્યાં બાળકો દાદા-દાદી પાસે ન જાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે. પરિણામે પેલાં વૃદ્ધ મા-બાપ જે ઘર એમણે લોહી-પરસેવો એક કરીને બનાવ્યું છે તે જ ઘરમાં લાચાર અને આશ્રીત બનીને જીવે છે. જે દિકરાને એમણે ખૂબ કાળજી કરીને ઉછેર્યો છે, અનેક બાધા-આખડીઓ રાખી છે અને રાતોના ઉજાગરા વેઠ્યા છે, જેની કાલીઘેલી ભાષા સાંભળતાં એમના કામ ધરાતા નહોતા એ જ દિકરો એકાએક મોટો થઈ જાય છે. એ હવે સક્ષમ બન્યો છે. સારું કમાય છે. ખૂબ ભણ્યો છે. સમાજમાં પાંચ માણસો એને પૂછતાં થયાં છે અને એટલે જાણે કે ઘરમાં ઉદ્ધતાઈથી વરતવાનો અને મા-બાપને તોછડાઈથી જવાબ આપવાનો એને પરવાનો મળી જાય છે.
બધે આવું નથી હોતું પણ જ્યાં હોય છે ત્યાં આ “બાપા કાગડો”ની વાત મને સાચી પડતી દેખાય છે.
આથી વિપરીત અનુભવ પણ જોવા મળ્યો છે. પોતાના ઘરડાં મા-બાપને પોતે જરાય મોટો નથી થઈ ગયો એટલી સરળતાથી વ્હાલ કરતા દિકરાને અને એથીય આગળ વધીને સાસુ-સસરાની પોતાના મા-બાપ કરતાં પણ વધુ સારી સંભાળ રાખતી પુત્રવધુઓને જોઈએ છીએ ત્યારે લાગે છે કે માણસાઈ હજુ પણ જીવે છે. તાજેતરમાં જ આવો એક અનુભવ માણવા મળ્યો. સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેનશ્રી યતિશભાઈ પારેખ ઘણા વખતથી એમના ઘરે ચા-પાણી માટે બોલાવતા હતા. આ વખતે એ વાયદો પુરો કર્યો. આદર્શ સોસાયટીમાં શ્રી યતિશભાઈના નિવાસસ્થાને પહોંચ્યો. યતિશભાઈનાં ધર્મપત્નિ પોતે પણ ઉચ્ચશિક્ષણપ્રાપ્ત તબીબ છે. દિવાનખાનામાં બેઠા થોડીવારમાં એક અત્યંત વૃદ્ધ પણ જાજરમાન વ્યક્તિત્વવાળા માડી વોકરને સહારે આવીને સોફામાં બેઠાં. યતિશભાઈએ એમનો પરિચય કરાવ્યો. આ વ્યક્તિ તે એમનાં માતુશ્રી અને એક વખતનાં પ્રખર મહિલા સામાજીક કાર્યકર ધ્રુવલત્તાબહેન પારેખ હતાં. મેં એમના વિશે સાંભળ્યું હતું ચારુમતીબેન યોદ્ધા જેવા ખૂંખાર મહિલા સામાજીક કાર્યકરોની એક પેઢી ગુજરાતમાં આવી ગઈ. ધ્રુવલતાબહેન એ પેઢીનાં પ્રતિનિધિ હતાં. મેં નીચા નમીને એમનો ચરણ સ્પર્શ કર્યો ત્યારે એક ધન્યતાની અનુભૂતિ અને આનંદની લહેરખી પસાર થઈ ગઈ. મને ધન્યતાનો અનુભવ એટલા માટે થયો કે લગભગ નેવું વરસ ઉપરની ઉંમર વટાવી ગયેલ માડીના આશીર્વાદ લેવાનો મને મોકો મળ્યો. આનંદ એટલા માટે થયો કે યતિશભાઈની સંસ્કારીતાને કારણે એમના પરમ પૂજ્ય માતૃશ્રી દિવાનખાનામાં અમારી સાથે બેસી શક્યા. પંદર-વીસ મિનિટ રોકાયો હોઈશ પણ આ સમગ્ર સમય મારું મન યતિશભાઈની સંસ્કારીતા અને તેમના વયવૃદ્ધ મા ને આજે પણ એટલી જ અગત્યતાથી જાળવીને એમને જીવનના આ તબક્કે પણ હૂંફની અનુભૂતિ મળે તે પરિસ્થિતિ ધન્યતાનો અનુભવ કરાવી ગઈ.
મારી મા ક્યારેક શ્રવણ અને એનાં વૃદ્ધ મા-બાપની તિર્થાટન કથા પણ કહેતી. આ વાર્તા કહેતાં કહેતાં –
“શરવણ કાવડ લઈને ફરતો
સેવા માતપિતાની કરતો
તિરથે તિરથે ડગલાં ભરતો
એ તો જાય જાય જાય....”
ભજન એની રીતે પણ સરસમજાના રાગમાં ગાતી.
ક્યારેક એ રામ, લક્ષ્મણ અને ભરતના ભ્રાતૃપ્રેમની વાત કહેતી તો ક્યારેક કૈકેયી અને મંથરાની કપટલીલા અને દશરથના પ્રાણત્યાગની વાત કરતાં એ કહેતી –
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે ?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે !
હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યુંજગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે
- બાલાશંકર કંથારિયા
એ ક્યારેક ધ્રુવ અને પ્રહલાદની ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધાની વાત કહેતી તો ક્યારેક હરિશ્ચંદ્ર – તારામતી, નળ-દમયંતી કે સત્યવાન-સાવિત્રીની વાત કહેતી.
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં
સુખદુઃખ મનમાં ન આણીએ.
નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
- ભક્ત કવિ નરસૈયો
એનું પ્રિય ભજન હતું.
તો ક્યારેક એ બીજું એક એવું જ ભજન –
હરિને ભજનાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે
જેને સૂરતા શામળીયોજી સહાય
વદે વેદવાણી રે
પણ લલકારતી. જીવનમાં કોઈપણ પરિસ્થિતિમાં ઈશ્વર પરની શ્રદ્ધા મોટામાં મોટું બળ છે અને જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તેને ઈશ્વર ક્યારેય પોતાનાથી અળગો નથી કરતો એ સમજાવતાં નીચેની પંક્તિઓ લલકારતી.
વ્હાલે ઉગાર્યો પ્રહલાદ
હિરણાકંશ (હીરણ્યકશીપુ) માર્યો રે
ધ્રુવને આપ્યું અવિચળ રાજ
પોતાનો કરી સ્થાપ્યો રે...
એની વાર્તામાં ક્યારેક મીરાં અને નરસિંહ મહેતા પણ આંટો મરી જતાં. નરસિંહ મહેતાની હૂંડી શામળીયાએ કઈ રીતે સ્વીકારી અને કુંવરબાઈનું મામેરું કઈ રીતે ભરીને નાગરીનાતને અચંબામાં મુકી દીધી એની વાત એ જ્યારે કરતી ત્યારે નજર સામે નરસિંહ મહેતાનું ચિત્ર તાદૃશ થઈ જતું. જૂનાગઢની એ પવિત્ર ધરતી એ દામોદરકુંડ આ બધું નજર સામે આવી જતું. મારી મા ગજબની વાર્તાકાર હતી. એની પાસે કોઈપણ વાતનું વર્ણન કરવાની અદભૂત ક્ષમતા હતી. એ ઝાઝુ ભણી નહોતી. જો ભણી હોત તો એણે ઘગું બધું લખ્યું હોત. આમ, મારા માટે સૂતાં પહેલાં દોઢ બે કલાકની મારી મા સાથેની ગોષ્ઠી એ મારી બીજી નિશાળ હતી. આ નિશાળમાં મારી મા મારી શિક્ષક પણ હતી અને મિત્ર પણ હતી. આમેય જંગલમાં જ્યાં વીજળી ન હોય ત્યાં રેડિયો કે ટેલીવીઝન તો હોય જ નહીં. હવે વિચારું છું ત્યારે લાગે છે કે વીજળી ન હોવી અને રાત્રિની નીરવ શાંતિમાં મા ની વાર્તાઓ સાંભળતાં સાંભળતાં મોટા થવું એ પણ એક લ્હાવો હતો. અંગ્રેજીમાં આ પ્રકારની પરિસ્થિતિ માટે “Blessings in Disguise” કહેવાય છે. આનો અર્થ થાય નુક્શાનીમાંથી પણ નફો મેળવી આપતી પરિસ્થિતિ. જો વીજળી હોત, ટીવી હોત કે રેડીયો હોત.... જંગલની નીરવ શાંતિ ન હોત... સાથે રમવા માટે ભાઈબંધ કે ભાઈભાંડુ હોત... તો ?
માની વાર્તાઓના આ અમૂલ્ય ખજાનામાં ડોકિયું કરવાની અને એ રીતે ઘણી બધી બાબતે બોધ મેળવવાની તક ન મળત.
વિપરીત અને વિષમ પરિસ્થિતિએ આ રીતે મારા પર મોટો ઉપકાર કર્યો છે.
ટેલીવીઝન પર ભક્તિ કાર્યક્રમમાં શાસ્ત્રો અને પૂરાણો પર આધારીત મારી પ્રસંગકથાઓ આવે છે ત્યારે ઘણા બધા આશ્ચર્યચકિત થઈને મને જોઈ રહે છે. એમને કદાચ ખબર નહીં હોય આ બધાનું બીજ મારી મા ની વાર્તાકથાઓ થકી રોપાયું અને અંકુરીત થયું છે.
માત્ર વાર્તાઓ કહેવા પૂરતું જ મારું ઘડતર મર્યાદિત નહોતું. વખત આવે એનો પ્રાયોગિક કે વાસ્તવિક અનુભવ પણ મળી જતો. એકવખત રમતાં રમતાં આંગણામાંથી બે આનાનો સિક્કો મળ્યો. આપણે રામ તો ખુશખુશાલ થઈ ગયા. બે આના એ જમાનામાં મોટી રકમ હતી. હરખાતાં હરખાતાં આ વાત મા ને કહી. એણે થોડીક પ્રાસંગિક પૂછપરછ કરી પછી ચૂકાદો આપ્યો “આ પૈસા આપણા નથી. લેવાય નહીં. કોના છે એ પણ ખબર નથી. એટલે કાલે એના ચણા મંગાવી બધાં છોકરાંને વહેંચી દઈશું.” આમાં મારા બાપાનું એવું સૂચન આવ્યું કે આ પૈસા મંદિરમાં મુકી દેવા. મારી મા નો બહુ સ્પષ્ટ જવાબ હતો કે બાળક ભગવાનનું સ્વરુપ છે. છોકરાં રાજી થશે એ ભગવાન રાજી થયા બરાબર છે અને છેવટે એ બે આનાના ચણા મંગાવી બધાં છોકરાંને વહેંચી દીધા.
ઘરમાં વાતચીત કરવામાં પણ મારી મા અત્યંત સતર્ક હતી. એની એ વાત “ઘેર બોલે ડોકરાં તો બહાર બોલે છોકરાં”. છોકરાના સાંભળતા ઘરમાં જે કંઈ વાત થાય તેમાં વિવેક ન જળવાય તો બહાર છોકરાં પણ આવું જ વર્તન કરે. ઘણીવાર બે બાળકો ઝઘડતા ઝઘડતા એકબીજાના બાપા ઉપર આક્ષેપ કરવા માંડે ત્યારે વિચાર આવે છે કે કોણ શીખવાડતું હશે આમને ?
આવી નાની નાની ઘણી બધી બાબતો જે આગળ જતાં જીવનમાં ખૂબ કામમાં આવવાની હતી તે મેં રાતના એ અંધારામાં મંદ મંદ પ્રકાશનો અહેસાસ કરાવતા ટમટમીયાને અજવાળે મારી મા પાસેથી મેળવી છે.
મારી મા મારી બીજી નિશાળ હતી
કહેવાય છે કે એક મા સો શિક્ષક બરાબર છે
મા ને બા પણ કહેવાય છે
ઠોકર વાગે કે પેટમાં દુઃખે સહુથી પહેલી મા યાદ આવે છે
આ કારણથી જ છાણા વીણતી મા પણ....
ઘોડે ચડતા બાપ કરતાં ચડિયાતી ગણી છે
કદાચ આ કારણથી આપણી અભિવ્યક્તિનું સહુથી સારું માધ્યમ
માતૃભાષા છે
બા અને બાપા
આશ્ચર્યજનક રીતે પા એટલે ચોથો ભાગ
બા અને બાપામાં આ ગણિત લાગુ પાડી
બાપા એ બાનો ચોથો ભાગ અથવા....
બા એ બાપા કરતાં ચાર ગણી વધારે
એવું કહી શકાય ???
ના....
એટલો બધો પક્ષપાત નહીં ચાલે
કારણકે મારી ત્રીજી નિશાળ હતા
મારા સદાપ્રવાસી હરફનમૌલા બાપા.