Friday, January 27, 2017
1962માં મેં સિદ્ધપુર છોડ્યું. ત્યારબાદ ક્યારેય લાંબો સમય સિદ્ધપુરમાં રહેવાનું બન્યું નથી. 1971માં આઈઆઈટીનો અભ્યાસક્રમ પુરો કર્યો અને એક નોકરીયાત તરીકેની કારકીર્દી શરુ કરી ત્યારે પણ મારાં મા-બાપ વડોદરા મારી સાથે રહેવા ન આવ્યાં. ગજબનું આકર્ષણ હતું એમને સિદ્ધપુરની એ ભૂમિ માટે. ખાસ કરીને મારી મા પોતાના વિચારોમાં બહુ સ્પષ્ટ હતી જીંદગીનો અંતિમશ્વાસ એને સિદ્ધપુરની ભૂમિ પર લેવો હતો અને એટલે એની હયાતીમાં પણ હું વડોદરા રહ્યો કે અમદાવાદ ક્યારેય કાયમી ધોરણે એ મારી સાથે રહેવા ના આવી. કદાચ એના જંગલરાજમાં એ વધારે સુખી હતી અને એટલે ક્યારેક દસ-પંદર દિવસ અમારી સાથે રહેવા આવે ખરી પણ સિદ્ધપુરની આબોહવા માટેનું એનું આકર્ષણ એટલું બધું કે એ થોડા દિવસો અમારી સાથે રહે ના રહે ભાગી છુટે !
આમ, હું નોકરીએ લાગ્યો ત્યારબાદ પણ મારી મા લગભગ દસ વરસ જીવી પણ એની પોતાની રીતે અને એના પોતાના સામ્રાજ્યમાં. સામાન્ય રીતે કોઈ પોતાના જીવનના અનુભવો લખે ત્યારે કાં તો બહુ મોટી ઉંમરે લખે છે અથવા કોઈની પાસે લખાવે છે અને એટલે એ જે લખે છે એના ચશ્મદીદ સાક્ષીઓ નથી હોતા. અહીંયાં જે લખાય છે તે કાળખંડમાં જેમણે મારું જીવન અને મારી મા ને જોઈ છે તેવા મારા મોટા માસીના દીકરા રમેશભાઈથી માંડીને મારા ભત્રીજાઓ હરીશ, દિલીપ અને ભાણાભાઈ બિપીન એ કાળખંડની અંતિમયાત્રામાં તો હાજર હતાં જ પણ મારી આ લેખનયાત્રામાં પણ વાચકો તરીકે સતત હાજર રહીને ટાપસી પુરાવે છે અને એ રીતે સંબંધોની હૂંફને પુનર્જીવીત કરે છે એ મારા માટે પ્રોત્સાહનની બાબત તો છે જ પણ જે કંઈ લખાયું છે તેની સચ્ચાઈ બાબતની ગવાહી પણ મળી રહે છે એ મારું સદભાગ્ય છે. અમૃતભાઈ પટેલ, દિલીપભાઈ શુકલ જેવા બીજા પણ આ સ્મરણયાત્રાના સાક્ષીઓ આપણી સાથે જોડાતા રહે છે. ભાઈ જ્યોતિન્દ્ર કાંતિલાલ ભટ્ટ જે સિદ્ધપુરમાં સાહિત્ય વર્તુળને નામે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જીવતી રાખે છે તેમણે પણ એક કરતાં વધુ વખત મારા બચપણનાં પ્રસંગોને અનુમોદન આપવાનું કામ કર્યું છે. આ સહુ મારાં સ્વજનો છે. એમને આભાર કહીને છટકી ન જવાય એવી મારી સમજ છે. મારી મા અંગે જે કંઈ લખાયું તેમાં તેમના અનુમોદનથી મને હૂંફ મળી છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી.
અસ્મિતા ભટ્ટ મારાં મોટાં માસીના દીકરા રસિકભાઈની દિકરી. લગ્ન પછી આમેય દિકરીઓ પારકા ઘરે જઈને પોતાનો માળો ગૂંથવામાં વ્યસ્ત થઈ જતી હોય છે. અમારા જમાઈરાજ ગુજરાત સરકારમાં બહુ મોટા અધિકારી છે એટલે અવાર-નવાર એમની સાથે વાત કરવાનું કે મળવાનું બને પણ અસ્મિતા ખોવાઈ ગઈ હતી. મારી મા ના નિમિત્તે એ પાછી સપાટી પર આવી ગઈ. એનાં દાદીમા એટલે મારાં મોટા માસી સરસ્વતીબેન. એ જમાનામાં ઝેરોક્ષનાં મશીન નહોતાં બાકી એકનો ફોટો પાડી લઈએ તો બીજી બેનના માટે તસદી લેવાની જરુર નહીં. બન્ને બહેનો બિલકુલ એકબીજાની નકલ લાગે. સ્વભાવમાં મારાં માસીબા અતિ સૌમ્ય અને મીતભાષી તેમજ મૃદુભાષી. મારી મા માટે આવું ન કહેવાય. એ બેબાક હતી અને જેને જે કહેવું હોય તે પેટમાં કોઈપણ પ્રકારના પાપ વગર મોઢે પરખાવી દેતી.
માગશર મહિનામાં અમારાં માસીબા અને માસા અચૂક અંબાજી જાય અને ત્યારે પાછા વળતાં સિદ્ધપુર અમારે ત્યાં આઠ-દસ દિવસ રોકાય. અમારા એકલવાયા જીવનમાં એ દિવસો અત્યંત આનંદના બની જતા. માસા પૂજાપાઠનો જીવ. એમનું નિત્યકર્મ સવારમાં બે-ત્રણ કલાક ચાલે. આ બે બહેનો ભેગી થઈને કંઈકને કંઈક ગડમથલ કર્યા કરે. બન્નેનું શરીર મુઠી હાડકાંનું પણ સ્ફૂર્તિ ગજબની. એ મુલાકાત પાછળનું એક છુપું રહસ્ય પણ હતું. જે હવે જાહેર થાય તો કોઈ વાંધો નથી. મોટાં માસી વિદાય થાય એટલે એની બેનને કંઈકને કંઈક રકમ આપતાં જાય. આ રકમ એ મારી મા માટે કોઈ અડીઓપટી કે નાણાંભીડનો સમય આવે ત્યારે કામમાં આવે એવું કવચ હતું. બન્ને બહેનો વચ્ચેનો આ વ્યવહાર ઘણાં વરસો ચાલ્યા કર્યો. એક રીતે કહીએ તો મારી મા માટે એની મોટી બહેન સંકટ સમયની સાંકળ હતી. ક્યારેક થાય છે કે જીવનમાં આપત્તિઓ અને સંઘર્ષ આવે છે અને ક્યારેક તો એનો તાપ ન જીરવી શકાય તેવો હોય છે. આમ છતાંય એકાદ બારી તો ભગવાન ક્યાંકને ક્યાંક ખુલ્લી રાખે જ છે. આ વિચારીએ ત્યારે સાહજિક રીતે નીચેની પંક્તિઓ યાદ આવે છે –
શોધી જ લે છે
બધાનું સરનામું
નસીબને ખબર જ હોય છે
કોણ ક્યાં સંતાણું....!!!
બેન અસ્મિતા મારી મા એ તારી દાદીની માત્ર ઝેરોક્ષ નકલ નહોતી. તારી દાદી આ સંસારની એની સંઘર્ષયાત્રામાં ક્યાંક શીળી લીમડીની છાયા પણ હતી.
મારી મા માટેનાં મારાં સંસ્મરણોમાં બધું જ મધુર છે એવું નથી. કેટલીક ઘટનાઓ એવી પણ છે જેનો અફસોસ મને હંમેશા રહેશે.
પહેલું મેં અગાઉ જેમ કહ્યું તેમ સિદ્ધપુરમાં રહીને જીવનયાત્રા પુરી કરવાની મારી મા ની અદમ્ય ઈચ્છા હતી. 1970માં મારું લગ્ન થયું અને ત્યારબાદ હું નોકરી કરતો પણ થયો, પાસે મૂડી ન હોય તો પણ લાખ રુપિયા ઉછીના આપનાર મળી રહે તેટલી શાખ પણ બંધાઈ. વરસોથી અમે જ્યાં રહેતા હતા તે કંઈ અમારી પોતાની માલિકીની મિલકત નહોતી. એક દિવસ એ ખાલી કરવાની જ છે એમ સમજીને અમે આજુબાજુમાં ક્યાંક એક નાનો ટુકડો જમીનનો મળે તો એ માટે પ્રયત્ન શરુ કર્યા. મારા એક પિતરાઈ ભાઈ સર્કલ ઈન્સ્પેક્ટર હતા. એમની સલાહ પ્રમાણે મારા બાપાએ સરકારમાં અરજી પણ કરી. કંઈ ન નીપડ્યું એટલે બાજુમાં જ બાજાજી ઠાકોરનું ખેતર હતું. એમણે પ્રેમથી એંશી ફુટ x સો ફુટ જગા વ્યાજબી ભાવે આપવાની તૈયારી બતાવી. કોણ જાણે એમાં પણ કોઈક રાજી નહોતું. જેમને વરસો સુધી અમે એક કુટુંબના સભ્ય ગણ્યા હતા તે કેશાજી ઠાકોર (બાજાજીના નાના ભાઈ) કોર્ટમાં ગયા અને સ્ટે લઈ આવ્યા. દરમ્યાનમાં એકાએક અમારા મકાન માલિક અને મારા દુરના ફુઆ એ મારા મા-બાપને એક મહિનામાં મકાન ખાલી કરી આપવા કહ્યું. જેણે જાણ્યું તેમાંથી કેટલાકે મારા બાપાને સલાહ પણ આપી કે ચાલીસ વરસ ઉપરનો ભોગવટો છે તમને ખાલી કરાવી શકાય જ નહીં કોર્ટમાં જાવ. પણ, આ ગુણો અમારા લોહીમાં નહોતા. મારી માએ એ પણ વિનંતી કરી જોઈ કે બે-ત્રણ મહિનામાં મારા દીકરાને ત્યાં પ્રથમ પ્રસૂતિનો પ્રસંગ આવવાનો છે, એટલો પતી જવા દો અમે મકાન ખાલી કરી દઈશું. મકાનમાલિકે એમના દીકરાની માંદગીનું બહાનુ બતાવ્યું અને કહ્યું કે હવાફેર માટે અમારે અહીં રહેવા આવવું છે. કોઈ ઉપાય નહોતો. મારાં મા-બાપ એક મહિનાની અંદર જ મકાન ખાલી કરીને બાજુમાં શાસ્ત્રીજીની પાઠશાળામાં અગાઉ જે ભોજનશાળા તરીકે વપરાતુ હતું તેવા પતરાનાં છાપરાવાળા અને કોઈ સવલત વગરના મકાનમાં જ્યાં રાત્રે કોઈક વખત સાપ પણ આંટો મારી જતો હતો રહેવા ચાલ્યાં ગયાં. આથી મોટું ખાનદાનીનું ઉદાહરણ બીજું કોઈ હોઈ ના શકે.
પછી જે થયું તેણે તો કમાલ જ કરી નાંખી. નટવર ગુરુ અહીંયા રહેવા તો આવ્યા જ નહીં. થોડા દિવસ બાદ મને ખબર પડી કે એ મકાન અને ખેતર એમણે વેચી નાંખ્યું હતું. જે રકમમાં એ વેચાયું તેનાથી દસ હજાર વધારે કહ્યા હોત તો પણ એ સમયે મારી ક્ષમતા હતી કે હું પૈસાનો વેત કરી શક્યો હોત. મારા મા-બાપ અહીંયા રહી શક્યા હોત એ મારે માટે કદાચ નોબેલ પારિતોષિકથી પણ વધુ મોટું ઈનામ હોત. પણ કદાચ એમને મત હું પૈસેટકે એટલો સુખી નહોતો કે આ રકમ એમને એકસાથે આપી શકું. પૈસા પાત્ર ન હોવું તે કોઈ ગુનો નથી પણ તમે પૈસેટકે સક્ષમ નથી એ છાપ ક્યારેક ખૂબ મોટું નુક્સાન કરે છે એનો જીંદગીભર યાદ રહે એવો સબક આ ઘટના શીખવાડી ગઈ. મકાનમાલિકે જો એટલું વિચાર્યું હોત કે આટલો લાંબો ભોગવટો હોવા છતાં કોઈ વિવાદ કે વિલંબ વગર જે માણસે મકાન ખાલી કરીને સોંપી દીધું તેનો છોકરો જો પૈસા આપવા સક્ષમ ન હોત તો હાથ જોડીને ના કહી દીધી હોત. હું માનું છું કે મકાન વેચતા પહેલાં અમને ના કહેવાનો અધિકાર એમણે આપ્યો હોત તો એ વધુ યોગ્ય થાત. ખેર ! જે નિર્મીત થયું હોય એ બનીને જ રહે છે.
ક્યારેક.......
જેને આપણે આપણાં પોતાનાં ગણતા હોઈએ છીએ તે જ પીઠ પાછળ મુત્સદ્દીગીરી કરી આપણને રઝળાવી દે એવું કેમ બનતું હશે ? આ પ્રસંગને અનુરુપ સૈફ પાલનપુરીની નીચેની પંક્તિઓ મને યાદ આવે છે –
“જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જીવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં”
આવું થાય ત્યારે અનાયાસે માણસસહજ કડવાશ મનમાં આવી જાય છે. મહદઅંશે આવા પ્રસંગો “સગાં હોય તે વ્હાલા ન હોય અને વ્હાલા હોય તે સગાં ન હોય” પંક્તિને ચરિતાર્થ કરે છે.
ત્યારબાદ પણ એક પ્રયત્ન કર્યો. શાસ્ત્રીજીની પાઠશાળાને બરાબર અડીને એક આંબાવાડીયાની જગા હતી. મારા મિત્ર કે.બી. પટેલ (વકીલ) પાસેથી આ સાડા ચાર વીઘા જમીન મેં બજારભાવે ખરીદી. મનમાં આનંદ હતો હાશ ! ઘણાવખતે સિદ્ધપુરમાં અને તે પણ રાજપુરમાં મકાન બનાવાની આશા ફળભૂત થશે. તકદીરને આ પણ મંજૂર નહોતું. રાજપુરના જ એક પટેલ આગેવાન જે આ પ્રકારની કૂટનીતિમાં નિષ્ણાત છે. તેમની દોરવણી નીચે બરાબર રોડ સાઈડની બાઉન્ડ્રી ઉપર રાતોરાત ઝુંપડપટ્ટી ઉભી થઈ ગઈ. હું એ લડી ઝઘડીને ખાલી કરાવી શક્યો હોત પણ હવે મન ખાટુ થઈ ગયું હતું. મારા બાપાની તબિયત પણ બગડતી જતી હતી. એક દિવસ મેં લીધી હતી એના કરતાં પણ ઓછા ભાવે ખોટ ખાઈને એ જમીન વેચી મારી. અઠવાડીયામાં જ પેલી ઝુંપડપટ્ટી પણ જતી રહી !ગામડામાં ચાલતા સ્થાનિક ગંદા રાજકારણનો આ એક પહેલો અને વરવો અનુભવ મને થયો. રાજપુરને મેં હંમેશા મારું વતન ગણ્યું છે ત્યાં એકે એક ઘરે મારા સ્વજનો છે તેમ માન્યું છે. રાજપુરે પણ મને અનહદ પ્રેમ આપ્યો છે પણ મારા અને રાજપુરના દૂધપાકનું તપેલું ભર્યું હોય તેવા મધુર સંબંધોમાં આ ભાઈ જ્યારે જ્યારે તક મળી લીંબુનું ટીપું નીચોવતા રહ્યા છે. એમણે એમનો સ્વભાવ નથી છોડ્યો, મેં મારો સ્વભાવ નથી છોડ્યો. પણ આ બધા પ્રસંગો પછી મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે જ્યાં મારા મા-બાપની છેલ્લી અવસ્થામાં ક્ષમતા હોવા છતાં હું એમને રહેવા માટે એક નાનું પણ સગવડવાળુ મકાન ન બનાવી શક્યો ત્યાં હવે પછી ક્યારેય મકાન બનાવવાના આ વિચારને મનમાં નહીં આવવા દઉં. મારી મા એનો દીકરો સંપન્ન હોવા છતાં એનાં અંતિમ સમય સુધી પેલી ભોજનશાળાના સવલત વગરના પતરાનાં છાપરાના મકાનમાં રહી અને એને માટે એક નાનુશું સવલતવાળું મકાન પણ હું ન બનાવી શક્યો તે મારા જીવનની સહુથી મોટી નિરાશા છે. મારી માની ઘરનું ઘર બને તે આશા એનાં જીવતાં તો ન સફળ થઈ. અત્યારે ઠીક ઠીક કહી શકાય એવા ઘરમાં હું રહું છું પણ હજુ ક્યારેક ક્યારેક એ મકાનની કલાત્મક છતમાં મને પેલું પતરાનું છાપરું દેખાય છે. અલબત્ત એમાં દેખાતો મારી માનો ચહેરો ખૂબ આનંદીત દીસે છે કારણ કે આજે એનો છોકરો અને છોકરાનાં છોકરાં સમૃદ્ધ બન્યાં છે.
બીજી નિરાશા મારી માને કોઈ મોટી તિર્થયાત્રા ન કરાવી શક્યો તે છે. હું ભણતો હતો ત્યારે એકવખત શ્રીનાથજી, એકલીંગજી, કેસરીયાજી વિગેરે ધર્મસ્થાનોની મુલાકાત લેવાનું બનેલું. મારા બાપા તે વખતે રેલ્વેની ઉદયપુર સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં ઈન્સ્ટ્રક્ટર હતા. ચિત્તોડગઢની પણ મુલાકાત એ વખતે લીધેલી. અમારી આર્થિક સ્થિતિએ ત્યારપછી કદી મારી માને ડાકોર, દ્વારકા કે સોમનાથ જેવા તિર્થક્ષેત્રો પણ નસીબ નહોતાં કરાવ્યાં. હું નોકરીએ લાગ્યો. આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. આ વખતે મારી માની તંદુરસ્તી સારી નહોતી. મુસાફરીનો થાક કે હડદો એ ખમી શકે તેમ નહોતી અને એટલે કોઈ મોટી તિર્થયાત્રા પર એને લઈ જવાનું શક્ય નહોતું. આ કારણથી વૃદ્ધ મા-બાપને તિર્થાટન કરાવવાનો પુત્રધર્મ નિભાવવામાં હું નિષ્ફળ રહ્યો. આનો રંજ મને કાયમ રહ્યો છે. કદાચ આ કારણથી જ કોઈ તિર્થાટન હજુ સુધી મેં પણ નથી કર્યું. મન જ નથી થતું. મારા માટે મારી મા એ જ જંગમ જીવનતિર્થ હતી આજે પણ છે.
એક વાત ચોક્કસ કહીશ કે ક્યારેય બધું જ ધાર્યા મુજબનું નથી થતું. ક્યારેક સંયોગો આડા આવે છે તો ક્યારેક અવરોધો. જેની મા હયાત છે અને માથે બાપાની છત્રછાયા છે તેના જેવું નસીબદાર અને શ્રીમંત બીજો કોઈ નથી. મા એ જે કંઈ કર્યું છે તે પાછું તો વાળી શકાવાનું જ નથી પણ એમાંથી મૂડીના વ્યાજ જેટલું જ કરવાની તમને તક મળે તો જાતને નસીબદાર ગણજો. દીકરો ગમે તેટલો મોટો થાય – હોદ્દામાં કે ઉંમરમાં મા મા જ રહે છે અને એની સામે મોટા ન થવામાં જ મજા છે. ક્યારેક કડવા ઓંસડીયા જેવી એની સલાહ અથવા શબ્દો ન ગમે તો પણ એ મા છે જેણે ખુદ મોતના મોંમાં પગ મુકીને તમને જન્મ આપ્યો છે તે વાત ભુલવા જેવી નથી. કોઈનાંય મા-બાપ કાયમી બેસી રહેતાં નથી. મારી મા પણ આજે નથી રહી. ત્યારે હજુય મને એનાં શબ્દો કાનમાં ગુંજે છે “તને નહીં સમજાય બેટા ! તમારાં છોકરાં થશે ત્યારે તમે આ સમજી શકશો કે મા-બાપની ચિંતા શું હોય છે” અને એટલે જેટલો પણ સમય મળે માણી લો. સ્વર્ગ અને તેનો આનંદ શું છે તે ખબર નથી પણ માની મમતા સ્વર્ગના આનંદ કરતાં પણ વિશેષ છે તેમાં કોઈ શંકા નથી.
ભાવનગર રાજ્યના અતિ કાબેલ દીવાન સર પ્રભાશંકર પટ્ટણીનાં વૃદ્ધ માતૃશ્રીનું અવસાન થયું તેની સાથે જોડાયેલ એક પ્રસંગ ગુજરાતી ‘મિડ-ડે’ પ્રકાશનના કટાર લેખક સુ.શ્રી હેતા ભૂષણ પોતાની કટાર “લાઈફ કા ફન્ડા”માં કંઈક આ રીતે આલેખે છે –
“બંગલોનું કમ્પાઉન્ડ ખીચોખીચ માણસોથી ઊભરાવા લાગ્યું. ઠાઠડી બંધાવા લાગી.
વૃદ્ધ માતુશ્રીનાં છેલ્લાં દર્શન કરતાં જ પટ્ટણીસાહેબના હૈયાનો બંધ તૂટી પડ્યો. તે રડી પડ્યા.
‘રામ બોલો ભાઈ રામ’ના સાદ સાથે ઠાઠડી બંગલોમાંથી બહાર નીકળી.પટ્ટણીસાહેબ સાવ ભાંગી પડ્યા. અન્ય સગાંના ટેકે ધીમે પગલે સ્મશાનમાં પહોંચ્યા. ભારે હૈયે તેમણે માતાનો અગ્નિસંસ્કાર કર્યો.
માતાની જલતી ચિતા પાસે તેઓ ક્યાંય સુધી બેસી રહ્યા. તેમના માનસપટ પર માતૃપ્રેમના અનેક પ્રસંગો ચિત્રપટની માફક આવ્યા અને ભૂંસાઈ ગયા.
દરેક પ્રસંગની ઝીણી-ઝીણી યાદે તેમની આંખમાંથી અશ્રુ ટપકતાં હતાં.
માતાનો દેહ નામશેષ બની ગયો.
ડાઘુઓ સૌ બંગલોમાં પરત આવ્યા. ધીમે-ધીમે સૌ વિખરાવા લાગ્યા. પરંતુ પટ્ટણીસાહેબ બંગલોના ઉંબરામાં ગુમસૂમ બેસી જ રહ્યા. ઘરમાં નજર નાખતાં જ તેમની આંખમાંથી ફરી દડ-દડ આંસુ ટપકવા લાગ્યાં.
પટ્ટણીજીને આશ્વાસન આપતાં નગરશેઠે કહ્યું, ‘સાહેબ, હવે મન વાળો. મા તો ઘરડું પાન હતાં, હવે સ્વસ્થ થાઓ અને ઘરમાં ચાલો. આપની આવી સ્થિતિ જોવાતી નથી.’
પટ્ટણીજીએ પાણી પીધું ને પછી ગદ્ગદ્ કંઠે બોલ્યા, ‘ભાઈઓ, હું સમજું છું કે માતુશ્રીનો સ્વર્ગવાસ વૃદ્ધ ઉંમરે થયો છે. સમાજના વ્યવહાર મુજબ તેઓ લીલી વાડી મૂકી સૌને સુખી જોઈને ગયાં છે. હું બધું જ જાણું છું, સમજું છું; પણ એક વાતનું સ્મરણ થતાં મારું હૈયું વારંવાર ભરાઈ આવે છે. આજે મને મારાં બાળકો ‘બાપુજી’ કહી સંબોધે છે, મિત્રો ‘સર પી.ડી.’ કહે છે, કોઈ દીવાનસાહેબ કહે છે તો કોઈ ‘સર પટ્ટણી’... પણ હવે મને ‘પરભો’ કહીને બોલાવનાર કોઈ ન રહ્યું. મારા પર મા જેવું વાત્સલ્ય હવે કોઈ નહીં ઢોળે. ઘરે મોડો આવું તો, બેટા પરભા, કેમ મોડો આવ્યો? એમ પૂછનાર હવે કોણ છે?’
બધા ડાઘુઓ પટ્ટણીસાહેબની મનોસ્થિતિ સમજી ગયા. તેમની આંખો પણ માતૃવિયોગથી રડતા પુત્ર સાથે અશ્રુભીની બની.”
જો આમાંથી કોઈ બોધ ગ્રહણ કરવો હોય તો હવે ક્યારેક ઘરે મોડા પહોંચો અને મા જો એમ પૂછે “બેટા ! કેમ મોડો આવ્યો ?” અથવા ચહેરો થોડો પડી ગયેલો હોય અને મા પૂછે “બેટા ! કેમ આજે તબિયત સારી નથી ?” તો તમે નસીબદાર છો કે તમને આવું પૂછવાવાળી મા છે. ક્યારેક એના અને તમારા વિચારો મેળ નહીં ખાય. ક્યારેક તમારી પત્નીના અને એના વિચારો મેળ નહીં ખાય. એણે જે જમાનો જોયો તે જુદો હતો. એણે કષ્ટો વેઠ્યાં છે. પાઈ પૈસો ભેગો કરીને ઘર ચલાવ્યું છે. જૂનાં કપડાંને થીગડું મારીને પણ પહેર્યા છે ત્યારે તમે અહીં સુધી પહોંચ્યા છો. બહાર ગમે તેવા મોટા હાકેમ હો એ હકૂમત મા પર ક્યારેય ન ચલાવતા. તમારા ત્યાં ગવર્નર આવે કે રાષ્ટ્રપતિ દિવાનખાનામાં બેઠેલી ઘરડી માને એનાં રુમમાં જવાનું ના કહેશો. એ રાષ્ટ્રપતિ કે ગવર્નર આજે તમે કંઈક છો માટે તમારે ત્યાં આવે છે. મા એ તમે કંઈ નહોતા ત્યારે પોતાનું સર્વસ્વ કામે લગાડીને તમારી કાળજી લીધી છે.
મા એ મા છે
મારી મા એ મારી મા હતી
હું એને ગમે તે કહી શકતો હતો
ઝઘડી પણ શકતો હતો, રિસાઈ પણ શકતો હતો
એણે ક્યારેય આ મનમાં નથી લીધું
અને મેં ક્યારેય હું મોટો થઈ ગયો એમ નથી માન્યું
અને એટલે જ.....
મેં મારા હાથે જેનું વ્હાણ ભર્યું હતું તે મારી માની ઢોલડી
એનાં ઉપર બેસીને એની સાથે મારેલ ગામગપાટા જેવું સુખ મને આધુનિક સોફા કે ફર્નિચરે ક્યારેય નથી આપ્યું.
એ જમાનામાં મોતીયો ઉતરાવે એટલે જાડા કાચના ચશ્મા પહેરવા પડતા
એ જાડા કાચના ચશ્માની પાછળથી પણ મારી માની આંખો મને અદભૂત ચોક્સાઈથી વાંચી શકતી.
પટ્ટણી સાહેબની માફક મને પણ એની ખોટ સાલે છે.
મારી મા એ મારી મા હતી
મારી એકલાની જ હતી
કારણકે મારે ભાઈ-બહેન નહોતા