મારા વડોદરાના સાથી અને મિત્ર વિક્રમ પરીખનો આજે ફોન હતો. એ દુઃખી હતા કારણ કે અત્યાર સુધીમાં જે પોસ્ટ મૂકી એ હજારો નહીં પણ લાખો સુધી પહોંચી છે અને મને એનો આનંદ છે. હાથેપગે કામ કરતો માણસ છું છતાં ફેસબુક પર લગભગ ૬૫ હજાર અને યુટ્યુબ પર ૧૧ હજારથી વધારે ફ્રેન્ડ્સ-ફોલોવર્સ છે એટલે કુલ ૭૬ હજારથી વધારે ફોલોવર્સ થયા. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર જુદા. હું મનની મોજ ખાતર લખું છું, સહુને માટે લખું છું. મોટાભાગે બધાને ગમે છે પણ અત્યાર સુધીમાં ચારેક મિત્ર એવા નીકળ્યા છે જેમણે ‘તમે ઘરડેઘડપણ કોંગ્રેસના શું કરવા ગયા?’ એવો વિતંડાવાદ કર્યો છે. હું જવાબ ન જ આપત પણ મારા દિલોજાન દોસ્ત વિક્રમભાઈને એનાથી દુઃખ થયું, એટલે નાનકડો ખુલાસો આપું છું.
આ દોસ્તો એમના મતે જે કહે છે તે એમનો મત છે અને લોકશાહીમાં સરમુખત્યારશાહી નથી ચાલતી. એટલે તેમણે જે પંથની દીક્ષા લીધી છે એ પંથની માફક કાગડાની એક આંખે જોવાનું નહીં જ રાખવું જોઈએ.
બીજું, ઘડપણ એ મનની અવસ્થા છે અને ઉંમર એ માત્ર આંકડો છે. હું એમ માનું છું કે આ લોકો જેમણે આ લખ્યું છે તે યુવાન છે અને તેમના આરાધ્યા દેવ અમર પાટો લખાવીને આવ્યા છે. ભારતીય સંસ્કૃતિ સંકુચિતતામાં માનતી જ નથી. એટલે જ કહ્યું છે –
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरीतास उद्भिदः।
‘દરેક દિશામાંથી મારામાં સારા વિચારો આવો.’
બીજો મુદ્દો ઘડપણ એટલે શું? તમારી બુદ્ધિ કુંઠિત થઈ જાય? જો બાઇડેનને એમના પ્રતિસ્પર્ધીએ ઘરડા કહ્યા હતા તેના જવાબમાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે મારા મિત્ર યુવાન છે એટલે શક્તિનો અનિયંત્રિત ધોધ છે. પાકટ ઉંમરે મને જટિલ મુદ્દાઓ તટસ્થતાથી સમજવાની શક્તિ આપી છે.
મિત્રો, માણસ ઘરડો ત્યારે જ થાય છે જ્યારે એ કુવાના દેડકાની માફક વિચારતો થઈ જાય અથવા એના વિચારો ગંદા ખાબોચિયાની માફક ગંધાતા થઈ જાય. કેટલાક યુવાન પણ ઘરડા હોય છે અને દેવાનંદ, અશોક કુમાર કે રામ જેઠમલાણી પાકટ ઉમરે પણ યુવાન હતા, એ સદાબહાર હતા.
છેલ્લે, આપણે સરમુખત્યારશાહીમાં નથી જીવતા. તમારી પાર્ટી સર્વોચ્ચ છે. મેં રાજીનામું આપતા પણ એક શબ્દ પણ ઘસાતો નથી લખ્યો કારણ કે તમે જેના નવા નવા દીક્ષાર્થી છો તે પક્ષ સાથે હું ત્રણ દાયકા કરતાં વધારે સમયથી જોડાયેલો રહ્યો અને પક્ષને નીચું જોવું પડે એવું કામ કદી નથી કર્યું. મારે મારાં કારણો હોઈ શકે જે ચર્ચવા માટેનું આ ફોરમ નથી.
હું જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બે લોકસભાના સભ્ય હતા ત્યારે એમાં જોડાયો હતો અને આજે હું કોંગ્રેસમાં જોડાયો છું તો જે પ્રગતિ ભારતીય જનતા પાર્ટીએ કરી એ કોંગ્રેસ પણ કરશે એમાં મને કોઈ શંકા નથી અને હા મારી કોઈ અપેક્ષા પણ નથી. મારી વ્યક્તિગત સ્વતંત્રતાનો મેં ઉપયોગ કર્યો છે. નારાજગી કે આક્ષેપબાજી કરીને મેં ભારતીય જનતા પાર્ટી છોડી નથી. આજે પણ એના પ્રદેશ પ્રમુખથી માંડીને અમિતભાઈ, નરેન્દ્રભાઈ, પુરૂષોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રસિંહજી, વિજયભાઈ, બાબુભાઇ, રમણલાલ વોરા, ભરતભાઇ બારોટ, હરીનભાઈ પાઠક જેવા અનેક મારા મિત્રો છે. અમારી મિત્રાચારીને પક્ષનું બંધન નથી નડ્યું કારણ કે એમાં સ્વાર્થ નથી.
વિક્રમભાઈ તમને મેં જવાબ આપી દીધો. માણસ ઉંમરથી વૃદ્ધ થાય એની સાથે અનુભવથી પણ વૃદ્ધ થાય છે. પણ હું તો બેમાંથી એકેય રીતે વૃદ્ધ નથી. આજે પણ હું માનું છું કે વ્યવહારિક આવડત અને જ્ઞાનનો છાંટોય મારામાં નથી. હા, શીખવાની વૃત્તિ આજે પણ છે અને માણસ જ્યાં સુધી નવું શીખે છે તે યુવાન જ રહે છે. જીવનને પૂરેપૂરું યુવાન રહીને જ જીવીશ કારણ કે મને એ ભગવાનનું વરદાન છે અને જ્યારે એને જરૂર પડશે ચાલવા માંડીશ. અહીં કોઈ મારું નથી અને આમ છતાંય બધા જ મારા છે.
વ્યક્તિગત સ્વાર્થ માટે કામ ન કરવું એ પણ યુવાની જ છે અને એટલે મારા સામે ક્યારેક કોઈ ઘસાતું લખે ત્યારે મનમાં ફરી ફરીને આ શબ્દો આવે છે – ‘હે ભગવાન! આમને સદબુદ્ધિ આપ કારણ કે એ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.’
ગની દહીંવાલાએ કહ્યું છે -
‘દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.’
આવજો ત્યારે
જય સાંઈનાથ