હૉસ્ટેલનું એડમિશન પાકું થઈ ગયું. મને સિધ્ધરાજ જયસિંહ હૉલ જે તે વખતે પૉલિટેકનિક-3 તરીકે જાણીતો હતો એમાં એડમિશન મળ્યું. મુકુંદને પૉલિટેકનિક-2 એટલે કે એમ. વી. હૉલમાં એડમિશન મળ્યું હતું. મુકુંદ કોઈકની સાયકલ લઈને આવ્યો હતો એટલે “મળતા રહીશું” એમ કહીને ઉપડી ગયો. હું અને મારા બાપા ત્યાંથી બહાર નીકળી રીક્ષા પકડી પૉલિટેકનિક-3 જવા નીકળ્યા. પૉલિટેકનિક કૉલેજ પાસેની આ ત્રણ હૉસ્ટેલ રવિન્દ્રનાથ ટાગોર હૉલ, મોક્ષગુંડમ વિશ્વેસ્વરૈયા હૉલ અને સિધ્ધરાજ જયસિંહ હૉલ છેલ્લાં બે એક વરસમાં જ ચાલુ થઈ હતી એટલે યુનિવર્સિટીનો જે મુખ્ય હૉસ્ટેલ વિસ્તાર હતો, જેમાં કનૈયાલાલ મુન્શી હૉલ, મનુભાઈ મહેતા હૉલ વિગેરે આવેલા હતા તેનાથી આ હૉસ્ટેલ દૂર હતી. નવી નવી જ થયેલી એટલે બીજી હૉસ્ટેલોમાં એક રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓને એડમિશન આપતા હતા. તેને બદલે અહીં એક રૂમમાં બે વિદ્યાર્થીઓને રહેવા મળતું હતું એટલો ફાયદો હતો. દરેક હૉસ્ટેલમાં ઉપર-નીચે થઈ લગભગ એંસી રૂમ હતી. નીચે ભોંયરૂં હતું જે સાયકલ મૂકવા માટે વપરાતું. જો કે, રૂમ નંબર 39 સુધી એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરવાળા વિદ્યાર્થીઓ સાયકલ પોતાની રૂમની પાછળ જે એટેચ્ડ લૉબી હતી તેમાં જ મૂકતા, જેથી કોઈ અળવીતરૂં કરી અને હવા ન કાઢી નાંખે. હૉસ્ટેલની ઉપર જ બીજા માળે વૉર્ડનનું નિવાસસ્થાન હતું. ભોંયતળીયે હૉલક્લાર્કની ઑફિસ અને પહેલા માળે કૉમન રૂમ જેમાં છાપાં, ટેબલ ટેનિસનું એક ટેબલ અને બેસીને ગપ્પાં મારી શકાય તે માટે પ્લાસ્ટિકની સળીની ગૂંથણીવાળી ખૂરશીઓ હતી. ટેલિવિઝન એ જમાનામાં હતું નહીં. આમ તો ટ્રાન્ઝિસ્ટર રેડિયો રાખવાની મનાઈ હતી, પણ ઑવરસીઝ એટલે કે કેન્યા, યુગાન્ડા જેવા દેશોમાંથી આવતા ઑવરસીઝ વિદ્યાર્થીઓ પાસે ટ્રાન્ઝિસ્ટર અને કેટલાક પાસે તો ટેપ રેકોર્ડર પણ હતાં. આ ઑવરસીઝ વિદ્યાર્થી એક વિશિષ્ટ પ્રકારનું પ્રાણી હતું. જેનાથી આગળ જતાં આપણે પરિચિત થઈશું.
હૉલમાં સામસામે રૂમ. રૂમના પાછળના ભાગમાં બે રૂમને જોડતી લૉબી અને સામસામે રૂમોની હરોળ વચ્ચે પેસેજ હતો. વૉશરૂમ ફેસિલિટી એટલે કે બાથરૂમ, સંડાસ અને વૉશબેઝિન દરેક વિંગમાં અલગથી રહેતાં. શિયાળામાં ગરમ પાણી મળે તે માટે લાકડાં સળગાવીને પાણી ગરમ કરવા માટેનું એક મોટું સેમી બોઈલર જેવું સાધન પણ આ વૉશરૂમ બ્લોકમાં જ રહેતું. હૉસ્ટેલમાં એક રૂમમાં રહેતા વિદ્યાર્થી “રૂમ પાર્ટનર” કહેવાતા. પણ બે રૂમ વચ્ચે પાછળથી લૉબી થકી જોડાયેલા આ બંને રૂમના વિદ્યાર્થીઓ એકબીજાના “લૉબી પાર્ટનર” કહેવાતા. એક જ હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી માટે શબ્દ હતો “હૉસ્ટેલ મેટ”. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી જો તમારૂં નામ ન જાણતો હોય તો તે તમને બોલાવવા માટે “પાર્ટનર” શબ્દનો ઉપયોગ કરતો. વડોદરા એ વખતે યુનિવર્સિટી વિદ્યાર્થીઓનું અને પેન્શનરોનું શહેર ગણાતું. એલેમ્બીક, સારાભાઈ કેમિકલ્સ, વિશ્વામિત્રી ખાતે આવેલ પશાભાઈ પટેલનું હિન્દુસ્તાન ટ્રેક્ટર્સ અને સયાજી આયર્ન એવાં થોડાંક મોટાં ઔદ્યોગિક એકમો હતાં. આ સિવાય યમુના મિલ જેવી મિલ કે પંજાબ સ્ટીલ રોલિંગ મિલ જેવાં એકમો પણ હતાં. આમ છતાંય વડોદરા ઔદ્યોગિક શહેર નહોતું. યુનિવર્સિટી કેમ્પસ અને એમાં ભણતા વિદ્યાર્થીઓ એ વખતમાં વડોદરાની હયાતીનો ધબકતો પ્રાણ હતા. વડોદરા શિક્ષણનગરી તરીકે ખ્યાતિપ્રાપ્ત હતું અને દેશમાંથી તેમજ વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા. વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ગુજરાતમાંથી જ એસ.એસ.સી. પાસ કરેલી હોય તે જરૂરી નહોતું. તે જ રીતે મેડિકલ અને એન્જિનિયરિંગમાં પણ ડાયરેક્ટ એડમિશનનો મારી સમજ મુજબ લગભગ 20% ક્વૉટા હતો જે યુનિવર્સિટીમાં પ્રેપરેટરી સાયન્સમાં આવેલ ટકાવારી મુજબ ભરાતો. બાકીનાં એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ ઉપર આધારિત હતાં. આ પ્રથાની કેટલીક ખામીઓ હશે, પણ મહદઅંશે ખૂબ કોમ્પીટીટીવ પરિસ્થિતિમાંથી પસાર થઈને આવેલા વિદ્યાર્થીઓને કારણે યુનિવર્સિટીનું વાતાવરણ એક ચોક્કસ સ્તર અને ગુણવત્તાવાળું હતું. એ સમયે માત્ર દેશમાં જ નહીં, પણ અમેરિકા અને અન્ય દેશોમાં પણ એમ. એસ. યુનિવર્સિટીનું નામ ખૂબ માનથી લેવાતું. માધવસિંહભાઈના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટી એડમિશન માત્ર ગુજરાતના જ વિદ્યાર્થીઓ માટે સિમિત કરી નંખાયું એનો ઘણો મોટો ફટકો કેમ્પસ લાઈફ અને શિક્ષણની ગુણવત્તા પર પડ્યો છે. આજે એમ. એસ. યુનિવર્સિટી અન્ય સામાન્ય કૉલેજોની માફક જ ચાલે છે અને એન્જિનિયરિંગ કૉલેજની જે બેહાલી થઈ છે તે તો એટલી દયાજનક છે કે લગભગ દોઢસો વરસ જૂની આ સંસ્થાના પરિસરમાં દાખલ થઈએ તો એની દુર્દશા જોઈને ગમગીન થઈ જવાય છે.
વળી પાછા મૂળ વાત પર આવીએ. અમે એસ. જે. હૉલના હોલક્લાર્કને મળ્યા અને ચીફ વૉર્ડનના ત્યાંથી અમને આપવામાં આવેલ ચિઠ્ઠી એને આપી એટલે એમણે રજીસ્ટર ખોલી બધી વિગતોની નોંધ કરી. ત્યારબાદ હૉસ્ટેલ ફી ભરવા માટેની સ્લીપ અમારા હાથમાં પકડાવી. બેંક ઑફ બરોડાની સયાજીગંજ શાખામાં અથવા યુનિવર્સિટી શાખામાં આ ફી ભરી શકાતી હતી. મારા બાપાએ વિનંતી કરી એટલે એમણે પટાવાળાને બોલાવ્યો. એકાદ ખાલી રૂમ ખોલી અમને બતાવવા કહ્યું. મને રૂમ નંબર 36 મળ્યો હતો, પણ એમાં બે સિનિયર વિદ્યાર્થીઓ રહેતા હતા જે એકાદ-બે દિવસમાં કોઈક બીજા હૉલમાં ટ્રાન્સફર થઈ જવાના હતા, પણ તે સમયે બંને બહાર હતા એટલે રૂમને તાળું હતું. અમને બાજુનો રૂમ ખોલીને બતાડવામાં આવ્યો. રૂમમાં બે લોખંડના પલંગ, એક ટેબલ, એક ખૂરશી અને એક સ્ટીલનું પૂરી સાઈઝનું કબાટ હતું. આ કબાટ વચ્ચેથી પરદી નાંખીને બે ભાગમાં વહેંચ્યું હતું. બંનેનાં બારણાં અલગ અલગ તાળું મારીને બંધ કરી શકાતાં હતાં. લૉબી લગભગ છ ફૂટ પહોળી હતી. એને તારની જાળીથી સુરક્ષીત કરાઈ હતી. કપડાં સૂકવવા માટેના બે તાર બાંધેલા હતા. લૉબીના બંને છેડે માટલું મૂકવા માટેનું પાણિયારા જેવું સ્ટેન્ડ હતું. રહેવા આવનાર વિદ્યાર્થીએ ગાદલું, બેડશીટ, ઓઢવા માટેની રજાઈ અથવા ચોરસો, ટેબલ ઉપર પાથરવા માટેનું ટેબલક્લૉથ, ટેબલ લેમ્પ વિગેરે પોતાનું લાવવાનું હતું, જ્યારે માટલું રૂમમાં બંને પાર્ટનરોના સહિયારા ખર્ચથી આવતું. રૂમમાં કચરો વાળવા તેમજ સાફસૂફી કરવા માટે હૉસ્ટેલનો સ્વીપર હતો, પણ કપડાં જાતે ધોવાનાં. બૂટ પોલિશ જાતે કરવાની. પોતાનો નાસ્તો ઘરેથી લાવીને રાખવો હોય તો જાતે લઈ આવવાનો. રૂમ અને લૉબી તેમજ પેસેજ તથા આજુબાજુનું વાતાવરણ જોયું. પ્રથમ દ્રષ્ટિએ જ ખૂબ ગમી જાય તેવું લાગ્યું. અમે હૉસ્ટેલ ક્લાર્કનો આભાર માની બહાર નીકળ્યા.
રીક્ષા કરી બેંક પહોંચ્યા. ફી ભરી દીધી. આ બધું કરતાં સાંજના ચાર – સાડા ચાર થયા. મારે ગાદલું અને બાકીની પોતે લાવવાની વસ્તુઓ સૉપબોક્સ, તેલ, સાબુ, બૂટ પોલિશ અને બ્રશ, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બધું ખરીદવાનું હતું એટલે શહેરમાં માંડવી વિસ્તારમાં પહોંચી ત્યાંથી જરૂરી બધી જ વસ્તુઓ લિસ્ટ મુજબ ખરીદી લીધી. કબાટને મારવા માટેનું તાળું અને રૂમને વાસવા માટેનું તાળું એમ બે સારાં નાની-મોટી સાઈઝનાં પેડલૉક પણ ખરીદ્યાં. ખાસ્સો સામાન થયો. રીક્ષામાં તો આ બધું લઈ જવાય એમ નહતું એટલે એક સાયકલ રિક્ષા ભાડે કરી એમાં બધું મૂકાવી બીજી રીક્ષામાં અમે સવાર થઈ લગભગ સાંજના સાડા સાત વાગ્યે અમે હૉસ્ટેલ પહોંચ્યા. સદનસીબે પેલા બેમાંથી એક વિદ્યાર્થી હાજર હતો. આ ભાઈ પારસી હતો. એનો રૂમ પાર્ટનર પણ પારસી હતો. એણે અમારી સાથે ખૂબ સારી વાત કરી. એ પણ કહ્યું કે, બે-એક દિવસમાં એ બંને જણા રૂમ ખાલી કરી બીજા હૉલમાં જવાના હતા. હું ત્યારબાદ રૂમમાં શીફ્ટ થઈ શકતો હતો. આ રૂમમાં જે રીતે આ બંને વિદ્યાર્થીઓ રહેતા હતા તે જોતાં લાગ્યું કે કોઈ ખૂબ મોટા માણસના દીકરા હશે. મને મારૂં ગાદલું અને બીજો સામાન એક બાજુ મૂકવા માટેની જગ્યા કરી આપી. બાકીની વસ્તુઓ તો એક થેલીમાં હતી જે આ ગાદલાની સાથે જ ખૂણામાં મૂકી દીધી અને અમે ત્યાંથી વિદાય થયા.
ત્રણેક દિવસ બાદ તપાસ કરી તો પેલા બંને ભાઈઓ ત્યાંથી શીફ્ટ થઈ ગયા હતા. બીજા એક વિદ્યાર્થીને મારી રૂમમાં એડમિશન આપ્યું હતું, જે આગલા દિવસે બપોરે જ આવ્યો હતો. એ વિદ્યાર્થીનું નામ હતું દશરથ કોદરલાલ મોદી, વતન ઈલોલ, જીલ્લો સાબરકાંઠા.
આમ, જગ્યા થઈ એટલે અમે જ્યાં ઉતર્યા હતા ત્યાંથી મારી બેગ લઈ આવ્યા અને વિધિવત રીતે એસ. જે. હૉલના રૂમ નંબર 36માં મારો પ્રવેશ થયો. મારા બાપા મહા ખટપટીયો જીવ. હૉસ્ટેલમાં જમવાનું કેવું મળે છે એ તપાસ કરવા રસોડાનો જૂદો બ્લોક હતો ત્યાં પહોંચ્યા અને એમણે કોલંબસની માફક અમેરિકા શોધી કાઢ્યો. રસોડાના મુખ્ય મહારાજ ડાહ્યાલાલ ઉત્તર ગુજરાતના વાલમના વતની હતા. મારા બાપાએ એમની સાથે દોસ્તી કરી લીધી. સાંજે અમે જમવા ગયા. એ વખતે પૂરતા વિદ્યાર્થીઓ ન હોતા એટલે રસોડું કોન્ટ્રાક્ટ પધ્ધતિથી ચાલતું. કોન્ટ્રાક્ટ પધ્ધતિ એટલે મહારાજ જાતે જ નક્કી કરેલા દરે ઉચ્ચક રકમ લઈ જમાડે. નફો થાય તો પણ એનો અને નુક્સાન થાય તો પણ એનું. એ વખતે મહિનાનો કોન્ટ્રાક્ટનો જમવાનો દર 25 રૂ. હતો. આ 25 રૂ.માં બે વખત રોટલી, દાળ-ભાત, શાક અથવા ભાખરી-શાક અને ખીચડી-કઢી જેવું જમવાનું મળે. દર બુધવારે સાંજે ચેઈન્જ હોય એટલે એ દિવસે જમવા ઉપરાંત મર્યાદિત જથ્થામાં બટાકાવડાં, કટલેસ કે એવું કોઈ ફરસાણ મળે. રવિવારે ફીસ્ટ હોય. એક જ વખત બપોરે જમવાનું મળે. એમાં રોટલી, દાળ-ભાત, શાક ઉપરાંત ફ્રૂટ સલાડ, ગુલાબજાંબુ, દૂધીનો હલવો, શ્રીખંડ કે એવી કોઈ મીઠાઈ મળે. મીઠાઈ અનલિમિટેડ એટલે તમારા ગજા પ્રમાણે જેટલી ખાવી હોય તેટલી ખાવ ! એ દિવસે સાંજે મેસમાં જમવાની રજા.
અમે સાંજે મેસમાં જમવા બેઠા. સવલત અને સ્વચ્છતા પ્રમાણમાં સારાં હતાં. પહેલાં કઢીવાળો વાટકીમાં કઢી પીરસી ગયો. પછી ખીચડી આવી. તુવરની દાળની ખીચડી મને હજુ પણ એવી ને એવી યાદ છે. ઘરે લોંદા પડતી ખીચડી ખાવા ટેવાયેલા આ છૂટી ખીચડી અને તેમાંય દાળ થોડી કાઠી. થાળીમાં ખખડે. ખીચડીમાં ઘી બે ચમચી નાંખે. વધુ જોઈતું હોય તો મળે. મને વાસ પરથી સમજણ પડી કે, આ વનસ્પતિ ઘી છે, ચોખ્ખું નથી. ત્યારબાદ ભાખરીવાળો આવ્યો. ઘરે જે સાઈઝની ભાખરી બનતી તેનાથી સાઈઝ નાની, પણ એકદમ કડક. શાક થાળીમાં પીરસ્યું એટલે રસાનો રેલો નીકળ્યો. ભાખરી એવી કડક હતી કે કોઈને છૂટ્ટી મારી હોય તો લોહી કાઢે. એ મારૂં એસ. જે. હૉલના ડાઈનિંગ ટેબલ પરનું પહેલું ભોજન. ખીચડીનો કોળીયો મ્હોંમાં મૂક્યો પાણી જેવી કઢી સાથે ચોળીને. મ્હોંમાં ફર્યા કરે. ભાખરી અહીંની ક્યાં અને અત્યારસુધી માના હાથની સરસ મજાની રેશમ જેવી કૂણી ભાખરી ખાધી હતી તે ક્યાં ? મેં અત્યાર સુધી જમવા માટે જે નખરાં કર્યા હતા – “આ શાક ભાવે અને આ ન ભાવે” એમ કહી માને પજવી હતી, ક્યારેક “નથી ખાવું” કહીને ઊભો થઈ ગયો હતો, આ બધું નજર સામે જીવંત બનીને ઊપસી આવ્યું. મારી આડોડાઈ અને માની મમતા. મારો કકળાટ અને માની સમજાવટ. મારા મગજમાં એક પછી એક જીવંત દ્રશ્ય બનીને ઉપસી આવે. ખાવાનું ભાવે તેવો કોઈ સવાલ જ નહોતો. માંડમાંડ થોડું ખાધું, પણ ખાઈ ન શક્યો. મારી ડાબી-જમણી બેઉ આંખોમાંથી વારાફરતી બે આંસુ મારી થાળીમાં ટપકી પડ્યાં. હું સમજી નહોતો શકતો કઈ રીતે આ પરિસ્થિતિમાં રહેવાશે. માએ જ આવા બધા લાડ કરીને મને બગાડી મૂક્યો છે એવો નાપાક તર્ક પણ મગજમાં ઝબકી ગયો !
સિધ્ધરાજ જયસિંહ હૉલ
મેસ એટલે કે ભોજનશાળામાં સાંજનું ભોજન
મારી હૉસ્ટેલનું આ પહેલું ભોજન
ડાહ્યાલાલ મહારાજ અને મારા બાપા વાતે વળગ્યા હતા
મને કોઈ દિશા સૂઝતી નહતી.
કઈ રીતે રહેવાશે અહીં ?
આ ખોરાક ઉપર 48 કિલોની આ કાયા કેટલું ટકી શકશે ?
શું થશે મારૂં ?
તે સાંજે માત્ર બે કોળિયા ખાઈને મેં પાણી પી લીધું.
મારૂં ડાહ્યાલાલ મહારાજના મેસમાં
આ પહેલું ડિનર હતું.
હૉસ્ટેલ પ્રવેશના પહેલા જ દિવસે જાણે કે મુસીબતોનો મોટો પહાડ
મેસમાં મળતા ભોજન રૂપે મારા પર તૂટી પડ્યો હતો.