Thursday, August 27, 2015
દિવસો ઝડપથી વહેતા જતા હતા. હવે બેકાર બનવાનો પ્રશ્ન નહોતો સતાવતો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો એપોઈન્ટમેન્ટ ઓર્ડર હાથમાં હતો. હવે જે ચિંતા સતાવતી હતી અને દિવસે દિવસે મારી વ્યાકુળતામાં વધારો કરતી હતી તે વડોદરા છોડવું પડશે તે અંગેની હતી. દિવસે દિવસે આ શહેરની એકેએક વિશેષતા વધુને વધુ તીવ્રત્તમ બની અને પડઘાતી હતી. ફેકલ્ટીમાં એપ્લાઈડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટ, નવરાશનો અમારો અડ્ડો સોઈલ મિકેનિક્સ લેબોરેટરી, જ્યાં વિદ્યાર્થીઓને ભણાવતા તે વર્ગખંડ, બ્રુનેલ હાર્ડનેસ ટેસ્ટથી માંડીને યંગ મોડ્યુલસ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અંગેના નિદર્શન બતાવતાં હતાં તે લેબોરેટરી, જેને બરાબર મેઈન્ટેન કરીને ચકચકાટ રાખતા અને કોઈને અડવા ન દેતા મટીરીયલ ટેસ્ટીંગ લેબોરેટરીના આત્મા જેવા ડાહ્યાભાઈ પંચાલ અને એમનું યુનિવર્સલ ટેસ્ટીંગ મશીન આ બધું નજર સામેથી સિનેમાની પટ્ટી પસાર થતી હોય તે રીતે એક ચલચિત્રની માફક પસાર થઈ જતું. અમારી ફ્રેન્ડસ ક્લબના નામે બચત મંડળી ચાલતી. એના મુખ્ય પ્રણેતાઓ જેવાં કે રશ્મિન પુરોહિત, રમેશ શાહ, નરેશ શાહ વિગેરે અને બાજુના જ સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના જી.એન. શાહ, પરમાર અને સવાણી સાહેબ જેવા મિત્રો. સવાણી સાહેબ પાસે હું પણ ભણ્યો હતો. સહેજ ભારે શરીર, ઝીણી પણ તેજસ્વી આંખો, ઘઉંવર્ણો રંગ અને બેઠી દડીનો બાંધો ધરાવતા સવાણી સાહેબની વિશેષતા એ હતી કે તેઓ દરેક વિદ્યાર્થીને રોલ નંબરથી યાદ રાખતા અને બોલાવે ત્યારે એ જ રીતે બોલાવતા. કદાચ આ કારણે જ મને મારો ફાઈનલયરમાં રોલ નંબર એકસો બાવીસ હતો તે હજુય યાદ છે. સવાણી સાહેબની આ વિશીષ્ટતા હતી. કેટલાક બીજા ડિપાર્ટમેન્ટમાં પણ મિત્રો બનાવેલા અને એ રીતે એન્જિનિયરીંગ કોલેજમાં મારા નોકરીના કુલ સમયગાળાના પ્રમાણમાં ઠીક ઠીક મોટું મિત્રવર્તુળ ધરાવવાનું સદભાગ્ય મને મળ્યું હતું. હવે આ બધું છુટી જવાનું એ વિચારમાત્ર દુઃખદાયક હતો. આમેય પ્રકૃતિનો નિયમ છે કે બદલાવની કોઈપણ પ્રક્રિયાને આપણે સહેલાઈથી સ્વીકારતા નથી અને એટલે બદલાવની ઘડી સુધી ખાસ અગત્યતા ન ધરાવતી વસ્તુઓ એકાએક અગત્યની બની જતી હોય છે. જેમ જેમ દિવસો વીતતા જતા તેમ તેમ હું આ પ્રક્રિયાની તીવ્રતા અનુભવતો જતો. ક્યારેક લાગતું કે પીએચડી કરવાનું બાજુ પર મુકી અને એક ક્ષણિક આવેશમાં ભરાયેલ આ પગલું ક્યાંક મુશ્કેલી તો નહીં સર્જે ને ?
જેમ કોલેજના વાતાવરણ માટે આવા વિચારો આવતા તે જ રીતે શહેરની બીજી કેટલીક જગ્યાઓ હતી જે છુટી જવાનો રંજ દિલને કોરી ખાતો હતો. આ શહેરમાં હું આવ્યો તે પહેલાં એકપણ અંગ્રેજી પિક્ચર જોયું નહોતું. અહીં આવ્યા બાદ એ શરુઆત થઈ કમ સપ્ટેમ્બર અને પેનીક ઈન બેંગકોક જેવાં ચલચિત્રોથી. ચાર્લી ચેપ્લિન અને જેરી લુઈસ જેવા હાસ્ય કલાકારોનાં ચલચિત્રો પણ જોયા તો રિચાર્ડ બર્ટન અને લીઝ ટેલરના પ્રમાણમાં વધુ ડાયલોગ અને રોમાન્સ ધરાવતાં પિક્ચરો પણ જોયાં. પણ ધીરે ધીરે હું વળી રહ્યો હતો સીન કોનોરી એટલે કે જેમ્સ બોન્ડના દિલધડક સાહસો તરફ અને ત્યારબાદ મારો અત્યંત રસનો વિષય બન્યાં બીજા વિશ્વયુદ્ધને કંડારતાં ગન્સ ઓફ નેવેરોન, ધી બ્રીજ ઓન રિવર ક્વાઈ, વોનરોયન્સ એક્સપ્રેસ, ધ લોંગેસ્ટ ડે, પેટન, વ્હેર ઈગલ્સ ડેર, ટોરા ટોરા ટોરા જેવાં દિલધડક યુદ્ધ દ્રશ્યોને કંડારતા ચલચિત્રો. આજે મારો આ વારસો અને શોખ મારા મોટા દિકરાએ જાળવ્યો છે. એની પાસે ખૂબ મોટું કલેક્શન ધરાવતી વોર મુવીઝની લાયબ્રેરી છે જેને કારણે ક્યારેક ક્યારેક મને આ ચલચિત્રો જોવાનો લાભ મળતો રહે છે. તે સમયના વોર હિરો જનરલ પેટનના જીવન ઉપરથી ઉતરેલ ચલચિત્ર પેટન મારું સહુથી વિશેષ પ્રિતિપાત્ર ચલચિત્ર છે. આ ઘટનાઓમાં નાની નાની વાતો અને એનાં મોટા પરિણામ દર્શાવતો બોધપાઠ એક મોટા મેનેજમેન્ટ શિક્ષક કે વહિવટ અને આયોજનના નિષ્ણાતની ગરજ સારે છે. પેટનનો જ દાખલો લઈએ તો એનો કર્ટન રેઝર ડાયલોગ કંઈક આ પ્રમાણે છે. નેપથ્યમાંથી અવાજ આવે છે – “નો બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય ડાઈંગ ફોર હીઝ કન્ટ્રી, અ બ્લડી બાસ્ટર્ડ કેન વીન ધ વોર બાય મેકીંગ અધર્સ ટુ ડાઈ ફોર હીઝ કન્ટ્રી” અર્થ થાય તમે તમારા દેશ માટે ફના થઈ જઈ કોઈ યુદ્ધ જીતી શકતા નથી. તમે બીજાને (તમારા દુશ્મનને) તમારા દેશ માટે ફના કરી નાંખી (મારી નાંખી)ને જ યુદ્ધ જીતી શકો છો. કેટલો સરસ અર્થ આમાંથી નીકળે છે. જ્યારે જ્યારે કોઈ ઝઘડામાં મેં કોઈને “આમ કરવું હશે તો મારી લાશ પરથી પસાર થઈને કરવું પડશે” કહેતા સાંભળ્યા છે ત્યારે મને હંમેશા પેટન યાદ આવ્યો છે. યુદ્ધ જીતવા માટે લડાય છે આ વાત યાદ રાખીને ધીરજથી દુશ્મન કેમ ફના થાય એ જ અંતિમ ધ્યેય હોવું જોઈએ. કોઈપણ યુદ્ધ જાતે મરીને જીતી શકાતું નથી અને જીતાય તો આપમુઆ ફીર ડૂબ ગઈ દુનિયા એ સિદ્ધાંત મુજબ તમારે માટે એનો કોઈ અર્થ નથી. સિર સલામત તો પગડિયાં બહુત એ ન્યાયે શિવાજી મહારાજને ગેરીલા યુદ્ધના પ્રછન્ન યોદ્ધા તરીકે પ્રસ્થાપિત કરી દીધા હતા તે આપણે ભુલવું ન જોઈએ.
આ ચલચિત્રનો અંત પણ ઘણુ બધું કહી જાય છે. અંતમાં દિગ્દર્શક પૂછે છે “બીજું વિશ્વયુદ્ધ તો પૂરું થયું પછી જનરલ પેટનનું શું થયું ?”
નેપથ્યમાંથી જવાબ મળે છે “પેટન વોઝ એ પ્રોડક્ટ ઓફ વોર વીથ વોર હી ફ્લરીશ્ડ, વીથ ધ એન્ડ ઓફ વોર હી ડીસઅપીયર્ડ ઈન ટુ ધ ઓબ્લીવીયન.”
અર્થાત્ પેટન એ યુદ્ધની પેદાશ હતો. યુદ્ધની સાથે એ ખીલ્યો અને યુદ્ધનો અંત આવતાં એ અનંતમાં વિલીન થઈ ગયો.
આના પરથી સમજવું જોઈએ કે ગમે તેટલી સફળ વ્યક્તિ હોય એના જીવનમાં સફળતા કોઈ એક કારણ સાથે જોડાયેલ હોય છે. જેનો ઉદય છે તેનો અંત નિશ્ચિત છે. આપણે આ સમજતા નથી. સાદો દાખલો લઈએ તો એક સફળ વ્યક્તિ પોતાની કારકીર્દી અને પોતે કઈ રીતે સફળ થયો તે જ ઢબ એના સંતાનો પર લાદવા ઈચ્છે છે. એ સમજવાની એની તૈયારી નથી કે બાળકો મોટાં થયાં છે. નવા યુગનો ઉદય થઈ ચુક્યો છે. આ પરિસ્થિતિમાં એ કેટલો પ્રસ્તુત છે અને કેટલો સ્વીકૃત બનશે તેનો ક્યાસ પોતે જ કાઢી લેવો જોઈએ. પક્ષીનાં બચ્ચાં પણ મોટાં થતાં પોતાનું આકાશ શોધી લે છે તો તમે પ્રસ્તુત ન હોવ છતાંય તમારા વિચારો કે તમારી જાતને કુટુંબ પર લાદવાનો પ્રયત્ન શા માટે કરો છો ? એવું કહેવાય છે કે સોળ વરસના પુત્રને (કે પુત્રીને) મિત્ર માનવાં જોઈએ. હવે કદાચ એને તમારી ટેકણ લાકડીની જરુર નથી. એ જાતે જ દોડતાં શીખી ગયો છે અને એ પોતાની જાતે દોડે એમાં જ એનું હિત છે. તમે એને જરુર લાગે તો એના મિત્ર કે સલાહકાર જરુર બની શકો પણ મને પૂછતો જ નથી અથવા મને આ કહ્યું જ નથી એવું બધું વિચારી દુઃખી થશો તો બાવાનાં બન્ને બગડશે.
એક વિખ્યાત ક્રિકેટરે ક્યારે નિવૃત્ત થવું એ વિશે વિચાર વ્યક્ત કરતાં કહ્યું છે કે “યુ શુડ ક્વીટ વ્હેન પીપલ આસ્ક યુ વ્હાય ? રાધરધેન વ્હેન ?” અર્થાત્ કોઈપણ ક્ષેત્રમાંથી સમયસર હાથ પાછો ખેંચી લો. ધંધાની સોંપણી કરવાની છે યોગ્ય ઉંમરે થઈ જ જવી જોઈએ. આખી જીંદગી બળદની માફક વળગ્યા રહેશો તો જીવશો ક્યારે ? સંતાનો અથવા તમારા સાથે કામ કરતા વ્યક્તિઓ કે સમાજ તમને પૂછે કે અરે ! શું આટલી બધી ઉતાવળ છે મહેફિલમાંથી ઉભા થઈ જવાની. બસ ત્યારે જ ચાલવા માંડજો. પાથરણા ઉંચકવા બેસી રહેવાની કોઈ જરુર નથી. જીવન છેવટે તો ગમે તેટલું સફળ હોય અનંતમાં ભળી જ જવાનું છે તો પછી નિજાનંદના ચિરંજીવ આનંદ સાથે શા માટે રમતમાંથી નિવૃત્ત ન થવું ?
આવું જો નહીં કરો તો સમય તમને અપ્રસ્તુત બનાવી દેશે. સમય કોઈનું માનતો નથી, કોઈનું સાંભળતો નથી એ એનું કામ કરે જ જાય છે. તમે જો એમ માનતા હો કે આ દુનિયાને તમારા વગર ચાલવાનું નથી તો સમજી લો કે તમારા કરતાંય વિશેષ પ્રતિભાશાળી અને તાકાતવર વ્યક્તિત્વો આ ધરાતળ પર આવ્યાં અને પેટનની માફક કાળની ગરતામાં વિલીન થઈ ગયાં. અંતિમ સત્ય કહેતી પંક્તિ “યે મિટ્ટી સભી કી કહાની કહેગી, ન રાજા રહેગા ન રાની રહેગી” છેવટે સત્ય બનીને ઉભરે છે અને એટલે પેટન ચલચિત્રના અંતમાંથી હું એટલું જરુર શીખ્યો છું કે જે કંઈ કરતા હો તેમાંથી સમયસર વિદાય થઈ જાવ. મુક્ત બનીને જીવો ખાલી ભાર વેંઢારતું પશુ ન બનો.
ક્યારેક ક્યારેક હિન્દી ચલચિત્રો જોવાં પણ ગમતાં. મારા વડોદરાના વસવાટ દરમ્યાન તે સમયે નવાં ચલચિત્રો જોવાનો મોકો મળ્યો હતો જેમાં ગાઈડ, સંગમ, લીડર, મિલન, હિમાલય કી ગોદ મેં, હરે રામ હરે કૃષ્ણ, તેરે ઘર કે સામને, આઈ મિલન કી બેલા, ઝંઝીર, દિવાર જેવાં નવા ચલચિત્રો અને રાજકપૂર, દિલીપકુમાર અને રાજેન્દ્રકુમારના જીસ દેશ મેં ગંગા બહતી હૈ, ગંગા જમના, ધૂલ કા ફૂલ, નયા દોર જેવાં જૂનાં ચિત્રોનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્ર અને મેગાસ્ટાર રાજેશ ખન્ના પણ મારા પ્રિય કલાકાર રહ્યા છે. મારા રુમમેટ ડો. ઈન્દ્રવદન શાહને લગભગ ગાંડો કહી શકાય એટલો ચલચિત્રોનો શોખ હતો. બાજુની રુમમાં રહેતો જશભાઈ ભગત અને આ ઈન્દ્રવદન શાહ રવિવારનો મેટની શો પણ ભાગ્યે જ છોડતા. પરીક્ષા આવે ત્યારે આ મિત્રોનો અંતરઆત્મા જાગતો અને નક્કી કરતા કે હવે બે ત્રણ મહિના કોઈ પિક્ચર જોવા જવાનું નહીં. આમાં એ લોકો અપવાદ રાખતા. અપવાદ એટલે કે આગામી બે મહિના કોઈ પિક્ચર જોવું નહીં સિવાય કે પિક્ચર એકદમ સારું હોય, કોઈ ગેસ્ટ આવ્યા હોય અથવા વાંચીને કંટાળ્યા (બોર થઈ ગયા) હોય. હવે અનુકૂળતા પ્રમાણે કોઈ કારણ તો હાથવગુ મળી જ રહે ને ? જો કે પોતાના નિર્ણયમાં એ મક્કમ હતા અલબત્ત અપવાદ સાથે !
ક્યારેક એ સમયનું સમજ વગરનું ગાંડપણ તો ક્યારેક કોઈ એક કલાકાર માટેનો અનહદ પ્રેમ પણ આ ચલચિત્રોમાં ખેંચી જવાનું કારણ બનતા. આ સંદર્ભમાં બે પ્રસંગ યાદ આવે છે. પહેલો શમ્મી કપૂર મારો ખાસ ચહિતો કલાકાર. એનાં બધાં જ ચલચિત્રો મેં એક કરતાં વધુ વખત જોયા છે પણ એમાં સહુથી વધારે ગમ્યું “જંગલી”. શમ્મી કપૂર અને સાયરાબાનુનું આ પિક્ચર મેં ઓગણત્રીસ વખત જોયું છે ! આને ગાંડપણ કહેવાયને ? એમાં પણ મહારાણી શાન્તાદેવી ટોકિઝમાં ચાલતું આ ચલચિત્ર એક જ દિવસમાં ત્રણે ત્રણ શોમાં જોવાનો રેકોર્ડ હું ધરાવું છું. આટલું જ પૂરતું નથી. આ રેકોર્ડ એક જ સીટમાં બેસીને મેં કર્યો છે અને એ માટે ત્રણે ત્રણ શોની એક જ સીટનું એડવાન્સ બુકીંગ ખૂબ જહેમતથી કરાવી મેં આ વિક્રમી સિદ્ધિ મેળવી છે. આજ રીતે ફિલ્મ બ્રહ્મચારીનું “ચક્કે પે ચક્કા, ચક્કે પે ગાડી, ગાડી મેં નીકલી અપની સવારી....” ગીતનું શૂટીંગ કમાટીબાગમાં બેબી ટ્રેનમાં થયું તે જોવા માટે ત્યાંના ચોકિયાતને સાધી એને ખિસ્સા ખરચીના પૈસા આપી સાવ મેલાઘેલાં કપડાં પહેરી મજૂર જેવા વેશમાં એની સાથે રહીને આખુંય શૂટીંગ જોયું અને શમ્મી કપૂરની નજદીકી પણ ધરાઈને માણી. મજા આવી ગઈ !
આજ રીતે ફિલ્મ સંગમમાંથી અત્યંત લોકપ્રિય ગીત “મેં કા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા....” કપાઈ જવાનું છે એવી અફવા હતી એટલે સવારે અગિયાર વાગ્યાથી લાઈનમાં ઉભા રહી રાત્રે આઠ વાગ્યે ટિકિટ મેળવી સિનેમા હોલમાં જગ્યા લીધી ત્યારે થાકીને લોથ થઈ ગયો હતો. પરિણામ ? પેલું ગાયન તો ક્યારે આવ્યું ખબર નહીં પણ પિક્ચર શરુ થયું એની થોડી જ વારમાં ઘસઘસાટ ઉંઘી ગયો. મહેનત માથે પડી !!
આ ગાંડો શોખ બહુ લાંબો ચાલ્યો નહીં. માનુ છું કે અર્થશાસ્ત્રમાં આવતો ઘટતા જતા સંતુષ્ટિ ગુણનો નિયમ એને લાગુ પડ્યો હશે. 1979 પછી માત્ર ત્રણ જ ચલચિત્રો થિયેટરમાં જોયા છે. કોણ જાણે કેમ ચલચિત્ર જોવાની મનોવૃત્તિ જ મરી પરવારી છે.
આવું જ વડોદરામાં એક અગત્યનું સ્થાન હતું કમાટીબાગમાં વચ્ચોવચ્ચ આવેલું મ્યુઝીયમ. વ્હેલનું હાડપિંજર અને મમીથી માંડી અનેક આકર્ષણો ધરાવતું આ મ્યુઝીયમ મારા માટે આજે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મેં આ મ્યુઝીયમમાં સંગ્રહાયેલ ઐતિહાસિક વસ્તુઓ સામે ઉભા રહીને ભૂતકાળને વાગોળવામાં કલાકોના કલાકો કાઢ્યા છે. એની ચિત્ર ગેલેરી અને એમાં મુકાયેલા પેઈન્ટીંગ્સથી માંડીને ઘણુ બધું મહારાજા સયાજીરાવ ગાયકવાડ કેટલા દીર્ઘદ્રષ્ટા રાજવી હતા તેની સાક્ષી પુરે છે. મને હજુય સમજાતુ નથી કે સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના સર ભગવતસિંહજી, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જેવા દીર્ઘદ્રષ્ટા રાજવીઓ એમના શાસનકાળમાં ઘણાં બધાં સંભારણા આપી ગયા છે કે જે ઈતિહાસમાં અમર વારસા જેવાં શોભી રહ્યાં છે. સર સયાજીરાવનું સુશાસન, ભગવતસિંહજીનું અનુશાસન અને વિદ્વત પ્રેમ તેમજ કૃષ્ણકુમારસિંહજીની વૈશ્વિક વિકાસ સાથે બાથ ભીડવાની દ્રષ્ટિ હવેના શાસકોમાં કેમ દેખાતી નથી? એમણે જે વારસો મુક્યો એની તોલે આવે એવું એક કામ આઝાદીના લગભગ સાત દાયકામાં ગુજરાતમાં થયું છે ખરું ? શું કહીશું આને, નિંભરતા કે પછી ક્ષમતાની દેવાળીયાગીરી?
વળી પાછા મૂળ વાત પર આવીએ. આ બધું જ હવે દસેક દિવસમાં પાછળ છુટી જવાનું હતું. મને વિદાય સમારંભ આપવા માટેની તૈયારીઓ પણ થવા માંડી હતી. બરાબર તે જ અરસામાં એક બીજી ઘટના બની. જે મારા ભાવિને ક્યાંક જુદા રસ્તે વાળવાની હતી. લાગ્યું પેલો વરતારો કરનારો ફરી એકવાર સાચો પડવાનો હતો. રાજચિહ્ન મારું ભાવિ પોતાની સાથે જોડવા માટે મને બોલાવી રહ્યું હતું. કંઈક એવું બન્યું જે મેં પણ નહોતું ધાર્યું. આ ઘટનાને પરિણામે બે શક્યતાઓ ઉભી થઈ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની નોકરીમાં જોડાવાની સામે બીજો વિકલ્પ ખુલ્યો હતો. આ વિકલ્પનું સહુથી સારું પાસું તે એ હતું કે એનાં ફલસ્વરુપે કમ સે કમ હાલ તો વડોદરા છોડવું પડે તેમ નહોતું. એવું શું બન્યું હશે ?