આજે લગભગ ૯૦ હજાર ભારતીય ઓસ્ટ્રેલીયામાં વસે છે. ઓસ્ટ્રેલીયામાં વસતા દર ૧૦૦માંથી ૩ વ્યક્તિ ભારતીય છે. ઓસ્ટ્રેલીયા ભણવા જનાર ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટી છે. એમાં ૧૭ ટકા વિદ્યાર્થી ગુજરાતના છે. યોગાનુયોગ મારા મોટા દીકરા અને પુત્રવધુ લગભગ ૭ વરસ જેટલો લાંબો સમય ઓસ્ટ્રેલીયામાં મેલબોર્ન શહેરમાં રહ્યાં છે અને ત્યાંની વિશ્વવિખ્યાત મોનાશ યુનિવર્સિટીમાંથી બંનેએ ઇન્ફોર્મેશન ટેકનૉલોજી અને મેનેજમેન્ટની અનુસ્નાતક ડિગ્રી મેળવી છે. આમ, ઓસ્ટ્રેલીયા ભારત સાથે વધુ નિકટતા મેળવતો જતો દેશ છે અને ભવિષ્યમાં જેમ અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓનું ત્યાંની અર્થવ્યવસ્થામાં જે પ્રદાન છે તેવું જ આવનાર એક-બે દાયકામાં ઓસ્ટ્રેલીયામાં પણ ગુજરાતીઓ પોતાનું સ્થાન જમાવે તેવી ઉજ્જવળ શક્યતાઓ આજે ઊભી થઈ છે.
ઓસ્ટ્રેલીયાનો એક જમાનામાં ક્રિકેટ વિશ્વમાં ડંકો વાગતો હતો. ડોન બ્રેડમેન આજે પણ ક્રિકેટરોના આરાધ્યદેવ ગણાય છે. કેટલાંય વરસો પહેલાં સચિન તેંડુલકર સર ડોન બ્રેડમેનને મળ્યા ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
આપણે જેને ક્રિકેટનો ભગવાન માનીએ છીએ તેવા ભારતરત્ન સચિન તેંડુલકર દ્વારા જ્યારે ‘ઓલ ટાઈમ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન’માંથી ડોન બ્રેડમેને પોતાની પસંદગી કરી તે સંદર્ભમાં કહ્યું છે કે એ ટીમનો ફોટોગ્રાફ એના માટે અમુલ્ય છે. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ટોની એબોટની હાજરીમાં સર ડોન બ્રેડમેનને ભાવુક બનીને યાદ કરતાં આ બનાવનો ઉલ્લેખ કરતાં એને પોતાનું સૌથી મોટું સન્માન ગણતાં કહ્યું હતું કે - "Coming back to the greatest compliment that I have received in my life was without any doubt was from Sir Don"
૧૯૫૯ ડિસેમ્બરની ૧૯થી ૨૪ તારીખ આપણા દેશના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે અંકિત થઈ. રીશી બેનોર્ડની કેપ્ટનશીપ નીચે ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી હતી. કોલીન મેકડોનાલ્ડ, નીલ હાર્વે, નોર્મન ઓનીલ, પીટર મેકે, એલન ડેવિડસન, લીન્ડસે ક્લીન, ઇઆન મેકે, જી.એસ.રોરકે અને બેરી જારમન (બીજા વિકેટકીપર), પોટર બર્જ જેવા ધરખમ ખેલાડીઓ સાથે ભારતના પ્રવાસે આવેલ ઓસ્ટ્રેલિયન ટીમનો દુનિયાભરમાં દબદબો હતો. સામે આપણી ભારતીય ટીમમાં જી.એસ.રામચંદની કેપ્ટનશીપ હેઠળ પંકજ રોય, નરી કોન્ટ્રાકટર, પોલી ઉમરીગર, અબ્બાસઅલી બેગ, ચંદુ બોરડે, આર.બી.કીની, બાપુ નાડકર્ણી, ત્હામણે, જસુ પટેલ અને સુરેન્દ્રનાથ જેવા ખેલાડીઓ હતા. આપણી ટીમ ‘ફેધર વેટ’ એટલે કે સાવ કાઉન્ટી ટીમ જેવી હળવી ફૂલ ગણાતી હતી. ભારત મેચ જીતે એવી તો કલ્પના જ ન હોય. પણ હારે નહીં અને મેચ ડ્રોમાં જાય તો પણ મોટી સિધ્ધી ગણાય એવી આપણી ટીમની છાપ હતી. પણ કાનપુરની આ બીજી ટેસ્ટ મેચમાં જાણે કે ચમત્કાર સર્જાયો. અને એ ચમત્કારની કથા લખનાર બોલર જસુ પટેલ આપણો ગુજરાતી હતો. બાળપણમાં રમતાં રમતાં આંબાના ઝાડ પરથી પડી જવાને કારણે એને કાંડામાં ઇજા થયેલી. આ ઇજા પૂરેપુરી દુરસ્ત તો ન થઈ પણ એણે જસુ પટેલને રિસ્ટ સ્પિનર તરીકેની એક મોટી ક્ષમતા ઊભી કરી આપી જેના બળે એ કાંડું એ રીતે ઘુમાવીને બોલિંગ કરી શકે કે સામેનો બેટ્સમેન છેતરાઈ જાય. આ જસુ પટેલની બોલિંગે કાનપુરમાં કમાલ કરી. ભારતના પહેલા દાવમાં ૧૫૨ રન થયા તે સામે ઓસ્ટ્રેલીયાએ ૨૧૯ રન નોંધાવી ૬૭ રનની સરસાઈ મેળવી. બીજી ઇનિંગમાં ભારતનો દેખાવ પ્રમાણમાં સારો રહ્યો. કુલ ૨૯૧ રન થયા. આમ, ઓસ્ટ્રેલીયાને જીતવા માટે ૨૨૫ રન કરવા જરૂરી હતા. કોઈ પણ જાણકારે કહ્યું હોત કે ઓસ્ટ્રેલીયા માટે આ લક્ષ્યાંક મુશ્કેલ નહોતું. પહેલી ઇનિંગમાં જસુ પટેલે ૩૫ ઓવર અને ૫ દડામાં ૬૯ રન આપી ૯ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ૨૫ ઓવર અને ૪ દડામાં ૫૫ રન આપી ૫ વિકેટ લીધી. આમ કુલ ૧૨૪ રનમાં ઓસ્ટ્રેલીયાની ૧૪ વિકેટ જસુ પટેલે ઝડપી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલીયા માત્ર ૧૦૫ રને ખખડી ગયું અને ભારતનો ૧૧૯ રનથી ભવ્ય વિજય થયો. ઓસ્ટ્રેલીયા સામે ભારતમાં ટેસ્ટ રમતા ભારતનો આ પહેલો અને ઐતિહાસિક વિજય કાનપુર ખાતે નોંધાયો. અને એ વિજયનો આર્કિટેક્ટ એક ગુજરાતી જસુ પટેલ ઇતિહાસના પાને અમર થઈ ગયો. ત્યાર પછીના ત્રીજા કે ચોથા દિવસે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન સામે ઓસ્ટ્રેલીયા ટીમ અમદાવાદ ખાતે ત્રણ દિવસીય મૈત્રી મેચ રમી. ક્રિકેટના મારા શોખને પોષવા મારા બાપાએ મને અમદાવાદ એચ. એલ. કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર મેટીંગ વિકેટ પર રમાયેલી (એ વખતે હજુ સ્પોર્ટ્સ ક્લબનું સ્ટેડિયમ બન્યું ન હતું) મેચ જોવા મોકલ્યો હતો. ત્રણ દિવસની સિઝન ટિકિટના ખાસ્સા રૂપિયા પાંચ ખર્ચીને ૧૯૫૯ના ડિસેમ્બરના અંતમાં જોયેલી આ મેચ કોઈ પણ વિદેશી ટીમ સામે આપણી ટીમ રમતી હોય તેવી મેં જોયેલી પહેલી મેચ હતી. મારી ઉંમર એ વખતે ૧૨ વરસ હતી. ત્યાર પછી તો અનેક ટેસ્ટ મેચ દુનિયાના સારામાં સારા મેદાન એટલે MCG અને લોર્ડસ કે પછી દેશમાં બ્રેબોન, વાનખેડે કે મોટેરા સ્ટેડિયમ પર જોઈ છે પણ ઓસ્ટ્રેલીયાની આ ટીમને રમતી જોવાનો રોમાંચ અનેરો હતો. આ મેચમાં એ વખતના ઊગતા સિતારા નોરમન ઓનીલે નાબાદ રહીને બેવડી સદી નોંધાવી હતી અને છેલ્લા દિવસે થોડી ઓવરો બોલિંગ નાખનાર જસુભાઈની બોલિંગને રીતસરની ઝૂડી નાખી હતી એ વાત આજે પણ સ્મરણમાં છે.
આટલી લંબાણ પૂર્વભૂમિકા પછી આજની વાત પર આવું. આજે દિવસની શરૂઆત સવારે ૧૧.૩૦ વાગ્યે ઓસ્ટ્રેલીયાના મુંબઈ ખાતેના કોન્સુલ જનરલ શ્રીમાન ટોની હયુબર, નાયબ કોન્સુલ જનરલ શ્રીમાન ક્રિસ એલીંગર અને ન્યુ સાઉથ વેલ્સ ગવર્નમેન્ટના ભારત ખાતેના ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ કમિશનર શ્રી રોહિત મનચંદા સાથેની મુલાકાતથી થઈ. ઓસ્ટ્રેલીયા ભારતમાં વધુને વધુ રસ લેતું થતું જાય છે. એના પુરાવારૂપ એમણે ‘An India Economic Strategy to 2035 : Navigating from Potential to Delivery’ ટાઇટલ હેઠળ એક વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે તેના પરથી આવે છે. આવનાર સમયમાં ભારત અને ચીનના વિશ્વના GDPમાં વધનાર પ્રદાન અંગે આ અહેવાલમાં સ્પષ્ટ આગાહી કરવામાં આવી છે. ભારતની અર્થવ્યવસ્થાને લગતી ખૂબ મહત્વની આગાહીઓમાંથી એક, કોઈ પણ સરકાર હોય ભારતનું વલણ વિદેશી રોકાણોને આવકારવાનું રહેશે, તે છે. એક રસ પડે તેવી બાબત ઓસ્ટ્રેલીયામાં ભારતીય ભાષાઓ કેટલી બોલાય છે તે અંગેની વાત છે. ઓસ્ટ્રેલીયામાં વસતાં ૪,૫૫,૩૮૯,(કુલ વસતિના ૧.૯ ટકા) ભારતમાં જન્મેલા છે. જ્યારે કુલ ૬,૭૫,૬૫૮,(કુલ વસતિના ૨.૮ ટકા) ભારતીય મૂળ સાથે જોડાયેલ વ્યક્તિઓ છે. આમ ભારતમાં જન્મેલા અથવા ભારતીય મૂળ સાથે જોડાયેલ વ્યક્તિઓ ઓસ્ટ્રેલીયામાં સ્થળાંતર કરતી પ્રજામાં ચોથા નંબરે છે અને ૨૦૦૬થી ૨૦૧૬ વચ્ચે સરેરાશ ૧૦.૭ ટકાના દરે વધ્યા છે. એક બીજી રસપ્રદ બાબત એ છે કે ૨૦૩૧માં આપણા ભારતમાં જન્મેલા ભારતીય મૂળના લોકોની વસતિ લગભગ ૧૪ લાખે પહોંચશે અને ચીનમાં જન્મીને ઓસ્ટ્રેલીયામાં આવીને વસેલ લોકોની સંખ્યાને વટાવી જશે. આમાંથી ૪૮ ટકા ભારતમાં જન્મેલા લોકો ઓસ્ટ્રેલીયાના નાગરિકો બની ચૂક્યા છે. આ ઉપરાંત ભારતમાં જન્મેલા અને હાલ ઓસ્ટ્રેલીયામાં રહેતા લોકોમાં ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ છે.
મજાની વાત તો એ છે કે ભારતમાં જન્મેલા અને ઓસ્ટ્રેલીયામાં રહેતા લોકોમાંથી ૫૮ ટકા ગ્રેજ્યુએટ અથવા એથી ઉપરની ડિગ્રી ધરાવે છે જે ઓસ્ટ્રેલીયાની ૨૨ ટકાની સરેરાશ કરતાં ત્રણ ગણી વધારે છે.
આથીય મજાની વાત તો એ છે કે આમાંથી લગભગ કોઈ બેકાર નથી. કામ કરવાલાયક ભારતીયોમાંથી ૮૮ ટકા નોકરી ધંધે લાગેલા છે. આમાંથી ૬૧ ટકા પૂર્ણકાલીન અને ૨૭ ટકા પાર્ટટાઈમ કામ કરે છે.
ભારતમાં જન્મેલ અને હાલ ઓસ્ટ્રેલીયામાં રહેતા આપણા લોકોની આવક પણ ખાસ્સી છે. બ્રિટનમાંથી આવેલ સ્થળાંતરીત લોકો બાદ ભારતમાં જન્મી ઓસ્ટ્રેલીયા ગયેલા ભારતીયો બીજા નંબરના સૌથી વધુ ટેક્સ ભરનાર લોકો છે. એ લોકોએ ૨૦૧૧-૧૨માં ૭.૯ અબજ ડોલર અને ૨૦૧૩-૧૪માં ૧૧.૯ અબજ ડોલર ટેક્સ તરીકે ભર્યા છે.
મોટા ભાગની આપણી વસતિ વિક્ટોરિયા, ન્યુ સાઉથ વેલ્સ, પશ્ચિમ ઓસ્ટ્રેલીયા, ક્વિન્સલેન્ડ અને દક્ષિણ ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થઈ છે જેમાંથી કુલ ૨/૩ જેટલી વસતિ વિક્ટોરિયા અને ન્યુ સાઉથ વેલ્સ રાજ્યોમાં રહે છે.
ઓસ્ટ્રેલીયામાં ભારતીય ભાષાઓમાંથી સૌથી વધુ હિન્દી બોલાય છે (૧.૪ લાખ), ત્યાર બાદ પંજાબી (૧.૨૫ લાખ), પછી મલયાલમ (૫૨ હજાર), ત્યાર બાદ ગુજરાતી (૫૦ હજાર) અને પછી તામિલ, તેલુગુ, ઉર્દુ, મરાઠી, કન્નડા અને બંગાળી ભાષા બોલાય છે. આમ, માત્ર ગુજરાતી ભાષાની વાત કરીએ તો આપણે ચોથા નંબરે છીએ પણ હિન્દી સાથે જોડીને જોઈએ તો ઓસ્ટ્રેલીયામાં ભાષાના મુદ્દે ગુજરાતીને કોઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં. હા ! ત્યાંનું અંગ્રેજી જરા વિચિત્ર છે ખરું !
આવું ઓસ્ટ્રેલીયા ભારતમાં આવનાર વરસોમાં ઉભયપક્ષે રસ પડે તેવા વધુને વધુ ક્ષેત્રોમાં સહકાર કરવા તેમજ રોકાણ કરવા માટે ઉત્સુક છે. ઓસ્ટ્રેલીયાના કોન્સુલ જનરલ શ્રીમાન ટોની હયુબર અને તેમની ટીમ સાથે ભારતની અર્થવ્યવસ્થા તેમજ ભવિષ્યમાં ઊભી થનાર તકો અને પડકારો વિષે રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય સંદર્ભમાં ચર્ચાઓ થઈ. શ્રીમાન હયુબર કેરિયર ડિપ્લોમેટ એટલે કે કારકિર્દી તરીકે વિદેશ સેવાના અધિકારી છે. લગભગ દોઢ દાયકા કરતાં વધુ ભારત સાથે એક યા બીજી રીતે જોડાયેલા રહ્યાં છે. અત્યંત સૌજન્યશીલ પણ આ દેશની આર્થિક તેમજ રાજકીય આબોહવાની ઊંડી સૂઝ ધરાવતા શ્રીમાન હયુબર તેમજ તેમના યુવાન સાથીઓ સાથે ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. આ બધી ચર્ચાઓમાં દુનિયા આપણા વિષે શું વિચારે છે તે અને આજનું વિશ્વ કઈ દિશામાં જઇ રહ્યું છે તે જાણવા સમજવાની ખૂબ સરસ તક મળે છે. અત્યંત ઉષ્માપૂર્ણ વાતાવરણમાં લગભગ દોઢેક કલાક ચાલેલી આ ચર્ચા આજના દિવસની ખૂબ જ સુંદર શરૂઆત કરાવી ગઈ. સાથોસાથ કાંઈક શિખવા-જાણવાનું પણ મળ્યું. સરવાળે મુલાકાત અને ચર્ચા ખૂબ જ રસપ્રદ અને ફળદાયી રહી.
અને છેલ્લે...
રાજપુરની કુલ મળીને ત્રણ ઓરડા ધરાવતી શાળામાં છઠ્ઠા ધોરણ સુધી અને ત્યારબાદ સિદ્ધપુરમાં એસએસસી સુધી ભણીને સાવ ગુજરાતી માધ્યમમાં અને પ્રમાણમાં એક સામાન્ય કુટુંબમાંથી આવનાર વ્યક્તિ પણ ઈશ્વરની કૃપા હોય તો વિદેશના રાજદૂતોને પોતાની ઓફિસમાં મળી શકે અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ચર્ચાઓ પણ કરી શકે એને આવડત કરતાં નસીબ અને કઠોર પરિશ્રમનો પરિપાક વધુ ગણું છું. આ એટલા માટે લખું છું કે મારા જેવી શૈક્ષણિક અને સામાજિક પાર્શ્વભૂમિકામાંથી ઘણા લોકો તૈયાર થઈને પોતાની કારકિર્દી માટે પ્રવૃત્ત થાય છે/થવાના છે. જરાય ચિંતા વગર પ્રમાણિકતાપૂર્વક તમારા ધ્યેયને વળગી રહો. પોતે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા નથી કે સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે તેને કારણે લઘુતાગ્રંથિ રાખવાની કોઈ જ જરૂર નથી. હા, એક વાત ચોક્કસ માનજો, તમે જે કાંઇ છો અથવા બનશો તેમાં જેણે આપણને અહીં મોકલ્યા છે એ ઈશ્વરની અસિમ કૃપા હશે તો રસ્તો આપોઆપ જડી જશે.
મજા આવી શ્રીમાન હયુબર તમારા જેવા વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત જીવનની આ જંગમ વિદ્યાપીઠમાં કંઈકને કંઈક નવું જ્ઞાન અથવા દ્રષ્ટિ ઉપલબ્ધ કરાવી જાય છે. ભારત ઓસ્ટ્રેલીયા મૈત્રી ફુલે, ફાલે અને ફળે એ ભાવના સાથે આવજો ત્યારે !