મિશન શુભકામના
પાલનપુરની એ સાંજ
દસમા અને બારમાના પરિક્ષાર્થીઓને નામ
બાળક જેવો દસમા કે બારમામાં આવે એટલે ઘરમાં એક અઘોષિત ઇમરજન્સી જાહેર થઈ જાય,
ટીવી માળીયે ચડી જાય, કેબલ ટીવી હોય તો કનેક્શન કપાઈ જાય,
ટોળટપ્પાં મારવાનું બંધ, મિત્રો સાથે રખડવાનું બંધ,
માત્ર ને માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ,
‘ભણવા બેસ. વાંચ. જો તારી સાથેના છોકરાઓ ઊંધા પડ્યા વાંચે છે.
આ મહત્ત્વનું વરસ છે, આમાં જો ટકાવારી નહીં આવે તો આખી જિંદગી પસ્તાવું પડશે, માટે વાંચ.’
કોઈના લગન પ્રસંગમાં પણ જવાની વાત નહીં
કોઈ ઘરે મળવા આવે તો પણ ભારેખમ વાતાવરણ જોઈને વહેલી તકે વિદાય થઈ જાય
એક આખું વરસ ગૂંગળાઈ જવાય એવા વાતાવરણમાં માથે પરીક્ષાનો બોજ લઈને બાળક જીવે
છેવટે પરીક્ષા આવે પણ તે પહેલાં જેતે શાળા બાળકોનો વિદાય સમારંભ યોજે.
ભારેભરખમ ભાષણો થાય
બાળક પરીક્ષા આપવા જવાનું છે કે યુદ્ધના મોરચે એ જ ખબર ન પડે.
પછી પેલો ખતરનાક દિવસ આવી પહોંચે
ઘરેથી બરાબર શુકન જોઈને દહીં ખવડાવીને બાળકને વિદાય અપાય
કોઇ જવાબદાર માણસ એને મુકવા જાય
બાળક નહીં જાણે કે બકરો બલી ચઢાવવા લઇ જવાતો હોય તેવું વાતાવરણ જામે
નિશાળના દરવાજે ક્યાંક લાયન્સવાળા તો ક્યાંક કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓવાળા
બાળકને કુમકુમ તિલક કરી મોંમાં ગોળની કાંકરી મૂકે અને હાથમાં ગુલાબનું ફૂલ પકડાવે
ક્યાંક આજનો બાળક એ આવતીકાલનો મતદાર છે
એ વાતને બરાબર સમજી ગયેલા રાજકીય પક્ષની યુવા પાંખ કે પછી...
મહિલા પાંખના સભ્યો તેમના રાજકીય ગણવેશમાં સજ્જ થઈને બાળકને...
પોતાનું સગુ બાળક જાણે કે પરીક્ષા આપવા જઇ રહ્યું હોય એવા ભાવથી વિદાય આપે
થોડાંક જ વરસોમાં આ બે પગવાળો બાળક બે પગવાળો વોટ બની જવાનો છે
એવી ગણતરી પણ કેટલાંક દૂરંદેશીવાળાં ભેજાંઓ માંડી દે
આજે દસમું કે બારમું પણ આવતીકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે એનએસયુઆઈ
આજે દસમું કે બારમું પણ આવતીકાલે યુવા ભાજપ કે યુવા કોંગ્રેસ
એમનું સંખ્યાબળ વધારવા માટે સભ્ય નોંધણીના ઝાડને
આ નવી કૂંપળો ફૂટશે
એટલે હવે તો રાજકીય પક્ષો પણ શાળા પ્રવેશોત્સવથી માંડી પરીક્ષા પ્રવેશોત્સવ સુધી બધું ઉજવે છે.
માર્કેટિંગનો જમાનો આવ્યો છે એનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઇ શકે?
શાળાનો એ દરવાજો અને ત્યારપછી પ્રતિબંધિત વિસ્તાર
પરીક્ષાર્થી આ બધી શુભેચ્છાઓ અને મનની મૂંઝવણો, આશા અને નિરાશાઓનો બોજ લઈ
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશે છે
થોડાક મહિનાઓ બાદ પરીક્ષાનું પરિણામ પણ આવે છે
હસતી-રોતીનું નાટક ત્યારે ભજવાય છે
કોઈ હસે છે, કોઈ રડે છે
કોઈને આશાઓ ફળીભૂત થાય છે એ ડોક્ટર કે એન્જિનિયર બનવા તરફ ડગ માંડે છે
તો કોઈ વળી એનાથી નીચે જેમાં એડમિશન મળે તેમાં પ્રવેશ લેવા પ્રવૃત્ત બને છે
લગભગ ત્રીજા ભાગ કરતા સહેજ વધારે પરીક્ષાદેવીને રીઝવવામાં નાકામ રહે છે.
પરીક્ષાના દિવસે અમદાવાદમાં કાંકરિયાની આજુબાજુ અને નર્મદાની નહેર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે,
કોઈ આપઘાત ન કરે તે માટે
આમ છતાં પણ ૨૦૧૮ના ભારત સરકારના ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા કહે છે કે
વરસમાં ૧૨૯૩૬ યુવાનો/યુવતીઓએ આપઘાત કર્યા.
અરેરેરે! આ સંખ્યાનો અર્થ દર ૪૦ મીનીટે એક યુવાન આપઘાત કરે છે તેવો થાય.
આમાં ઘણો મોટો સુધારો લાવી શકાય
બાળક અને મા-બાપ બન્ને સમજે તો.
જો મા-બાપ બાળકના મનમાં એવું પ્રસ્થાપિત કરી શકે કે પરમાત્માનું આ સર્જન પોતાને માટે અમૂલ્ય છે, ખૂબ વ્હાલ કરે છે એનાં મા-બાપ એને
અને પરિણામ ગમે તે આવે, તું જ અમારો હીરો કે હીરોઇન છે
એક નિખાલસ સંવાદ ઉભયપક્ષે કે...
એક પરીક્ષા તારું ભવિષ્ય નથી લખતી...
ઘોડે ચડે તે પડે પણ ખરો...
Prepare for the Best but have a courage to face the Worst
ઘણાં બધાં બાળકોની માનસિક યાતના અને તણાવ ઘટી જાય
માનસિક તણાવના એટલે કે ટેન્શન/સ્ટ્રેસના ૫૦ ટકા કરતાં વધુ કેસ ૧૪ વરસથી નીચેની ઉંમરમાં અને ૭૫ ટકા કરતાં વધુ કેસ ચોવીસ વરસની નીચેની ઉંમરમાં છે.
તમારા પાડોશીનો બાળક ખૂબ ઊંચી ટકાવારીથી પાસ થયો
એને સાચા દિલના ઉમળકાથી વધાવો, અભિનંદન આપો
પણ એની સાથે સરખામણી કરીને તમે તમારા બાળકને તોડી ના નાખો
યાદ રાખો, જેનો અવાજ આજે કરોડો રૂપિયા કમાવી આપે છે તે
અમિતાભ બચ્ચનને ઓલ ઇન્ડિયા રેડિયોએ અવાજની પરીક્ષામાં નાપાસ કર્યો હતો
જીતેન્દ્રના વાનરવેડા જોઈને એને એક્શન નથી કરતાં આવડતું એવો મત ઉભો થયો હતો
થોમસ આલ્વા એડિસન વીજળી બલ્બ બનાવવા માટેના એના પ્રયોગોમાં ૨૦૦૦ વાર નિષ્ફળ ગયો હતો
એણે ત્યારે એના સાથીને કહ્યું હતું કે આપણે બલ્બ કઈ રીતે ન બને તેનાં બે હજાર કારણો શોધી કાઢ્યાં છે!
ભલભલા ધુંઆધાર બોલરો સામે નોટઆઉટ રહેનાર સચિન તેંડુલકરનું ઘોડું દસમા ધોરણમાં અટકી પડ્યું તે અટકી જ પડ્યું.
આ માત્ર કેટલાક દાખલા છે, આ રીતે પોતાના કોર્સમાં નાપાસ થનાર અથવા બહાર ફેંકાઈ જનાર
વિરલાઓની યાદીમાં સ્ટીવ જોબ્સ, નેલ્સન મંડેલા, માઇકલ જેકસન પણ આવે.
બાળકને તમારે પરીક્ષા માટે તૈયાર કરવાનો છે
દરેક પરીક્ષા એ જ્ઞાન કરતાં Nerves એટલે કે જ્ઞાનતંતુઓની કસોટી વધારે છે
બાળકની સાથે સતત જોડાયેલા રહીને એને હૂંફ આપજો
આખું વરસ તમારી નજર સામે એણે લોહીનું પાણી કર્યું છે
તમે એને કહેજો કે તેં જે પ્રયત્ન કર્યો છે એના અમે સાક્ષી છીએ
હિંમત રાખીને સ્વસ્થ ચિત્તે પરીક્ષામાં તારું પેપર લખજે
તું સફળ થઈશ જ
યાદ રાખજે આ પરીક્ષા જીવનમાં આવનારી અનેક પરીક્ષાઓમાંની એક છે
અમે છીએને તારી સાથે.
પરીક્ષાખંડમાં દાખલ થાય વિદ્યાર્થી ત્યારે એના કાનમાં આ શબ્દો સિવાય બીજુ કાંઈ જ સંભળાવું ન જોઈએ-
બેટા તેં ખૂબ મહેનત કરી છે
તેનું સારું પરિણામ આવશે જ
પરિણામ ગમે તે આવે તું અમારું અણમોલ રતન છે અને રહેશે
We are with you અમે તારી સાથે છીએ
પરિણામ ગમે તે આવે તો પણ
બેસ્ટ ઓફ લક માય સન
મે ગોડ બ્લેસ યુ માય ડાર્લિંગ ડોટર
આ વિષયને લઈને ૨૭મી તારીખે પાલનપુરની સર્વોત્તમ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિરના ખીચોખીચ ભરાયેલા હોલમાં, ગેંગવેમાં પણ શ્રોતાઓ બેઠાં હોય તેવી દિલને બાગ-બાગ કરી જતી શ્રોતાઓની ભરચક હાજરી અને સ્ટેજ ઉપર આ સંકુલના નિયામક, મૃદુભાષી અને પ્રેમાળ હસમુખભાઈ મોદીના સહવાસમાં દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે ખાસ્સાં બે કલાક ગાળ્યા. પરીક્ષાર્થીઓની સંખ્યા પણ અડધોઅડધ હતી. પ્રશ્નોત્તરી બાદ આ કાર્યક્રમ પૂરો થયો ત્યારે મનમાં આનંદ અને આ પ્રસંગની ચિરંજીવ છાપ લઈને સંસ્થાના પ્રાંગણમાંથી વિદાય થયો.
મનમાં આનંદ હતો, ક્યાંક કોઈકને તો આ પારસમણીનો સ્પર્શ થશે. પરીક્ષાર્થી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મારા હિમાલય જેવડા બેસ્ટ ઓફ લક.
You are our tomorrow
કોઈ પણ દેશની આવતીકાલ જોવી હોય તો એના યુવાનો આજે કઈ દિશામાં છે તે જોવું જોઇએ
વિદ્યામંદિર સાચા અર્થમાં મા સરસ્વતીની આરાધનાનું મંદિર છે.
થાય છે દેશમાં આવા થોડાં વધારે વિદ્યામંદિર હોય તો?
સલામ હસમુખભાઈ તમારી સંસ્થાને અને તમારા નેતૃત્વને
સલામ તમારામાં વિશ્વાસ મૂકનાર ટ્રસ્ટી મંડળને
સલામ તમારી સાથે વ્યક્તિત્વ ઘડતરમાં જોડાતા શિક્ષકમિત્રો, શિક્ષિકાબહેનો અને અન્ય કર્મચારીઓને.
You’re doing a great job, keep it up.