મોક્ષ પીપળો અને ગોગા મહારાજનું સ્થાનક
શનિવાર તા. છઠ્ઠી એપ્રિલની ઢળતી સાંજે સિદ્ધપુરની લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલય પાસેના શહીદ ચોકમાં ખૂબ મોટી ચહલપહલ જોવા મળતી હતી. સરસ મજાની શણગારેલી બગીઓ અને આગળ ધમધમાટ વાગતું ડીજે પ્રસ્થાન માટે તૈયાર ઊભાં હતાં. રબારી ભાઈઓ માટે આસ્થાનું કેન્દ્ર એટલે વિસનગરથી સિદ્ધપુર જતાં રસ્તામાં તરભ ગામે આવતું વાળીનાથનું મંદિર. અત્યંત જૈફ વયના બળદેવગિરીજી આ જગ્યાના મહંત. યમનિયમ પાળીને આખું જીવન જેમણે પસાર કર્યું, કોઈ પ્રત્યે રાગ નહીં કે દુ:ખ નહીં, ક્યારેય કોઈ ઉઘરાણું કે નાણાં માટેની માંગણી નહીં અને રાજકારણની તો કોઈ વાત જ નહીં, એવા અત્યંત સૌમ્ય સ્વભાવના તેજસ્વી ઋષિતુલ્ય આત્મા એટલે વાળીનાથ મહંત પૂ. બળદેવગિરીજી મહારાજ. મારા પર તો એમની અસિમ કૃપા અને પ્રેમ રહ્યા છે. એવા અત્યંત ઋજુહ્રદયી આ સંતપુરુષ હવે ઝાઝું બહાર નિકળતા નથી પણ આ જગ્યાના લઘુમહંત પૂ જયરામગિરી મહારાજ, કોઠારીજી અને ચવેલીના મહંતશ્રી અને શ્રી રામ અખાડાના પૂ. મહંતશ્રી સુંદરદાસજી વિગેરેની પાવન હાજરીમાં એ સાંજ વધુ રઢિયામણી લાગતી હતી. રબારી સમાજ ઉપર છેલ્લાં કેટલાક વરસોમાં લક્ષ્મીજીની કૃપા ચારેય હાથે વરસી છે. ઘણા બધા અબજપતિ છે, કેટલાક કરોડપતિ છે, લખપતિ ગણવા જાવ તો પત્તો ન ખાય એવો આ રાહબરી એટલે રબારી સમાજ આ નગરયાત્રામાં જોડાવા માટે આનંદભેર ઉમટી પડ્યો હતો. પૈસા તો ઘણા પાસે આવે છે પણ એ લક્ષ્મીને પચાવવી કાચો પારો પચાવવા જેવું કામ છે. વડીલોની પુણ્યાઇ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ જેમને ફળ્યા છે અને જેમના ઘરે સાક્ષાત ભગવતી સ્વરૂપ બેન અંબાબેન જેવાં સહધર્મચારિણીનો સાથ છે એવા અત્યંત વિનમ્ર, ડાબા હાથે દાન કરે તો જમણાને ખબર ન પડે અને આમ છતાંય રબારી સમાજે જેમને ખૂબ ઉમળકાભેર ભામાશાનું બિરુદ આપ્યું છે એવા ઊંઝા તાલુકાના મક્તુપુર ગામના વતની અને હાલ જેમના ઘરે ચોવીસે કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે તેવા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઇ આ પ્રસંગના ભોજનદાતા અને શોભા બન્યા હતા. તેમના સમેત અનેક રબારી આગેવાનો, રબારી બહેનો, યુવક અને યુવતીઓથી શોભતી આ શોભાયાત્રાએ એલ. એસ. હાઈસ્કૂલથી પારસ પીંપળી એટલે કે મોક્ષ પીપળો કહેવાય છે ત્યાં આવેલા ગોગા મહારાજના મૂળ સ્થાનક તરફ જવા માટે પ્રયાણ કર્યું ત્યારે કાળઝાળ ગરમી વરસાવતો સુરજ અસ્તાચળે પહોંચી ગયો હતો અને ધીરે ધીરે ઠંડા પવનની લહેરખીઓ આવવા માંડી હતી. આ સમગ્ર પ્રસંગના આયોજન પાછળ જેમનું ભેજું અને મહેનત છે તેવા, હવે ટૂંક સમયમાં જ નિવૃત થનાર સિદ્ધપુરની એલ. એસ. વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી શંભુભાઈ બાબુભાઇ દેસાઇ અને તેમના સાથી દેથળીવાળા હરગોવનભાઈ તેમજ અન્ય સ્વયંસેવકો ઉત્સાહભેર બધું આયોજન સુપેરે ચાલે તે માટે જહેમત કરી રહ્યા હતા. સિદ્ધપુરમાં ચૂંટણી જીત્યાનો વરઘોડો કોઈ દા’ડો મેં કાઢ્યો નથી. હા, એકવાર નર્મદા યોજનાનો ચૂકાદો સુપ્રીમ કોર્ટમાંથી લઈ આવ્યો ત્યારે હાથી-ઘોડા સાથે ભવ્ય વરઘોડો કાઢ્યો હતો અને સ્વયંભૂ રીતે આખું સિદ્ધપુર નર્મદા સુપ્રીમમાંથી બહાર આવી અને એમના ધારાસભ્યને એનો જશ મળ્યો તે માટે રસ્તા પર ઉમટી પડ્યું હતું. એ દિવસના જેવુ અદ્ભુત સ્વાગત મેં સિદ્ધપુરમાં ક્યારેય નથી જોયું. પણ છેલ્લાં બે વરસથી શંભુભાઈ દેસાઇના પ્રેમને વશ થઈ આ વરઘોડામાં એક બગીમાં મારે પણ બેસવું પડે છે. સાથે જીઆઇડીસીના ચેરમેન ભાઇશ્રી બળવંતભાઈની સરસ મજાની કંપની હોય એ આ યાત્રાનો બીજો એક લ્હાવો છે.
જેમ ગંગોત્રી હિમાલયમાંથી નીકળે છે. એનું ઉદગમસ્થાન હિમાલય છે અને પછી એ મહાનદ બનીને આગળ વધે છે તેમ રબારી ભાઈઓના વાહનો ઉપર આપણે જે નાગબાપજીનું ચિત્ર અને ‘જય ગોગા’ લખેલું જોઈએ છીએ તે ‘ગોગો’ અને એનું મૂળ ઉદગમસ્થાન એટલે પારસ પીંપળી અથવા મોક્ષ પીપળો. ગોગબાપજીનાં મંદિરો દાસજથી માંડીને બીજી અનેક જગ્યાએ થયાં છે પણ જેમ ગંગામાં સ્નાન કરો અને ગંગોત્રીના દર્શન ન કરો તો અધૂરું કહેવાય તેમ પારસ પીંપળીનો ગોગો એટલે મૂળ સ્થાન છે. હું યાત્રાધામ વિભાગનો મંત્રી વર્ષ ૨૦૦૭-૧૨ વચ્ચે રહ્યો ત્યારે બાવાજીની વાડીની જે કાયાકલ્પ થઈ તેમાં સાંઇબાબા, ગાયત્રીપીઠ, સિદ્ધેશ્વર મહાદેવ અને ગોગાબાપજી તેમજ પૂ. ચંદ્રકાન્ત ગુરુની સમાધિ આવી જાય. ગોગાબાપજીનું આ મૂળ સ્થાનક ત્યાં સુધી બહુ પ્રચલિત ન હતું. હા, કેટલાંક શ્રદ્ધાળુઓ જરૂર આવતા પણ માર્કેટિંગના આ જમાનામાં એક નાનકડી દેરી હોય તેનું મહત્વ જરા ઓછું અંકાય છે. ગોગાબાપજીનું મંદિર થયું, લોકો આવતા થયા, રવિવાર અને પાંચમે ત્યાં જનમેદની હવે જામવા માંડી છે ત્યારે છેલ્લાં છ વરસથી શ્રી પારસ પીંપળી ગોગા મહારાજની રમેલ (જાતર)નું આયોજન શંભુભાઈ દેસાઇ, હરગોવનભાઈ દેસાઇ, રેવાભાઈ, બાબુભાઇ વિગેરેએ ચૈત્ર સુદ એકમના દિવસે દર વરસે કરવાનું નક્કી કર્યું એનું આ છઠ્ઠુ વરસ અને છઠ્ઠી એપ્રિલની એ સાંજ સિદ્ધપુરના મુખ્યમાર્ગ એલ.એસ. વિદ્યાલયથી અફીણ ગેટ થઈ પથ્થરપોળ, નિશાળચકલા, મંડીબજાર, જમચકલા થઈને છેક માધુ પાવડીયાં અને પછી ગોગા મહારાજના સ્થાનકે પૂજા અને આરતી. મજા આવી ગઈ. એક અવિસ્મરણીય સાંજ સંતોના અને ભાવિકોના સાંનિધ્યમાં ગુજારી. બગીમાં બેસી આ આખોય રુટ સિદ્ધપુરના ભાવિકો જે રીતે ગોગા મહારાજની પાલખીને વધાવતા હતા તે જોયું. સૌની આંખોમાં હરખ અને આનંદ જોયો તે ખુશીનો માહોલ જોઈને દિલ બાગબાગ થઈ ગયું.
પ્રશ્ન થતો હશે આ પારસ પીંપળીનો ગોગો છે શું?
આ સ્થાનક અને એની સાથે જોડાયેલ કથા નીચે મુજબ છે.
ભારતમાં ત્રણ પવિત્ર પીપળાના વૃક્ષ પ્રસિદ્ધ છે. જેમાંનો એક પિતૃશ્રાદ્ધ તીર્થક્ષેત્ર ગયાજી (બિહાર) ખાતે આવેલો છે, બીજો હરિદ્વાર ખાતે જ્યારે ત્રીજો પવિત્ર પીપળો માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે આવેલો છે જે મોક્ષપીપળા તરીકે ઓળખાય છે. સરસ્વતી નદીના કિનારે બાવાજીની વાડીમાં મોક્ષ પીપળો આવેલો છે જે પારસ પીપળા તરીકે પણ ઓળખાય છે.
કારતક, ચૈત્ર અને ભાદરવા જેવા પિતૃ મહિનામાં મોક્ષ પીપળે જળ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. દરેક મહિનાની અમાસના દિવસે અને ખાસ કરીને સોમવતી અમાસના દિવસે મહિલાઓ પીપળાની ૩૧, ૫૧, ૧૦૧ કે ૧૦૮ પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતાં કરતાં પીપળાને સૂતરની આંટી પહેરાવે છે અને મગફળીના દાણા, સાકરીયા કે ચોકલેટ જેવી વસ્તુ મૂકે છે.
કારતકી પૂનમે અહીં દીપદાન કરવાનું ખૂબ મહત્વ છે. મોક્ષપીપળાથી સ્વર્ગ એક વેંત જ છેટું હોવાનું મનાય છે. સિદ્ધપુરનું મુક્તિધામ બન્યું તે પહેલા સિદ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણોના શબના અગ્નિસંસ્કાર મોક્ષપીપળા પાસે કરવામાં આવતા હતા. આ જગ્યાને દેવતાઓનું સભાસ્થળ માનવામાં આવે છે.
મોક્ષ પીપળો વૃકમૂલિકા તીર્થ તરીકે ઓળખાય છે. સરસ્વતી મહાત્મયમાં માર્કન્ડેય મુનિ સુમતી રાજાને આ તીર્થનું મહાત્મય સમજાવતા વૃકી (માદા વરુ)ની કથા કહે છે. પૂર્વે અર્બુદાચલ નજીક પાંડુરક નામનો એક નિર્દયી અને અધર્મી પારધી રહેતો હતો. એકવાર તે મૃગોનો શિકાર કરવા વનમાં ગયો. ત્યાં અચાનક કોઈ પ્રાણીનો અવાજ સાંભળી પારધીને તીર છોડ્યું. તીર વૃકીને વાગ્યું. તીરથી ઘાયલ થયેલી વૃકી જીવ બચાવવા દોડી. ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલી વૃકી દોડતા દોડતા સરસ્વતી નદીના જળમાં પડી. નદીના પ્રવાહમાં તણાતી તણાતી તે પ્રાચિક્ષેત્રમાં આવી. અહીં નદી કિનારે આવેલા એક પીપળાના મૂળમાં તે ફસાઈ ગઈ. અહીં જ તેણે પોતાનો પ્રાણ છોડ્યો અને મોક્ષને પામી. આમ આ સ્થળ મોક્ષપીપળાના નામથી ઓળખાય છે.
ત્યારબાદ યુદ્ધમાં હારેલો અને ઘાયલ થયેલો કીર્તિવર્મા નામનો રાજા શોકથી પીડાતો અને પોતાના કલ્યાણની ચિંતા કરતો કરતો શ્રીસ્થળ ખાતે જ્યાં વૃકીને સદગતિ પ્રાપ્ત થઈ હતી તે મોક્ષપીપળા પાસે આવી પહોંચ્યો. ત્યાં જ આકાશવાણી થઈ, ‘હે રાજન ! આ મહાતીર્થ છે. અહીં પ્રાચિ સરસ્વતી વહે છે. પશુયોનીમાં જન્મેલી અને ભક્તિરહિત વૃકી પણ આ તીર્થના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ છે. મનવાંછિત ફળ આપનારા સાક્ષાત ભગવાન નારાયણ લક્ષ્મીજી તેમજ સર્વે દેવો સાથે અહીં વસે છે.’ આ સાંભળી રાજા કીર્તિવર્મા શ્રદ્ધાપૂર્વક સ્નાન, પૂજન, ધ્યાન, ઉપવાસ ઈત્યાદી કરતાં કરતાં અહીં લાંબો સમય સુધી રહ્યો. અને છેવટે મોક્ષ પામી વૈકુંઠમાં ગયો. આમ આ વૃકમૂલિકા તીર્થમાં જે પણ મૃત્યુ પામે છે તે ભગવાનના ધામમાં જાય છે. આ તીર્થમાં ગૌદાનનું મહાત્મ્ય છે. માર્કન્ડાદિ મહર્ષિઓએ વૈશાખ, મહા તેમજ કાર્તિક મહિનાની પુર્ણિમાનું ખાસ મહાત્મ્ય વર્ણવ્યું છે.
વૃક્યોપલક્ષિતે તીર્થે ભક્તિય: કુરુતે નર:
વિહાય સર્વપાપાનિ સ યાતિ પરમાં ગતિમ
અર્થાત આસ્તિક, શ્રદ્ધાળુ અને મત્સરરહિત જે માણસ વૃકીમૂળતીર્થમાં ભક્તિ કરે છે તે સર્વ પાપરહિત થઈ સ્વર્ગે જાય છે અને પરમ પદને પામે છે.
કાર્તિકી પુર્ણિમાએ અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થતો હોવાથી અહીં સ્નાન કરવાનું અનેરું મહાત્મ્ય છે.
આ મોક્ષ પીપળાની નીચે જ ગોગા મહારાજનું સ્થાનક છે. ગુજરાત સરકાર દ્વારા ગોગા મહારાજનું નવું મંદિર થોડા સમય પહેલા બનાવવામાં આવ્યું છે જેમાં ગોગા મહારાજની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં ગોગા મહારાજનું મૂળ ઉત્પત્તિ સ્થાન આ મોક્ષ પીપળો હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે પ્રાચીન મોક્ષપીપળાના સ્થાનકે હજારો વરસો પહેલાં ગોગા મહારાજે દર્શન આપેલા અને તેમની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ ગોગા મહારાજના બીજા અનેક મંદિરો બન્યા. દાસજના દાસજીયા ગોગામહારાજ, કાસવાના ગોગામહારાજ, સેંભરના ગોગામહારાજનું મૂળ ઉત્પત્તિસ્થાન આ મોક્ષપીપળો જ છે. ગોગા મહારાજને અહીં દૂધ અને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
મૂળરાજ સોલંકીએ જ્યારે હુદડ જોશી પાસે રુદ્રમહાલયનું મુહૂર્ત જોવડાવ્યું ત્યારે જોશી મહારાજે યોગ્ય મુહૂર્ત જોઈ જમીનમાં ખીલી મારવા કહ્યું હતું, જે ખીલી શેષનાગના માથા ઉપર વાગી હતી. જોશી મહારાજે કહ્યું હતું કે જ્યાં સુધી આ ખીલી શેષનાગના મસ્તક ઉપર વાગેલી છે ત્યાં સુધી રુદ્રમહાલયને કશુંય નહીં થાય. પણ રાજાને આ વાત પર વિશ્વાસ ન બેઠો. તેને લાગ્યું કે આ બે ઇંચની ખીલી કઈ રીતે શેષનાગના માથા પર લાગી શકે? શંકાનું સમાધાન કરવા તેણે મંત્રી દ્વારા ખીલી કઢાવી. ખીલી નીકળતા જ લોહીની ધારાઓ ઊડી. રાજાને વિશ્વાસ બેઠો, પણ ત્યાં સુધી ઘણું મોડુ થઈ ગયું. ફરીથી ખીલી મારવામાં આવી પણ ખીલી શેષનાગની પૂંછડી ઉપર લાગી. આજે રુદ્રમહાલયના અગિયાર માળ તૂટી ગયા છે અને માત્ર એક માળના અવશેષો જ રહ્યા છે. વાતનું તાત્પર્ય એ જ છે કે સિદ્ધપુરના પેટાળમાં શેષનાગનું અસ્તિત્વ છે. સિદ્ધપુરમાં ગોગા મહારાજ હાજરાહજૂર છે.
સિદ્ધપુરમાં ગોગા મહારાજના અલગ અલગ ઘણી જગ્યાએ રાફડાઓ આવેલા છે. મોક્ષપીપળા, વાલકેશ્વર અને અરવડેશ્વર ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરે અવારનવાર ગોગા મહારાજ દર્શન આપે છે. વાલકેશ્વર ખાતે આવેલા ગોગા બાપજીના મંદિરે તો ૧૨ ફૂટ લાંબી કાંચળી પણ મળી આવી છે. આ જગ્યાએ દર રવિવારે તથા પાંચમ અને અમાસના દિવસે ભક્તો તરફથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. સિદ્ધપુરમાં આ ઉપરાંત લક્ષ્મી માર્કેટ, એસ.ટી. ગંજબજારના નાકે, રાજપુર, સિદ્ધેશ્વરી સોદાયતી, ધોળાભટ્ટનો મહાડ પાસે દત્તા બાપા જેવા ગોગા મહારાજના અન્ય મંદિરો પણ આવેલા છે.
ગોગા મહારાજના મંદિરોમાં નાગપંચમીના દિવસે લોકો ખાસ દર્શન કરવા આવે છે અને ગોગા બાપજીને શ્રીફળ અને કુલેર ધરાવે છે. આ દિવસે શહેરમાં વસતા ઔદિચ્ય બ્રાહ્મણોના ઘરમાં વડીલો દ્વારા ગોગા મહારાજની મહાપૂજા કરવામાં આવે છે. તેઓ પાટલા પર, ભીંત પર કે તાંબાના બેડા ઉપર ચંદન અને કોલસો ઘસીને નવ નાગણ અને નાગદેવતા, સૂર્ય, ચંદ્ર, વીંછી, પારણું, કાનખજુરા વગેરેના ચિત્રો બનાવી તેમને બાજરી કે ચોખાના લોટમાંથી બનાવેલ કુલેર, શ્રીફળ, અથાણું ધરાવી પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે.
ગોગા મહારાજનું મંદિર ભારતમાં વસતા માલધારી, રબારી, દેસાઇ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાય છે. આ સ્થાનકે કાર્તિક મહિનાની પૂનમે લોકો દર્શન તેમજ દીપદાન કરવા આવતા હોય છે. દર રવિવારે શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા પણ આવે છે.
ચૈત્ર મહિનો રમેલનો મહિનો છે. છેલ્લાં ૬ વરસથી ગોગા યુવક મંડળ અને રબારી સમાજ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે ગોગા મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસે સવારે યજ્ઞ કરવામાં આવે છે. ગોગા મહારાજને પાલખીમાં બેસાડી સાંજે એલ.એસ. હાઈસ્કૂલથી શોભાયાત્રા શરૂ થાય છે જે અફીણ ગેટ, જડિયાવીર, પથ્થરપોળ, નિશાળચકલા, મંડીબજાર, ધર્મચકલા થઈ સરસ્વતી નદી કિનારે આવેલા આ ગોગા મહારાજના મંદિરે આવે છે. છેલ્લાં બે વરસથી ચાર બગી પણ શોભાયાત્રામાં જોડાય છે. સંગીતના તાલે ગોગા મહારાજના ગીતો દ્વારા ગરબા રમતા રમતા ભાવિકો આગળ વધે છે. યાત્રામાં ભક્તોની સાથે મહંતો અને ભુવાજીઓ પણ જોડાય છે. સાંજે ગોગા મહારાજના મંદિરે શોભાયાત્રા પહોંચે ત્યારે મહાઆરતી સાથે સમાપન થાય છે. ત્યારબાદ ભોજન પ્રસાદ અને રાત્રે રમેલ/ધૂણનો કાર્યક્રમ રાખવામા આવે છે. આખી રાત ચાલતા રમેલમાં ઉત્તર ગુજરાતમાંથી ઘણા ભુવાઓ આવે છે. તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે છે જેમાં તરભ ગાદીના મહંત, કાસવાના મહંત મુખ્ય હોય છે. વિષ્ણુભાઈ બિલિયા, લાલાભાઇ કુકરવાડા, હાર્દિકભાઈ કહોડા જેવા ખ્યાતનામ કલાકારો ઉપરાંત સમગ્ર રબારી સમાજ આ કાર્યક્રમમાં જોડાય છે. પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઇ દેસાઇ પરિવાર તરફથી લગભગ ચાર હજાર જેટલા લોકો માટે ભોજનનું આયોજન કરવામાં આવે છે. બીજા દિવસે સવારે તેલફૂલની ધાર્મિક વિધિ યોજાય છે. મંદિરના પૂજારી અવિનાશભાઇ દવેનો પરિવાર ચાર પેઢીથી આ મંદિરમાં સેવાપૂજા કરે છે.