સારસાની મુલાકાતે મને ચરોતરની જીવન પધ્ધતિ અને ગ્રામજીવન સાથે અલપ ઝલપ પરિચિત થવાની તક પૂરી પાડી. માણસાઇના દીવા પુસ્તકમાં થોડી મહીકાંઠાની અને ચરોતરની બંને ભાષાનું મિશ્રણ છે. આપણે સામાન્ય રીતે આપણે ગોળ કહીએ પણ મોટા ભાગે આ લોકો ‘ગોર’ કહે. ‘ગળ્યો’ નહીં પણ ‘ગર્યો’ અને ‘ઓળખો છો’ નહીં પણ ‘ઓરખો સો’ કહે. મારૂં મોસાળ અને મોસાળિયાં લગભગ કાઠિયાવાડી. એમની ભાષા ગોળ ગોળ કરી નાખે તેવી એકદમ મુલાયમ અને પ્રેમાળ. ચરોતરની ભાષામાં પ્રેમ વ્યક્ત કરે તો ય ક્યારેક કાંટા વાગતા હોય તેવું લાગે. અમારો નિત્યાનંદ પીકચર જોવા માટે આગ્રહ કરે ત્યારે એના શબ્દો હોય “હેડ ને છાની માની. બહુ મોટી ભણેસરી ના જોઈ હોય તો!”

ચરોતરની ભાષામાં એક શબ્દ મને થોડોક સમય સુધી ગૂંચવતો રહ્યો એ હતો-

“દઈ જાણે”

હું સમજ્યો કે આ દઈ જાણે એટલે “દૈવ જાણે” ખબર ન હોય કારણ ન સમજાતું હોય ત્યારે કહેવાય. “દઈ જાણે કેમની ગોઠવી છે ચોપડીઓ એણે” આ દઈ શબ્દ સમજતાં મને થોડો સમય લાગ્યો.

આમ તો ભાષા માટે કહેવાય-

“બાર ગાઉએ બોલી બદલે
તરુવર બદલે શાખા
પણ...
લખ્ખણ ન બદલે લાખા”    

બધું બદલાય પણ માણસનો સ્વભાવ નથી બદલાતો. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવો મતલબ નીકળે. અમારે મહેસાણાની ભાષામાં પણ એની આગવી વિશિષ્ટતા.

તમે બસ સ્ટેશને બસમાંથી ઉતરતા હો અને સામે બીજો પરિચિત વ્યક્તિ ચડતો હોય ત્યારે કંઈક આવો સંવાદ થાય-

પ્રશ્ન: બાર ગામ ઉપડ્યા?
જવાબ: ચમ તાણે ચોં જતા હઇશું!

કોઈક માણસ રેલવેના પ્લેટફોર્મ પર સામાન લઈને ગાડીની રાહ જોતો હોય અને આપણે એને પ્રશ્ન પૂછીએ કે 

પ્રશ્ન: મહેસાણા ઉપડ્યા?
જવાબ: ના ના ઓય પલાટફારમ ઉપર ફરવા આયા શીએ.

કાં તો સામો પ્રશ્ન કરે 
પ્રશ્ન: તમને હું લાગે સે?

આમ મહેસાણાની ભાષામાં પ્રશ્નનો જવાબ કાં તો માથામાં વાગે એવા પ્રશ્નથી જ આપે કાં તો કોઈ સમસ્યા કે કોયડામાં અપાય. સીધો હા કે ના માં જવાબ આપવાની અમારી ફાવટ જરા ઓછી.

કદાચ એટલે જ જિલ્લાનું નામ પહેલા “મૈં શાના” એટલે કે હું સૌથી ડાહ્યો ઉપરથી અપ્રભંશિત થઈને “મઈ શાના” અને ત્યારપછી મહેસાણા પડ્યું હશે! પ્રદેશ પણ ખરબચડો અને ભાષા પણ ખરબચડી. માણસ જાણે હંમેશા આક્રમક રહેવા માટે જ જીવતો હોય તેવું લાગે.

અમારી હોસ્ટેલમાં દક્ષિણ ગુજરાત એટલે કે ભરૂચથી આગળ સુરત, નવસારી, વલસાડ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ હતા. એમની ભાષામાં શાકને “હાક” કહે. છોકરાને “પોરીયો” કહે. અનાવલ બ્રાહ્મણ નાયક કે દેસાઇ અટક લખે પણ એમના ભાઈબંધો તો એમને “ભાટલો” કહીને જ બોલાવે. ભાષા ઉપરાંત એમનાં વ્યંજનોમાં પણ થોડી અલગ છાંટ વર્તાય. વઘારેલી ધાણીમાં શેકેલા પાપડ ભેળવ્યા હોય અને લસણનો વઘાર કર્યો હોય એ પહેલી વાર મારા સુરતી મિત્રની રૂમ પર નાસ્તો કરતાં ચાખ્યું.

સિધ્ધપુરથી બહાર નીકળીને જાણે જુદા જ વિશ્વમાં પ્રવેશ થયો હોય તેવું લાગતુ હતું. એક બાજુ ધાણીફૂટ અંગ્રેજી અને ક્યારેક સ્વાહિલીમાં વાત કરતા “બાનાઓ” (આફ્રિકાના યુગાંડા, કેનીયા વિગેરે દેશોમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ એકબીજાને બાના કહીને બોલાવતા). અનુભવે સમજ્યો સ્વાહિલી ભાષાના આ શબ્દનો અર્થ “બોસ” અથવા “માલિક” એવો થતો. એ લોકો ક્યારેક રંગમાં આવે ત્યારે સ્વાહિલી ભાષામાં કંઈક ગાતા પણ ખરા. મને એમાં કંઈ જ સમજણ નહોતી પડતી પણ મગજમાં સાચા ખોટા ઘૂસી ગયેલા એક ગીતાના શબ્દો કંઈક આવા હતા-

“હે મામ્બે તાલીયાર હો મામ્બે તાલીયાર”

બીજી બાજુ હિન્દી ભાષી ઉત્તર ભારતીયો કાંઇક યુ.પી. અને કાંઇક રાજસ્થાની કે બિહારી લઢણમાં હિંદી બોલતા. વડોદરામાં તો મહારાષ્ટ્રીયન વસ્તી હતી અને મરાઠી બોલાતું. મુંબઈથી આવેલા વિદ્યાર્થીઓ પણ સરસ મજાની મરાઠી બોલતા. મહારાષ્ટ્રીયન ભાષા મને હંમેશા આકર્ષક લાગી છે. એના શબ્દોની કંઈક અંશે સંસ્કૃત સાથેની જોડણી મને હંમેશા મરાઠી ભાષા માટે આકર્ષતી રહી છે. હું મરાઠી બોલી પણ શકું છું અને સમજી પણ શકું છું એ ભેટ મને વડોદરે આપી છે અને મૂંબઈમાં એના ઉપર પૉલિશ થઈ છે.

આ સિવાય સાચા અર્થમાં વિદેશી વિદ્યાર્થીઓ થાઈલેન્ડ, નેપાળ, શ્રીલંકા વિગેરે દેશોમાંથી આવતા હતા. અમારી યુનિવર્સિટીની ફૂટબોલ ટીમમાં આ થાઈલેન્ડ અને નેપાળના વિદ્યાર્થીઓને કારણે રોનક હતી.

આ ઉપરાંત દક્ષિણ ભારત અને બંગાળ તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ આવતા હતાં. સાચા અર્થમાં તે સમયે એમ.એસ.યુનિવર્સિટી એક મીની ભારત નહીં પણ કંઈક અંશે મીની વિશ્વનું સ્વરૂપ હતી. આ મીની વિશ્વમાં આપણે દાખલ થયા ત્યારે પરગ્રહવાસી જેવા હતા અને આ “એલીયન”ના ઘડતર અને નોર્મલાઇઝેશનની પ્રક્રિયા સૌથી વધુ ઝડપે ચાલી હોય તો એ સમય હતો મારૂ વડોદરામાં પહેલું વરસ.

ચારે બાજુથી કંઈકને કંઈક નવું રોજ બરોજ સામે ભટકાતું અને એમાંથી કંઈકને કંઈક નવું મારા વ્યક્તિત્વમાં ઉમેરાતું હતું. લગભગ ફેબ્રુઆરીના અંત સુધી પહોંચ્યા હતા.

એક દિવસ બધાને વિચાર આવ્યો કે માર્ચની પંદર સુધીમાં તો કોર્સ પતી જશે. એપ્રિલમાં પરીક્ષા થાય ત્યાં સુધી વાંચવા માટેની રજાઓ મળશે. પણ થોડું ઘણું પ્રેક્ટિકલનું જ્ઞાન પણ તાજું કરી લેવું જોઈએ. કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બોટની અને ઝૂલોજી આ ચાર વિષયમાં પ્રાયોગિક પરીક્ષા થવાની હતી. અમે પાંચ-છ વિદ્યાર્થીઓના જૂથે નક્કી કર્યું કે દરેક વિષય માટે એક સિનિયરને સાધવો અને એના માર્ગદર્શન નીચે તૈયારી કરવી.

પહેલો હાથ અજમાવ્યો વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની ઉપર. મોનોકોટિલીડન (એકદળ) અને ડાયકોટિલીડન (દ્વિદળ) વનસ્પતિથી માંડીને મૂળ, થડ, પાન, ફૂલ, ફળ વિગેરે ઉપરથી કેટલાંક વર્ગીકરણ જેવાં કે સિમ્પલ લીફ - સાદું પાન અને કંપોઝીટ લીફ એટલે કે સપ્તપર્ણી જેવું જોડાયેલું પાન. આ બધુ શીખવા માટે જેટલી જેટલી વનસ્પતિ અમે ભણ્યા હતા તે બધાનાં સેમ્પલ પકડી લાવ્યા અને એક રૂમમાં બે ટેબલ ભેગાં કરી એના ઉપર બધુ ગોઠવ્યું. પેલા સિનિયર જે બીજા કે ત્રીજા વરસમા B.Sc. કરતાં હોય તેમને બોલાવી જાણે કે ક્લાસ ચાલતો હોય તે રીતે તેમને સાંભળતા ત્યારબાદ વારાફરતી દરેક ઊભા થાય અને પેલા ભાઈ જે કોઈ ડાળું-પાંદડું હાથમાં આપે એનું વર્ગીકરણ બોલી જાય. કાગળમાં આકૃતિ પણ સાથોસાથ દોરવાની. અમે લગભગ બપોરે બે વાગે આ કાર્યપધ્ધતિ શરૂ કરેલી તે રાતના આઠ સાડા આઠ સુધી ચાલી. ખૂબ મજા આવી. આત્મવિશ્વાસમાં પણ વધારો થયો.

હવે પછીનો વારો હતો ઝૂલોજીનો એટલે કે પ્રાણીશાસ્ત્રનો. એમાં અમારે અમીબાથી માંડી અળશિયુ, વંદો જેવા ઘણા બધા જીવો ભણવામાં આવતા પણ સૌથી વધુ ધ્યાન આપવાનું હતું દેડકા પર. પરીક્ષામાં પણ દેડકાના વિવિધ અંગો મૂકાતા અને ડિસેક્શન એટલે કે દેડકો ચીરીને જુદાં જુદાં અંગોની સમજ મેળવવાની રહેતી. આ કામ થોડું મુશ્કેલ હતું કારણ કે દેડકો એમ કંઈ રસ્તામાં ન ફરતો હોય કે પકડીને લઈ આવીએ અને લાવીએ તો પણ એ થોડો ચૂપચાપ સામે બેસીને કહે કે લો હવે ડિસેક્શન કરો! એટલે આ કામ માટે અમે ઝૂલોજીના અમારા સિનિયરને પકડ્યા. દેડકાથી માંડી તે ડિસેક્શન સુધીનું બધુ તેમણે કરવું અને અમને સમજાવવું તેવું નક્કી થયું. દિવસે એમને સમય નહોતો એટલે રાત્રે આઠ વાગ્યા પછી જમ્યા બાદ આ કાર્યક્રમ રાખીશું એવું નક્કી થયું. 

નિર્ધારિત દિવસે બધી તૈયારી થઈ ગઈ. દેડકો પણ આવી ગયો. આ આખુય નિદર્શન મારી રૂમમાં ગોઠવાયું. સાંજે જમી પરવારી લગભગ આઠ વાગે અમે ભેગા થયા. પેલા સિનિયર પણ આવી ગયા. કોઇક ચોક્કસ પધ્ધતિથી દેડકાને બેભાન કરાતો  હોય છે તે રીતે એને બેભાન કરી ડીસેકશન ટ્રે માં ચત્તો સુવાડી ચારે પગ પિનઅપ કરી દીધા અને હજુ ડીસેકશન માટે કાતર હાથમાં લીધી હતી ત્યાં જ એક વિદ્યાર્થીની કોણી વાગી અને તેની સાથે ટેબલના એક છેડે ગોઠવેલ ટેબલ લેમ્પ નીચે પછડાયો. બલ્બ ફૂટવાનો ધડાકો થયો. કાચની કણીઓ ઊડી. સદ્દનસીબે રૂમમાં બીજી બાજુ લાઇટ ચાલુ હતી એટલે અંધારું તો ન થયું પણ મે ડહાપણ કરીને ટેબલ લેમ્પને સીધો કરવા પ્રયત્ન કર્યો અને એમ કરવા જતાં જે અનુભવ થયો તેની યાદ આજે પણ ધ્રુજાવી દે છે. તુટેલા બલ્બના ફિલામેન્ટને હાથ અડી ગયો. પ્લગ સ્વિચઓફ નહોતો કર્યો એટલે કરંટ ચાલુ હતો એનો જોરદાર ઝાટકો લાગ્યો. સદ્દનસીબે ટેબલની પ્લગ બાજુની સાઇડે પેલા સિનિયર ઊભા હતા એમણે સમય સૂચકતા વાપરીને પ્લગને બહાર ખેંચી કાઢ્યો. માંડ થોડી સેકંડ વીતી હશે પણ એ ઝણઝણાટી અને આંખ સામે દેખાઈ ગયેલ લાલ પીળાં મહાભયાનક અનુભવ હતો.

આ અનુભવની યાદ માત્ર...
આજે પણ ધ્રુજાવી દે છે.
જો પેલા સિનિયરે સમય સૂચકતા વાપરીને...
પ્લગ બહાર ખેંચી કાઢ્યો ન હોત તો?
ખેર, દેડકો તો હજુ ટ્રે માં એમ જ પડ્યો હતો
ડીસેક્શનની રાહ જોતો
પણ...
આપણે ઉપર પહોંચી ગયા હોત.
મોતને ખૂબ નજદીકથી જોવાનો
લગભગ એની સાથે હાથ મિલાવવાનો 
અને...
છટકી આવવાનો, હેમખેમ બહાર આવી જવાનો
મોત સાથેની મુલાકાતનો
મારી જીંદગીનો આ બીજો પ્રસંગ હતો.
ખેર!
રામ રાખે તેને કોણ ચાખે?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles