ઠપકો સમજાયો ત્યારે એ આપનારી હાજર નથી.

  

આ એ જમાનાની વાત છે  

જ્યારે મોબાઇલ ફોન તો ઠીક લેન્ડલાઈનવાળા ફોન પણ ગણ્યાગાંઠ્યા લોકોના ઘરે રહેતા.  

ઘરે ફોન હોય એ માણસ કાં તો મોટો અમલદાર હોય અથવા વ્યાપારી કે ધનવાન.  

હવે જે સદંતર બંધ થઈ ગયા છે તે ટેલિગ્રામ એટલે એ તાર અગત્યના સંદેશાવ્યવહાર માટે વપરાતો.

મોટેભાગે તાર આવે એટલે કાંઇક ગંભીર હોય.  

તાર વાંચતા આવડે એવા પણ બહુ ઓછા માણસો મળે.  

બાકીનો બધો વ્યવહાર પાંચ પૈસાનું પતકડું એટલે કે પોસ્ટકાર્ડથી ચાલે, પછી દસ પૈસાવાળું આંતરદેશી આવે અને પછી પંદર પૈસાવાળું કવર આવે.  

આમ તો ટપાલ રવિવારે ન વહેંચાય.  

પણ....  

વધારાના ૨૫ પૈસાની ટીકીટ ચોટાડો તો એને “એક્સપ્રેસ ડિલીવરી” કહેવાય.  

એ રવિવારે પણ વહેંચાય.  

ટપાલનો ખાસ ડબ્બો લાગે એ મેલ ટ્રેન કહેવાય.  

એમાં સ્ટેશન પર જઈને લાલ રંગવાળા એ ડબ્બામાં કાગળ પોસ્ટ કરી શકાય.  

પણ મોડો પોસ્ટ કરવાની લેટ ફીના વધારાના દસ પૈસાની ટિકિટ લાગે.  

આ બધી મારા બાળપણની વાતો છે.  

ત્યારે PayTM  કે બેન્ક ટ્રાન્સફર નહોતા.  

પૈસા મનીઓર્ડરથી મોકલાતા.  

ઈ-મેઇલ નામનો શબ્દ અસ્તિત્વમાં જ નહોતો આવ્યો.  

સ્માર્ટફોનની તો વાત જ ક્યાં કરવી.  

એ જમાનાની એક ઘટના હમણાં મારા મનમાં તાજી થઇ.  

રાતના નવેક વાગ્યાનો સમય હશે, અંધારું હતું, વીજળીના દીવા અમારા સુધી પહોંચ્યા નહોતા.  

હું દસમા ધોરણમાં હતો.  

એક મિત્રના ઘરે સિદ્ધપુરમાં અમે બધા ભેગા થયા હતા. વાતોના વડાં કરવામાં અને પંચાત કૂટવામાં સમય ક્યાં વહી ગયો ખબર ના રહી.   

આમનો સંધ્યા સમય થાય એટલે ઘરમાં પગ હોવો જોઈએ એવો માનો વગર લખ્યો કાયદો.  

કાયદા પાલનની બાબતમાં મા જલ્લાદ હતી.

એની લાગણીનું કાયદો અને વ્યવસ્થાની જાળવણીનો પ્રશ્ન આવે એટલે બાષ્પીભવન થઈ જાય.  

બચપણમાં ક્યારેક એવું પણ બન્યું કે.....  

મા ગુસ્સે થઈને ફટકારે.  

અને પછી?

હું રડું. પણ સામે એ પણ સાડલાના છેડાથી મારાથી મોઢું ફેરવીને ચૂપચાપ આંખો લૂછી નાખે. 

મા કદાચ માનતી હશે કે મારાથી આ બધું છુપાવી શકે.  

પણ હું એ એનો દીકરો હતો, મારાથી કશું જ છાનું ન રહે.  

આમ તો અડધો જંગલી જેવો હું.   

મા મારે એની કોઈ બહુ મોટી વેદના નહોતી થતી.

પણ મારા કારણે માને દુઃખ પહોચે અને રડવું પડે એ વેદના રાતના અંધારામાં ક્યારેક ઓશિકાનું ગલેફ ભીનો કરી દેતી.

પણ..

આ બધું ચાલ્યા કરતું

ના હું સુધરતો કે ના મા બદલાઈ.  

અમે બંને રંગ જાય તો પૈસા પાછા વાળી આઇટમ હતાં.  

વળી પાછા એ દિવસની વાત પર આવી જઈએ.  

૯ કે ૯.૩૦ નો સમય થઈ ગયો હતો.   

અગાઉ કહ્યું તેમ દસમા ધોરણમાં હતો.  

હવે હું મોટો થયો.  

મા અને બાપા બંને કોઈના દેખતાં હવે મને ભાઈ કહીને બોલાવતાં.  

ઘરમાં નાની-મોટી વાત હોય તો હું પણ હવે ચર્ચામાં ભાગ લઈ શકતો.  

આમ હવે હું મોટો થયો છું એ વાતનું ભૂત થોડું થોડું મનમાં ધૂણવા માંડ્યું હતું.  

આજે પહેલીવાર અગાઉથી મંજૂરી ન લીધી હોય, પેલો સંધ્યા વખત થાય એટલે ઘરમાં પગ હોવો જોઈએ, એ નિયમ તોડ્યો હતો.  

દિલમાં થોડો ફટકાર હતો.  

પણ હવે આપણે મોટા થયા એટલે ચાલે એવો કાંઈક આત્મવિશ્વાસ પણ હતો.  

અમારા બંગલામાં દાખલ થતાં પહેલાં એક મોટો દરવાજો આવે.  

પછી લગભગ અડધો કિલોમીટર ચાલીએ એટલે ચોક આવે. 

એનાં ૩ પગથિયાં ચઢી ચોકમાં લગભગ ૩૦ ફુટ આગળ વધીએ એટલે બીજાં ૩ પગથીયાં આવે.  

એ ચઢો એટલે ઓસરી આવે લગભગ ૮ થી ૧૦ ફૂટ.

અને....  

ઓસરી વટાવો એટલે બારણું આવે.  

મે ઓસરી વટાવી. 

બારણું ખખડાવવાની જરૂર ના પડી.

બારણું ખુલ્લુ હતું.

ફાનસના અજવાળે જોયું તો મા બારણાને અઢેલીને ઝાંપા (દરવાજા) તરફ નેણ માંડીને બેઠી હતી.  

મને લાગ્યું મામલો ગંભીર છે.  

બહુ વાચાળ થવામાં માલ નથી.  

ચૂપચાપ આપણે ઘરમાં દાખલ થઇ ગયા.

પણ એમ કંઈ માની નજરમાંથી થોડા છટકી શકાય.  

અને આમેય હવે મા મારતી ન હતી.

માએ પૂછ્યું, “બહુ મોડું કર્યું ભાઈ તે ચિંતામાં મારો તો જીવ તાળવે ચોંટી ગયો હતો. 

આપણે વગડામાં રહીએ છીએ.   

રાતના અંધારામાં કોઈ એરુ-ઝાંઝરું કશું નડી જાય તે ચિંતામાં મેં તારી રાહ જોઈ.”  

કોણ જાણે કેમ આજે એકાએક હિંમત આવી.  

મેં માને વળતો જવાબ આપ્યો, જે હું ભાગ્યે જ કરતો.

“હવે ક્યાં હું નાનો બાળક છું કે આવી ચિંતા કરે છે, મા આ વગડામાં રખડીને તો મોટો થયો છું.

જેની મા એક હાથે બંદૂક ચલાવી શકે છે તે તારો જ દીકરો છું.

તારી આ ચિંતા નકામી છે.” 

થોડો વખત શાંતિ છવાઈ ગઈ.  

માના તરફથી જવાબ મળ્યો, શબ્દો હતા   

“મારી ચિંતા અત્યારે નહીં સમજાય ભાઈ!   

તારે છોકરાં થશેને ત્યારે કોક’દી સમજાશે.

તું મને યાદ કરીશ એ સમયે.”  

આ શબ્દો એ વખતે એટલા નહોતા સમજાયા  

એ વખતે તો સસ્તામાં છૂટી ગયાનો આનંદ થયો હશે....

પણ આજે મારાં સંતાનો છે, એમને ત્યાંય સંતાનો છે.  

એક કરતાં વધુ વખત મોડાં આવે અને જાણ ન કરી હોય ત્યારે એમને પણ ઝાઝું કહી શકાતું નથી, કારણ કે એ બધાં હવે મોટાં થઈ ગયા છે.  

માએ એક વાક્યમાં જે બોધ કે ઠપકો આપ્યો હતો તે આજે સમજાય છે.  

પણ.....  

એ બોધ આપનાર અને ચિંતા કરનાર, દરવાજા સામે એકીટશે નજર માંડીને મારી રાહ જોતી મા, આજે હયાત નથી


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles