Mothers' Day

ઉનાળાની કાળઝાળ ગરમીથી ધરતીને શેકતો સુરજ સમુદ્રમાં ડૂબકી મારી ગયો હતો. ધીરે-ધીરે જ્યાં પિયત વિસ્તાર અથવા તો ઝાડપાન ઝાઝાં હતાં ત્યાં સંધ્યાકાળની વાયરી ઠંડી લાગવા માંડી હતી. થોડી જ વારમાં મંદિરોમાં ઝાલર અને શંખનાદના અવાજોએ વાતાવરણને ગજવી મુક્યું અને ભગવાનની આરતી પૂરી થઇ એટલે આરતી માટે આવેલાં બધાં ધીરે ધીરે પ્રસાદ લઈ મંદિર છોડીને નીકળી રહ્યાં હતાં. અંધારું હજુ પૂરેપૂરું ઉતર્યું નહોતું પણ એના ઓળા થકી રાત ધીરે ધીરે માણસ, પશુપક્ષી સૌને પોતાના આગોશમાં લઈ રહી હતી. પંખીઓ પોતાના માળામાં પહોંચી ચૂક્યાં હતાં. વાંદરાઓ હજુ પણ ક્યાંક હૂપાહૂપ કરતા હતા અને વાંદરાઓની આ હૂપાહૂપના અવાજને જેમ પ્રતિસાદ આપતા હોય તેમ દર વખતે ઝાડ પર અથવા તો ચારના હાલા પર બેઠેલા મોર ટેહૂંક.. ટેહૂંક.. ના અવાજથી વાતાવરણને ભરી દેતા. ચામાચીડિયાં, વાગોળ, ચીબરી અને ઘુવડ હવે રાત્રિને આવકારતાં હોય તેમ આકાશમાં ઉડી રહ્યાં હતાં. ધીરે-ધીરે જેમ રાતનું અંધારું જામશે તેમ શિયાળ અને શાહુડીના અવાજ એમની હાજરીની ચાડી ખાતા ફેલાતા જશે અને એની સામે જંગલી કુતરાના ભસવાનો અવાજ તીવ્ર બનતો જશે. આવી એક રાત હવે લગભગ પૃથ્વીને પોતાના આગોશમાં લઈ ચૂકી હતી. બરાબર આવા જ સમયે બાજુના શહેરમાંથી એની અલગારી ચાલે ચાલતો એક પંદરેક વરસનો છોકરો આમ તો ઝાઝું અંતર ન કહેવાય પણ પાંચેક કિલોમીટરનું અંતર કાપી પોતાના ઘરે પહોંચવા આગળ વધી રહ્યો હતો. એના મનમાં બીક હતી, રાત કે વાતાવરણની નહીં, પણ મા ગુસ્સે થશે એની. આ છોકરો એના માબાપનું એકમાત્ર સંતાન એટલે મા જરા વિશેષ કાળજી રાખે. એના માટે કેટલાક સ્પષ્ટ નિયમો નક્કી કર્યા હતા. એમાંનો એક એટલે સંધ્યાકાળ થાય અને દીવામાં દિવેટ પડે તે પહેલાં આ છોકરાનો પગ ઘરમાં હોવો જોઈએ. આમ તો બાજુના શહેરમાં જવાનું ભાગ્યે જ બનતું પણ એ દિવસે બેચાર દોસ્તારો ભેગા થઈને ગામગપાટાં મારવામાં સમય ક્યાં વીતી ગયો એનો ખ્યાલ ના રહ્યો. આમેય વેકેશનનો સમય હતો એટલે બધા રજાના મૂડમાં હતા. જેવો સંધ્યાકાળ પૂરો થયો, શહેરના રસ્તાઓ વીજળીની દિવાબત્તીથી ઝળહળી ઉઠ્યા. પેલા છોકરાને મનમાં ધ્રાસકો પડ્યો - આજે આપણી ખેર નથી - એમ વિચારતો એ આ મહેફિલમાંથી કઈ રીતે નીકળવું તેની ગોઠવણી કરવા માંડ્યો. પણ એટલી સરળતાથી દોસ્તારો છોડે તેમ નહોતા. આ હુંસાતુંસીમાં બીજો એક કલાક નીકળી ગયો અને એણે જ્યારે શહેરમાંથી વિદાય લીધી ત્યારે રાતનાં અંધારાં ઉતરી ચૂક્યાં હતાં.

 

શહેર વટાવી અને જેવો એણે ઘરનો માર્ગ પકડ્યો. ત્યાં જમણી બાજુ કોરીધાકોર સરસ્વતી નદી અને પશુવાદળની પોળમાંથી બહાર નીકળો એટલે ડાબી બાજુ ચૌધરીનો બાગ, પછી રણમુક્તેશ્વર મહાદેવનો અખાડો અને જોડાજોડ ઉભેલા ભગવાન ભોળાનાથ અને સિકોતર માતાનાં મંદિરો. ડાબી બાજુ લગભગ પોણા કિલોમીટરથી વધારે આંબલીનાં તોતિંગ વૃક્ષોની હાર અને જમણી બાજુ એક નાનકડું ખેતર જેના કૂવામાં પડીને થોડા સમય પહેલાં જ કોઈ બહેને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. નામ મને યાદ છે પણ નથી લખવું. લોકો કહેતા કે સમયકસમયે કોઈ પસાર થાય તો એક બાજુ આંબલી અને બીજી બાજુ આ વાવડીનો કૂવો - ઘણા બધાને ચળિતર ભેટી ગયું છે. જાતજાતની (મોટાભાગની કપોળકલ્પિત) વાર્તાઓ ચાલતી. એ સમયે ત્યાં વીજળી નહોતી એટલે ઉગું ઉગું થતા વદના ચંદ્રનું આછું અજવાળું, આ સિવાય બીજો કોઈ સહારો નહોતો. આ છોકરાએ બાપા સાથે અંધારી રાતમાં આકાશી તારાના આછાપાતળા તેજે અનેકવાર આ રસ્તો કાપ્યો હતો. આજે પહેલી વાર એ એકલો જઈ રહ્યો હતો. સામાન્ય રીતે આવા પ્રસંગે બહાર નીકળે તો ધારિયું અથવા એણે બહુ જતનથી તૈયાર કરેલ ડાંગ તેના ખભે રહેતાં. આજે આમાંનું પણ કાંઈ નહોતું. સહેજ આગળ વધો એટલે દેવસ્વામીની બાગનો દરવાજો દેખાય. બરાબર ત્યાં જ આંબલીમાંથી એક ઘુવડ પાંખો ફફડાવી ઉડયું, એની પાંખોનો અવાજ અને કેટલાક પંખીઓની હલચલ આ છોકરાના મનમાં ભયની એક લહેરખી પ્રસરાવી ગઇ. એણે મનમાં હનુમાન ચાલીસાનો જાપ ચાલુ કર્યો, આગળ વધવાનું ચાલું રાખ્યું. દેવસ્વામીનો બાગ પૂરો થયો. એક રસ્તો રાજપુર ગામમાં જવા ફંટાયો.

 

હવે સંપૂર્ણ નિર્જન મારગ શરૂ થતો હતો. ગોગા બાપાની દેરીથી આગળ વધો એટલે એક મેદાન હતું. એ મેદાનમાં એણે અનેક ક્રિકેટ મેચો રમી હતી. મેદાન સામે એક નજર નાખી, વળી થોડી હૂંફ મળી. હવે આગળ વધો એટલે ચેલદાસ ખુશાલદાસની તમાકુની ફેક્ટરી વટાવી આગળ જતાં એક રસ્તો જમણી બાજુ ફંટાય. એ રસ્તો પોલીસ જ્યાં ફાયરીંગની તાલીમ માટે આવતી તે ટેકરો અને ત્યાંથી થોડા આગળ જાવ એટલે લિખિયા માળીનું ખેતર. રાજપુરના તેના એક-બે મિત્રોના ખેતર પણ આવે અને થોડા ફંટાવ તો વ્રજલાલ નાનાલાલ શેઠનું ખેતર આવે. પેલો છોકરો આગળ વધ્યો. હવે એની ડાબી બાજુ શ્રી મુરલીધરજીનું ખેતર હતું જે એમના હાથીઓ વાવતા અને જમણી બાજુ પેલો ગોળીબારનો ટેકરો હતો. થોડો આગળ ગયો એટલે આ ખેતરનું છીંડું આવ્યું. કટલું વાસેલું હતું. સાચવીને ખોલી એ અંદર ઘુસ્યો. સામે જ કૂવો હતો અને ત્યાંથી પછી આગળ જઈને જમણા હાથે કેડી પકડી. કેટલાંક ઠાકોર કુટુંબો જે અહીં ખેતી કરતાં તેમનાં છાપરાં હતાં.

 

બસ હવે એ છોકરો રાજા થઈ ગયો. ઘર આવી ગયું. જે ખેતરમાં એનો બંગલો હતો તે ખેતરમાં જવા માટે બે તોતિંગ અરડુસા વટાવીને આગળ વધવાનું હતું. માત્ર બે જ મિનિટ અને એણે એના બંગલાના ચોકમાં પગ મુક્યો. મા ચાતકની માફક રાહ જોઈને બેઠી હતી. રાતના સાડા નવ વાગે એનો છોકરો ઘરે આવે એ એના નિયમોમાં નહોતું. એટલે સ્વાભાવિક રીતે ડાંટ પડી. છોકરો હવે મોટો થયો હતો. આ સાલ એ મેટ્રિકમાં જવાનો હતો એટલે મા હાથ નહોતી ઉપાડતી, નહિતર ધોવાઈ જાત. પણ એણે એનો ગુસ્સો વ્યક્ત કરતાં કરડાકીથી પૂછી લીધું, ‘આ સમય છે ઘરે આવવાનો? રાહ જોઈ જોઈને મારી આંખો સુકાઈ ગઈ. એવી કઈ શરાફીની પેઢીએ બેસવાનું હોય છે જે રાતે સાડા નવે ઘરે આવવું પડે? તારા ભાઈબંધો બધા શહેરમાં રહે છે, આપણે જંગલમાં રહીએ છીએ, જીવજંતુથી માંડી અનેક પ્રકારની તકલીફો થઇ શકે. તને ભાન કેમ નથી પડતું?’

 

પેલા છોકરાને થોડીક વાત આગળ વધારવાની જગ્યા મળી. છેલ્લા એકાદ વાક્યમાં તો માનો અવાજ પણ ધીમો પડયો હતો. છોકરાએ કહ્યું, ‘હવે ક્યાં હું નાનો છું? કાલે ઊઠીને બહાર ભણવા જઈશ તો તું ખબર રાખવા આવવાની છે? તારો છોકરો હવે મોટો થઈ રહ્યો છે. તને એની કાબેલિયતમાં વિશ્વાસ નથી કે શક્તિમાં?’

 

થોડીવાર મૌન છવાઈ ગયું. પેલા છોકરાને લાગ્યું કે તેણે બાજી જીતી લીધી છે. હવે મા નરમ પડશે. પણ ત્યાં માએ જે જવાબ આપ્યો અને જે પ્રકારના અવાજમાં એણે કહ્યું તે કંઈક આમ હતું, ‘હા બેટા! હવે તું મોટો થઇ ગયો, સાચી વાત છે, પણ હું મા છું અને તું ગમે તેટલો મોટો થઈશ તો પણ તારી ચિંતા રહેવાની જ.’

 

પેલા છોકરાને લાગ્યું કે માના ગળામાં ડૂમો ભરાયો છે. રાત્રિના એ અંધકારને ભેદતા કેરોસીનના દીવડાના પ્રકાશે એણે જોયું, માની આંખમાં આંસું હતાં. થોડીવાર સંપૂર્ણ મૌન છવાયેલું રહ્યું. ત્યારબાદ તેણે માનો સ્વસ્થ અવાજ સાંભળ્યો, જે એના ‘પોતે મોટો થઈ ગયો છે’ એ વાતનો છેદ ઉડાડતો હતો.

 

મા કહી રહી હતી, ‘હા, હવે તું મોટો થઇ ગયો છે. એક વાત મનમાં યાદ રાખજે. કાલે ઉઠીને તારો ઘરસંસાર માંડીશ. મારી ચિંતા તને ત્યારે સમજાશે જ્યારે તારાં પોતાનાં બાળકો માટે ક્યારેક તેને પણ ઉચાટ થશે.’

 

માએ આટલું કહી અને વાત પૂરી કરી. એના જર્જરિત સાડલાના ખૂણેથી એણે આંસુ લૂછ્યાં. પેલા છોકરાને લાગ્યું, એ માને વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડે. પણ કોઈક એને રોકતું હતું. એ રોકનાર હતું ‘પોતે મોટો થઈ ગયો છે’ એ ભ્રમ.

 

આ આખીય વાત ગઈકાલથી અનેક વખત મેં મનમાં મમળાવી છે.

 

હા, મેં મનમાં મમળાવી છે. કારણ કે તે છોકરો તે બીજું કોઈ નહીં પણ માના અખૂટ લાડકોડે જેનું પિંડ પોષાયું અને ક્યારેક ધાર્યા કરતાં ઓછા માર્કસ પણ આવ્યા હશે તો પણ માની ‘કંઈ વાંધો નહીં, બીજી વખત ધ્યાન રાખવાનું. ઘોડે ચડે તે પડે!’ એ વાતે મારી ભાંગતી હિંમતને એણે પોતાના વહાલ અને આત્મવિશ્વાસનું સિંચન ચિંતન કરી મને ઘડ્યો છે તે હું જયનારાયણ પોતે.

 

ગઈકાલે એક યા બીજી રીતે ઘણા બધાએ પોતાની માને યાદ કરી. એમાંના ઘણા બધાએ પોતાની કારકિર્દી કે ઘડતર માટે માની મમતાનો ભોગ આપ્યો છે. આજે મા નથી.

 

મારે સંતાનોને ત્યાં પણ સંતાનો છે. મોટો દીકરો ઓસ્ટ્રેલિયા હોય કે પછી નાનો દીકરો પોતાના કુટુંબ સાથે દુનિયા ખેડવા નીકળ્યો હોય, દીકરી માર્શલ આર્ટ્સ શીખવા માટે અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટના નિષ્ણાત તરીકે દુનિયા ગજાવતી એક સેલિબ્રિટી હોય, સંતાનોનાં સંતાનો પણ એટલાં જ ઓજસ્વી, સ્વિમિંગમાં ચેમ્પિયન હોય તો સાથે વાકછટા પણ ખૂબ સારી, પોતાની કોલેજની કારકિર્દીની શરૂઆતમાં મારા દીકરાની દીકરી ઈટાલી, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને બ્રિટનની ખ્યાતનામ સંસ્થાઓમાં તાલીમ લઈ રહી છે, તે શું કરતી હશે એની ક્યારેક ચિંતા, તો મારો પૌત્ર એના કરાટેના કેમ્પમાંથી પાછો આવે ત્યારે તાલીમ દરમિયાન જે ફટકા શરીર પર ઝીલ્યા હોય એનાં ઝામાં ક્યાંકને ક્યાંક ચિંતા કરાવે છે.

 

માના એ શબ્દો ‘ચિંતા કેમ થાય એ તને તારા છોકરા થશે ત્યારે સમજાશે’ વાગોળતાં આજે લાગે છે કે મા સાચી હતી.

 

આજે લાગે છે માની હાજરીમાં હું ક્યારેય મોટો ના થઈ શક્યો હોત.

 

એ મા જેણે મારા બાપા સાથે ખભેખભો મિલાવી સાવ સામાન્ય સ્થિતિમાંથી મને છેક આઇઆઇટી સુધી અને ત્યાર બાદની સરકારી નોકરીમાં આગળ વધવા માટે હૂંફ પૂરી પાડી.

 

મારી એક પ્રથા રહી છે,

 

હું ક્યાંય પણ ગયો હોઉ અને મોડું થાય તો ઘરે ફોન કરીને હું ક્યાં છું અને ક્યારે પહોંચીશ તે બાબત વાત કરી લેવાની.

 

આ સંસ્કારો માની આચાર સંહિતા એ આપ્યા છે.

 

આ નિયમ ક્યારેય તૂટ્યો નથી.

 

પહેલાં મા હતી,

 

પછી એ હવાલો સુહાસિનીએ સંભાળી લીધો.

 

ક્યારેક હજુ પણ એ ભ્રમણામાં કોઈક કાર્યક્રમમાંથી નીકળું એટલે ઘરે ફોન થઈ જાય છે.

 

આ પ્રભાવ માનો અને એના સંસ્કારોનો છે.

 

મા મા જ રહે છે.

 

મારી મા મારા અસ્તિત્વના અણુએ અણુમાં આજે પણ હાજર છે.

 

હા, હવે એ ખખડાવતી કે ફટકારતી નથી.

 

પણ મારો મધર્સ ડે રોજ ઉજવાય એવો મોકો એણે પોતાનું સત્વ મારામાં સીંચીને મને મધર્સ ડેની રિટર્ન ગિફ્ટ તરીકે આપ્યો છે.

 

એવી મા સંદર્ભે આપણા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ શૈલેષ લોઢાની માનો મહિમા વ્યક્ત કરતી, આપણા લાગણીના તાર ઝણઝણાવી દે એવી કવિતા આ વખતના મધર્સ ડે વખતે વાંચવા મળી જે અક્ષરસઃ અહીં ઉતારું છું.

 

कल जब उठकर काम पर जा रहा था !

तो अचानक लगा की,

कोई रोक लेगा मुझे,और कहेगा

खड़े खड़े दूध मत पी, हज़म नही होगा

दो घडी साँस ले ले !

अरे इतनी ठण्ड और कोट भूल गया !

इसे भी अपने पास ले ले।

मन में सोचा माँ रसोई से बोली होंगी

जिसके हांथों में सना आटा होगा

पलट के देखा तो क्या मालूम था

वहां सिर्फ सन्नाटा होगा.....!

अरे अब हवाएँ ही तो बातें करती है मुझसे

लगता है जब जाऊंगा किसी खास काम से

तो कोई कहेगा दही-शक्कर खा ले बेटा

अच्छा शगुन होता है !

गुड़ खा ले बेटा अच्छा शगुन होता है।

पर मन इसलिए रोता है माँ

सबकुछ है माँ सबकुछ

जिस आजादी के लिए मैं

तुझसे सारी उम्र लड़ता रहा

वो सारी आजादी आज मेरे पास है

पर फिर भी न जाने मन क्यों उदास है

कहता था न तुझसे !

वही करूँगा जो मेरे जी में आएगा

और आज मैं वही सब करता हूँ

जो मेरे जी में आता है !

बात ये नही है की मैं

जो जी में आये कर लूँ

मुझे कोई रोकने वाला नही है..

बात तो इतनी सी है की

अगर सुबह देर से उठूँ न

तो कोई मुझे टोंकने वाला नही है।

रात को देर से लौटूं ,

तो कौन नाराज होगा भला

कौन कहेगा बार बार

की अब कहाँ चला...?

दोस्तों के साथ घूमने पर

उलाहने कौन देगा..

कौन कहेगा की इस उम्र में

क्यों परेशान करता है मुझे.!

हाय राम ये लड़का क्यों नही सुधरता है।

पैसे कहाँ खर्च हो जाते है तेरे.. ?

क्यों नहीं बताता है।

सारा सारा दिन मुझे सताता है

रात को देर से आता है

खाना गर्म करने को जागती रहूँ मैं

खिलाने को तेरे पीछे भागती रहूँ

बहाती रहूँ आँसू तेरे लिए

कभी कुछ सोंचा है मेरे लिए...!

खैर मेरा तो क्या होना है, और क्या हुआ है

इस बुढ़िया का तो क्या होना है, और क्या हुआ है

तू खुश रह लेना, बस यही दुआ है।

और आज तमाम खुशियाँ ही खुशियाँ है

गम ये नही की कोई

खुँशीयाँ बाँटने वाला होता

पर कोई तो होता जो

मेरी गलतियों पर डांटने वाला होता ।

तू होती न ,

तो हाँथ फेरती कभी सर पर

या हलके से बॉम लगाती

आवाजें दे दे कर सुबह उठाती

दीवाली पर टीका लगा कर

रूपये देती और कहती

बड़ों के पाँव छुना

आशीर्वाद मिलेगा..!

कपडे मत फाड़ना

अगला कपडा

अगली दीवाली पर सीलेगा

बहन को सताता

तो तू चांटे मारती

मैं बीमार पड़ता

तो तू रो रो कर नजरे उतरती

परीक्षा से आते ही खाना खिलाती

पिता जी के डांट कर डर दिखती

पिता की डाँट से तू ही बचाती

इसे नौकरी मिल जाये

ये तरक्की करे

दुआओं में हाथ उठाती

और तरक़्क़ी के लिए

वतन छोड़ देगा

ये सुनकर दरवाजे के पीछे

चुपके चुपके आंसूं बहाती

सबकुछ है माँ सबकुछ

आज तरक्की की हर रेखा

तेरे बेटे को छु कर जाती है

पर माँ हमें तेरी बहुत याद आती है

पर माँ हमें तेरी बहुत याद आती है...!!


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles